ગયા મહિને, દિવાળીના દિવસો દરમિયાન વાસ્તવિક જગતમાં જેટલા ફટાકડા ફૂટ્યા, લગભગ એટલા જ ધૂમધડાકા ઓનલાઇન રિટેઇલિંગ જગતમાં પણ થયા.
આગળ શું વાંચશો?
- આટલો હોબાળો કેમ?
- ભારતમાં ઓનલાઈન શોપિંગની શરુઆત?
- એ બધું તો ઠીક, ગ્રાહક તરીકે મારી માટે મહત્વની વાત કઈ?
ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી જાયન્ટ ઓનલાઇન શોપિંગ સાઇટ્સે એક દિવસ અથવા એક અઠવાડિયા સુધી ‘અનબિલિવેબલ’ અને ‘નેવર બીફોર’ ઓફર્સ સાથે સેલ યોજીને અખબારોમાં આખેઆખાં પાનાં ભરીને અને ટીવી પર પણ જાહેરાતોનો મારો ચલાવ્યો અને સામે પક્ષે આ બંને મહારથીને હંફાવતી સ્નેપડીલ કંપનીએ ‘અમારે ત્યાં એક દિવસ કે અઠવાડિયું નહીં, રોજેરોજ આવી ઓફર્સ હોય છે’ એવા મતલબની જાહેરાતોથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી. આ બધી કંપનીઓએ ફક્ત જાહેરાતો પાછળ જ ૨૦૦ કરોડ રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો હોવાનો એક અંદાજ છે. ઓનલાઇન શોપિંગનો આ માહોલ એટલો જામ્યો કે આ વખતની દિવાળી ભારતમાં પહેલી વાર ઓનલાઇન દિવાળી તરીકે ઉજવાઈ.
તમે આ વાંચતા હશો ત્યાં વાસ્તવિક અને વર્ચ્યુઅલ બંને પ્રકારના ધૂમઘડાકા શમી ગયા હશે અને કદાચ દેવ-દિવાળી દરમિયાન નાનાં-મોટાં છમકલાં કરી લેવાની કોશિશ ચાલતી હશે, પણ વાસ્તવિક જગતમાં જેટલી શાંતિ પ્રસરી ગઈ હશે એટલી શાંતિ વર્ચ્યુઅલ જગતમાં નહીં હોય. ત્રણેય મોટી કંપનીઓ વર્ષાંતે ક્રિસમસ અને ન્યૂ યરના પાર્ટી માહોલ દરમિયાન ફરી એક વાર દિવાળીવાળી કરવાની તૈયારીમાં અત્યારથી જ લાગી ગઈ હશે. ફ્લિપકાર્ટ કંપનીએ દિવાળી પહેલાં તેના એક દિવસના સેલમાં વેપાર ભલે કરોડો-અબજોનો કર્યો પણ તેનું નામ ખાસ્સું એવું વગોવાયું છે એટલે આ કંપની પોતાની બધી ભૂલો સુધારી લેવાની કોશિશ કરશે અને એમેઝોન તથા સ્નેપડીલ ભારતની નંબર વન શોપિંગ સાઇટનો ખિતાબ ફ્લિપકાર્ટ પાસેથી ખૂંચવી લેવા માટે એડી-ચોટીનું જોર લગાવી દેશે.
આટલો હોબાળો કેમ?
આખરે એવું તે શું છે ભારતના ઓનલાઇન શોપિંગ માર્કેટમાં કે આટલો હોબાળો મચ્યો છે?
આપણે પોતાની જ વાત વિચારીએ તો તમે પહેલો મોબાઇલ બે-ત્રણ મિત્રોને પૂછી, ત્રણ-ચાર શોમમાં ફરી, એક-બે મોડેલ જોઈને ખરીદ્યો હશે. અને અત્યારે જે મોબાઇલ વાપરો છો તે? કાં તો ઓનલાઇન જ ખરીદ્યો હશે અથવા કેટલીય સાઇટ્સમાં કેટકેટલાંય મોડેલ્સ કમ્પેર કરીને પછી એક પર કળશ ઢોળ્યો હશે. એક સમય એવો હતો જ્યારે સાડી કે શૂટિંગ શર્ટિંગ માટેનું કાપડ આપણે અચૂક હાથમાં લઈને, કાપડ કેટલું સુંવાળું છે એ જોઈ-તપાસીને ખરીદી કરતા. હવે તો જેના માટે પરફેક્ટ ફીટિંગ જરૂરી હોય એવાં રેડિમેઇડ કપડાં કે જૂતાં સુદ્ધાં ઓનલાઇન ખરીદતાં લોકો ખચકાતા નથી. સ્નેપડીલના સ્થાપકે હમણાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની સાઇટ પર દર ૧૨ સેકન્ડે એક સાડી વેચાય છે!
