આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ – હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે.
આગળ શું વાંચશો?
- એન્ડ્રોઇડ
- એડસેન્સ
- એનાલિટિક્સ
- એરા
- એડમોબ
- એલર્ટસ
- બ્લોગર
- બોસ્ટન ડાયનેમિક્સ
- બુક્સ
- કેલિકો
- કાર્ડબોર્ડ
- કેપિટલ
- કોન્ટેક્ટ લેન્સ
- ડીપમાઇન્ડ
- ડિઝાઇન
- ડબલક્લિક
- ડ્રાઇવ
- અર્થ
- એક્સપ્રેસ
વિચાર કરો, આપણને કોઈએ સરસ મજાની, સારા પગારની, સરકારી નોકરી આપી હોય તો પછી આપણે એ જ નોકરીમાં નવે સ્થળે બદલી લેવાનો પણ, સપનામાંય વિચાર કરીએ ખરા? જે છે એમાં જ જલસા ન કરીએ?
ગૂગલ એક એવી કંપની છે, જેનો લોકો એટલી હદે ઉપયોગ કરે છે કે તેનું નામ છેક ૨૦૦૬થી ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીમાં ક્રિયાપદ તરીકે ઉમેરાઈ ગયું છે. ગૂગલનું મૂલ્ય અત્યારે ૪૪૫ અબજ ડોલર (રૂપિયામાં ગણતરી માંડી વાળીએ) ગણાય છે, કંપનીની ગયા વર્ષની આવક ૬૬ અબજ ડોલર હતી, છતાં તેના અબજોપતિ સ્થાપકોને સંતોષ નથી! એમણે પોતે સર્જેલી ગૂગલ કરતાંય મોટું ડગલું માંડવા આલ્ફાબેટ નામની નવી કંપનીની સ્થાપના કરી.
જોકે આપણને તેની દેખીતી કોઈ અસર થવાની નથી. કોર્પોરેટ જગતની આંટીઘૂંટી મુજબ, અત્યારે ગૂગલમાંથી આલ્ફાબેટ નામની નવી કંપની સર્જાઈ છે, હવે આલ્ફાબેટ મુખ્ય કંપની બનશે અને અત્યારની ગૂગલ તેની એક પેટાકંપની બનશે અને હાલ સુધી ગૂગલમાંના કેટલાક પ્રોજેક્ટ હવે ગૂગલની બહાર નીકળીને ‘આલ્ફાબેટ’ના નેજાતળે આવશે.
મૂળ મુદ્દાનો સવાલ એ છે કે આખા જગત પર જબરી અસર કરનારી કંપની ઊભી કર્યા પછી, પેઢીની પેઢીઓ તરી જાય એટલું કમાઈ લીધા પછી આવી સખળડખળ કરવાનું કારણ શું?
ગૂગલના સ્થાપક અને હવે તેને છોડીને આલ્ફાબેટના સીઇઓ બનેલા લેરી પેજે, નવી કંપનીની જાહેરાત કરતાં પોતાના પત્રમાં લખ્યું છે કે “૧૧ વર્ષ પહેલાં, અમે ગૂગલ વિશે લખ્યું હતું કે ગૂગલ કોઈ પરંપરાગત, સામાન્ય કંપની નથી. અમે એવી એવી કંપની બનવા માગતા પણ નથી. એ સાથે અમે એમ પણ કહ્યું હતું કે અમે તો પહેલી નજરે બિલકુલ વિચિત્ર લાગે એવી બાબતોમાં પણ ઝંપલાવીશું, તમે તૈયારી રાખજો.’’
લેરી પેજ આગળ લખે છે કે “અમે એવા કેટલાય પ્રોજેક્ટ શરૂ કર્યા જે એ સમયે બિલકુલ ક્રેઝી લાગતા હતા, પણ આજે, ગૂગલ મેપ્સ, ટુટ્યૂબ, ક્રોમ કે એન્ડ્રોઇડ જેવા એ પ્રોજેક્ટનો અબજ-અબજ લોકો ઉપયોગ કરે છે. અમે ત્યાં અટકવા માગતા નથી. આજે પણ અમે એવું ઘણું કરવા માગીએ છીએ, જે લોકોને ક્રેઝી લાગશે, પણ અમે એને માટે સુપર એક્સાઇટેડ છીએ!’’
