તમારા મોબાઇલમાં પેન ડ્રાઇવથી સ્ટોરેજ કેપેસિટી વધારવા માગતા હો કે પછી મોબાઇલ/ટેબલેટ સાથે કી-બોર્ડ, માઉસ વગેરે કનેક્ટ કરવા માગતા હો – તમારા માટે આશીર્વાદરૂપ છે ઓટીજી કનેક્ટિવિટી!
આગળ શું વાંચશો?
- ડ્યુઅલ પેન ડ્રાઈવ
- શું છે આ ઓટીજી?
- તમારો મોબાઈલ ઓટીજી કોમ્પિટેબલ છે?
- ઓટીજીના ક્યા ક્યા લાભ લઈ શકાય?
- યુએસબી શું છે?
એક સમયે આપણું પીસી આપણી ડિજિટલ લાઇફના કેન્દ્રમાં હતું. ઈ-મેઇલ કરવા હોય, નેટ સર્ફિંગ કરવું હોય, મ્યુઝિક સાંભળવું હોય, પ્રિન્ટ લેવી હોય, ડિજિટલ કેમેરાથી શૂટ કરેલી ઇમેજીસ કે વીડિયો જોવા હોય… આ બધું જ કરવા માટે આપણને પીસીની જરૂર પડતી. હવે આ બધું જ આપણે સ્માર્ટફોનની મદદથી પણ કરી શકીએ છીએ, (જી, પ્રિન્ટ લેવાનું કામ પણ ડાયરેક્ટલી સ્માર્ટફોનથી થઈ શકે છે!).
એક સવગડ વધી, પણ સાથે તકલીફ એ વધી કે આપણી ડિજિટલ લાઇફ ડિવાઇડેડ થઈ ગઈ! ફોટોગ્રાફ લેવા માટે ડિજિટલ કેમેરા ભૂલાઈ ગયો અને સ્માર્ટફોનથી જ કામ ચાલવા લાગ્યું, પણ તો સ્માર્ટફોનમાંની ઇમેજીસ કે વીડિયો પીસીમાં ટ્રાન્સફર કરવાની કડાકૂટ વધી. સ્માર્ટફોન ઉપરાંત હવે ટેબલેટ પણ આવી ગયાં એટલે કામની ઓફિસ ફાઇલ્સ કે મનગમતી બુક્સની પીડીએફ જો પીસીમાં હોય તો તેને ગમે ત્યારે, ગમે ત્યાંથી એક્સેસ કરવા માટે ટેબલેટમાં ટ્રાન્સફર કરવાની માથાકૂટ પણ વધી!
જો આ બધા માટે ગૂગલ ફોટોઝ કે ગૂગલ ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરતા હો અને બધું તેમાં જ સ્ટોર થતું હોય તો તમે એ બધું પીસી કે ટેબલેટ કે સ્માર્ટફોનમાં ગમે ત્યારે એક્સેસ કરી શકો છો. એ સિવાય, અગાઉ (ડિસેમ્બર ૨૦૧૩ અંકમાં )આપણે જેની વિગતવાર વાત કરી છે એ એરડ્રોઇડ જેવી અફલાતૂન સર્વિસની મદદથી પણ આપણે પીસી અને સ્માર્ટફોન કે ટેબલેટને સહેલાઈથી કનેક્ટ કરી શકીએ છીએ. મોબાઇલ સાથે મળેલા ડેટા કેબલથી મોબાઇલને પીસી સાથે કનેક્ટ કરી શકાય, પણ એ કેબલ ક્યારેક ધાર્યું કામ આપતો નથી, અને આપે ત્યારે ફક્ત પીસી સાથે કનેક્શન માટે કામ લાગે.
સ્માર્ટફોન અને ટેબલેટ પીસીનું સ્થાન લેવા લાગ્યા એનું એક મહત્ત્વનું કારણ છે મોબાઇલ ડિવાઇસીઝમાં વધતી જતી સ્ટોરેજ સ્પેસ. સારા હેન્ડસેટમાં હવે સહેલાઇથી ૪થી ૮ જીબીની ઇન્ટરનેટ સ્ટોરેજ મળે છે અને એન્ડ્રોઇડમાં તો વળી એસડી કાર્ડની મદદથી ૩૨ કે ૬૪ જીબી સુધી મેમરી એક્સપાન્ડ કરવાની સુવિધા પણ મળે છે.
આ બધાના પરિણામે જાણે-અજાણે પીસી અને સ્માર્ટફોનને પરસ્પરની નજીક લાવવાની જરૂરિયાત સતત વધુ ને વધુ અનુભવાઈ રહી છે.