એક સમયે ઓનલાઇન પેમેન્ટ કરતાં પણ લોકો ખચકાતા. હવે જે થોડા ઘણા લોકોમાં હજી એ ખચકાટ રહ્યો છે એમના માટે કેશ-ઓન-ડિલિવરીનો વિકલ્પ હાથવગો છે. ઓનલાઇન ખરીદેલી વસ્તુ ઓરિજિનલ હશે કે નહીં એવો ડર પણ હવે રહ્યો નથી કેમ કે કપડાં સુદ્ધાં ટ્રાયલ લઈને ન ગમે તો રીટર્ન કરી શકાય છે! ઇ-કોમર્સ એટલું આગળ વધ્યું છે કે છાપાંની પસ્તી કે રોજેરોજનાં શાકભાજી પણ હવે ઓનલાઇન ખરીદાવા લાગ્યાં છે.
ગરમીમાં, ભીડમાં, બજારમાં ફરીને ખરીદી કરવાનો હવે કોઈ પાસે સમય નથી, ગાડી બજારમાં ક્યાં પાર્ક કરવી એ પ્રશ્ન સૌ કોઈને છે. આ બધામાં ઘર કે ઓફિસમાં શાંતિથી બેઠાં બેઠાં અઢળક ઓપ્શનમાંથી પસંદગી કરીને વસ્તુ આવે પછી રકમ ચૂકવવાનો વિકલ્પ અનેક લોકોને માફક આવી ગયો છે. આ બધા ઉપરાંત જ્યારે ૫૦ ટકાથી ૯૫ ટકા સુધીની ઓફર્સ દેખાય તો કોણ એ તરફ દોટ ન મૂકે?
આ બધાને કારણે આ વખતે પહેલી વાર એવું બન્યું કે દિવાળી દરમિયાન ભારતની સામાન્ય બજારોના વેપારીઓને ઓનલાઇન શોપિંગની ઝાળ દઝાડવા લાગી છે. કરિયાણાના વેપારીઓને મોલનો ડર હતો એવી આ વાત નથી, હવે તો તમામ પ્રકારની ચીજવસ્તુઓ વેચતા લોકોને પોતાના વેપાર વિશે નવેસરથી વિચારતા કરે એવો આ ટ્રેન્ડ છે. આખરે એવું તે શું કારણ છે કે ભારતમાં ઓનલાઇન શોપિંગ આટલું જોર પકડી રહ્યું છે? આપણે ઓનલાઇન શોપિંગનાં અંદર-બહારનાં બધાં પાસાં સમજવાની કોશિશ કરીએ.
ભારતમાં ઓનલાઇન શોપિંગની શરૂઆત
દુનિયા આખી ઓનલાઈન શોપિંગ તરફ વળી રહી હોય ત્યારે દુનિયાના સૌથી મોટા બજારોમાંના એક ભારતમાં કશી હલનચલન ન થાય એવું કેમ બને?
ભારતમાં ૧૯૯૫ સુધીમાં ઇન્ડિયા ટાઇમ્સ, યાહૂ, સીફી, રીડીફ વગેરે સાઇટ પર શોપિંગની શરૂઆત થઈ. આ બધા વચ્ચે બાઝી.કોમ નામની કંપની ખાસ્સી લોકપ્રિય થઈ અને ૨૦૦૫માં ઇબે કંપનીને તેને ખરીદી લીધી.
દરમિયાન, એમેઝોનમાં નોકરી કરતા બે મિત્રોએ એમેઝોનની નોકરી છોડીને, એમેઝોનની જેમ જ પુસ્તકો ઓનલાઇન વેચવાની શરૂઆત કરી, જે આજે ફ્લિપકાર્ટ નામે ભારતમાં એમેઝોનને હંફાવી રહી છે. એેમેઝોને ૨૦૧૨માં ભારતમાં પ્રવેશ કર્યો, ત્યારે તેણે પહેલાં જંગલી.કોમ ને તરાપે પાણીમાં ઉતરવાનું પસંદ કર્યું. એ પછીનાં વર્ષોમાં નાની-મોટી ઘણી ઓનલાઇન શોપિંગ કંપનીઓ શરૂ થઈ. ૨૦૧૦માં શરૂ થયેલી સ્નેપડીલ કંપનીએ શરૂ શરૂમાં અમેરિકાની ગ્રુપઓન સાઇટની જેમ લોકોને રેસ્ટોરાં, સ્પા, બ્યુટી પાર્લર વગેરે જગ્યાનાં ડિસ્કાઉન્ટ કૂપન વેચવાનું ચાલુ કર્યું અને ૨૦૧૧થી તેણે પણ સંખ્યાબંધ ચીજવસ્તુઓ ઓનલાઇન વેચવાનું શરૂ કરી દીધું.
