પાસવર્ડ મજબૂત હોવા જોઈએ એ આપણે બધા જાણીએ છીએ, પણ પાસવર્ડ પસંદ કરવાની વાત આવે ત્યારે ઘણા ખરા લોકો આ મુદ્દો ભૂલી જાય છે. તમે દુનિયાના બહુમતી લોકો સાથે છો કે નહીં, તે અહીં જાણી લો!આપણે વારંવાર અખબારમાં સમાચાર વાંચતા રહીએ છીએ કે યાહૂ, ફેસબુક, જીમેઇલ વગેરેના પાસવર્ડ લીક થયા અને યુઝર્સ પરેશાનીમાં મૂકાયા. ઘણી વાર એવું પણ બનતું હશે કે તમારા કોઈ પરિચિત તરફથી તમને કોઈ વિચિત્ર મેઇલ આવી પડે અને પછી એ પરિચિતે પોતાના બધા ઓળખીતાને કહેતા ફરવું પડે કે ‘ભાઈ, એ મેઇલ ધ્યાને લેશો નહીં, મેં મોકલ્યો નહોતો, મારું એકાઉન્ટ હેક થયું લાગે છે.’
આ રીતે એકાઉન્ટની સલામતી જોખમાવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે કમ્પ્યુટરમાં સારા એન્ટિ-વાઇરસ પ્રોગ્રામનો ઉપયોગ ન કરવો, ઇન્ટરનેટ પર ભળતી-સળતી સાઇટ્સ જોવી, પૂરતી ખાતરી કર્યા વિના, અસલામત સાઇટ્સ પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરવા, ડાઉનલોડ પ્રોસેસ વખતે જે તે પરમિશન માગવામાં આવે તે આંખો મીંચીને આપી દેવી કે વગર વિચાર્યે યસના ટિકમાર્ક કરવા… આ બધાં કારણ ઉપરાંત, મજબૂત પાસવર્ડ ન રાખવાની, નિયમિત પાસવર્ડ ન બદલવાની અને ટુ-સ્ટેપ વેરિફિકેશન જેવી સગવડનો લાભ ન લેવાની બેકાળજીને કારણે પણ આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.
હમણાં એક-બે મહિના પહેલાં જીમેઇલના ૫૦ લાખ એકાઉન્ટની લોગ-ઇન વિગતો લીક થઈ હોવાના સમાચાર હતા. એ પછી લાસ્ટપાસ (https://lastpass.com) નામની પાસવર્ડ મેનેજમેન્ટની સવગડ આપતી એક કંપનીએ લોકો પોતાના પાસવર્ડ નક્કી કરવામાં કેટલા બેપરવા રહે છે એ દર્શાવતું એક ઇન્ફોગ્રાફિક તૈયાર કર્યું. અહીં તેના મુખ્ય અંશો આપ્યા છે…
તમારા પાસવર્ડ કેટલા કેરેક્ટરના હોય છે?
લાસ્ટપાસ કંપનીની સાઇટ પર જણાવ્યા મુજબ દુનિયાના લગભગ ૭૩ ટકા લોકો એકનો એક પાસવર્ડ અલગ અલગ સાઇટ પર ઉપયોગમાં લેવાની ગંભીર ભૂલ કરે છે. નિષ્ણાતો તો ઓછામાં ઓછા કુલ ૧૪ કેરેક્ટરનો પાસવર્ડ રાખવાની ભલામણ કરે છે, પણ લોકો સરેરાશ માત્ર ૬ કેરેક્ટરનો પાસવર્ડ રાખે છે. ઉપરાંત, આવા સરેરાશ પાસવર્ડને જાણકાર લોકો ફક્ત ૩ મિનિટમાં ક્રેક કરી શકે છે!
લાસ્ટપાસના ઇન્ફોગ્રાફિકમાં જણાવ્યા જીમેઇલના લીક થયેલા ૫૦ લાખ પાસવર્ડમાંથી ફક્ત આઠ ટકા કરતાં ઓછા પાસવર્ડ ૧૦ કેરેક્ટર કરતાં વધુ લાંબા હતા.
આદર્શ પાસવર્ડમાં આલ્ફાબેટ્સ, નંબર્સ, સ્પેશિયલ સિમ્બોલ્સ વગેરેનો કોઈ ચોક્કસ પેટર્ન વિના ઉપયોગ થવો જોઈએ. જીમેઇલના લીક થયેલા પાસવર્ડમાંથી ફક્ત ૧ ટકા પાસવર્ડમાં આ ત્રણેય પ્રકારના કેરેક્ટરનો ઉપયોગ થયો હતો.
ટૂંકમાં, તમારો પાસવર્ડ જેટલો વધુ સલામત એટલી તમારી ડિજિટલ લાઇફ વધુ સલામત.