આપણે એક-બે ઉદાહરણથી વાત સમજીએ. ધારો કે તમે સંગીતના શોખીન છો. તમે જુદા જુદા મિત્રો પાસેથી કે અલગ અલગ વેબસાઇટ્સ પરથી ડાઉનલોડ કરીને અસંખ્ય ગીતોની એક મજાની મ્યુઝિક લાઇબ્રેરી તમારા પીસીમાં કાળજીપૂર્વક તૈયાર કરી છે. હવે સંગીતની સાથોસાથ તમને નિયમિત ચાલવા જવાનો પણ શોખ છે અને તમારા મોબાઇલમાં પૂરા ૧૬ જીબીનું કાર્ડ પણ છે. સ્વાભાવિક છે કે તમને લાલચ થશે કે પીસીમાંથી ગમતાં સંખ્યાબંધ ગીતો મોબાઇલમાં ટ્રાન્સફર કરી લઈએ. કારની મ્યુઝિક સિસ્ટમમાં ડાયરેક્ટ પેનડ્રાઇવ કનેક્ટ કરવાની સગવડ ન હોય તો ઓક્ઝિલરી કનેક્શનની સગવડથી ખાસ કેબલ લઈને તમે મોબાઇલને કારની મ્યુઝિક સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકો છો (તેનાથી તમે ચાલુ કારે, ફોન હાથમાં લીધા વિના કારનાં સ્પિકરની મદદથી સલામત રીતે વાત પણ કરી શકો છો, જોકે હવે તો નેનો કારમાં કંપની તરફથી જ મળતી મ્યુઝિક સિસ્ટમમાં પણ બ્લૂટૂથની સગવડ મળે છે!).
હવે બીજી શક્યતા. તમે બહારગામ છો. તમારા મોબાઇલમાં તમારો કોઈ અગત્યનો રિપોર્ટ છે, જેને તમારે લંબાણપૂર્વક એડિટ કરવાનો છે. તમે મિત્રના પીસીમાં તેને ટ્રાન્સફર કરવાને બદલે, સ્માર્ટફોનમાં જ એડિટ કરી લેવા માગો છો, તો? કીબોર્ડ હોય તો વાત સરળ બને, પણ કીબોર્ડને સ્માર્ટફોન સાથે કનેક્ટ કેવી રીતે કરવું?
ત્રીજી શક્યતા. હવે મળતા કેટલાક સારા એન્ડ્રોઇડ ફોનમાં પણ મેમરી એક્સપાન્ડ કરવાની સગવડ હોતી નથી. નેક્સસ કે મોટો-એક્સ જેવા ફોનમાં મેમરી કાર્ડનો સ્લોટ જ હોતો નથી. આ સંજોગોમાં જો આપણે ૧૬ કે ૩૨ જીબીની પેન ડ્રાઇવ કે એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્કને મોબાઇલ સાથે કનેક્ટ કરી શકીએ તો વધારાની મેમરીનો લાભ મળે. જેમ કે ટુરમાં મોબાઇલથી ધડાધડ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કર્યા પછી ફોનની મેમરી ઓછી પડી શકે. આ સ્થિતિમાં મોબાઇલને હેવી કેપેસિટીની પેનડ્રાઇવ સાથે કનેક્ટ કરી શકીએ તો ફોટો-વીડિયો તેમાં ટ્રાન્સફર કરી શકાય.
આવી અલગ અલગ જરૂરિયાતના હવે કેટલાક સહેલા ઉપાય મળવા લાગ્યા છે.
ડ્યુઅલ પેન ડ્રાઇવ
એક ઉપાય છે ડ્યુઅલ કે હાઇબ્રિડ તરીકે ઓળખાતી પેનડ્રાઇવ. અગાઉ આવી ફક્ત ચાઇનીઝ પેન ડ્રાઇવ મળતી હતી, પણ હવે ભારતીય કંપનીઓ પણ હાઇબ્રિડ પેનડ્રાઇવ ઓફર કરે છે. જેમ કે એમેઝોન.ઇન પર આઇબોલ કંપનીની ૧૬ જીબીની હાઇબ્રિડ ડ્યુઅલ પેન ડ્રાઇવ રુ.૫૨૦માં મળે છે. આવી પેન ડ્રાઇવમાં માઇક્રો-બી અને સ્ટાન્ડર્ડ એમ બંને પ્રકારના યુએસબી કનેક્ટર હોય છે.
કંપનીના દાવા મુજબ ભારતમાં પહેલી જ વાર આ રીતે ડ્યુઅલ કનેક્ટરની પેન ડ્રાઇવ મળતી થઈ છે. આ પેન ડ્રાઇવને એક તરફ સ્માર્ટફોનમાં અને બીજી તરફ પીસી કે લેપટોપમાં એક જ સમયે કનેક્ટ કરવામાં આવે તો એ બ્રિજ જેવું કામ આપે છે અને ફાઇલની સહેલી હેરફેર થઈ શકે છે!