અલબત્ત, ભારતમાં ઓનલાઇન શોપિંગ હજી સાવ પાપા પગલી ભરી રહ્યું છે. ભારતનું કુલ રીટેઇલ માર્કેટ ૨૦૧૩માં ૪૨૧ અબજ ડોલરનું હતું અને તેમાં ઓનલાઇન શોપિંગનો ફાળો ફક્ત ૨થી ૩ અબજ ડોલરનો જ હતો (તેની સામે ચીનમાં ઇ-કોમર્સ સેલનો આંકડો ૨૦૦ અબજ ડોલરે પહોંચી રહ્યો છે!). જોકે ભારતમાં ઇન્ટરનેટનો પીસી અને મોબાઇલ પર વપરાશ સતત વધતાં ઓનલાઇન શોપિંગ પણ જબ્બર વધી રહ્યું છે અને પાંચ વર્ષમાં તે લગભગ ૨૨ અબજ ડોલરના આંકડે પહોંચશે.
આપણે અખબારોમાં ઓનલાઇન સ્ટોર્સની આખે આખાં પાનાની જાહેરાતો હમણા હમણાથી જ જોતા થયા છીએ, કેમ કે આ કંપનીઓને હમણાં હમણાંથી, મોટા ભાગે વિદેશોમાંથી જબરું ભંડોળ મળતું થયું છે. ભારતની અને વિદેશની જે મોટી કંપનીઓને, જે નાની કંપનીમાં વિકાસની મોટી તક દેખાય તેને જંગી લોન આપતી હોય છે. ભારતમાં બજાર બહુ મોટું છે પણ કાયદાની અડચણોને કારણે દુનિયાભરની જાયન્ટ રીટેઇલિંગ કંપનીઓ ભારતમાં સીધો પ્રવેશ મેળવી શકતી નથી એટલે તેમણે ભારતની ઓનલાઇન શોપિંગ સાઇટ્સમાં રોકાણ કરીને, ભારતનાં બજારો પર પકડ જમાવવાની શરૂઆત કરી છે. ભારતની સાઇટ્સ જેમ વધુ લોકપ્રિય બનતી જાય છે તેમ તેમાં નાણા રોકાણનું પ્રમાણ પણ વધતું જાય છે.
ફ્લિપકાર્ટના રજિસ્ટર્ડ યુઝર્સની સંખ્યા ૨.૨ કરોડે પહોંચી છે અને આ વર્ષે જુલાઈ મહિનામાં તેેને પોતાના અગાઉના ઇન્વેસ્ટરપાસેથી વધુ ૧ અબજ ડોલરનું ભંડોળ મળ્યું છે! સરખામણી કરવી હોય તો જાણી લો કે ફેબ્રુઆરી ૨૦૧૧માં ફેસબુકે આટલું ભંડોળ મળ્યું હતું એ આ વર્ષે ટેક્સી કંપની ઉબેરને પણ આટલાં નાણાં વેન્ચર કેપિટલિસ્ટ્સ તરફથી મળ્યાં છે!
ફ્લિપકાર્ટની આ જાહેરાતના હજી ગણતરીના કલાક થયા હતા ત્યાં એમેઝોને પણ જાહેરાત કરી કે તે ભારતમાં ૨ અબજ ડોલરનું રોકાણ કરશે. એમેઝોનના વડા હમણાં ભારતની મુલાકાતે પણ આવી ગયા. સ્નેપડીલનેપણ કરોડો ડોલરનું રોકાણ મળી રહ્યું છે. ટાટા ગ્રૂપના રતન ટાટા પણ સ્નેપડીલમાં અંગત રીતે મોટાપાયે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવાા સમાચાર છે. આ બધાં નાણાં આ વખતે દિવાળીના ધૂમધમાકા રૂપે દેખાયાં છે!
હકીકત એ છે કે ભારતમાં રીટેઇલ ક્ષેત્રે વિદેશી કંપનીઓને પ્રવેશવાની હજી છૂટ મળી નથી. એટલે જ તો વોલમાર્ટ કે આઇકિયા જેવી જાયન્ટ રીટેઇલ કંપનીઝ ભારતમાં હજી પોતાના મેગાસ્ટોર્સ ખોલી શકી નથી. હકીકતમાં વિશ્વમાં હવે બહુ થોડા દેશ એવા રહ્યા છે જેમાં બજાર બહુ મોટું હોવા છતાં આ કંપનીઓ પ્રવેશી શકી નથી. ભારત આ દેશોમાનો એક છે. જોકે વિદેશી કંપનીઓને તેમની આડેના અવરોધોમાંની છટકબારીઓ શોધી લીધી છે.
એ બધું તો ઠીક, ગ્રાહક તરીકે મારી માટે મહત્ત્વી વાત કઈ?
