તમારા અભ્યાસ, વ્યવસાય કે રસના વિષય કોઈ પણ હોય, તમે તેના ગ્લોબલ ટ્રેન્ડ્સથી સતત માહિતગાર રહેવા માગતા હો તો તમારા સ્માર્ટફોનમાં એક સારું આરએસએસ ફીડ રીડર હોવું અનિવાર્ય છે. આવી એક સર્વિસ છે ફીડલી.
આગળ શું વાંચશો?
- આ સર્વિસ આપણા માટે કેમ જરૂરી છે?
- રીડિંગ પહેલાંનો તબક્કો એટલે બ્રાઉઝિંગ
- ફીડલીથી શું શક્ય બને છે?
- ફીડલીનો ઉપયોગ શરૂ કરીએ
- ફીડલીમાં કન્ટેન્ટ ઉમેરીએ
- ફીડલીમાં કસ્ટમાઇઝેશન
- ફીડલીની મર્યાદાઓ
- આરએસએસ શું છે?
વાત માર્ચ ૨૦૧૩ની છે. એ દિવસે, ગૂગલે પોતાના બ્લોગ પર જાહેરાત કરી કે તે ‘ગૂગલ રીડર’ નામની તેની એક સર્વિસ બંધ કરી રહી છે. ગૂગલે આ સર્વિસ ૨૦૦૫માં શરૂ કરી હતી, તે ખાસ્સી લોકપ્રિય પણ થઈ હતી, પણ પછી – ગૂગલના માનવા પ્રમાણે – સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો અને લોકોની કામકાજની રીત બદલાઈ, એટલે ગૂગલે તેની આ રીડર સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો.
ગૂગલના આ નિર્ણયથી, આ જ પ્રકારની સર્વિસ આપતી બીજી એક કંપનીને જાણે લોટરી લાગી! લોટરી એટલે જેવી તેવી નહીં, જેકપોટ જેવી!
આ કંપનીએ ઇન્ટરનેટ પર તાબડતોબ જાહેરાતનો મારો ચલાવ્યો – ‘ગૂગલ રીડર બંધ થઈ જતાં પરેશાન છો? અમારી સાથે જોડાઈ જાવ!’ લોકોએ પોતાના ગૂગલ રીડર એકાઉન્ટમાં જે કંઈ સેટિંગ્સ કર્યાં હોય તેના સહિત તેઓ આ નવી સર્વિસમાં જોડાઈ શકે તેવી ગોઠવણ પણ કંપનીએ કરી આપી.
પરિણામ? ગૂગલને જે સર્વિસ માટે લાગતું હતું કે તેનો વપરાશ ઘટી રહ્યો છે, તેના ૮૦ ટકા યૂઝર્સ આ નવી સર્વિસ – ફીડલી (feedly.com)માં જોડાઈ ગયા અને ચાર-છ મહિનામાં ફીડલીના યૂઝર્સની સંખ્યા ૧૦ લાખમાંથી ૧૫ ગણી વધીને દોઢ કરોડે પહોંચી ગઈ!
ગૂગલની રીડર સર્વિસ ફ્રી હતી, ફીડલીના સંચાલકો પણ તેમની સર્વિસ ફ્રી આપે છે, પણ તેમણે કેટલીક વિશેષ સગવડો પણ આપવાનું નક્કી કર્યું, થોડો ચાર્જ લઈને.
હવે બરાબર ધ્યાનથી વાંચજો – કંપનીએ પોતાના યૂઝર્સને કહ્યું કે જો તેમને વધારા લાભ જોઈતા હોય તો તેઓ મહિને ફક્ત ૫ ડોલર, અથવા વર્ષે ૪૫ ડોલર આપે. એ સાથે કંપનીએ માસ્ટરસ્ટ્રોક માર્યો – તેણે પહેલા ૫૦૦૦ યૂઝર્સને, ફક્ત ૯૯ ડોલરમાં આ વધારાના લાભ, આજીવન આપવાનું પ્રોમિસ આપ્યું.
