(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન ઓર્ડરની હવાઇ ડિલિવરી થશે?

જેમ આપણે આકાશમાં પ્લેન જોઈને રાજી થતાં થતાં મોટા થયા, એમ નવી પેઢી આકાશમાં ઊડતાં ઢગલાબંધ, માનવરહિત ટચૂકડાં પ્લેન જોઈને મોટી થાય એવા દિવસો નજીક આવી રહ્યા છે. ડ્રોન પર એક બાજનજર.

આગળ શું વાંચશો?

  • હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ
  • એમેઝોન અને ડ્રોન
  • આમાં દિવાળીની વાત કેમ આવી?
  • ડ્રોનના અમેઝિંગ વીડિયો
  • ડ્રોનનો લશ્કરી ઉપયોગ

ધારો કે તમને કોઈ મજાનું પુસ્તક વાંચવાનું મન થયું. એ પુસ્તક હાથવગું ન હોય, મતલબ કે તમારી પાસે કે મિત્રો પાસે ન હોય તો તમે શું કરશો? તમે કિન્ડલ જેવા હાર્ડવેર કે સોફટવેરનો ઉપયોગ કરતા હો તો ફટાફટ એમેઝોન પર જઈને પુસ્તક શોધી કાઢો અને ઓનલાઇન પેમેન્ટ કરો તો ઘડીના છઠ્ઠા ભાગમાં પુસ્તક તમારા ડિવાઇસમાં હોય અને તમે વાંચવાનું શરૂ કરી શકો.

પરંતુ હજી હાથમાં પુસ્તક લઈને ‘પુસ્તક કી ખુશબુ’ સાથે વાંચવું તમને ગમતું હોય તો તમે નજીકની બુકશોપમાં તપાસ કરી શકો અથવા ફરી એમેઝોન કે બીજા કોઈ પણ ઓનલાઇન બુક સ્ટોર  પર જઈને એ પુસ્તકની પ્રિન્ટ એડિશન માટે ઓર્ડર આપી શકો. પછી એ સ્ટોર તેની અનુકૂળતા મુજબ કુરિયર દ્વારા પુસ્તક તમને મોકલી આપે.

પરંતુ વાતમાં ટવીસ્ટ હવે આવે છે. જો તમે મુંબઈ કે બેંગલોરમાં રહેતા હો તો આ દિવાળી સુધીમાં જ એવી શક્યતા છે કે તમે પુસ્તકની પ્રિન્ટ એડિશન માટે એમેઝોનની સાઇટ પર ઓર્ડર આપો અને – ઘડીના છઠ્ઠા ભાગમાં તો નહીં પણ – અડધા-પોણા કલાકમાં હળવી ઘરઘરાટી કરવું એક ટચુકડું માનવરહિત  પ્લેન તમારા આંગણમાં કે બાલ્કનીમાં આવીને પુસ્તક ડ્રોપ કરી જાય!

વાત હજી ‘જો અને તો’ની છે અને કાચી અફવા હોવાની પૂરી શક્યતા છે, પણ ભારતના એક જાણીતા અખબારે ‘આધારભૂત સૂત્રો’ને ટાંકીને કહ્યું છે કે આ દિવાળી સુધીમાં એમેઝોન કંપની અનમેન્ડ એરિયલ વેહિકલ (યુએવી)થી (જેને આપણે ‘ડ્રોન’ નામથી વધુ ઓળખીએ છીએ) ડિલિવરીની શરૂઆત કરશે.

એમેઝોન કંપનીએ પોતે આને માત્ર એક અફવા ગણાવીને તેના પર કોઈ કમેન્ટ આપવાનું નકાર્યું છે, પણ આવી શક્યતા પાછળ ભારતીય અખબારે જે કારણો આપ્યાં છે તે રસપ્રદ છે. જોકે એ જાણતાં પહેલાં, આ ધુમાડા પાછળની આગ વિશે જાણી લઈએ!

હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ

પાઇલોટ વિનાનાં પ્લેન એ કોઈ નવો આઇડિયા નથી. વિકિપીડિયા કહે છે કે છેક અઢારમી સદીમાં ઓસ્ટ્રિયાના લોકોએ વેનિસ શહેર પર હુમલો કરવા માટે બોમ્બ ભરેલાં બલૂન આકાશમાં તરતાં મૂક્યાં હતાં! હાલનાં ડ્રોનની શોધ ૧૯મી સદીની શરૂઆતમાં થઈ અને ત્યારે લશ્કરી જવાનોને ઊડતાં નિશાનને તોડી પાડવાની પ્રેક્ટિસ કરાવવા માટે આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ થતો હતો. પહેલા વિશ્ર્વયુદ્ધમાં પણ આ પ્રકારના માનવરહિત હવાઈ હુમલાઓ થયા હોવાનું નોંધાયું છે.

૧૯૫૪-૫૫થી શરૂ થઈને ૨૦ વર્ષ સુધી ચાલેલા વિયેતનામ યુદ્ધમાં અજાણી ધરતી પર અમેરિકન એર ફોર્સે મોટા પ્રમાણમાં પાયલોટ્સની ખુવારી વેઠવી પડી એ પછી તેણે અનમેન્ડ એરિયલ વેહિકલ્સ વિક્સાવવા પર ધ્યાન આપવાનું શરૂ  કર્યું.

અત્યારે આ ડ્રોનના સિવિલિયન ઉપયોગ માટે જુદા જુદા અખતરા ચાલી રહ્યા છે પણ તેના કરતાં ઘણા મોટા પ્રમાણમાં તેનો લશ્કરી ઉપયોગ શરૂ થઈ ગયો છે અને સતત વધી રહ્યો છે.

પરંતુ દિવસો એવા આવી ગયા છે કે દિલ્હીના ચાંદની ચોક જેવા વિસ્તારમાં સ્માર્ટફોનના ભાવે ડ્રોન મળતાં થઈ ગયા છે! બે-ચાર મહિના પહેલાં મુંબઈમાં એક પિઝા જોઈન્ટે ડ્રોન મારફત પિઝાની ડિલિવરી કરવાનું ગતકડું કરીને સૌનું ધ્યાન એ કંપની તરફ અને ડ્રોન તરફ ખેંચ્યું હતું. ગયા વર્ષે અમેરિકામાં જબરજસ્ત પૂર આવ્યાં ત્યારે પ્લેન કે હેલિકોપ્ટર માટે ઉડાન મુશ્કેલ બની ત્યારે એક કંપનીએ ડ્રોનની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોના નક્શા બનાવવાનું શ‚રુ કર્યું હતું. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ડ્રોનની મદદથી શૂટિંગને એક નવો એંગલ મળે છે.


તો ગયા વર્ષે અમદાવાદમાં રથયાત્રા વખતે પહેલી વાર પોલીસે નેત્ર નામના બે ડ્રોનની મદદથી સંવેદનશીલ વિસ્તારોનું હવાઇ પેટ્રોલિંગ કર્યું હતું (જુઓ નીચેની તસવીર). એમ આ વર્ષે લોકસભાની ચૂંટણી વખતે પણ તોફાનો માટે જાણીતા વિસ્તારોની અગાશીમાં પથ્થરમારા માટે ક્યાંય પથ્થરોના ઢગ ખડકાયા હોય તો આ રીતે આકાશી આંખથી તપાસીને તેને દૂર કરવામાં આવ્યા હતા (આકાશમાં લેવાતી તસવીરોથી વળી કેવીક ઝીણવટભરી તપાસ થઈ શકે એવી શંકા હોય તો આ લેખ સાથે, ડ્રોનની મદદથી લેવાયેલા કેટલાક વીડિયોની યાદી આપી છે, જાતે જ તપાસી જુઓ!).

ડ્રોનની વધતી લોકપ્રિયતાને પગલે ફ્લાઇંગ, ફોટોગ્રાફી કે એરિયલ સિનેમેટોગ્રાફીમાં રસ ધરાવતા સૌ કોઈને ડ્રોનમાં ઊંડો રસ પડ્યો છે અને તેમની સાથે ગૂગલ, એમેઝોન અને ફેસબુક સુદ્ધાંને પોતપોતાના બિઝનેસમાં ડ્રોનનો ઉપયોગ કરવાની ચાનક ચઢી છે. જેની જોરશોરથી જાહેરાત કરી હતી એમેઝોને, ગયા વર્ષે.

