(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલનું ઇનબોક્સ પૂરેપૂરું ભરાઈ જાય તો શું કરવું?

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

આગળ શું વાંચશો?

  • મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો?
  • સ્માર્ટફોનમાં ઓટોકરેક્ટ કેવી રીતે બંધ થાય?

આમ તો ગૂગલનું એકાઉન્ટ આપણને પૂરા ૧૫ જીબીની સ્ટોરેજ કેપેસિટિ મફતમાં આપે છે. મોટા ભાગે સાદા, એટલે કે માત્ર ટેક્સ્ટવાળા ઈ-મેઇલની આપલે થતી હોય તો આટલી જગ્યા ક્યારેય ઓછી પડે નહીં. એટલે જ્યારે સાવ શરૂઆતમાં ગૂગલે એ જમાનામાં અ…ધ…ધ… કહેવાય એટલી સ્ટોરેજ આપવાની શરુ‚આત કરી ત્યારે તેની જાહેરાતમાં કહેવામાં આવતું કે હવે તમારે કોઈ મેઇલ ડિલીટ કરવાની જરૂર પડશે નહીં.

પરંતુ સમય ગૂગલની ધારણા કરતાં પણ ઝડપથી બદલાતો ગયો, આપણા મેઇલમાં ટેક્સ્ટ ઉપરાંત, ઇમેજીસ, ગીતો, વીડિયો, ડિઝાઇનનાં આર્ટવર્ક વગેરેની હેવી ફાઇલ્સની એટેચમેન્ટ આપલેનું પ્રમાણ પણ વધવા લાગ્યું. પરિણામે ગૂગલ એકાઉન્ટની ફ્રી સ્ટોરેજની લિમિટ ધીમે ધીમે ૧૫ જીબી સુધી પહોંચી હોવા છતાં આપણને એ ઓછી પડે એવું બની શકે છે. આપણે કોઈને હેવી ફાઇલ્સ મોકલીએ અને કોઈ આપણને મોકલે એ બંને આપણા ઇમેઇલ પરનું ભારણ વધારે છે.

સ્ટોરેજ ઓછી પડવાનું બીજું એક કારણ પણ છે. ૧૫ જીબી માત્ર જીમેઇલમાં મળે છે એવું નથી. આ ૧૫ જીબી જીમેઇલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલપ્લસ ફોટોઝમાં પણ વહેંચાયેલ છે. જો તમે ડ્રાઇવમાં તમારી કામકાજની ફાઇલ્સનો બેકઅપ લેતા હો અને સ્માર્ટફોન કે કમ્પ્યુટરના ફોટોગ્રાફ પણ ગૂગલ પ્લસમાં ઓટોમેટિકલી અપલોડ થાય એવી ગોઠવણ રાખી હોય તો તમે જલદી ૧૫ જીબીની લિમિટ ઓળંગો એવું બની શકે છે.

જોકે ગૂગલ કેટલીક છૂટછાટ પણ આપે છે. ગૂગલ ડ્રાઇવમાં આપણે ગૂગલ ડોક્સ, શીટ્સ કે સ્લાઇડ્સનો ઉપયોગ કરીને જે કોઈ ફાઇલ્સ ક્રિએટ કરીએ તે આપણા સ્ટોરેજમાં ગણતરીમાં લેવામાં આવતી નથી. એ રીતે, ગૂગલ પ્લસમાં માત્ર ૨૦૪૮x૨૦૪૮ પિક્સેલ કરતાં વધુ રેઝોલ્યુશનવાળા ફોટોગ્રાફ જ ગણતરીમાં લેવાય છે. પરિણામે, જીમેઇલનું  ઇનબોક્સ ફૂલ થવાનું સૌથી મોટું કારણ જીમેઇલ પોતે જ રહે છે.

આ માટેનો એક સૌથી સહેલો રસ્તો આપણા જીમેઇલ એકાઉન્ટમાં ધરબાયેલા પડેલા, અને આપણી નજર ઉપરાંત યાદશક્તિમાંથી પણ ચાલ્યા ગયેલી હેવી મેઇલ્સ ડિલીટ કરવાનો છે. આ કામ અગાઉ ઘણું મુશ્કેલ હતું. જો તમે ઓફિસમાં માઇક્રોસોફ્ટ આઉટલૂક કે મોઝિલા થન્ડરબર્ડ જેવા ઇ-મેઇલ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હો તો તેમાં જોયું હશે કે આપણા ઈ-મેઇલ્સને આપણે જુદી જુદી ઘણી રીતે સોર્ટ કરી શકીએ છીએ, આમાંની એક રીત છે ફાઇલ્સને સાઇઝ મુજબ સોર્ટ કરવાની છે. જીમેઇલમાં આવી દેખીતી સગવડ ન હોવાથી, અગાઉ આપણે જીમેઇલમાં અમુક સેટિંગ કરી, આઉટલૂકમાં આપણા જીમેઇલ એકાઉન્ટને ક્ન્ફીગર કરીને પછી ત્યાં મેઇલ સાઇઝ મુજબ સોર્ટ કરી, નકામા અને હેવી મેઇલ્સ ડિલીટ કરવા પડતા હતા.

સદનસીબે હવે જીમેઇલમાં સરસ સગવડ ઉમેરાઈ છે. આપણા મેઇલબોક્સમાંના મેઇલ્સને સાઇઝ મુજબ સર્ચ કરવાની સગવડ. આ સગવડ આઉટલૂક જેટલી પરફેક્ટ નથી કેમ કેમ તેમાં આપણને મેઇલની એક્ઝેક્ટ સાઇઝ કેટલી છે એ ખબર પડતી નથી. તેમ છતાં, તેનાથી આપણું કામ ચાલી જાય છે.