કંપનીના સીઇઓ કહે છે કે “અમે રાત્રે ૧૧ વાગ્યે આ ઓફર શરૂ કરી, ઘરે જઈને સૂઈ ગયા અને બીજે દિવસે સવારે આવીને જોયું તો આખી દુનિયામાં પથરાયેલા, પૂરેપૂરા ૫૦૦૦ લોકોએ આ ઓફર વધાવી લીધી હતી અને કંપનીને એક જ રાતમાં પાંચ લાખ ડોલર (આશરે ૩ કરોડ રૂપિયા) મળી ગયા!
ગૂગલની સર્વિસ બંધ થયાના એકાદ વર્ષમાં એ સ્થિતિ આવી કે લોકો પોતાના સ્માર્ટફોનન કે પીસીમાં ફીડલીની સર્વિસ પર ૪ કરોડ વેબસાઇટ્સનું કન્ટેન્ટ વાંચવા લાગ્યા અને દર સેકન્ડે ૨,૦૦૦ નવા આર્ટિકલ ફીડલી પર ઉમેરાવા લાગ્યા – આ જંગી ટ્રાફિક અને જંગી આવક કેટલા લોકો સંભાળતા હતા? ગણીને ૧૨ જણા!
આ આખી વાતમાં આપણા માટે લાભની વાત એ છે કે આપણે પણ આપણા પીસી-લેપટોપ કે સ્માર્ટફોનન-ટેબલેટ પર, ફીડલીની ફ્રી સર્વિસનો લાભ લઈને ઇન્ટરનેટ પર જે કંઈ નવું ઉમેરાય છે તેમાંથી આપણા રસના લેખો પર, ઓછા સમયમાં, ફટાફટ નજર દોડાવી શકીએ છીએ.
‘સાયબરસફર’ સાથે સાવ શરૂઆતથી જોડાયેલા વાચકોને યાદ હશે કે આપણે ત્રીજા જ અંકમાં, એપ્રિલ ૨૦૧૨માં ‘બનાવો તમારી પોતાની લાઇબ્રેરી, ઇન્ટરનેટ પર’ શીર્ષક સાથેની કવરસ્ટોરીમાં આરએસએસ ટેક્નોલોજીની વાત કરી હતી (તેની ટૂંકમાં માહિતી માટે જુઓ આગળ).
આ ટેક્નોલોજીથી, આપણા રસની જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ પર મૂકાતા તમામ નવા લેખ આપણે ફીડલી જેવી સર્વિસમાં, એક જ જગ્યાએ જોઈ-વાંચી શકીએ છીએ.
ફીડલી જેવી સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ તો પછી આપણે દરરોજ જુદી જુદી વેબસાઇટ-બ્લોગ પર જવાની જરૂર નહીં, એક જ જગ્યાએ મનપસંદ લખાણ વાંચી શકીએ છીએ અને પછી જે વધુ કામનું લાગે તે વાંચવા માટે મૂળ વેબસાઇટ પર જઈ શકીએ છીએ.
આ સર્વિસ આપણા માટે કેમ જરૂરી છે?
કારણ સાવ સાદું છે – હાથમાં સ્માર્ટફોન હોય એટલું પૂરતું નથી, આપણે તેના સ્માર્ટયૂઝર બનવું પડે!
કલ્પના કરી જુઓ, આવું તમારી સાથે પણ ઘણી વાર બનતું હશે – હાથમાં સ્માર્ટફોન હોય, વાઇ-ફાઇની મહેર હોય અથવા તમારા મોબાઇલ ડેટા પ્લાનની મુદત પૂરી થવામાં હોય પણ બધા ઘણા એમબી વપરાયા વિનાના પડ્યા હોય, તમને વોટ્સએપ કે ફેસબુક ઉપરાંત બીજું કશુંક પણ જોવા-જાણવા અને વાંચવાની ઇચ્છા થતી હોય, પણ શું વાંચવું એ સમજાતું ન હોય… ગૂગલિંગ કરીએ પણ એ માટે પણ મગજમાં કંઈક સવાલ તો ઊઠવા જોઈએને?
આવું અવારનવાર, આપણા સૌ સાથે થતું હોય છે. સ્માર્ટફોનન હાથમાં હોય પણ એનો પૂરતો ઉપયોગ ન થઈ શકતો હોય!
