“સાહેબ રજા પર છે, કાલે આવજો! આ શબ્દો આપણામાંના ઘણા લોકોએ સરકારી ઓફિસમાં સાંભળ્યા હશે. જાણીતા એક્ટર પંકજ કપૂરની સિરિયલ ‘ઓફિસ ઓફિસ’માં પણ, મોટા ભાગની કચેરીઓમાં સામાન્ય માણસે જે તકલીફો વેઠવી પડે છે એનો આબેહૂબ ચિતાર રજૂ થયો હતો.
હવે કેન્દ્ર સરકાર, સરકારી કચેરીઓની આ છાપ સુધારવા પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકારે હમણાં એક એટેન્ડન્સ વેબસાઇટ (attendance.gov.in/) લોન્ચ કરી છે, જેમાં તમામ સરકારી કચેરીઓમાં કોણ કોણ હાજર છે એ કોણ કોણ ગેરહાજર છે તે જોઈ શકાશે. આ વેબસાઇટ ગુજરાત મોડેલ પર નહીં પણ ઝારખંડ સરકારની આવી એક પહેલને આધારે તૈયાર કરવામાં આવી છે. બહુ સુંદર ઇન્ટરફેસ સાથેની આ વેબસાઇટ લોન્ચ થઈ ગઈ છે પણ હજી તેમાં તમામ સરકારી કર્મચારીઓની વિગતો ઉમેરાઈ નથી. એક વાર વાત એ તબક્કે પહોંચશે પછી સરકારી કર્મચારીઓ માટે પોતાના ડેસ્ક પરથી દૂર જવું મુશ્કેલ બનશે અને સામાન્ય લોકોની હાલાકી ઘટશે એ નક્કી.