જોકે આ આખી વાતમાં કાયદાના મુદ્દે ભારે ગૂંચવણ છે. ભારતની વાત કરીએ તો અગાઉથી પોલીસની મંજૂરી લીધા વિના ડ્રોનથી પિઝાની ડિલિવરી કરનાર કંપની સામે પોલીસે તપાસ શરૂ કરી, પણ છેવટે કોઈ ફરિયાદ કે ધરપકડ થઈ નહીં કેમ કે ડ્રોન ઊડાડવા વિશે આપણે ત્યાં કોઈ સ્પષ્ટ કાયદા નથી.

ભારતમાં ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ખાનગી વિમાનો માટે અલગ રેડિયો ફ્રિકવન્સી પૂરતી છૂટ આપે છે, પણ માનવરહિત ડ્રોન ઉડાડવા અંગે કોઈ સ્પષ્ટતા નથી. અમેરિકામાં આ વિશે ચોક્કસ કાયદા છે અને એ જ એમેઝોનને નડી રહ્યા છે.

એમેઝોન અને ડ્રોન

અમેરિકામાં ક્રિસમસ વેકેશન પહેલાંનો સોમવાર સાયબર મન્ડે તરીકે ઓળખાય છે અને એ દિવસે ઓનલાઇન શોપિંગમાં જબરી ધમાલ મચતી હોય છે. ગયા વર્ષે આવી ઓનલાઇન શોપિંગની હોટ સીઝન વખતે જ એમેઝોન કંપનીએ ‘એમેઝોન પ્રાઇમ એર’ નામના એક પ્રોગ્રામની જાહેરાત કરી. આ પ્રોગ્રામ હેઠળ કંપની ફક્ત ૩૦ મિનિટ કે તેનાથી ઓછા સમયમાં ડ્રોનની મદદથી લોકોના ઓર્ડર્સની ડિલિવરી શરૂ કરવા માગે છે. કંપની તેની વેબસાઇટ પર કહે છે કે આ વાત સાયન્સ ફિક્શન જેવી લાગે છે, પણ ટેક્નોલોજીના પોઇન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો – જો જ‚રી મંજૂરીઓ મળી જાય તો – કંપની તરત જ પ્રાઇમ એર સર્વિસ શરૂ કરી શકે તેમ છે.

કંપની તો ત્યાં સુધી કહે છે કે એક દિવસ એવો આવશે જ્યારે, જેમ અત્યારે આપણે રસ્તે જાતભાતની ચીજવસ્તુઓ લઈ જતા ટ્રક્સ જોઈએ છીએ, એ જ રીતે પ્રાઇમ એર વેહિકલ્સ પણ ઊડતાં જોવા મળશે. કંપનીને આશા છે કે તેને ૨૦૧૫ સુધીમાં, અમેરિકામાં ઉડ્ડયન સંબંધિત બાબતો સંભાળતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) તરફથી વ્યાપારી ધોરણે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી મળી જશે. હમણાં જ  એક ખાનગી કંપનીને અલાસ્કામાં યુએસના સૌથી મોટા ઓઇલ ફિલ્ડની દેખરેખ માટે વ્યાપારી ધોરણે ડ્રોનના ઉપયોગની મંજૂરી મળી છે.