લેરી પેજના મતે, ગૂગલના રીસ્ટ્રક્ચરિંગના મૂળમાં આ વિચાર છે – સતત કંઈક નવું કરવાની સ્વતંત્રતા મેળવવાનો વિચાર. લેરી પેજ લખે છે કે લાંબા ગાળે કંપનીઓને રોજિંદી ઘરેડની ટેવ પડી જાય છે, પણ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિકારી વિચારો જ વિકાસની નવી શક્યતાઓ ખોલે છે, તમારે રીલેવન્ટ બની રહેવું હોય તો થોડા અન્કમ્ફર્ટેબલ તો રહેવું જ પડે.
એટલે જ ગૂગલના મૂળ સ્થાપક લેરી પેજ અને સર્ગેઇ બ્રેન ગૂગલની લગામ સુંદર પિચાઈના હાથમાં સોંપીને, એ દિશામાં નિશ્ચિંત બનીને ગૂગલની બહાર નીકળી ગયા છે.
ગૂગલના શેરની ગૂગલને નામે લે-વેચ થાય કે આલ્ફાબેટના નામથી, એનાથી આપણે કોઈ લેવાદેવા નથી (અને ગૂગલ સર્ચ આપણે ગૂગલ.કોમ પર જ કરવાનું છે, એમાં કોઈ ફેર પડવાનો નથી!), પણ ભવિષ્યમાં જે મોટો ફેર પડવાની સંભાવના છે, તે બધા પ્રોજેક્ટ આલ્ફાબેટમાં સમાવવામાં આવ્યા છે (જેને માટે ગૂગલના સ્થાપકો “સુપર એક્સાઇટેડ’’ છે).
ગૂગલ (કે હવે આલ્ફાબેટ)માં ફાઇબર, નેસ્ટ, કેલિકો, લાઇફસાયન્સીઝ, ગૂગલ એક્સ વગેરે જુદા જુદા પ્રોજેક્ટ પર કામ ચાલે છે. આ બધા પ્રોજેક્ટમાં અત્યંત તેજ ગતિએ ઇન્ટરનેટ કનેક્શન, ડ્રાઇવરલેસ કાર અને સ્માર્ટ હોમ સિસ્ટમ્સથી લઈને માનવનો જીવનકાળ લંબાવી દેવા સુધીનાં સપનાં જોવામાં આવી રહ્યાં છે અને આલ્ફાબેટની રચના સાથે ઘણા નિષ્ણાતો માને છે કે કપોળકલ્પના જેવા લાગતા આમાંના ઘણા પ્રોજેક્ટ હવે હકીકત બનવાની બહુ નજીક પહોંચી ગયા હોવા જોઈએ!
તમને ગૂગલ અને તેના કક્કામાં રસ હોય કે ન હોય, બિઝનેસ કે કારકિર્દીમાં બીજાથી કંઈક કરતા રહેવાની અદમ્ય ઇચ્છા હોય તો લેરી પેજનો એ આખો પત્ર અચૂક વાંચવા જેવો છે. ઇંગ્લિશ પત્ર તમે ગૂગલ આલ્ફાબેટના નવા સરનામા (abc.xyz) પર વાંચી શકશો.
અહીં આપણે ખરેખર આખા આલ્ફાબેટમાં પથરાયેલી ગૂગલની વિવિધ જાણીતી કે તદ્દન અજાણી કંપનીઓ કે પ્રોજેક્ટ્સનો ટૂંકો પરિચય મેળવી લઈએ.
એન્ડ્રોઇડ
આપણે એન્ડ્રોઇડને મોટા ભાગે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જ ઓળખીએ છીએ, પણ તે ઉપરાંત, સ્માર્ટવોચ સહિતનાં વેરેબલ ડિવાઇસીઝ, ટેબલેટ્સ, ટીવી અને હવે કારમાં પણ એન્ડ્રોઇડ ઓટો નામે ઓપરેટિંગ સિસ્ટમ આવી ગઈ છે. ભારતમાં જેની કાર્સ જોવા મળે છે એવી સંખ્યાબંધ કાર કંપનીનાં પરદેશમાં વેચાતાં મોડેલ્સમાં આ સિસ્ટમ આવી ગઈ છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે એક અબજથી વધુ સાધનોમાં ચાલી રહી છે. એન્ડ્રોઇડની શરૂઆત ઓક્ટોબર ૨૦૦૩માં થઈ હતી અને ગૂગલે તેને જુલાઈ ૨૦૦૫માં ખરીદી હતી. એન્ડ્રોઇડ ઓએસ ધરાવતા પહેલા મોબાઇલ હેન્ડસેટ લોન્ચ થયા નવેમ્બર ૨૦૦૭માં અને તેના પહેલા વર્ઝનનું નામ હતું એન્ડ્રોઇડ ડોનટ!
