આ કોલમમાં આપણે નિયમિત રીતે આઇટીનાં વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા વિશેનું માર્ગદર્શન મેળવતા આવ્યા છીએ. એ બધી જાણકારી જેટલી જ મહત્ત્વી વાત છે ઇન્ટરવ્યૂની યોગ્ય તૈયારી. આ વિશે કેટલીક પ્રાથમિક માહિતી.
આગળ શું વાંચશો?
- ઈન્ટરવ્યૂઃ આગલા દિવસની તૈયારીઓ
- ઈન્ટરવ્યૂઃ શું ન કરવું?
- ઈન્ટરવ્યૂઃ કેટલીક ગેરમાન્યતાઓ

મિત્રો, આપણે આઇ.ટી. ક્ષેત્રે કારકિર્દીના વિવિધ વિકલ્પો અને કારકિર્દીની પસંદગી કરવા અંગેની ચર્ચા કરી છે. હવે આપણે ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે સજ્જ થવું તે અંગે કેટલીક બાબતો ઉપર નજર નાખીએ.
ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને અનેક બાબતે ચકાસવામાં આવે છે, જેમ કે શિક્ષણ, જ્ઞાન, મનોવલણ, ઉછેર વગેરે. આ ઉપરાંત તે વ્યક્તિ આગળ ઉપર સોંપેલા કામમાં કેટલી સફળ થશે, તેનું વર્તન કેવું રહેશે, તેનો બુદ્ધિઆંક (ઈંચ) વગેરેને પણ ધ્યાનમાં લેવાય છે.
ઇન્ટરવ્યૂ માટેની સઘન તૈયારી કરીને સફળતાની સંભાવનાઓને વધારી શકાય છે, પણ એ માટે શું કરવું અને શું ન કરવું એનો ખ્યાલ હોવો જોઈએ. જેની, હાલ પૂરતી શક્ય એટલી ચચર્િ આગળ ઉપર કરી છે.
ઇન્ટરવ્યૂ : આગલા દિવસની તૈયારીઓ
- ઇન્ટરવ્યૂમાં લઈ જવાના દરેક કાગળો, સર્ટિફિકેટ, ભલામણ પત્રો વગેરેને એક ફાઈલમાં વ્યવસ્થિત મૂકી દેવા જેથી કોઈ અગત્યના કાગળો રહી ન જાય. ખાસ તો બાયો-ડેટાની ત્રણથી ચાર નકલો સાથે રાખવી. ઇન્ટરવ્યૂ સમયે શું શું જોવા માગશે એ અગાઉથી કંપનીને પૂછી શકાય છે. માટે વધુ સારું એ છે કે ફાઈલ એ પ્રમાણે બનાવી. કમ સે કમ એક સારી પેન અને પેડ પણ સાથે રાખવાં.
- સૌ પ્રથમ તો એ સમજી લેવું કે કોઈ બે કંપનીઓ એક સરખી હોતી નથી, માટે જો તે એક સરખી પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ કરતા હોય તો પણ બેંમાં કઈક તો તફાવત રહેવાનો. માટે દરેક ઇન્ટરવ્યૂની તૈયારીમાં આ સૂક્ષ્મ ફરકને ધ્યાનમાં લેવાની ચીવટ રાખવી.
- જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાના હો તેના વિશે પૂરતું સંશોધન કરવું. તે કંપની શું કરે છે, શું ઇતિહાસ છે, શું પ્રોડક્ટ કે સર્વિસ છે, તમારી જવાબદારી શું હશે વગેરે વિશે સમજણ પાકી કરો. કેટલાક ઉમેદવાર કંપની વિશે કોઈ પણ જાણકારી વિના ‘હાથ હલાવતા’ ઇન્ટરવ્યૂમાં જાય છે. આ એક ગંભીર ભૂલ છે! કારણ કે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ઉમેદવારને કંપની વિશે કંઈ ખબર જ નથી તો તે ઇન્ટરવ્યૂ આપવા કેમ આવ્યો છે? ઇન્ટરવ્યૂ પહેલાં સંશોધન કરીને બે-ચાર સારા પ્રશ્નોને જો કંપની વિશે પૂછો તો ઇન્ટરવ્યૂ લેનાર પર સારી છાપ પાડી શકાય છે, જે સિલેક્ટ થવા માટે કામ લાગી શકે. પાકું હોમવર્ક કરીને જવું સારું.
- ઇન્ટરવ્યૂનો આગલો દિવસ પુનરાવર્તનનો છે. તમે ૩ કે ૪ વર્ષ કોલેજમાં જે ભણ્યા છો, જે પ્રોજેક્ટ્સ કર્યા હોય, જો નોકરીનો અનુભવ હોય તો તે, આ સઘળું ફરીથી વિગતવાર યાદ કરીને તાજું કરી લેવું. ઇન્ટરવ્યૂમાં સ્વાભાવિક રીતે આ બધાના આધારે પ્રશ્નો પૂછાશે, માટે આવી બાબતોમાં આપણે બરાબર જવાબ ન આપી શકીએ તો ન ચાલે.