વાસ્તવમાં એફએએ દ્વારા છેક ૨૦૦૭થી એવું વલણ લેવામાં આવ્યું છે કે ડ્રોનનો કમર્શિયલ ઓપરેશન્સ માટે ઉપયોગ ગેરકાયદે છે. અત્યારે વાત અદાલતમાં પહોંચી છે અને આ વર્ષે અંત સુધીમાં એવિએશન વિશેના નવા કાયદાઓ ઘડાશે અને ૨૦૧૫થી તે અમલમાં આવશે, પણ ત્યારે ડ્રોનના કમર્શિયલ ઉપયોગને છૂટ મળશે કે નહીં તે હજી અનિશ્ર્ચિત છે

આ વર્ષે જુલાઈ મહિનામાં અમેઝોન કંપનીના ગ્લોબલ પબ્લિક પોલિસીના વાઇસ પ્રેસિડેન્ટે એફએએને એક પત્ર મોકલીને પ્રાઇમ એર માટેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વિસ્તારવાની મંજૂરી માગી છે. એફએએના અત્યારના નિયમો મુજબ માત્ર શોખથી કે મોડેલ એરક્રાફ્ટ બનાવતા લોકોને તેમનાં ડ્રોન ખુલ્લી જગ્યાઓમાં ઊડાવવાની છૂટ છે. પરંતુ ડ્રોનના કમર્શિયલ ઉપયોગ માટે અત્યારે ઇનડોર ફેસિલિટીઝમાં જ ડ્રોનની ફ્લાઇટ ટેસ્ટ કરવાની છૂટ છે. એમેઝોન કંપનીએ આ નિયમમાં છૂટછાટ માગી છે. અમેરિકન કોંગ્રેસે વર્ષ ૨૦૧૨માં એફએએ મોડર્નાઇઝેશન એન્ડ રીફોર્સ ઘડીને, નેશનલ એરસ્પેસ સિસ્ટમમાં સિવિલ અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ્સને સાંકળી લેવાની એફએએને સૂચના આપી છે. એ કાયદાની સાથોસાથ કોંગ્રેસે એફએએને જે કોઈ કંપની આ દિશામાં નવીન પ્રયાસો કરી રહી હોય તેને સત્તાવાર છૂટછાટો આપવાની પણ સત્તા પણ આવી છે. એમેઝોન કંપનીએ પોતાના પત્રમાં એફએએને આ બધી વાતોની યાદ અપાવી છે!

એમોઝોન કંપની કહે છે કે તેની સાઇટ પરથી જેટલી ચીજવસ્તુઓ વેચાય છે તેમાંની ૮૬ ટકા ચીજો ૫ પાઉન્ડ (૨.૨૬ કિલો) કરતાં ઓછા વજનની છે અને એમેઝોન આટલા વજનની બધી ચીજોની કલાકના ૫૦ માઇલની ઝડપે ઊડી શકતા ડ્રોન દ્વારા ડિલિવરી કરવા માગે છે! કંપનીએ તેના રીસચર્ર્ને આગળ ધપાવવા માટે નાસાના એક એસ્ટ્રોનોટ સિહત રોબોટિક્સના જગપ્રસિદ્ધ નિષ્ણાતો, એરોનોટિકલ એન્જિનીયર્સ, રીમોટ સેન્સિંગ એક્સપર્ટ્સ વગેરેની એક ટીમ પણ બનાવી છે, જે સતત વિસ્તરી રહી છે.

એમેઝોન કહે છે કે અત્યારે યુએસ (કે દુનિયાભર)ના હજારો લોકો માત્ર શોખથી ડ્રોન ઊડાડી રહ્યા છે, એમેઝોન એ જ કરવા માગે છે, પરંતુ લોકોની સલામતીની પૂરેપૂરી કાળજી રાખીને અને એ માટે તેને એફએએની મંજૂરીની જરૂર છે.

ગયા વર્ષે જ્યારે એમેઝોને ડ્રોનથી ડિલિવરીની જાહેરાત કરી હતી ત્યારે અનેક લોકોને તેને પબ્લિસિટી સ્ટંટ માન્યો હતો, પરંતુ એફએએ પાસેથી મંજૂરીની તેની માગણી, આ મામલે ચાલતી અદાલતી લડાઈ અને એમેઝોન કંપનીએ જે રીતે આ ક્ષેત્રના અનેક નિષ્ણાતોની ભરતી કરવા માંડી છે એ જોતાં કંપની ડ્રોનથી ડિલિવરીના મામલે ગંભીર હોવાની પૂરી શક્યતા છે.

આમાં દિવાળીની વાત કેમ આવી?