એનું એક કારણ છે ઇન્ટરનેટ પર દરરોજ ખડકાતો જતો માહિતીનો ગંજ! રોજેરોજ, મિનિટે મિનિટે ઇન્ટરનેટ પર અસંખ્ય વેબસાઇટ્સ પર અનેક પ્રકારની, જુદા જુદા સ્વરૂપમાં નવી નવી માહિતી ઉમેરાતી જ જાય છે, એમાંથી આપણા રસનું, આપણા કામનું હોય તે જોવા માટે દરરોજ કેટલી વેબસાઇટમાં ખાબકવું ને કેટલુંક વાંચવું?
માહિતીનો અતિરેક થતાં, આપણા માટે જરૂરી હોય તેટલી જ માહિતી અલગ તારવી આપે તેવી કોઈ સર્વિસ જરૂરી બની, આરએસએસ ટેક્નોલોજી આ જરૂરિયાત પૂરી કરે છે.
રીડિંગ પહેલાંનો તબક્કો એટલે બ્રાઉઝિંગ
પાર વગરની માહિતી એ ઇન્ટરનેટની ખાસિયત ગણો તો ખાસિયત અને ખામી ગણો તો ખામી છે. તેને કારણે જ ‘નેટ બ્રાઉઝિંગ’ શબ્દનો જન્મ થયો છે. પુસ્તક આપણે વાંચીએ, રીડ કરીએ કેમ કે જ્યારે વાંચવા બેસીએ ત્યારે હાથમાં ફક્ત એક જ પુસ્તક હોય અને ફુરસદ હોય તો પહેલા પાનાથી શરૂ કરીને બસ આગળ ને આગળ રીડિંગ કરતા રહેવાનું. જ્યારે ઇન્ટરનેટ પર, નજર સામે ઘણું બધું હોય છે. એ બધું એક સાથે તો વાંચી ન શકાય, એના પર ઊડતી નજર જ ફેરવવી પડેઅને તેને માટે ‘બ્રાઉઝિંગ’ શબ્દ જ વધુ યોગ્ય છે.
ઇન્ટરનેટ પર આપણે જેટલું વધુ સારું બ્રાઉઝિંગ કરી શકીએ – ફટાફટ ઊડતી નજર ફેરવી શકીએ અને આપણા કામનું કન્ટેન્ટ અલગ તારવી શકીએ એટલે આપણે આપણા અભ્યાસ, વ્યવસાય કે રસના વિષયના વધુ ને વધુ ઊંડા જાણકાર બની શકીએ.
તમે વિદ્યાર્થી હો તો તમને ક્વોન્ટમ ફિઝિક્સ કે ઇલેક્ટ્રોનિક્સ કે ફાઇનાન્સ મેનેજમેન્ટની દુનિયામાં આજકાલ શું ચાલી રહ્યું છે એ જાણવામાં રસ હોઈ શકે. તમે ગૃહિણી હો તો ટીવી સિરિયલ્સ ઉપરાંત શોપિંગ, બેન્કિંગ વગેરેમાં આવી રહેલા ફેરફાર જાણવામાં અથવા મરાઠી, તમિલ કે બંગાળી વાનગીઓની નીતનવી રેસિપી જાણવામાં અથવા મેથ્સ કે કેમિસ્ટ્રી વિશે સંતાનોના ગૂગલી સવાલોના જવાબ આપી શકાય એટલી ખબર રાખવામાં તમને રસ હોઈ શકે.
કોઈ ઓફિસમાં એક્ઝ્ક્યિુટિવ હો કે બિઝનેસમેન/વુમન હોય તો તમારા ફિલ્ડમાં ફક્ત ટકી રહેવા નહીં, બીજાથી આગળ રહેવા માટે પણ તમારે ગ્લોબલ ટ્રેન્ડ્સથી સતત માહિતગાર રહેવું પડે. આ બધી જંજાળમાંથી નિવૃત્ત થઈ ગયા હોય તો પણ પ્રવૃત્ત રહેવા અને યંગ જનરેશન સાથે ટચ જાળવી રાખવા માટે પણ સતત નવું નવું જાણવામાં તમારો રસ જળવાઈ રહ્યો હોય એવું બની શકે છે.