સૌથી પહેલાં તો, એક ગ્રાહક તરીકે આપણે એ સમજવું રહ્યું કે ભારતની ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કેવી રીતે કામ કરે છે? આ શોપિંગ સાઇટ્સ વાસ્તવમાં એક પ્લેટફોર્મ તરીકે વર્તે છે, જેના પર જુદા જુદા વેપારીઓ (કંપનીઓ નહીં) પોતાની પ્રોડક્ટ્સ વેચી શકે છે. આપણે એમ માનીએ કે આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ કે સ્નેપડીલ પાસેથી વસ્તુ ખરીદી, પણ વાસ્તવમાં એવું હોતું નથી. આ બધી સાઇટ પર તમે કોઈ પણ પ્રોડક્ટના પેજ પર પહોંચો તો ત્યાં એ એક જ પ્રોડક્ટ માટે જુદા જુદા એક સેલર્સની ઓફર્સ જોઈ શકો છો. આ બધાની કિંમત જુદી જુદી હોઈ શકે છે એ વેચાણની શરતો પણ જુદી જુદી હોઈ શકે છે.
એમેઝોન પર તમે શોપિંગ કરો તો ત્યાં અમુક પ્રોડક્ટ પેજ પર ‘એમેઝોન ફૂલફિલ્ડનો પેજ જોઈ જોઈ શકશો. ફ્લિપકાર્ટ પર આ માટે ‘એડવાન્ટેજ’ લખેલો બેજ દેખાશે એ સ્નેપડિલ પર પણ આવી વ્યવસ્થા છે. તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ તો સમજાય છે કે આવો બેજ ધરાવતી પ્રોડક્ટની ગુણવત્તા જે તે સાઇટે પોતે ચેક કરેલી છે, તેણે પોતતે તે મેળવી છે એ તેા જ વેરહાઉસમાંથી પેક થઈને તે આપણા સુધી પહોંચે છે.આનો બીજો અર્થ એ પણ થયો કે આવો બેજ ધરાવતી પ્રોડક્ટ્સની ગુણવત્તા જે તે સાઇટે ચેક કરેલી હોતી નથી.
બીજો એક મુદ્દો પણ મહત્ત્વો છે. ફ્લિપકાર્ટ પર દરેક પ્રોડક્ટ પેજના અંતે લખ્યું હોય છે કે ફ્લિપકાર્ટ પર વેચાતી દરેક વસ્તુ બ્રાન્ડ ન્યૂ અને ૧૦૦ પરસેન્ટ ઓરિજિલ હોય છે. આવું કેમ લખવું પડ્યું? કેમ કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમના એક અભ્યાસ મુજબ, ભારતમાં દર વર્ષે લગભગ રૂ. ૧૭૦૦૦ કરોડ રૂપિયાની લક્ઝરી બ્રાન્ડની નકલી ચીજવસ્તુઓ ઓનલાઇન વેચાય છે. ભારતમાં વેચાતી કુલ નકલી ચીજવસ્તુઓમાની લગભગ ૨૫ ટકા હવે ઓનલાઇન વેચાય છે. પ્રીમિયમ ટી-શર્ટ બનાવતી લેકોસ્ટે કંપની તેની પ્રોડક્ટ ઓનલાઇન વેચતી નથી, પણ કેટલીક સાઇટ પર તેના નામનાં ટી-શર્ટ વેચાય છે. મો બ્લાં પેન કે ગુસી પરફ્યુમ્સ બહુ સસ્તા ભાવે ઓનલાઇન મળી જાય તો એ નકલી હોવાની પૂરી શક્યતા છે.
અસલી ચીજવસ્તુમાં પણ લગભગ દરેક ચીજવસ્તુના ભાવ દરરોજ બદલાતા હોય છે એ જુદા જુદા પ્રદેશમાં રહેતા લોકોને જુદી જુદી કિંમત જોવા મળે એવું પણ બની શકે છે, અલબત્ત આ ગેરકાયદે નથી.
વધુ ચિંતાજનક મુદ્દો વોરંટીનો છે. જેમ કે અમુક કંપનીની કેટલીક પ્રોડક્ટની વોરંટી તેનું ઉત્પાદન જે દેશમાં થયું હોય ત્યાં જ લાગુ પડતી હોય છે. ભારતમાં ઓનલાઇન સાઇટ્સ પર વિવિધ પ્રોડક્ટ્સ વેચતા સેલર્સ જો બીજા દેશમાથી પ્રોડક્ટ્સ ખરીદી લાવ્યા હોય તો તેની વોરંટીનો ભારતના ગ્રાહકને લાભ મળે એવું શક્ય છે.
ઓનલાઇન સાઇટ્સ સખત ઓછા ભાવે ચીજવસ્તુઓ વેચી રહી હોવાની એ જ વસ્તુ વાસ્તવિક શોરૂમમાંથી ઊંચા ભાવે ખરીદનાર વ્યક્તિને પોતે છેતરાયાની લાગણી થાય એ સ્વાભાવિક છે. આ જ કારણે મોટી કંપનીઓ પોતાની બ્રાન્ડ ઇમેજ જોખમાય નહીં એ માટે હવે ઓનલાઇન સાઇટ્સ પ્રત્યે કડક બની રહી છે. કેટલીય કંપનીઓ ઓનલાઇન વેચાતી પ્રોડક્ટ પર વોરન્ટી કે સર્વિસો લાભ આપતી હોવાનો મુદ્દો પણ અવારનવાર ચર્ચાયો છે.