૧૯૯૪માં સ્થપાયેલી એમેઝોન કંપની અત્યારે જગતના ૩૨ દેશોમાં ૧૩૩ સ્થળોએથી પોતાનો કારોબાર ચલાવી રહી છે અને કંપનીમાં ૯૭,૦૦૦થી વધુ લોકો ફૂલટાઇમ કે પાર્ટટાઇમ કામ કરી રહ્યા છે. ગયા વર્ષે એમેઝોને ભારતમાં પણ એન્ટ્રી કરી છે. ભારતમાં ઓનલાઇન રીટેઇલ માર્કેટ તેજ ગતિએ વિકસી રહ્યું છે. વર્ષ ૨૦૧૬ સુધીમાં ભારતનું ઓનલાઇન રીટેઇલ માર્કેટ રૂ. ૫૦,૦૦૦ કરોડના આંકે પહોંચી જાય તેવી શક્યતા છે. પરંતુ અત્યારે ભારતમાં આ ક્ષેત્રેફ્લિપકાર્ટનું રાજ ચાલે છે. ફ્લિપકાર્ટ કંપનીએ હમણાં ૧ અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ મેળવીને બતાવ્યું કે ભારતમાં કેટલી શક્યતાઓ છે. એ પછી તરત જ એમેઝોને ભારતમાં ૨ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી.

ટૂંકમાં, એક તરફ એમેઝોનને યુએસમાં પોતાના પ્રાઇમ એર પ્રોજેક્ટને આગળ ધપાવવામાં કાયદાકીય તકલીફો નડી રહી છે અને બીજી તરફ ભારતમાં તે ફ્લિપકાર્ટને પાછળ રાખી દેવા માગે છે. આમાં ત્રીજી વાત એ ઉમેરો કે ભારતમાં ડ્રોનના ઉડ્ડયનને લગતા નિયમોના કોઈ અવરોધો નથી!

એમેઝોન ભારતમાં ડ્રોનથી ડિલિવરી લોન્ચ કરવા માગે છે એવો રીપોર્ટ આપનાર અખબારને ભારતના ડિરેક્ટરેજ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કહ્યું હતું કે તેમને એમેઝોનના આવા કોઈ પ્લાનની માહિતી નથી.

બીજી તરફ, ભારતમાં ડ્રોનનો એરિયલ ફોટોગ્રાફી, સાઇટ સર્વે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન માટે ઉપયોગ કરતા લોકોએ કહ્યું હતું કે તેઓ ડ્રોનના ઉપયોગ માટે ડીજીસીએની પરવાનગી લેતા નથી. જોકે બિઝનેસની દૃષ્ટિએ સરળ દેશોની યાદીમાં ૧૮૯ દેશમાં ભારતનો નંબર છેક ૧૩૪મો છે, એ જોતાં એમેઝોનનો ખરેખર ભારતમાં ડ્રોન ટેસ્ટિંગનો કોઈ પ્લાન હોય તો પણ તેને ક્યારે કયા કાયદાનો અવરોધ આવી જશે એ કહી શકાય તેમ નથી! જોકે આ વાતને અફવા ગણવા જેવી નથી. એમેઝોનની જેમ અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી ગૂગલ કંપનીએ હજી ગયા જ મહિને અમેરિકાની બહાર, ઓસ્ટ્રેલિયાના એક ખેતરમાં કંપનીએ વિક્સાવેલા ડ્રોનની મદદથી જુદી જુદી ચીજવસ્તુઓની ડિલિવરી કરવાનો અખતરો કર્યો એ પણ ધ્યાને લેવા જેવું છે!