તમારી જરૂરિયાત કે રસના વિષય કોઈ પણ હોય, પીસી-લેપટોપ કે સ્માર્ટફોનન-મોબાઇલમાં તક અને સમય મળે ત્યારે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરી લેવાની ટેવ તમને આશીર્વાદરૂપ થઈ શકે છે. પરંતુ એ માટે ફક્ત ઘરમાં પીસી કે હાથમાં સ્માર્ટફોનન અને તેમાં વાઇ-ફાઇ કે ભરપૂર ડેટા પ્લાન હોય એટલું પૂરતું નથી. તમને મદદરૂપ થાય એવી વેબસર્વિસીઝ વિશે જાણકારી હોવી અને એનો સ્માર્ટ ઉપયોગ કરવાની આવડત હોવી પણ જરૂરી છે.
આ રીતે, આપણને પીસી કે સ્માર્ટફોનનના ખરેખરા સ્માર્ટયુઝર બનાવે એવી વેબસર્વિસ એટલે ફીડલી.
ફીડલીથી શું શક્ય બને છે?
ફીડલી આપણને બ્રાઉઝિંગ કરવામાં અને કામનું ક્નટેન્ટ અલગ તારવવામાં બહુ મોટી મદદ કરે છે.
ફીડલી જેવી જુદી જુદી ઘણી સર્વિસ છે, પણ ફીડલી ઘણી લોકપ્રિય સર્વિસ છે, ઉપયોગમાં સરળ છે અને તેના કેટલાક ખાસ લાભ પણ છે, જેમ કે…
- તેમાં આપણે રસના વિષયોની જુદી જુદી વેબસાઇટ સહેલાઈથી શોધી શકીએ છીએ.
- આ બધી વેબસાઇટનાં જુદાં જુદાં કલેક્શન તૈયાર કરી શકીએ છીએ.
- ફીડલીનો પીસી, લેપટોપ, સ્માર્ટફોનન, ટેબલેટ વગેરે જુદાં જુદાં સાધનમાં લગભગ એક સરખો ઉપયોગ કરી શકીએ છીએ.
- લેખો વાંચવા માટે જુદા જુદા પ્રકારનાં સેટિંગ્સ કરી શકીએ છીએ.
- ગમતા લેખો મિત્રો સાથે શેર કરી શકીએ છીએ.
ફીડલીનો ઉપયોગ શરૂ કરીએ
આપણે પીસી અને/અથવા મોબાઇલ સાધનમાં ફીડલીનો ઉપયોગ કરી શકીએ છીએ.
મોબાઇલમાં ઉપયોગ માટે, એન્ડ્રોઇડ અને એપલનાં ડિવાઇસીઝ માટે ફીડલીની પોતાની એપ ડાઉનલોડ કરી શકાશે, જ્યારે વિન્ડોઝ ફોન માટે મોડર્ન રીડર, ફોનલી, ડાઇજેસ્ટર કે ફીડ મી જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.

પીસીમાં ઉપયોગ કરવા માટે http://feedly.com/ સાઇટ પર જાઓ. મોબાઇલ કે પીસીમાં ફીડલીનો ઉપયોગ શરૂ કરવા માટે ‘ગેટ સ્ટાર્ડેટ’ બટન પર ક્લિક કરો.

તમે નોંધશો તેમ બીજી સર્વિસીઝની જેમ ફીડલી પર આપણે નવું એકાઉન્ટ ખોલાવી શકતા નથી, પણ ગૂગલ, ફેસબુક, ટવીટર, વિન્ડોઝ, એવરનોટ વગેરે સર્વિસના યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થવું પડે છે. આ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા બંને છે, પણ અત્યારે એમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. તમે જીમેઇલ કે ફેસબુકના યૂઝરનેમ પાસવર્ડથી લોગ-ઇન થશો ત્યારે કેટલીક મંજૂરીઓ માગવામાં આવશે. એ પગલાં વટાવી આગળ વધતાં, સિસ્ટમ કહેશે કે તમે ફક્ત એક મિનિટમાં, તમારા ફેવરિટ બ્લોગ્સ, પબ્લિકેશન્સ, યુટ્યૂબ ચેનલ્સ વગેરે ફીડલીમાં ઉમેરી શકશો!