દિવાળી પહેલાં ફ્લિપકાર્ટના ફ્લોપ ગણાયેલા સેલથી સેમસંગ, એલજી, સોની જેવી મોટી કંપનીઓ તેમની પ્રોડક્ટસ તેમની કોસ્ટ કરતાં પણ ઓછા ભાવે વેચાઈ હોવાથી સખ્ખત ગિન્નાઈ છે. કેટલીક કંપનીઓએ ફ્લિપકાર્ટે તેમની સાથેના કરારનો ભંગ કર્યો હોવાના મુદ્દે ફ્લિપકાર્ટને અદાલતમાં પડકારવાની પણ વાતો કરી છે. સરકારે પણ લોકોની ફરિયાદો તરફ ‘ધ્યાન આપવાની ખાતરી’ આપી છે.આ બધું બતાવે છે કે ઓનલાઇન શોપિંગ અસ્સલ અમદાવાદીને બહુ ગમે તેવું – સસ્તુ, સારું, નમતું ને ઉધાર (ખરીદ્યા પછી વસ્તુ મળે ત્યારે જ રૂપિયા ચૂકવો) – હોવા છતાં, તેમાં હજી પારદર્શિતાનો ઘણો અભાવ છે. ઓનલાઇન શોપિંગ કરવામાં ફાયદા ચોક્કસ છે, પણ ફક્ત કિંમતથી લલચાઈને નહીં પણ સાચવી-સંભાળીને શોપિંગ કરો તો!
વિશ્વભરમાં ઓનલાઇન શોપિંગ
ઇલેક્ટ્રોનિક સ્વરુપે નાણાંની લેવડદેવડની શઆત ’૬૦ના દાયકામાં થઈ, પણ ઇ-કોમર્સનો વિચાર તો ’૯૦ના દાયકામાં જન્મ્યો. જોકે આજના ઇ-કોમર્સ કે ઓનલાઇન શોપિંગના જન્મદાતા હોવાનું શ્રેય મોટા ભાગના લોકો માઇકલ એલ્ડ્રીક નામના ઇંગ્લેન્ડના એક સજ્જનને આપે છે.
૧૯૭૯માં આ માઇકલભાઈ પત્ની સાથે એક સુપરમાર્કેટમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે એમને એક વિચાર સ્ફૂર્યો અને તેમણે પોતાના ટીવી, કમ્પ્યુટર અને ટેલિફોન લાઇનને જોડીને, લોકો ઘેરબેઠાં કરિયાણાના ઓર્ડર આપી શકે એવી વ્યવસ્થા ઊભી કરી. એ પછી, ૧૯૯૦માં વર્લ્ડવાઇડવેબના જન્મ પછી આખી વાતે વેગ પકડ્યો અને ૧૯૯૫માં એમેઝોન.કોમ નામે ઓનલાઇન પુસ્તકો વેચતી કંપનીની શરૂઆત થઈ (ઇમેઇલની શરૂઆત પણ ૧૯૯૬માં હોટમેઇલના આગમન સાથે થઈ).
૧૯૯૮માં ગૂગલની શરૂઆત થઈ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ વધતી ગઈ એ સાથે ઓનલાઇન ચીજવસ્તુઓ વેચવાનું પ્રમાણ પણ વધતું ગયું. ૨૦૦૨થી ઇન્ટરનેટ પર મળતી જુદી જુદી ચીજસ્તુઓની કિંમત સરખાવતી વેબસર્વિસીઝ પણ શરૂ થવા લાગી. એ સમયે દુનિયાના લગભગ અડધા અબજ જેટલા લોકો નેટ સાથે કનેક્ટેડ થઈ ગયા હતા. ૨૦૦૩માં એપલ કંપનીએ આઇટ્યૂન્સ સ્ટોર શરૂ કરીને ડિજિટલ ક્ન્ટેન્ટ ખરીદીને ડાઉનલોડ કરી શકાય એવી સગવડ ઊભી કરી. ૨૦૦૮માં અમેરિકામાં ‘ગ્રુપઓન’ નામે એક વેબસર્વિસ શરૂ થઈ, જેમાં એક જ ચીજ ખરીદવા ઇચ્છતા લોકો એકઠા થઈને એ પ્રોડક્ટ બનાવતી કંપની પાસેથી સામટી ખરીદી સામે મોટું ડિસ્કાઉન્ટ મેળવે એવી વ્યવસ્થા લોકપ્રિય થવા લાગી. ત્યાં સુધીમાં એમેઝોન કંપનીએ પુસ્તકો ઉપરાંત આપણે જેની જેની કલ્પના કરી શકીએ એ બધી જ ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદી શકાય એવો પોતાનો ફેલાવો કરી લીધો.
