ગુજરાતમાં વારંવાર મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગતાં લોકો તેના ઉપાય શોધવા લાગ્યા છે. આવા પ્રતિબંધ કરતાં પણ, કુદરતી આફતના સંજોગમાં ઘણી મદદરૂપ થઈ શકે એવી એક કરામતી એપ જાણી લો.
આગળ શું વાંચશો?
- ફાયરચેટમાં શું શું થઈ શકે?
ગયા મહિને પૂરાં ૧૩ વર્ષ પછી ગુજરાતે અશાંતિ જોઈ અને કેટલાંય વર્ષો પછી આપણે એ પણ અનુભવ કર્યો કે ફેસબુક કે વોટ્સએપ વિના પણ જીવી શકાય છે! સરકારે અને ઘણી મોબાઈલ કંપનીઓએ સામે ચાલીને, અફવાઓ ડામવા અને પરિસ્થિતિ થાળે પાડવા મોબાઇલ ઇન્ટરનેટ તથા એસએમએસ સુવિધાઓ અમુક દિવસ પૂરતી બંધ કરી દીધી.
પરંતુ જરૂરિયાત શોધની જનની છે! અશાંતિના દિવસો દરમિયાન, મોબાઇલ ઇન્ટરનેટ પરના પ્રતિબંધનો રસ્તો શોધવા, ટેક્નોલોજીનો થોડો વધારે પનારો ધરાવતા લોકોએ આઇપી એડ્રેસ બદલવા જેવા અખતરા કરીને સોશિયલ કનેક્શન જીવંત રાખવાની કોશિશ કરી.
હકીકત એ પણ છે કે ઇન્ટરનેટનો ઉપયોગ ફક્ત સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી, ઓનલાઇન શોપિંગ, નેટ બેન્કિંગ વગેરે બધું ખોરવાઈ ગયું, એનો ઉપોગ કરતા લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી અને એથી પણ આગળ, ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં, મશીનરીનું ઓટોમેશન પણ હવે ક્લાઉડ સર્વિસીઝથી ઓપરેટ થઈ શકે છે, જે બધું પણ ઠપ્પ થઈ ગયું.
આ તો સરકારી પ્રતિબંધ હતો, પણ આસમાની આફત સમયે નેટ કનેક્શન કે ઇવન મોબાઇલ વોઇસ કમ્યુનિકેશન પણ ઠપ થઈ જાય તો?
આવા સંજોગોમાં સ્માર્ટફોનન ખરેખર સ્માર્ટ સાબિત થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એવી પણ એક એપ છે, જેની મદદથી ઇન્ટરનેટનાં વાઇ-ફાઇ સિગ્નલ વિના અને મોબાઇલ ડેટા પ્લાન વિના પણ લોકો એકબીજાના સંપર્કમાં રહી શકે છે!
અત્યાર સુધી મોબાઇલ કંપનીઓને એ વાતે પેટમાં દુ:ખતું હતું કે વોટ્સએપ જેવી ઓન-ધ-ટોપ (મોબાઇલ ડેટા નેટવર્કથી ચાલતી, પણ લોકો માટે મફત) સર્વિસથી તેમની આવકમાં મોટાં ગાબડાં પડે છે. પરંતુ આ બધી સર્વિસ અંતે તો મોબાઇલ કંપનીના ડેટા પ્લાનથી જ ચાલે છે એટલે ટેલિકોમ્સની આવક એક નહીં તો બીજા રસ્તે ચાલુ તો રહે જ છે.
જ્યારે આ જે એપની આપણે વાત કરી રહ્યા છીએ એ ફાયરચેટ (http://opengarden.com/firechat/) ઓન-ધ-ટોપ નથી, એ મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરે છે અને નથી કરતી!
એક રીતે જોઈએ તો આ એપ એક પ્રકારની સોશિયલ નેટવર્કિંગની ગરજ સારતી એપ છે. જ્યારે આપણો ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય ત્યારે આખી દુનિયામાં ગમે ત્યાં આ એપનો ઉપયોગ કરતા લોકો એકમેકના સંપર્કમાં રહી શકે છે અને મેસેજ તથા ઇમેજીસ શેર કરી શકે છે.