પણ એ પહેલાં, તમે પોતે ફીડલીનો કેવી રીતે ઉપયોગ કરવા માગો છો એ નક્કી કરી લો. યાદ રાખજો, ફીડલી પોતે તો કોરુંધાકોડ તળાવ છે, એમાં કઈ કઈ નદીનાં પાણી ઠાલવવાં છે એનો આધાર આપણા પર છે. એટલે જ દરેકે દરેક વ્યક્તિ માટે ફીડલીમાં જોવા મળતું કન્ટેન્ટ જુદું જુદું હોઈ શકે છે, આપણે શું જોઈએ છે, એ આપણે જ નક્કી કરવાનું છે.
ધારો કે તમને ક્રિકેટ, ટ્રાવેલિંગ, સાયન્સ, રેસિપીઝ અને ન્યૂઝ જાણવામાં રસ છે. ફીડલી પર આપણે આવ કોઈ પણ વિષયનાં કલેક્શન બનાવી શકીએ. અન્ય સાઇટ્સ માટે ‘પર્સનલ ફેવરિટ’ જેવું કંઈક નામ પણ આપી શકાય. તો પહેલાં, ‘ક્રિએટ ન્યૂ કલેક્શન પર ક્લિક કરો, અથવા તેની નીચે આપેલ ‘એડ એ બ્લોગ’, ‘એડ ન્યૂ કલેક્શન’ વગેરે પર ક્લિક કરતાં પણ પહેલાં કલેક્શનનું નામ આપવાનું કહેવામાં આવશે.
પહેલા કલેક્શનને આપણે ‘પર્સનલ ફેવરિટ’ નામ આપ્યું. તેની નીચેના બોક્સમાં આપણા ગમતા બ્લોગ કે સાઇટનું નામ લખતાં તેનું એડ્રેસ આવશે, જેને ક્લિક કરતાં આપણા કલેક્શનમાં એ ઉમેરાઈ જશે. આ રીતે ફક્ત બીજી બે સાઇટનાં નામ ઉમેરો અને તેમના પર મૂકાયેલી નવી વાંચનસામગ્રી વાંચવાનું શરૂ કરો!
ફીડલીમાં કન્ટેન્ટ ઉમેરીએ
એક વાર તમે ફીડલીમાં ત્રણ-ચાર વિષયની પાંચ-સાત વેબસાઇટનું કન્ટેન્ટ જોવાનું શરૂ કરશો પછી તમને તેની ખરી ઉપયોગિતા સમજાતી જશે. પછી આપણે ફીડલીમાં વધુ ને વધુ નવી સાઇટનાં એડ્રેસ ઉમેરવાનાં છે અને તેમને વિષયવાર જુદા જુદા કલેક્શન (એટલે કે એક પ્રકારનાં ફોલ્ડર જ)માં ગોઠવતા જવાનાં છે.
ફીડલીમાં કન્ટેન્ટ ઉમેરવાના એકથી વધુ રસ્તા છે. એક રસ્તો, ઉપરની બાજુએ જમણી તરફ આપેલા સર્ચબોક્સમાં ગમતી સાઇટનું એડ્રેસ (જેમ કે તરલાદલાલ.કોમ) કે ફક્ત વિષય (જેમ કે રેસિપી) લખીને જે પરિણામો મળે તેના પર ક્લિક કરવાનો છે.
આટલું કરતાં એ વેબસાઇટનાં તાજાં કન્ટેન્ટ મુખ્ય સ્ક્રીન પર જોવા મળશે.
જેમ કે એનડીટીવી સર્ચ કરતાં, જે લિંક મળે તેના પર ક્લિક કરતાં, તેની સાઇટ પરની જુદી જુદી પોસ્ટના શરૂઆતના ભાગ વાંચવા મળશે.
હવે આ પોસ્ટસ પર નજર ફેરવી નક્કી કરી લો કે તમને આ વેબસાઇટ પર દરરોજ ઉમેરાતી નવી માહિતી વાંચવી ગમશે? જો હા, તો ઉપરની તરફ આપેલ, ‘પ્લસફીડલી’ ગ્રીન બટનને ક્લિક કરી દો. એ સાથે, ડાબી તરફ એક કોલમ ખૂલશે અને તેમાં પૂછવામાં આવશે કે આ વેબસાઇટ તમે કયા કલેક્શનમાં ઉમેરવા માગો છો? અહીં ન્યૂઝ કે રેસિપી જેવું નવું કલેક્શન બનાવી શકાય.