- આ ઉપરાંત એક ખાસ કરવા જેવી કવાયત હોય તો તે છે ઇન્ટરવ્યૂમાં પૂછાઈ શકતા સંભવિત પ્રશ્નોની યાદી બનાવીને તેના જવાબો તૈયાર કરવા. આ સરળ લાગતી પદ્ધતિથી ઇન્ટરવ્યૂ સમયે ખૂબ મદદ મળી શકે છે અને ક્યારેક તેને લીધે ઇન્ટરવ્યૂમાં સફળતા મળે છે. java કે .NET જેવી ટેક્નોલોજીના (અને ઘણી બધી બીજી ટેક્નોલોજીના) ઇન્ટરવ્યૂમાં શું પ્રશ્ર્નો પૂછાય છે અને તેના જવાબોની આખી યાદીઓ ઉપલબ્ધ હોય છે, જે નેટ પરથી લઈને ખૂબ સારી તૈયારી કરી શકાય છે. અલબત્ત, જવાબો ગોખેલા ન લાગવા જોઈએ, મૌલિક જવાબો આપવા જોઈએ. જેથી વિષય ઉપર આપણી પકડ છે એ જણાવી શકાય.
- એક અન્ય ટેકનિક છે મિત્રો અંદર અંદર એક બીજાનો ઇન્ટરવ્યૂ લે તે. આને મોક ઇન્ટરવ્યૂ (Mock Interview) કહેવાય છે. આમ કરવાના બે-ત્રણ ફાયદા છે. પ્રથમ તો એ કે અણધાર્યો પ્રશ્ન આવે તો ગણતરીની પળોમાં તેનો કેવી રીતે સંતોષકારક જવાબ આપવો તેનો મહાવરો થાય. બીજો એ કે કયા પ્રશ્નનો શું જવાબ આપવો, કેવી રીતે આપવો એની પણ ચર્ચા કરીને આપણા જવાબો સુધારી શકાય અને ત્રીજો ફાયદો એ કે ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરીને આપણે આપણી નબળાઈઓને પારખીને તેનું નિરાકરણ લાવી શકીએ છે.

- કેટલીક સારી એન્જિયિરિંગ અને મેેનેજમેન્ટ કોલેજોમાં એટલે જ પ્લેસમેન્ટ સિઝન શરુ થાય એ પહેલાં નિષ્ણાંતો મદદથી મોક ઇન્ટરવ્યૂ યોજવામાં આવે છે, જેમાં ઇન્ટરવ્યૂમાં સામેલ થયેલા ઉમેદવારના બાયો-ડેટા, બોડી લેન્ગ્વેજ, ટેક્કિલ જ્ઞાન વગેરે તમામ પાસાંની આધારભૂત ચકાસણી થઈ જાય છે. માટે જ્યારે ખરેખરના ઇન્ટરવ્યૂ થાય ત્યારે ઘણી બધી ભૂલો ટાળી શકાય છે, જેને પરિણામે ઇન્ટરવ્યૂમાં સફળતાનો દર વધે છે.

ઇન્ટરવ્યૂ : શું ન કરવું
- કોઈ પણ ઇન્ટરવ્યૂ માટે યાદ રાખવા જેવી સોનેરી સલાહ છે : ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરવો! કેટલાક ઉમેદવાર ઇન્ટરવ્યૂ સમયે સામી વ્યક્તિને પ્રભાવિત કરવા કે આંજી નાખવાના પ્રયત્નો કરતા હોય છે, પણ આ એક ખૂબ મોટી ભૂલ છે. આમ કરવાથી આપણાં જે સબળ પાસાં હોય છે તે પણ દબાઈ જાય છે.
- કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે અન્ય વસ્તુની ટીકા ન કરવી. ટીકાથી વાતાવરણ નકારાત્મક બની જાય છે, માટે તે ટાળવું.
- તમારા ટકા, કોલેજ, સ્કૂલ કે કોઈ પણ અન્ય બાબતનો ગર્વ ન રાખવો. ઇન્ટરવ્યૂમાં તમારે કેટલા ટકા આવ્યા છે કે તમે કઈ કોલેજમાં ભણ્યા છો એ કરતાં તમને ખરેખર કેટલું આવડે છે એ વધુ મહત્ત્વનું હોય છે. હા! ટકાવારી, કોલેજ વગેરે જેવા પરિબળોનું મહત્ત્વ ખરું, પણ ફક્ત તેના પર મદાર ન રાખવો.
- આત્મવિશ્વાસ અને વધુ પડતા આત્મવિશ્વાસ વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. માટે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું. આ બાબત સ્વ અનુભવે વધુ સારી રીતે સમજી શકશે.