પણ, ખરી કમાલ ત્યારે થાય છે, જ્યારે નેટ કનેક્શન વિના પણ આ એપથી લોકો એકમેકના સંપર્કમાં રહી શકે છે, અલબત્ત કેટલીક મર્યાદા સાથે.
ઇન્ટરનેટનાં વાઇ-ફાઇ સિગ્નલ કે મોબાઇલ ડેટા પ્લાન વિના મેસેજિંગ કેવી રીતે શક્ય બને – હવાથી? એવો સવાલ તમને થયો હોય તો તમારા સવાલમાં જ જવાબ છે -બિલકુલ હવાના માધ્યમથી જ આ શક્ય બને છે!
આપણે માનીએ છીએ કે સ્માર્ટફોનન ફક્ત ઇન્ટરનેટથી એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે અને ઇન્ટરનેટ માટે વાઇ-ફાઇ કે ડેટા પ્લાન જોઈએ, પણ એ વાત આપણે ભૂલી જઈએ છીએ કે સ્માર્ટફોનન પોતે એક પ્રકારનો રેડિયો છે, જે સિગ્નલ્સ મોકલી શકે છે.
બે સ્માર્ટફોનન વચ્ચે આપણે ગીતો કે રિંગટોન્સની આપલે કેવી રીતે કરીએ છીએ? બ્લુટૂથથી. રાઇટ? એરડ્રોઇડ જેવી એપની મદદથી, પીસી અને સ્માર્ટફોનન વચ્ચે ફાઇલ્સની આપલે થાય અને વોટ્સએપ પીસીમાં પણ ચાલે છે, તે કેવી રીતે? વાઇ-ફાઇ સિગ્નલથી. એક સ્માર્ટફોનનને હોટસ્પોટ બનાવીને ટેબલેટ કે લેપટોપમાં આપણે નેટ કનેક્શન મેળવી શકીએ છીએ તે કેવી રીતે? વાઇ-ફાઇથી. પહેલા સ્માર્ટફોનનને ઇન્ટરનેટનાં સિગ્નલ્સની જરૂર પડે છે, પણ બીજું ડિવાઇસ તેના વાઇ-ફાઇની મદદથી નેટ સાથે કનેક્ટ થાય છે.
નેટ કનેક્શન કે ડેટા પ્લાન વિના ચેટિંગની સુવિધા આપતી એપ આ જ ખૂબીનો ઉપયોગ કરે છે. આ એપ જેટલા સ્માર્ટફોનનમાં ઇન્સ્ટોલ થયેલી હોય એ બધા સ્માર્ટફોનન જો એકમેકથી ૨૧૦ ફૂટ કરતાં ઓછા અંતરે હોય તો ફક્ત વાઇ-ફાઇ સિગ્નલ્સની મદદથી પોતાનું આગવું નેટવર્ક રચી શકે છે, એવા સંજોગમાં તેને પરંપરાગત નેટવર્કની જરૂર રહેતી નથી. એટલે જ આ એપને કેટલાક લોકો ‘એપ ફોર ક્રાઉડ્સ’ કહે છે.
માની લો કે ગણેશવિસર્જન દરમિયાન મુંબઈની ચોપાટી પર વિશાળ જનમેદની એકઠી થઈ હોય, કોઈ કારણસર ઇન્ટરનેટ સેવા બંધ હોય અને ત્યાં હાજર સંખ્યાબંધ લોકોએ આ એપ પોતાના સ્માર્ટફોનનમાં ઇન્સ્ટોલ કરી હોય તો તેઓ નેટ સિગ્નલ વિના એકમેકના સંપર્કમાં રહી શકે છે – કંઈક અંશે વોકીટોકીની જેમ.
અત્યાર સુધી આ એપમાં ગ્રૂપ ચેટિંગ શક્ય હતું, જેટલા લોકો તેના નેટવર્કમાં સામેલ હોય તે બધા આ મેસેજીસ જોઈ શકે. પરંતુ હવે તેમાં પ્રાઇવેટ મેસેજની સુવિધા પણ ઉમેરાઈ છે. એક સ્માર્ટફોનન પરથી વહેતો થયેલો મેસેજ વચ્ચેના જુદા જુદા સ્માર્ટફોનન પર ટપ્પો ખાઈને આગળ વધે અને તેની મંઝિલ સમા સ્માર્ટફોનન સુધી પહોંચે, તેમાં વચ્ચેના બધા સ્માર્ટફોનન આંધળા ટપાલી જેવી ભૂમિકા ભજવે. દેખીતી વાત એ છે કે આ એપ જેમ વધુ લોકો ઇન્સ્ટોલ કરે તેમ તે વધુ કારગત નીવડે. કંપની કહે છે કે કોઈ શહેરના ફક્ત પાંચ ટકા લોકો આ એપ ઇન્સ્ટોલ કરે તો ગણતરીની મિનિટમાં આ એપ પર, કોઈ સિગ્નલ વિના મેસેજ નેટવર્કમાંની બીજી વ્યક્તિ સુધી પહોંચી શકે છે.