અથવા તો, ડાબી તરફની પેનલ ઓપન કરી, તેમાં ‘એડ કન્ટેન્ટ’ પર ક્લિક કરો. અહીં પણ તમને સર્ચ બોક્સ મળશે અને નીચે જુદા જુદા વિષયની તૈયાર વેબસાઇટ્સની ફીડ્સ જોવા મળશે. આપણને જેમાં રસ પડે તેને ઓપન કરી, ‘પ્લસફીડલી’નું ગ્રીન બટન શોધીને તેને ક્લિક કરવાનું છે. જોકે અહીં સૂચવવામાં આવેલી બધી જ વેબસાઇટ્સ વિદેશોની છે, ફીડલીને તમે તમારો પોતાનો કસુંબલ રંગ આપવા માગતા હો તો તમારા રસની વેબસાઇટ્સ જાતે જ સર્ચ કરવી પડશે.
પણ યાદ રહે, આ બધો શરૂઆતનો જ ગૂંચવાડો છે! એક વાર આપણી ઇચ્છા મુજબ ફીડલીનાં સેટિંગ થઈ ગયાં તે પછી આપણે ફક્ત પીસીમાં માઉસના ઇશારા કરવાના છે કે સ્માર્ટફોનનમાં આંગળીથી લસરકા કરવાના છે!
ફીડલીમાં કસ્ટમાઇઝેશન

તમે ફીડલીનો પીસી પર ઉપયોગ કરતા હો કે મોબાઇલમાં, તેનો અનુભવ બંનેમાં લગભગ સરખો છે અને સેટિંગ્સ કરવાની રીત પણ લગભગ સરખી છે.
ઓવરઓલ સેટિંગ કરતાં પહેલાં, ફીડલી પરની નવી પોસ્ટ તમે કઈ રીતે જોવા ઇચ્છો છો તે ફીડલીને જણાવી દો. એ માટે, પીસીમાં મુખ્ય સ્ક્રીન પર ઉપરની તરફ ગીયરના આઇકન પર ક્લિક કરો. અહીં તમે જોશો તેમ આપણે ફક્ત ટાઇટલ, ફોટોગ્રાફ સાથેની મેગેઝિન સ્ટાઇલ, જુદાં જુદાં કાર્ડ, ફૂલ આર્ટિકલ વગેરે અલગ અલગ રીતે ફીડ્સ વાંચી શકીએ છીએ.
મોબાઇલમાં તમે લેખો બ્રાઉઝ કરવાના જુદા જુદા ઓપ્શન જાણવા માગતા હો તો સેટિંગ્સમાં જવું પડશે.
કોઈ લેખ ઓપન કર્યા પછી, તેની મૂળ વેબસાઇટ પર જઈ શકાય, તેનું ટેગિંગ કરી શકાય અને ટવીટર, ફેસબુક, લિંક્ડઇન પર કે ઇમેઈલ દ્વારા શેર કરી શકાય છે.
અચ્છા, હવે સ્ક્રીનની ડાબી પેનલમાં નજર દોડાવીએ (જુઓ આગળ આપેલ સ્ક્રીનશોટ).
મોબાઇલ અને પીસીમાં લગભગ સરખી જ ડાબી પેનલ જોવા મળે છે. ડાબી તરફની પેનલમાં ‘ટુડે’ પર ક્લિક કરશો તો આપણે પસંદ કરેલી વેબસાઇટ્સમાં આજે જ ઉમેરાયેલી સામગ્રી જોવા મળશે. ‘મસ્ટ રીડ્સ’ એ આપણે પસંદ કરેલા લેખો એક સાથે જોવા માટેની સગવડ છે. ‘સેવ્ડ ફોર લેટર’ લિંક જરા ગેરસમજ કરાવે એવી છે, પણ એની વાત આપણે આગળ ફીડલીની મર્યાદાઓ જોઈએ ત્યારે કરીશું.
મોબાઇલમાં ‘એક્સ્પ્લોર’ની લિંક પર ક્લિક કરતાં, ફીડલી તરફથી સેવ કરાયેલા, જુદા જુદા વિષયના લેખ જોવા મળશે. પીસીમાં અહીં ‘એડ કન્ટેન્ટ’ની લિંક આપેલી છે, જેનો ઉપયોગ આપણે આગળ જોઈ ગયા. મોબાઇલમાં આ લિંક ડાબી પેનલમાં જ, પણ ઘણે નીચે આપવામાં આવી છે.