જોકે આટલું વાંચીને હાઇબ્રિડ પેન ડ્રાઇવ લેવાનું નક્કી ન કરી લેશો – તેનો લાભ લેવા માટે તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં કે ‘ઓટીજી’ ફંક્શનની સુવિધા હોવી જરૂરી છે!
શું છે આ ઓટીજી?
ઓટીજી શબ્દ બન્યો છે ઓન-ધ-ગો શબ્દમાંથી. આ લેખની શઆતમાં કહ્યું તેમ હવે આપણી ડિજિટલ લાઇફ જુદાં જુદાં સાધનોમાં વહેંચાવા લાગી છે એટલે આ બધાં સાધનો પીસી વિના એકમેક સાથે કનેક્ટ થઈ શકે એવી જરૂરિયાત વધવા લાગી. આ જરૂરિયાતને પગલે યુએસબી ટેક્નોલોજી વિસ્તરી અને યુએસબી : ઓન-ધ-ગો સગવડનો જન્મ થયો.
જે સાધનોમાં યુએસબી-ઓટીજીની અનુકૂળતા હોય તે પીસીની જરૂરિયાત વિના એકમેક સાથે સીધાં જ કનેક્ટ થઈ શકે છે. જેમ કે યુએસબી-ઓટીજી કોમ્પેટિબલ ડિજિટલ કેમેરા મોબાઇલ સાથે કનેક્ટ થઈ શકે કે મોબાઇલ પ્રિન્ટર કે સ્કેનર સાથે અને કીબોર્ડ મોબાઇલ સાથે કનેક્ટ થઈ શકે!
તમારો મોબાઇલ ઓટીજી કોમ્પેટિબલ છે?
યુએસબી-ઓટીજીની સગવડ ઘણી કામની હોવા છતાં, તકલીફ એ છે કે તે તમામ પ્રકારના ડિવાઇસમાં ઉપલબ્ધ હોતી નથી. એન્ડ્રોઇડની વાત કરીએ તો ઘણા મોબાઇલ હેન્ડસેટ મેકર્સ પોતાના મોબાઇલમાં ઓટીજીની સગવડ હોવાનો દાવો કરે છે, પણ તેમ છતાં તેમાં ઓટીજી ચાલે નહીં એવું પણ બની શકે છે.
તમારા મોબાઇલમાં ઓટીજીની સગવડ છે કે નહીં એ જાણવાનો સૌથી સહેલો રસ્તો, મોબાઇલ ખરીદતી વખતે તેના સ્પેસિફિકેશન્સમાં કનેક્ટિવિટી ફીચર્સ તપાસવાનો છે. આ સગવડ હોય તો કનેક્ટિવિટીના લિસ્ટમાં યુએસબી ઓટીજી ફંક્શન પણ વાંચવા મળશે. ઉપરાંત તમને બોક્સમાં જ ઓટીસી કેબલ મળી જશે. બોક્સ પર બાજુમાં બતાવ્યા મુજબનો લોગો પણ હોઈ શકે છે.
આ સિવાય, ગૂગલ પ્લે સ્ટોરમાં તમે ‘યુએસબી ઓટીજી ચેકર’ કે ‘યુએસબી હોસ્ટ ચેક’ જેવી નાની યુટિલિટી એપ ડાઉનલોડ કરીને ઓપન કરશો તો એ તમને કહી આપશે કે તમારા ફોનમાં ઓટીજીની સગવડ ચાલુ છે કે નહીં. અલબત્ત, આ બધી એપ બહુ વિશ્ર્વસનીય નથી, તમે કોઈ મિત્ર પાસે ઓટીજી કેબલ હોય તો તેને તમારા ડિવાઇસમાં કનેક્ટ કરીને નક્કી કરી શકો છો કે તમારા સાધનમાં ઓટીસી ચાલશે કે નહીં, જો ચાલે તો બજારમાં રૂ. ૧૦૦ કરતાં ઓછી કિંમતમાં મળતો આ કેબલ લઈ આવો!
ઓટીજીના કયા કયા લાભ લઈ શકાય?