હજી આગળ વાંચો – આ એપના ડેવલપર તેમાં કોલિંગની સુવિધા પણ ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે, સંખ્યાબંધ ટાવરનું નેટવર્ક ઊભું કરવાના કોઈ ખર્ચ વિના, આ એપ ફ્રી ટેલિકોમ સર્વિસ જેવું કામ આપશે! કેટલાકના મતે, આ એક બીજા ઇન્ટરનેટની શોધ કરવા જેવી મોટી વાત છે!
આ એપ હજી ગયા વર્ષે જ લોન્ચ થઈ છે. ગયા વર્ષે હોંગકોંગમાં લોકશાહી તરફી આંદોલનો થયાં ત્યારે ૨૪ કલાકમાં એક લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી હતી.
ભૂકંપ જેવી આફત સમયે ઇન્ટરનેટ અને કમ્યુનિકેશનનાં અન્ય માધ્યમ ખોરવાય ત્યારે આ એપ મોટી મદદ કરી શકે છે. હજી હમણાં જ કાશ્મીરમાં ભારે પૂર આવ્યાં ત્યારે આ એપનો ઉપયોગ કરતા કેટલાક યુવાનો રાહત કામગીરીમાં મદદરૂપ થયા હતા. ફિલિપાઇન્સમાં વારંવાર વિનાશક વાવાઝોડાં ત્રાટકે છે અને ત્યાં મોટાં અખબારી જૂથો પોતે લોકોને સમયસર માહિતી અને ચેતવણી પહોંચાડવા આ એપની મદદ લે છે.
વિજ્ઞાનની દરેક શોધની જેમ આ એપનો બેધારી તલવાર જેવો ઉપયોગ થઈ શકે છે. આપણે એવી આશા રાખીએ કે કોઈ – માનવસર્જિત કે કુદરતી – કારણસર ગુજરાતમાં આપણને આ એપની ક્યારેય જરૂર પડે નહીં.
ફાયરચેટમાં શું શું થઈ શકે?
- પબ્લિક ચેટરૂમ : અહીં કોઈ પણ સાચા-ખોટા નામથી એકબીજા સાથે મેસેજની આપલે કરી શકે છે. બધા જ મેસેજ સૌ કોઈ વાંચી શકે છે.
- ફેવરિટ ચેટરૂમ : તમે કોઈ ચેટરૂમને ફેવરિટ બનાવો તે પછી તેમાં કોઈ પણ નવો મેસેજ મૂકાય તેની તમને જાણ થાય છે.
- પ્રાઇવેટ મેસેજ : તમે કોઈ એક વ્યક્તિને પ્રાઇવેટ મેસેજ મોકલી શકો છો. આ મેસેજ ફાયરચેટનો ઉપયોગ કરતા અન્ય લોકોના સ્માર્ટફોનનની મદદથી આગળ વધે છે, પરંતુ ફક્ત મોકલનાર અને મેળવનાર વાંચી શકે છે.
- ફોલોઇંગ : તમે કોઈ વ્યક્તિને ફોલો કરતા હો તો એ વ્યક્તિ ફાયરચેટ પર એક્ટિવ થાય તેની તમને જાણ થાય.
- બ્લોકિંગ : તમે કોઈ વ્યક્તિને બ્લોક કરી શકો છો, જેથી એ વ્યક્તિના મેસેજ તમે અને તમારા મેસેજ એ વ્યક્તિ વાંચી શકશે નહીં.
- ફોટોઝ : તમે ફાયરચેટ પર ફોટોઝ પણ શેર કરી શકો છો, જોકે જે વ્યક્તિ તમને ફોલો કરતી હોય એ જ તમારા ફોટોગ્રાફ જોઈ શકે છે.