આપણે જ્યારે ફીડલીમાં લોગ-ઇન થઈએ કે મોબાઇલમાં એપ ઓપન કરી આપોઆપ લોગ-ઇન થઈએ ત્યારે ફીડલી સૌથી પહેલાં ‘ટુડે’ સેક્શનમાંના લેખો બતાવે છે. આ સેટિંગ બદલીને આપણે આપણા કોઈ ચોક્કસ કલેક્શનમાંના લેખો પર નજર ફેરવવા માગતા હોઈએ તો એવી ગોઠવણ કરી શકાય છે.
ડાબી પેનલમાં આપણાં બધાં જ કલેક્શન જોવા મળે છે. તેની બાજુમાં જોવા મળતો આંકડો, એ કલેક્શનમાં નવા ઉમેરાયેલા લેખની સંખ્યા બતાવે છે. કલેક્શનને ક્લિક કરી એક્સપાન્ડ કરતાં, તેમાં આપણે જે જે વેબસાઇટની ફીડ ઉમેરી હોય તેનાં નામ જોઈ શકાય છે.
પીસીમાં કલેક્શનના આ લિસ્ટને ઓર્ગેનાઇઝ કરવાની સગવડ આપેલી છે. તે માટે ડાબી પેનલમાં છેક નીચે જઈ, ‘ઓર્ગેનાઇઝ’ પર ક્લિક કરતાં, નાના નાના ચોરસમાં વેબસાઇટ્સનાં નામ સાથે આપણાં કલેક્શન જોવા મળે છે. આપણે કલેક્શન અને તેમાંની ફીડ્સનું નામ બદલી શકીએ છીએ, તેમને ડિલીટ કરી શકીએ છીએ કે પછી માઉસથી ડ્રેગ કરીને તેમનો ક્રમ બદલી શકીએ છીએ. કોઈ એક કલેક્શનમાં રહેલી ફીડ્સને માઉસથી ડ્રેગ કરીને બીજા કલેક્શનમાં પણ લઈ જઈ શકાય છે. મોબાઇલમાં હાલમાં આમાંની કેટલીક સુવિધાઓ, જરા જુદી રીતે મળે છે.
જોકે આ બધી સુવિધાઓનો આધાર તમે બ્રાઉઝિંગના કેવાક ખેલાડી છો તેના પર છે! ધીમે ધીમે તમે ફીડલીના પાવરયૂઝર બનશો તો આ બધાં સેટિંગ્સ તપાસવાની ચોક્કસ ઇચ્છા થશે.
આટલું થઈ જાય એટલે પછી દરરોજ ફીડલી ઓપન કરો, સાઇન-ઇન થાઓ અને તમારા માટે, તમારા રસના વિષયની અનેક વાંચનસામગ્રી હાજર હશે!
તમે જેમ જેમ નજર ફેરવતા જશો તેમ તેમ દુનિયાભરની અનેક પ્રકારની માહિતીનો ખજાનો તમારી સમક્ષ ખૂલતો જશે.
ફીડલીની મર્યાદાઓ
ફીડલીની ખરી શક્તિ, સમગ્ર ઇન્ટરનેટ પરની નવી નવી વાંચનસામગ્રીને એક સ્થળે એકત્ર કરવાની છે.
પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ છે – ખાસ કરીને ભારત જેવા દેશની દૃષ્ટિએ.
ફીડલીનો ઇન્ટરનેટ વિના લાભ લઈ શકાતો નથી. સ્માર્ટફોનનમાં આ બહુ મોટી મર્યાદા બને છે. ભારતમાં હજી પણ મફત અને વિશ્વસનીય વાઇ-ફાઇ સુવિધા સહેલાઈથી મળતી નથી અને મોબાઇલ ડેટા પ્લાન પ્રમાણમાં મોંઘા છે, એટલે આપણે બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા ઊભા હોઈએ ત્યારે ફટાફટ બ્રાઉઝિંગ માટે ફીડલી ઉપયોગી થાય, પણ મોંઘું પડે!