એડસેન્સ
ગૂગલનું જે મહાકાય સામ્રાજ્ય ઊભું થયું છે તે આ એડસેન્સને કારણે. વર્ષ ૨૦૦૩માં ગૂગલે એડસેન્સની શરૂઆત કરી (અહીં પણ ગૂગલે આ ટેક્નોલોજી વિક્સાવનારી કંપની ખરીદી લીધી હતી). ગૂગલ દુનિયા આખીના ઇન્ટરનેટ યૂઝર્સ વિશે જબરજસ્ત માહિતી ધરાવે છે અને આ માહિતીના જોરે, તે જે તે વ્યક્તિને જે ખરીદવામાં રસ પડી શકે એ જ પ્રકારની જાહેરાત બતાવે છે. એડસેન્સમાં સર્ચ એડ, ડિસ્પ્લે એડ, મોબાઇલ એડ, વીડિયો અને યુટ્યૂબ એડ વગેરે પ્રકારની જાહેરાત દર્શાવવામાં આવે છે. ગૂગલ જાહેરાત આપનારી કંપની પાસેથી નાણાં મેળવે છે અને પોતાના બ્લોગ પર ગૂગલની જાહેરાત બતાવવા દેનાર બ્લોગ કે વેબસાઇટધારકને તેમાંથી થોડો હિસ્સો આપે છે. અત્યારે ગૂગલ એડસેન્સ ૩૮ ભાષાઓમાં મુખ્ય કન્ટેન્ટ ધરાવતી સાઇટ્સ માટે ઉપલબ્ધ છે, જેમાં ગુજરાતી સામેલ નથી! એડસેન્સ ઉપરાંત, ગૂગલ બીજા પણ અનેક પ્રકારના એડવર્ટાઇઝિંગ પ્રોજેક્ટ્સ ચલાવે છે, જે ગૂગલની કુલ આવકમાં ૯૬ ટકા જેટલો ફાળો આપે છે.
એનાલિટિક્સ
જો તમે તમારો બ્લોગ કે વેબસાઇટ કે એપ ધરાવતા હોય તો તેના પર આવતા ટ્રાફિકનું જબરજસ્ત ઊંડું વિષ્લેષણ તમને મળી શકે ગૂગલ એનાલિટિક્સથી. ગૂગલે નવેમ્બર ૨૦૦૫માં લોન્ચ થયેલી આ સર્વિસની ટેક્નોલોજી અર્ચિન નામની કંપનીએ વિક્સાવી હતી, જેને ગૂગલે ખરીદી લીધી. સાઇટ પરના ટ્રાફિકનું પાવરફૂલ એનાલિસિસ કરો અને એ મુજબ સાઇટ પર એડસેન્સથી જાહેરાત બતાવો – ગૂગલની કમાણીનું આ સાદું રહસ્ય છે!
એરા
અત્યારે આપણે સ્માર્ટફોન ખરીદવા જઈએ તો મોટા ભાગે, આપણને જોઈતાં જુદાં જુદાં ફીચર્સ જુદી જુદી કંપનીનાં જુદાં જુદાં મોડેલમાં જોવા મળે અને આપણને વિચાર આવે કે આ બધું એક ફોનમાં મળતું હોય તો? પ્રોજેક્ટ એરામાં આવો એક પ્રકારનો મોડ્યુલર ફોન વિક્સાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જે હકીકત બનશે ત્યારે આપણે જુદાં જુદાં મોડ્યુલ પસંદ કરીને આપણને જોઈએ તેવાં ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન બનાવી શકીશું!
ગૂગલ કહે કે આ પ્રોજેક્ટ ખાસ ૬ અબજ લોકો માટે એક્સક્લુઝિવલી ડેવલપ કરવામાં આવી રહ્યો છે!