ડ્રોનના અમેઝિંગ વીડિયો

બિજિંગ ફ્રોમ અબાવ : બિજિંગ શહેરનાં વિવિધ સ્થળોનો રોમાંચક એરિયલ વ્યૂ. આ ફોટોગ્રાફરની ચીની પોલીસે અટકાયત કરી હતી!

http://youtu.be/A8I5Z01OKvw

એપલ કેમ્પસ ૨ : અમેરિકાના કેલિફોર્નિયામાં એપલ કંપનીનું નવું હેડક્વાર્ટર બની રહ્યું છે. ૮૦ ટકા વિસ્તારમાં હરિયાળી ધરાવતું આ કેમ્પસ પૃથ્વીનું ગ્રીનેસ્ટ કેમ્પસ બને તેમ છે. તેના બાંધકામ પર એક બાજનજર!

http://youtu.be/pfZvimPkKio (આ કેમ્પસ વિશે આ વીડિયો પણ જોવા જેવો છે http://youtu.be/gxiBUeEsmH4)

નેત્રા યુએવી : ગુજરાત પોલીસ જેનો ઉપયોગ કરવા લાગી છે તે નેત્રા ડ્રોનની ખાસિયતો બતાવતો વીડિયો : http://youtu.be/RnvcmwPTnRE

એમેઝોન પ્રાઇમએર : એમેઝોન કંપની જે સર્વિસ શરૂ કરવા આકાશ-પાતાળ એક કરી રહી છે તે પ્રાઇમ-એરનો પ્રમોશનલ વીડિયો

http://youtu.be/98BIu9dpwHU

એમેઝોન પ્રાઇમએર : ડ્રોનથી શું શું શક્ય છે એ બતાવતો વીડિયો

http://youtu.be/3zE6BaFDkP4


ડ્રોનનો લશ્કરી ઉપયોગ

ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનાં યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે આવતાં ૨૫ વર્ષ માટેનું પોતાનું આયોજન જાહેર કર્યું તેમાં ‘યુદ્ધભૂમિ પર માનવરહિત સિસ્ટમ્સનો વધુમાં વધુ ઉપયોગ’ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારનાં ડ્રોનને યુદ્ધભૂમિ પરથી જ કોઈએ ઓપેરટ કરવાં કરવાં પડે છે. અમેરિકા તેને બિલકુલ માનવરહિત બનાવવા માગે છે.

૨૦૦૧માં અમેરિકા પરના ટવીન ટાવર પરના હવાઇ હુમલા પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં છુપાયેલા ત્રાસવાદીને ખતમ કરવા યુએસ સરકારે ઝુંબેશ ઉપાડી એ પછી, ૨૦૦૪થી યુએસે વાયવ્ય પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારનાં સંખ્યાબંધ સ્થળો પર સેંકડો વખત ડ્રોનથી હુમલા કર્યા છે. અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના સમયથી શરૂ થયેલા આ હુમલા બરાક ઓબામાના કાર્યકાળમાં એટલા વધ્યા છે કે હવે તે ‘ડ્રોન વોર’ તરીકે ઓળખાય છે. ત્રાસવાદીઓને નિશાન બનાવતા આ હુમલાઓની ચોક્સાઈ વિશે સતત શંકાઓ ઊઠે છે. આ હુમલાઓમાં ત્રાસવાદીઓ કરતાં બાળકો સહિત સામાન્ય નાગરિકોનાં ઘણા વધુ પ્રમાણમાં મૃત્યુ થયાં હોવાનું પણ કહેવાય છે. સામે પક્ષે આતંકવાદી જૂથો પણ ડ્રોનની મદદથી હુમલો કરતાં થયાં હોવાના અહેવાલ છે.

પોતાના જવાનનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મન પર હુમલો કરવાની આ રીત જુદા જુદા દેશોને એટલી માફક આવી ગઈ છે કે આવતા એક દાયકામાં દુનિયાના તમામ દેશો કાં તો પોતે ડ્રોન બનાવતા થઈ જશે અથવા ખરીદવા લાગશે એવો અંદાજ છે.

અત્યારે યુએસ, યુકે, રશિયા, ઇઝરાયેલ, ઇરાન, પાકિસ્તાન અને ચીન પાસે ડ્રોન હોવાનો અંદાજ છે, તેમ ભારતે પણ જમીન કે શીપ પર લોન્ચ કરી શકાય અને ગ્રાઉન્ડ પરથી રીમોટલી ઓપરેટ થઈ શકે તેવું ડ્રોન લક્ષ્ય વિક્સાવ્યું છે, જેને ખરીદવામાં બીજા દેશો પણ રસ બતાવવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!