જો તમને તમારું એકાઉન્ટ ફૂલ થઈ ગયું હોવાનો મેસેજ જોવા મળે તો સૌથી પહેલાં, ઇનબોક્સમાં છેક નીચે ડાબી તરફ આપેલી, કુલ કેટલા જીબી વપરાઈ ગયા છે તેની માહિતી તપાસી લો. હવે ‘મેનેજ’ પર ક્લિક કરતાં, આપણા સ્ટોરેજનો પાઇ ચાર્ટ જોવા મળે છે. તેના પર માઉસ લઈ જતાં, ડ્રાઇવ, જીમેઇલ અને ગૂગલ પ્લસ ફોટોઝમાં સ્ટોરેજનો કેટલો વપરાશ થયો છે તે પણ જાણી શકાય છે. જો ડ્રાઇવ કે ફોટોઝમાંથી કશું ડિલીટ થઈ શકે તેમ હોય તો ત્યાંથી ડિલીટ કરો.

જો જીમેઇલમાં જ ઘણી ખરી સ્ટોરેજ વપરાઈ હોય તો જીમેઇલમાં જઈ, તેના સર્ચ બોક્સમાં larger:25M લખીને મેઇલ્સ સર્ચ કરો. આથી ૨૫ એમબી કરતાં વધુ મોટા મેઇલ્સની યાદી જોવા મળશે. ૨૫ને બદલે તમે ૫, ૧૦, ૧૪ જેવો ગમે તે આંકડો લખી શકો છો. આ રીતે હેવી મેઇલ્સ તારવીને તેમાંથી તમારા માટે હવે નકામા હોય તેવા મેઇલ્સ શોધી કાઢો, દરેક સામેના ચેકબોક્સને ટિક કરો અને પછી સૌને એક સાથે ડિલીટ કરી દો!

 

મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો?

આજના સમયમાં એટલી બધી સર્વિસીઝ માટે આપણે પાસવર્ડ યાદ રાખવા પડે છે કે સરળતા ખાતર કાં તો એક જ પાસવર્ડ બધી જગ્યાએ વાપરીએ છીએ અથવા પછી સાવ સરળ પાસવર્ડ પસંદ કરી લઈએ છીએ. પરંતુ જે પાસવર્ડ યાદ રાખવો આપણા માટે સરળ હોય એ બીજા માટે ધારી લેવો પણ સરળ હોય એવું બની શકે છે. વાસ્તવમાં, યાદ રાખવો ભલે મુશ્કેલ બને, પાસવર્ડ અત્યંત મજબૂત હોવો ખૂબ જ જ‚રી છે. આદર્શ રીતે પાસવર્ડ તૈયાર કરતી વખતે, એપલે પોતાના આઇડી માટે આપેલા આ નિયમોને અનુસરવા જેવું છે :


  • પાસવર્ડમાં ઓછામાં ઓછો એક લેટર એટલે કે આલ્ફાબેટ હોવો જોઈએ
  • ઓછામાં ઓછો એક અક્ષર કેપિટલ હોવો જોઈએ
  • ઓછામાં ઓછો એક આંકડો હોવો જોઈએએક સરખા કેરેક્ટર્સને એક પછી એક સતત ઉપયોગ ન કરવો જોઈએ
  • એકાઉન્ટ નામ જેવો જ પાસવર્ડ ન હોવો જોઈએ
  • ઓછામાં ઓછાં ૮ કેરેક્ટર્સ હોવાં જોઈએ

સાવ કોમન પાસવર્ડ ન હોવો જોઈએછેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ કર્યો ન હોવો જોઈએમજબૂત પાસવર્ડ બનાવવા માટે આ ઉપરાંત પણ ઘણા નિયમ હોઈ શકે, પણ આટલાનું પાલન કરી શકીએ તો પણ ઘણું! તમારા પાસવર્ડ આ નિયમોમાંથી કેટલાકનું પાલન કરે છે, એ તપાસી જુઓ.

 

સ્માર્ટફોનમાં ઓટોકરેક્ટ કેવી રીતે બંધ થાય?

વોટ્સએપનો ઉપયોગ વધી પડ્યા પછી લોકોની આ તકલીફ પણ વધી ગઈ છે. સ્માર્ટફોનમાંની ઓટોકરેક્ટ સુવિધા ખરેખર તો કામની સુવિધા છે, એ આપણી સ્પેલિંગની ભૂલો આપોઆપ સુધારી લે છે – ઇંગ્લિશમાં લખતા હોઈએ તો! સોશિયલ સાઇટ્સ પર ગુજરાતીમાં લખતા હોઈએ તો સ્માર્ટફોન તો દરેક શબ્દે ગોથાં ખાઈને તેને ‘સુધારવા’ની કોશિશ કરે છે, પરિણામે આપણે કંઈક ટાઇપ કરવું હોય અને ટાઇપ થાય બીજું કંઈક.

અવું ન થાય એ માટે આપણે સ્માર્ટફોનમાં ઓટોકરેક્ટ સુવિધા બંધ કરવી પડે. એ માટે સેટિંગ્સમાં ‘લેંગ્વેજ એન્ડ ઇનપૂટ’માં જાઓ. અહીં તમે બાય ડિફોલ્ટ જે કીબોર્ડનો ઉપયોગ કરતા હો તેને માટેનાં સેટિંગ્સ પર ક્લિક કરો (જેમ કે એન્ડ્રોઇડ કીબોર્ડ કે એન્ડ્રોઇડ કીબોર્ડ (એઓએસપી). તેમાં ઓટો કરેક્શનને ઓન કે ઓફ કરવાની સુવિધા છે. અહીં થોડા બીજા વિકલ્પો પણ છે, જે તપાસી લેવા જેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!