એડમોબ
ઇન્ટરનેટની દુનિયામાં પીસી હવે પાછળ રહી ગયાં છે અને મોબાઇલ ડિવાઇસીઝનો જમાનો છે, એ ધ્યાનમાં રાખીને ગૂગલે ખાસ મોબાઇલ એપ ડેવલપર્સ માટે, એડસેન્સ અને એનાલિટિક્સના મિશ્રણ જેવી સર્વિસ બનાવી છે એડમોબ, જેની મદદથી એપ ડેવલપરને તેની એપના યુઝર્સ વિશેની ઇનસાઇટ મળી શકે, તેઓ ઇન-એપ ખરીદી વધારી શકે અને વધુ કમાણી કરી શકે. ગૂગલનું ગણિત સાદું છે – તેની સર્વિસીઝથી અનેક લોકોની કમાણી વધે, તો સરવાળે ગૂગલની કમાણી પણ વધે જ.
એલર્ટસ
આ સાઇટ પર જઈને તમે જુદા જુદા વિષયો (તમારા પોતાના નામ કે કંપની કે બ્રાન્ડ સહિત) વિશે ઇન્ટરનેટ પર કંઈ પણ નવું કન્ટેન્ટ મૂકાય તો તરત તમને ઈ-મેઇલ દ્વારા તેની જાણ થાય અને એ નવા કેન્ટેન્ટની લિંક મળે એવી ગોઠવણ કરી શકો છો. નવા નવા વિષયો વિશે સતત માહિતગાર રહેવા માટે આ સિમ્પલ સર્વિસ ખૂબ કામની છે.
બ્લોગર
પોતાનો બ્લોગ ચલાવતા લોકોમાં સૌથી લોકપ્રિય સર્વિસ બે જ છે – એક વર્ડપ્રેસ અને બીજી બ્લોગર. આ ટેક્નોલોજી પણ પાયરા લેબ્સ નામની એક કંપનીએ વિક્સાવી હતી, જેને ગૂગલે ખરીદી લીધી. તમે ગૂગલ એકાઉન્ટ ધરાવતા હો તો જીમેઇલનો ઉપયોગ કરવા જેટલી જ સહેલાઈથી તમારો પોતાનો બ્લોગ શરૂ કરીને તેના પર પોસ્ટસ મૂકી શકો છો.
બોસ્ટન ડાયનેમિક્સ
આપણા માટે તદ્દન અજાણ્યા ગૂગલ પ્રોજેક્ટ્સમાંનો એક. તેની શરૂઆત જગવિખ્યાત ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ – મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – ના એક ભાગ તરીકે થઈ, હવે બોસ્ટન ડાયનેમિક્સ ગૂગલની પેટાકંપની છે. આ કંપની સેન્સર આધારિત કંટ્રોલ અને કમ્પ્યુટરના પ્રોગ્રામના આધારે કામ કરતા અવનવા, એડવાન્સ્ડ રોબો ડેવલપ કરે છે, જે સ્પાઇડરમેનની જેમ દીવાલ પર ચઢી શકે છે કે ઘોડાની જેમ જંગલો ખૂંદી શકે છે (જુઓ તસવીર, જે રોબોની આપણી કલ્પના કરતાં બિલકુલ અલગ છે). યુએસ આર્મીથી માંડીને સોની કોર્પોરેશન જેવી કંપની આધુનિક રોબો વિક્સાવવા આ કંપનીની મદદ લે છે.
બુક્સ
ગૂગલ સર્ચ જેવી જ એક સર્વિસ, તફાવત એટલો કે તેમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તે ગૂગલ જેના સુધી પહોંચી શકી હોય એવી ડિજિટાઇઝ્ડ બુક્સમાં સર્ચ થાય. આપણને જોઈતી માહિતી ધરાવતું પુસ્તક (કે હવે મેગેઝિન પણ) મળે એટલે તે ક્યાંથી ખરીદી શકાય કે કઈ લાઇબ્રેરીમાંથી ભાડે મેળવી શકાય તેની માહિતી પણ ગૂગલ આપે અને ઇબુક ઉપલબ્ધ હોય તો પ્લેસ્ટોરમાંથી તેને ખરીદી પણ શકાય.