આજે શું સ્થિતિ છે? વિશ્વસ્તરે સર્વેક્ષણ કરવા માટે જાણીતી કંપની નેલ્સને ૬૦ દેશોમાં કરેલા ગ્લોબલ ઇ-કોમર્સ સર્વે અનુસાર વર્ષ આખી દુનિયામાં ૨૦૧૧માં જેટલા લોકોએ ઓનલાઇન શોપિંગ કરવાનું નક્કી કર્યું હતું તેમના કરતાં બમણા લોકો ૨૦૧૪માં ઓનલાઇન શોપિંગ તરફ વળી રહ્યા છે.
સ્માર્ટ શોપિંગ માટેનાં સ્માર્ટ ટૂલ

ઓનલાઇન શોપિંગ કરવાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે આપણે એક ડગલું ભર્યા વિના અલગ અલગ સંખ્યાબંધ સાઇટ પર એ જ વસ્તુની કિંમત તપાસી શકો છો. ઓનલાઇન શોપિંગ વિસ્તર્યા પછી એવી પણ સંખ્યાબંધ સાઇટ્સ શરુ થઈ છે જે આપણે જે તે પ્રોડક્ટ માટે એક જ સ્થળે જુદી જુદી સાઇટ પરની કિંમત બતાવે છે એ પછી એક ક્લિકમાં જે તે સાઇટ પર જઈને આપણે તેની ખરીદી કરી શકીએ છીએ. એમેઝોને જેના રસ્તે ભારતના માર્કેટમાં પ્રવેશ કર્યો તે http://www.junglee.com આવી જ એક સાઇટ છે. આ સાઇટના દાવા મુજબ, તેના પર આપણે ૨૦૦૦થી વધુ શોપિંગ સાઇટ્સ અને ૩ કરોડથી વધુ પ્રોડક્ટ્સ તપાસવાનો લાભ મળે છે!
બીજો એક રસ્તો જુદી જુદી સાઇટ પર, પ્રોડક્ટ પેજ પર પહોંચ્યા પછી એ જ પ્રોડક્ટ માટે અલગ અલગ સાઇટના ભાવ જાણવાનો છે. ‘બાય હટકે’ (http://compare.buyhatke.com) આવું એક ટૂલ છે. આ ટૂલ આપણે ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સના એક્સટેન્શન સ્વરુપે મળે છે. આપણા બ્રાઉઝરમાં તેે ઇન્સ્ટોલ કર્યા પછી આપણે કોઈ પણ શોપિંગની સાઇટના પ્રોડક્ટ પેજ પર પહોંચીએ એટલે આ એક્સટેન્શન સૌથી મથાળે પ્રાઇસ કમ્પેરિઝનની સુવિધા આપે છે, જેની મદદી આપણે બીજી સાઇટ પર ગયા વિના, જુદી જુદી સાઇટ પર એ જ પ્રોડક્ટના શું ભાવ ચાલે છે તે જાણી શકીએ છીએ.
એટલું જ નહીં, આ ટૂલ આપણે એ પણ છેલ્લા અમુક દિવસથી આ પ્રોડક્ટની કિંમતમાં દરરોજ કેટલી વધઘટ થઈ છે (કેટલાક સ્માર્ટલોકોએ આ જ ટૂલથી સાબિત કર્યું હતું કે ફ્લિપકાર્ટે સેલના દિવસે અમુક પ્રોડક્ટના ભાવ એકદમ વધારીએ છીએ તેમાં ડિસ્કાઉન્ટ ઓફર કર્યુ હતું!). આપણે જે તે પ્રોડક્ટની, આપણને પોસાય તેવી અમુક ચોક્કસ કિંમત નક્કી કરીએ એ જ્યારે પ્રોડક્ટની કિંમત એટલી નીચી જાય ત્યારે આપણે ઇ-મેઈલથી એલર્ટ મળી જાય એવી સુવિધા પણ આ ટૂલ આપ છે!
આ પણ જાણી લો…
- અમેરિકામાં કુલ ઓર્ગેનાઇઝ્ડ રીટેઇલ સેલમાંથી ઇ-કોમર્સો ફાળો ૨ ટકાથી ૬ ટકા સુધી પહોંચતાં ૮ વર્ષ લાગ્યાં હતાં.
- ભારતમાં આવું ૧૦૧૬ સુધીમાં ફક્ત ચાર વર્ષમાં શક્ય બનશે.
- ચીને ફક્ત ૨ વર્ષમાં આવી હરણફાળ ભરી લીધી છે.
- ભારતમાં ૨૦૧૩ સુધીમાં બે કરોડ લોકો ઓનલાઇન શોપિંગ કરતા થઈ ગયા હતા એ બે વર્ષમાં આ આંકડો બમણો થઈ જશે.