- ઇન્ટરવ્યૂ સમયે બને ત્યાં સુધી કોઈ ઓળખાણ હોય તો આપવાનું ટાળો. પ્રોફેશનલ કંપનીમાં જો ઇન્ટરવ્યૂ આપવા ગયા હો તો તમારા શિક્ષણ, આવડત અને અનુભવના આધારે નોકરી મળે એવો આગ્રહ રાખવો. હા, કોઈની ભલામણથી ગયા હો તો ચોક્કસ તે વ્યક્તિનો ઉલ્લેખ કરો જેથી ઇન્ટરવ્યૂ લેનારને તાળો મળે, પણ ફક્ત કોઈની ઓળખાણથી (અને અમુક કિસ્સાઓમાં દબાણથી) ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જઈશું એવી માનસિકતા કાઢી નાખવી.
- પ્રશ્નોના જવાબો બિનજરુરી લાંબા કે સાવ ટૂંકા ન આપવા. જવાબો મુદ્દાસરના અને યોગ્ય લંબાઈવાળા હોવા જોઈએ. ઉપર સૂચવેલી બે ટેકનિકો વડે અસરકારક જવાબો આપવાની કળા વિકસાવી શકાય એમ છે.
- તમને કંપની, નોકરી અને જવાબદારીઓ સ્વીકાર્ય છે અને તેમાં રસ પણ છે તેવું જાહેર કરો, પણ તે નોકરી મેળવવા માટે તમે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છો તેવું ક્યારેય ન બતાવો.
ઇન્ટરવ્યૂ : કેટલીક ગેરમાન્યતાઓ
- કેટલાક લોકો ઇન્ટરવ્યૂને ખૂબ જ હળવાશથી લેતા હોય છે. તેમને તેમ લાગતું હોય છે કે ઇન્ટરવ્યૂમાં તો પૂછી પૂછીને શું પૂછશે અથવા આપણેને તો શું નથી આવડતું? પણ ઇન્ટરવ્યૂ સમયે જ્યારે પ્રશ્નોના જવાબ ન જડે ત્યારે તેમને પસ્તાવો થતો હોય છે.
- ઇન્ટરવ્યૂ સમયે ખૂબ ભપકાદાર કપડાં પહેરવાં, ટાઈ પહેરવી, ફેશનેબલ દેખાવું, સ્માર્ટ લાગવા માટે બ્રાન્ડેડ વસ્ત્રો પહેરવા એવું કંઈ જ જરુરી હોતું નથી. હા, એટલું ચોક્કસ ખરું કે ઇન્ટરવ્યૂમાં સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરીને જાવ એ અનિવાર્ય છે અને તમારાં વસ્ત્રો તમારી ઉપર શોભવાં જોઈએ, એટલું ઘણું છે.
- ખોટે ખોટાં વખાણ એ ખુશામત છે અને અનુભવી ઇન્ટરવ્યૂ લેનાર આ વાત પકડી પાડશે. માટે બિનજરુરી ટીકાની જેમ વ્યર્થ પ્રશંસાથી પણ દૂર રહેવા જેવું છે.
-
- ઇન્ટરવ્યૂનું પરિણામ હંમેશાં હા કે ના નથી હોતું. ઘણાં બધાં આંતરિક કારણોને લીધે કંપનીઓ ઘણા બધા ઇન્ટરવ્યૂ કર્યા પછી પણ કોઈ ઉમેદવારને સિલેક્ટ કરવાનું માંડી વાળે એવું બનતું હોય છે. આ લખનાર આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. માટે જો ઇન્ટરવ્યૂ પછી જવાબ ન મળે તો નાસીપાસ ન થઈ જવું. બીજા કોઈ ઇન્ટરવ્યૂની તૈયારી કરવી.
આ સૌ પ્રાથમિક સૂચનો છે અને આ ફક્ત આઈ.ટી. કે સોફ્ટવેરના ઇન્ટરવ્યૂ માટે જ નહિ, પણ કોઈ પણ ક્ષેત્રના ઇન્ટરવ્યૂ માટે લાગુ પડે છે. આ ઉપરાંત બીજા ઘણાં સલાહ-સૂચનો આપી શકાય એમ છે. બાયો-ડેટા ઉપર જ એક સ્વતંત્ર લેખ થાય એમ છે. મિત્ર રાજેશ ભોકેયાએ થોડા વખત પહેલાં એમની કોલમમાં સારો બાયો-ડેટા કેવી રીતે બનાવવો એનું માર્ગદર્શન આપ્યું હતું. ઉમેદવાર બે પ્રકારના હોય છે. પ્રથમ પ્રકારના નોકરી કે કામ શોધતા હોય છે, બીજા પ્રકારનાને નોકરી શોધતી હોય છે. આપણે સૌ બીજા પ્રકારના ઉમેદવાર બની શકીએ છીએ – યોગ્ય દિશામાં જરુરી તૈયારી કરીને!