કેલિકો
ગૂગલના સ્થાપકોનો મનપસંદ, પણ બીજા લોકોને ભેજાગેપ જેવો લાગતો એક બાયોટેકનોલોજી પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ હેઠળ ગૂગલે મેડિસિન, ડ્રગ ડેવલપમેન્ટ, મોલેક્યુલર બાયોલોજી અને જિનેટિક્સ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોને એક છત્ર હેઠળ ભેગા કર્યા છે, જેઓ માનવજીવનનો જે કારણોથી એક સમયે અંત આવે છે, તે કારણો પાછળનું જીવવિજ્ઞાન સમજીને મનુષ્યની આવરદા વધારવાની મથામણમાં લાગ્યા છે. આપણને અમદાવાદની કેલિકો મિલની યાદ અપાવતી કંપનીનું આખું નામ છે કેલિફોર્નિયા લાઇફ કંપની.
કાર્ડબોર્ડ
છેલ્લા થોડા સમયથી, આઇટી ક્ષેત્રે એક શબ્દ ખાસ ગાજી રહ્યો છે – વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર)! વીઆર માટે બે બાબત જરૂરી છે, હેડસેટ અને વીઆર કન્ટેન્ટ (વધુ માહિતી માટે જુઓ આ અંકમાં ‘ફાસ્ટ ફોરવર્ડ’ વિભાગનો લેખ). ગૂગલે કાર્ડબોર્ડ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં તદ્દન નજીવા ખર્ચે એક સાદું ખોખું, બે લેન્સ અને રબરબેન્ડની મદદથી વર્ચ્યુઅલ રિયાલિટીનો હેડસેટ તૈયાર કરી શકાય છે. આ હેટસેટ પહેરી, તેના બીજા છેડે એન્ડ્રોઇડ ફોન મૂકીએ અને તેમાં ગૂગલ કાર્ડબોર્ડ એપ અને વીઆર કમ્પેટિબલ ગેમ્સ ચલાવીએ એટલે વીઆરનો આનંદ માણી શકાય!
ગૂગલના એન્જિનીયર્સ તેમના કામનો ૨૦ ટકા સમય તેમના મૂળ કામ ઉપરાંત, સાઇડ પ્રોજેક્ટ્સ માટે ફાળવી શકે છે. આ કાર્ડબોર્ડ પ્રોજેક્ટ આ ફુરસદના સમયમાં દોડાવેલા ભેજાની જ નીપજ છે!
કેપિટલ
આવનારા સમયની ગૂગલ જેવી કંપનીઓ સર્જવા માટે નાણાં પૂરાં પાડવાની વ્યવસ્થા એટલે ગૂગલ કેપિટલ. આઇટી જગતમાં ‘વેન્ચર કેપિટલ’ અને ‘એન્જલ ફંડિગ’ શબ્દોનો દબદબો છે. તમારી પાસે જોરદાર આઇડિયા હોય પણ તેને બિઝનેસમાં ફેરવવા જરૂરી નાણાં ન હોય ત્યારે દેવદૂત જેવા ઇન્વેસ્ટર્સ મદદે આવે. ગૂગલે માનવજીવન બદલે નાખે તેવી ટેક્નોલોજી વિક્સાવવાની ક્ષમતા હોય તેવા લોકોના આઇડિયાને ભંડોળ પૂરું પાડવા ગૂગલ કેપિટલની શરૂઆત કરી છે.
કોન્ટેક્ટ લેન્સ
દવાના ક્ષેત્રની વૈશ્વિક અગ્રગણ્ય કંપની નોવાર્ટિસની સાથે મળીને ગૂગલ સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ વિક્સાવી રહી છે. આ પ્રકારના લેન્સમાં કોન્ટેક્સ લેન્સનાં બે બારીક પડ વચ્ચે એક ઇલેક્ટ્રોનિક ચીપ મૂકવામાં આવે છે, જે ડાયાબિટિસના દર્દીના શરીરમાં સાકરનું પ્રમાણ સતત મોનિટર કરે છે.
વાસ્તવમાં, આ સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ અબજો ડોલરના હેલ્થકેર સેક્ટરમાં પ્રવેશવાની બારી સમાન છે. આ ટેક્નોલોજીને આગળ ધપાવીને ડોક્ટર દૂર બેઠાં બેઠાં દર્દીને તપાસી શકે એવા રીમોટ કન્સલ્ટેશનથી શરૂ કરીને રોબોટિક સર્જરી સુધીની શક્યતાઓ વિસ્તારી શકાય તેમ છે. ગૂગલ ઉપરાંત એપલ અને સેમસંગ પણ હેલ્થકેરમાં આઇટી ટેક્નોલોજીના ઉપયોગની વિવિધ શક્યતાઓ તપાસી રહી છે.