- ભારતમાં નાનાં શહેરોમાં મોબાઇલ પરથી ઓનલાઇન શોપિંગ કરતા લોકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ૨૦૧૬ સુધીમાં ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ કરતા લોકોની સંખ્યા ૪૦ કરોડે પહોંચશે એ ત્યારે તેમાના ૯૦ ટકા લોકો મોબાઇલ પર ઇન્ટરનેટ એક્સેસ કરતા હશે!
ફ્લિપકાર્ટની સાઇટ પાછળું એન્જિનીયરીંગ
ફ્લિપકાર્ટ સંચાલકો કહે છે ‘બિગબિલયડે’ સેલ દરમિયા તેમની સાઇટની એક અબજ લોકોએ મુલાકાત લીધી! આ પ્રચંડ ધસારા દરમિયા સાઇટ વારંવાર ક્રેશ થઈ એ અલગ વાત છે, પણ રોજબરોજના વિશાળ ટ્રાફિકે હોંચી વળવું એ નાનું સૂનું કામ નથી. એ માટે વેબસાઇટનું સ્ટ્રક્ચર પણ વિચારપૂર્વક સજ્જ રાખવું પડે. આ વિષયના અભ્યાસુઓને, ફ્લિપકાર્ટ એન્જિનીયર્સ આ કામ કેવી રીતે કરે છે એ જાણવામાં રસ હોય તો ફ્લિપકાર્ટ ટેકનિકલ હેડ સિદ્ધાર્થ રેડ્ડીએ તૈયાર કરેલું આ પ્રેઝન્ટેશ જોવા જેવું છે : http://www.slideshare.net/sids/how-flipkart-scales-php
એમેઝોનના વેરહાઉસમાં એક લટાર
ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર આપણે તો ફક્ત સાઇટ ઓન કરીને ઓર્ડર આીએ છીએ એ પછી વસ્તુ ઘરે પહોંચે તેની રાહ જોઈએ છીએ, પણ એ બંને વચ્ચે સાઇટ્સા સંચાલકોએ ઘણું બધું કરવું પડે છે.
ભારતમાં પોસ્ટ અને કુરિયર બંનેની કાર્યક્ષમતા નબળી હોવાને કારણે મોટા ભાગની મોટી શોપિંગ સાઇટ્સે વસ્તુઓની ડિલિવરી માટે તેમની પોતાની વ્યવસ્થાઓ ગોઠવી છે. આ કામ કેટલું મુશ્કેલ છે એ સમજવું હોય એ એમેઝોા વેરહાઉસમાં એક લટાર મારવી હોય તો આ બેં વીડિયો જોઈ જુઓ
:http://youtu.be/mXTAY3Mxs8E અને http://youtu.be/Lb-4rt_6wDo
ફ્લિપકાર્ટને લોકો કહે છે, “નો ઉલ્લુ બનાવીંગ!”
દિવાળી હેલાં, છઠ્ઠી ઓક્ટોબરે ભારતની સૌથી મોટી શોપિંગ સાઇટ ગણાતી ફ્લિકાર્ટે બહુ ઉત્સાહી ‘બિગ બિલિય ડે’ ઉજવ્યો એ તેની અગાઉ બહુ મોટા પાયે તેની જાહેરાતો કરી.
ભારતના ઓનલાઇન શોપિંગના ઇતિહાસમાં ‘સૌથી મોટા’ એવા સેલ માટે આ તારીખ પસંદ કરવાનું કારણ એ હતું કે બે યુવા મિત્રોએ ૨૦૦૭માં બેંગલોરમાં ૬/૧૦ નંબરના ફ્લેટમાં ફ્લિપકાર્ટની શરૂઆત કરી હતી. પોતાના ઘરના બે-બે લાખના રોકાણની એ પહેલા ૧૮ મહિના સુધી દર મહિેને પરિવાર પાસેથી રુ. ૧૦,૦૦૦નું એલાઉન્સ મેળવીને ફ્લિપકાર્ટ શરૂ કરનારા આ બેં મિત્રોએ આઇઆઇટીમાં એન્જિયિરિંગી ડીગ્રી મેળવી છે એ એક સમયે એમેઝોનમાં નોકરી કરી હતી! હવે એ બેં એમેઝોનને જ હંફાવી રહ્યા છે.

જોકે બિગ બિલિયન સેલ વખતે કંપનીની વિશ્વસનીયતા સદંતર જોખમાઈ ગઈ. છઠ્ઠી તારીખે લોકો વહેલી સવારથી માઉસ પર પકડ જમાવીને પસંદગીની ચીજવસ્તુઓ માટે બાય નાઉ બટન પર ત્રાટકવા તૈયાર હતા. ઓફર્સ ખરેખર માની ન શકાય એવી હતી, પણ ઘડીના છઠ્ઠા ભાગમાં જંગી ડિસ્કાઉન્ટવાળી ચીજવસ્તુઓ આઉટઓફસ્ટોક કે સોલ્ડઆઉટ થઈ ગઈ. થોડા સમય પછી તો આખી સાઇટ જ ક્રેશ થવા લાગી.આ બધાનો સોશિયલ મીડિયા પર એવો પડઘો પડ્યો કે ફ્લિપકાર્ટના સંચાલકોએ તેના તમામ ગ્રાહકોની માફી માગતો ઇમેઇલ મોકલીને કહ્યું કે “લોકોનો પ્રતિસાદ એટલો બધો હતો કે અમારી તૈયારીઓ ઓછી પડી.
