ઓફિસમાં તમારું મન કામમાં ચોંટતું ન હોય તો એનું કારણ તમારા બોસ ઉપરાંત તમારા પીસીમાં ડેસ્કટોપ પર જમા થયેલા આઇક્ધસ પણ હોય શકે છે. ઘણા લોકોની જેમ તમને પણ જુદી જુદી ફાઇલ્સ ડેસ્કટોપ પર સેવ કરી લેવાની આદત હોય તો આ આદત તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. કામકાજના ટેબલની જેમ પીસી પર ડેસ્કટોપ ચોખ્ખું ચણાક હોય તો હાથ પરના કામ ફટાફટ પૂરા કરવાનો ઉત્સાહ જાગે છે!
આ વાતનો જાતઅનુભવ કરવો હોય અને તમારા પીસીના ડેસ્કટોપમાં સંખ્યાબંધ આઇકન્સનો ભરાવો થયો હોય, તેની સાફસૂફી માટે તમને સમય ન મળતો હોય તો ડેસ્કટોપ પર માઉસથી રાઇટ ક્લિક કરો. જે કોન્ટેક્ટસ મેનૂ ઓપન થાય તેમાં સૌથી ઉપર ‘વ્યૂ’ પર માઉસ લઇ જાવ અને તેમાં ‘શો ડેસ્કટોપ આઇકન્સ’ના વિકલ્પ સામેની ટીક દૂર કરી દો (આ મેનુના અન્ય વિકલ્પો પર પણ નજર નાખવા જેવી છે).
આ એક જ ક્લિકથી તમારું ડેસ્કટોપ કોરી પાટી જેવું બની જશે. જોકે ચિંતા ન કરશો. ડેસ્કટોપ પર તમે જે કંઈ સેવ કર્યું હશે તે બધું જ વિન્ડોઝ એક્સપ્લોરરમાં, ડેસ્કટોપના ફોલ્ડરમાં જઈને તો જોઈ જ શકશો.
ડેસ્કટોપ ભરાયેલું હશે ત્યારે તમને તેને સાફ કરવાનો ઉત્સાહ નહીં જાગે પણ સાવ ખાલીખમ ડેસ્કટોપ જોશો તો વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઇને તેને ખરેખર ખાલી કરવાનું ચોક્કસ મન થશે.
ડેસ્કટોપ ખાલી રાખવાનો બીજો એક ખાસ ફાયદો પણ છે. આપણે ડેસ્કટોપ પર સેવ કરેલી ફાઇલ્સ કમ્પ્યુટરની હાર્ડડિસ્કમાં સી ડ્રાઇવમાં સેવ થતી હોય છે (જો તમે ડેસ્કટોપનું લોકેશન બદલ્યું ન હોય તો). આ સી ડ્રાઇવમાં સામાન્ય રીતે કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય પ્રોગ્રામ્સ રન કરવા માટે જરૂરી ફાઇલ્સ સેવ કરવામાં આવે છે.
આપણા કામકાજની ફાઇલ્સ સી ડ્રાઇવને બદલે અન્ય ડ્રાઇવમાં સેવ કરવાની ટેવ રાખશો તો જ્યારે કોઈ અણધાર્યા સંજોગમાં કમ્પ્યુટરમાં ખરાબી ઊભી થાય અને તેને ફોર્મેટ કરવાનું થાય તો સી ડ્રાઇવમાંનો તમામ ડેટા ભૂંસાઇ જાય છે, પણ તમે અન્ય ડેટા સેવ કર્યો હશે તો તમારો ડેટા સચવાઈ જશે.