(અલગ સાઇટ નથી, વધુ વિગતો માટે જુઓ : ‘સાયબરસફર’, ફેબ્રુઆરી ૨૦૧૪નો અંક)
ડીપમાઇન્ડ
આપણા માટે બિલકુલ અજાણ્યો, ગૂગલનો વધુ એક પ્રોજેક્ટ. ટેકનોલોજીના ક્ષેત્રે સતત ચર્ચાતો એક શબ્દ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. માનવમગજ સાથે હરીફાઈ કરતી આ ટેક્નોલોજી માનવજાત માટે ખતરારૂપ છે એવું પણ અનેક નિષ્ણાતો માને છે (જેમાં સ્ટીફન હોકિન્સ અને બિલ ગેટ્સ પણ સામેલ છે). ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શરૂ થયેલ એક કંપની ‘ડીપમાઇન્ડ’ને ગૂગલે જાન્યુઆરી ૨૦૧૪માં ખરીદી છે, જે એવી ટેક્નોલોજી અને મશીન્સ વિક્સાવવા પર ફોકસ્ડ છે, જે પોતાની રીતે જ નવી નવી વાતો શીખતાં રહે. આ પ્રકારનાં મશીન્સ બહુ ઓછે અંશે પ્રી-પ્રોગ્રામ્ડ હોય છે, તે પોતાને મળેલી કાચી માહિતી અને વિવિધ અલ્ગોરિધમ્સની મદદથી પોતાની રીતે નવી વાતો શીખીને, જુદાં જુદાં કામ કરી શકે છે.
માનવ મગજમાં ન્યુરોન્સ શરીરના વિવિધ અંગમાંથી તેમને જે સંદેશા મળે તેમાંથી અર્થસભર માહિતી આપતી પેટર્ન બનાવે છે, એ જ રીતે, ડીપમાઇન્ડ દ્વારા વિકસાવવમાં આવી રહેલી ટેકનોલોજીમાં ન્યુરલ નેટવર્ક્સ જુદા જુદા નોડ્સ તરફથી મળતા સંદેશાને નેટવર્ક સમજી શકે તેવી માહિતીમાં ફેરવે છે. એપલની સિરી સર્વિસ, આપણે બોલેલા શબ્દોને પ્રોસેસર સમજી શકે તેવી માહિતીમાં ફેરવવા માટે આ જ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
ગૂગલ ફોટોઝમાં આપણે વરસાદના ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હોય પણ તેને ‘રેઇન’ એવાં ટેગ આપ્યાં ન હોય, તેમ છતાં આપણે સર્ચ બોક્સમાં ‘રેઇન’ લખીએ અને સિસ્ટમ વરસાદના બધા ફોટોગ્રાફ્સ અલગ તારવી આપે, તેના મૂળમાં આ કંપનીની જ કરામત છે!
ડિઝાઇન
અત્યંત સિમ્પલ ડિઝાઇન એ ગૂગલની પહેલેથી આગવી ઓળખ છે, પણ ડિઝાઇન એટલે જેટલું નજરે ચઢે છે એટલું જ નહીં. ડિઝાઇનની ભૂમિકા તેથી ઘણી ઊંડી હોય છે. ગૂગલની મટિરિયલ ડિઝાઇન ટીમ, ડેવલપર રિલેશન્સ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકો, ગૂગલમાં ડિઝાઇનને કેવી રીતે જોવામાં આવે છે અને તેને કેવી રીતે વિક્સાવવામાં આવે છે એ વિશે વિવિધ માહિતી ગૂગલ ડિઝાઇનના નેજા તળે શેર કરે છે.
ડબલક્લિક
ગૂગલની કમાણીમાં સિંહફાળો આપતી એક સર્વિસ. આ સર્વિસ ગૂગલની એડસેન્સના એક્સટેન્શન તરીકે કામ કરે છે અને ખાસ કરીને ડિસ્પ્લે એડના નેટવર્ક પર, વિવિધ જાહેરાત આપતી કંપનીઓ માટે એક માર્કેટપ્લેસ જેવું કામ કરે છે.