અહીં સુધી બધું બરાબર છે – જબરાં ડિસ્કાઉન્ટ હોય તો વસ્તુઓ તરત વેચાઈ જાય, ધસારો સખત હોય તો સાઇટ ક્રેશ થાય એ પણ સમજી શકાય, પણ સોશિયલ સાઇટ્સ પર વિવિધ લોકોએ જે બીજી વાતો પણ લખી એ જોતાં સ્પષ્ટ થાય કે સેલ ઓફલાઇન હોય કે ઓનલાઇન, લોકોને આકર્ષવાની ટ્રીક્સ બધે સરખી જ છે.
સોશિયલ મીડિયા પર રહી ગયેલા લોકોની અકળામણ ઉપરાંત, કેટલાક ખરેખર સ્માર્ટ લોકોએ આખી વાતમાં લીધેલો ઊંડો રસ પણ દેખાઈ આવ્યો. આવા સ્માર્ટ લોકોના હાથમાં હવે સ્માર્ટ ટૂલ્સ પણ છે. ઇન્ટરનેટ પર હવે એવી ઢગલાબંધ સાઇટ્સ અને એપ્સ છે જેની મદદથી આપણે જુદી જુદી ચીજવસ્તુઓના, જુદા જુદા ઓનસાઇન સ્ટોર્સમાં શું ભાવ ચાલી રહ્યા છે એ તપાસી શકીએ છીએ (જુઓ બોક્સ).
ટવીટર, ફેસબુક વગેરે પર સંખ્યાબંધ લોકોએ જે સ્ક્રીનશોટ્સ મૂક્યા છે એ બતાવે છે કે ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડે અગાઉ સંખ્યાબંધ ચીજવસ્તુઓના ભાવ સારા એવા વધારી દેવામાં આવ્યા હતા અને પછી સેલના દિવસે તેમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ટ્રાન્સેન્ડની જેટફ્લેશ ૫૦૦ ૬૪ જીબીની પેનડ્રાઇવની મૂળ કિંમત રૂ. ૪૯,૯૯૯ બતાવીને પછી તેમાં ૯૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે તેને રૂ. ૨૨૯૯માં ઓફર કરવામાં આવી, પણ આ જ પેનડ્રાઇવ બીજા ઘણા ખરા ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોરમાં સરેરાશ રૂ. ૨૫૦૦ના ભાવે જ મળે છે! આ લખાઈ રહ્યું હતું ત્યારે સ્નેપડીલ પર એ જ પેનડ્રાઇવની મૂળ કિંમત રૂ. ૨૯૫૦ બતાવી છે અને ૩૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૧૯૨૮માં વેચાઈ રહી હતી.
ઘણા બધા લોકોએ પોતાના સ્વીકારાઈ ગયેલા ઓર્ડર આપોઆપ કેન્સલ થયા હોવાની ફરિયાદ પણ ફ્લિપકાર્ટના મેસેજના સ્ક્રીનશોટ સાથે સોશિયલ મીડિયા પર મૂકી.
હકીકત એ છે કે ભારતમાં ઓનલાઇન શોપિંગને લોકપ્રિય બનાવવામાં ફ્લિપકાર્ટનો બહુ મોટો ફાળો છે. ૨૦૦૭માં એમેઝોનને નજર સામે રાખીને ફ્લિપકાર્ટની શરૂઆત થઈ ત્યારે લોકોને ઓનલાઇન ખરીદી વિશે જાતભાતની શંકાઓ હતી. એમાંથી આજે લોકો પેનડ્રાઇવ અને મોબાઇલ તો ઠીક, દુકાનોમાંથી માપ્યા વિના જેની ક્યારેય ખરીદી કરી ન હોય એવાં જૂતાં પણ ઓનલાઇન ખરીદવા લાગ્યા છે. સેલમાં સંખ્યાબંધ વાંધાઓ હોવા છતાં, કંપનીએ ફક્ત એક દિવસના સેલમાં પૂરા ૬ અબજ રૂપિયાના માલસામાનનું વેચાણ કર્યું હોવાનો દાવો કર્યો છે.
છતાં એટલું નક્કી કે ભારતમાં ઓનલાઇન રીટેઇલિંગ ઇન્ડસ્ટ્રીએ આગળ વધવું હશે તો બરાબર સમજવું પડશે કે ભલે ધીમી ગતિએ, પણ હવે કસ્ટમર્સ ખરેખર સ્માર્ટ બની રહ્યા છે.