ફીડલીમાં આપણને ગમતા લેખોને ‘સેવ ફોર લેટર’ કરવાની સગવડ છે, પણ આ રીતે સેવ કરેલા લેખોને વાંચવા માટે પણ નેટ કનેક્શન તો જોઈએ જ!
આ બધા કારણે, ફીડલી બ્રાઉઝિંગ માટે જેટલી સરસ સર્વિસ છે એટલી રીડિંગ માટે નથી.
એટલે જ જો તમે ખરેખર તમારા રસના, અભ્યાસના કે વ્યવસાયના વિષયમાં ગ્લોબલ ટ્રેન્ડથી સતત માહિતગાર રહેવા માગતા હો તો ફીડલી અને પોકેટ જેવી સર્વિસનું પરફેક્ટર કોમ્બિનેશન કરવું પડે (પોકેટ સર્વિસ વિશે આપણે જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં વિગતવાર માહિતી મેળવી હતી).
પોકેટ સર્વિસનું મૂળ નામ જ ‘રીડ ઇટ લેટર’ હતું! એટલે જો તમે પોકેટમાં પણ તમારું એકાઉન્ટ ખોલી નાખો અને સ્માર્ટફોનનમાં પોકેટની એપ ઇન્સ્ટોલ કરી લો, તો જ્યારે સમય (અને ફ્રી વાઇ-ફાઇ!) મળે ત્યારે ફ્રીડલીમાં ફટાફટ બ્રાઉઝિંગ કરી લો અને જે કંઈ કામનું લાગે તેને પોકેટમાં નાખતા જાવ. પોકેટ તેને ઓફલાઇન હોઈએ ત્યારે પણ વાંચી શકીએ એ રીતે સેવ કરી લે છે!
પછી જ્યારે મરજી પડે ત્યારે ગમતા લેખોમાં ઊંડા ઊતરો – સ્માર્ટ સર્ફિંગ આને જ તો કહેવાય!
આરએસએસ શું છે?

ઇન્ટરનેટના દરિયામાંથી તમને ગમતાં મોતી, તમારી કોઈ મહેનત વિના તમારી સામે હાજર કરતા મરજીવાનું કામ કરે છે આ આરએસએસ. આરએસએસ જે તમને ગમતા બધા બ્લોગ પર કોઈ પણ નવું લખાણ મુકાય કે તરત એની લિંક (લખાણ સહિત) એક જ જગ્યાએ, વ્યવસ્થિત રીતે ગોઠવીને તમારી સમક્ષ મૂકી દે છે.
આરએસએસનું ફૂલ ફોર્મ ‘રીચ સાઇટ સમરી’ થાય છે. આ ટેક્નોલોજી રિયલી સિમ્પલ સિન્ડિકેશન તરીકે પણ ઓળખાય છે. આ ટેક્નોલોજીનાં બે પાસાં છે :
- નવી સામગ્રી પૂરી પાડનાર : જે સાઇટ કે બ્લોગ પર નવી સામગ્રી મુકાતી હોય તે દરેક નવી સામગ્રીની લિંક પૂરી પાડે છે, જેને આરએસએસ ફીડ કહે છે
- નવી સામગ્રી વાંચનાર : એટલે કે આપણે સૌ તો ખરા જ, પણ એવી કોઈ એક જગ્યા જ્યાં આ બધી ફીડ ભેગી થાય છે.
આ ‘એક જ જગ્યા’ એટલે કઈ, એવો સવાલ થયો? જવાબ છે આરએસએસ રીડર. ટેક્નોલોજીની લાંબી વાત ટૂંકાવીને એમ કહી શકાય કે કેટલીક એવી સાઇટ્સ છે જે તમને આરએસએસ રીડર પૂરું પાડે છે. એ ‘જગ્યા’ પર જઈને તમે આરએસએસનો લાભ લઈ શકો.
ઇન્ટરનેટ પર બે પ્રકારનાં આરએસએસ રીડર ઉપલબ્ધ છે – ઓનલાઇન રીડર અને ઓફલાઇન રીડર. નામ મુજબ, ઓનલાઇન રીડર તમે કશું ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કર્યા વિના સીધા નેટ પર ઉપયોગમાં લઈ શકો છો, જ્યારે ઓફલાઇન રીડરમાં એ બધી કડાકૂટ રહે છે.