આ સર્વિસ આપણે સીધી ઉપયોગી નથી, પણ આપણે તેને માટે ઉપયોગી છીએ! તમે ક્યારેક નોંધ્યું હશે કે તમે કોઈ વેબસાઇટ જોયા પછી, બીજી અલગ અલગ વેબસાઇટ પર જાવ તો ત્યાં પણ પેલી પહેલી સાઇટની વિવિધ જાહેરાતો તમને જોવા મળે. આ જાહેરાતો બધાને નહીં, પણ ઘણું કરીને માત્ર તમને જ દેખાતી હોય છે. આ બધી ગૂગલનાં વિવિધ એડ નેટવર્કની કમાલ છે.
ડ્રાઇવ
ગૂગલ ધીમે ધીમે પીસીની જરૂરિયાત ઇન્ટરનેટ એક્સેસ કરવા પૂરતી જ રહે એવી સ્થિતિ સર્જવા માગે છે. ગૂગલ ડ્રાઇવ એ દિશામાંનું એક પગલું છે. ૧૫ જીબી સુધીની ફ્રી સ્પેસ સાથે આપણે કોઈ પણ પ્રકારની ફાઇલ ઓનલાઇન ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર કરી શકીએ છીએ અને પછી કોઈ પણ સાધનથી, ગમે ત્યાંથી એક્સેસ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટના મુખ્ય ત્રણ પ્રોગ્રામ – વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ – ની ફાઇલ્સ ડ્રાઇવમાં ઓપન કરીને તેમાં કામ કરી શકાય એવી સગવડ પણ છે. ડ્રાઇવમાં સ્ટોર થયેલી ફાઇલ કે ફોલ્ડરને બીજા લોકો સાથે શેર કરી શકાય છે અને એક જ ફાઇલ પર એકથી વધુ લોકો એક સાથે કામ કરી શકે છે.
અર્થ
આ વર્ષે જૂનમાં જેણે ૧૦ વર્ષ પૂરાં કર્યાં એ ગૂગલ અર્થ પ્રોગ્રામ એક અર્થમાં વર્ચ્યુઅલ ગ્લોબ, મેપ અને જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં દુનિયાના જુદા જુદા વિસ્તારોની અલગ અલગ રેઝોલ્યુશનની સેટેલાઇટ ઇમેજીસ પૃથ્વીના ગોળા પર જોઈ શકાય છે. ગૂગલ અર્થમાં વિવિધ શહેરો કે ઇમારતોની ૩-ડી ઇમેજીસ પણ જોઈ શકાય છે. આપણી દુનિયાનો અનોખી રીતે અભ્યાસ કરવા માટે ગૂગલ અર્થ એક બેજોડ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામની વેબસાઇટ પર જઈને હોમપેજને તમે રીફ્રેશ કરતા રહેશો તો જ પણ દુનિયાની નીતનવી ઝાંખી તમને મળશે.
એક્સપ્રેસ
આજકાલ બિલકુલ સ્થાનિક સ્તરે શાકભાજી, કરિયાણું વગેરે ખરીદવા માટે આપણે ઓનલાઇન કે વોટ્સએપ પર ઓર્ડર આપીએ અને એ જ દિવસે ફ્રી હોમડિલીવરી કરવામાં આવે એવી સર્વિસીઝ શરૂ થઈ ગઈ છે. ગૂગલે ‘એક્સપ્રેસ’ કંઈક આવી જ સર્વિસ છે, જે હાલ અમેરિકાનાં અમુક શહેરો પૂરતી સીમિત છે. ઓનલાઇન શોપિંગ અને ડિલિવરીનું માર્કેટ કબજે કરવા એમેઝોન અને ગૂગલ વચ્ચેની હરીફાઈમાં કેબ સર્વિસ ઉબેરે પણ ઝંપલાવ્યું છે.
આ રીતે, ગૂગલનું સામ્રાજ્ય આખા આલ્ફાબેટમાં એ થી ઝેડ સુધી વિસ્તરેલું છે. બાકીની કંપનીઓ કે પ્રોજેક્ટસ વિશે આપણે આવતા અંકોમાં માહિતી મેળવતા રહીશું.