જો તમારો સ્માર્ટફોન કે ટેબલેટ ઓટીજી કમ્પેટિબલ હોય તો તમે તમારા સાધનની ક્ષમતા મુજબ નીચે પ્રમાણે ઘણા લાભ લઈ શકો છો :
- મોબાઇલમાં પેન ડ્રાઇવ કે એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક કનેક્ટ કરી શકો. કનેક્ટ થતાં જ ફોન તમને કહેશે કે ‘એક્સ્ટર્નલ યુએસબી સ્ટોરેજ રેડી છે, તમે તેને ડિફોલ્ટ રાઇટ ડિસ્ક બનાવવા માગો છો?’ આ મેસેજને કેન્સલ કરી આગળ વધીએ એટલે જો આપણે મોબાઇલમાં કોઈ વધારાની ફાઇલ મેનેજર એપ નાખી હોય તો એ પણ પૂછશે કે એક્સ્ટર્નલ યુએસબી ડ્રાઇવ ડિટેક્ટ થાય ત્યારે આપોઆપ ફાઇલ મેનેજર ઓપન કરવા માગો છો? હા અથવા ના કહી આગળ વધો. હવે ફોનના ફાઇલ મેનેજરમાં જશો એટલે આ એક્સ્ટર્નલ યુએસબી સ્ટોરેજમાંની ફાઇલ્સ જોવા મળશે. જો તમારી યુએસબી ડ્રાઇવમાં ફોટોગ્રાફ્સનાં ફોલ્ડર્સ હશે તો તે ફોનની ગેલેરી એપમાં પણ જોવા મળશે. એ મુજબ, મ્યુઝિક, વીડિયો, વર્ડ કેએક્સેલની ફાઇલ, પીડીએફ વગેરે જે ફાઇલ્સ હશે તેને ઓપન કરવા માટેની એપ મોબાઇલમાં હશે તો તેમાં તેને ઓપન કરી શકાશે.
- પ્લે સ્ટેશન જેવી ગેમિંગ ડિવાઇસને પણ ઓટીજીથી મોબાઇલ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય.
- તમારી ઓફિસના પ્રિન્ટરને ઓટીજી કેબલની મદદથી સ્માર્ટફોન કે ટેબલેટ સાથે કનેક્ટ કરીને ડાયરેક્ટ પ્રિન્ટ મેળવી શકાય છે. નવાં પ્રિન્ટર ઓટીજી કમ્પેટિબલ હોય છે. કેનન, એચપી, ઇપ્સન વગેરે કંપનીની પ્રિન્ટર એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. ‘પ્રિન્ટરશેર’ નામની એપ ડાઉનલોડ કરીને તમે કોઈ પણ પ્રિન્ટરનાં ડ્રાઇવર મોબાઇલમાં ઇન્સ્ટોલ કરીને પછી ઓટીજી કે વાઇફાઇથી પ્રિન્ટ મેળવી શકો છે, અલબત્ત તમારી ઓફિસના સપોર્ટ સ્ટાફની મદદની જરૂર પડી શકે છે.
એટલું યાદ રાખશો કે જેમ આપણે પીસીમાં પેનડ્રાઇવને કનેક્ટ કર્યા તેને ડિસકનેક્ટ કરવી હોય તો ચોક્કસ પદ્ધતિ અનુસરવી સલાભર્યું છે એમ મોબાઇલમાં પણ એક્સ્ટર્નલ યુએસબી કે ડિવાઇસને ઓટીજીથી કનેક્ટ કર્યા પછી યોગ્ય રીતે ડિસકનેક્ટ કરીને પછી જ મોબાઇલમાંથી ઓટીજી કેબલ દૂર કરવો જરૂરી છે. આ માટે ફોનના સેટિંગ્સમાં સ્ટોરેજમાં જાઓ. તેમાં છેક નીચે, એક્સ્ટર્નલ યુએસબી સ્ટોરેજ જોવા મળશે અને તેને અનમાઉન્ટ કરવાનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરી, યુએસબી અનમાઉન્ટ થઈ જાય તે પછી જ ઓટીજી કેબલ દૂર કરશો. તો થઈ જાવ તૈયાર, મોબાઈલના જરા ‘હટકે’ ઉપયોગી માટે!
યુએસબી શું છે?
યુએસબીનું આખું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. કમ્પ્યુટરમાં જુદા જુદા ભાગ વચ્ચે અને એક સાધનથી બીજા સાધન વચ્ચે ડેટાની ટ્રાન્સફર કરવાની વ્યવસ્થાને ‘બસ’ કહે છે. બસના જુદા જુદા પ્રકાર હોય છે અને તેમાંનો એક એટલે યુએસબી. યુસીબી કેબલ જેમાં નાખી શકાય એ સ્લોટને પોર્ટ કહે છે. તમારી પાસે પ્રમાણમાં જૂનું સીપીયુ હોય તો તેમાં કોઈ સ્લોટ કે પોર્ટમાં પેન ડ્રાઇવ નાખતાં, ક્યારેક તમને એવી નોટિસ મળી હશે કે ‘આ પેનડ્રાઇવ તમે જે પોર્ટનો ઉપયોગ કરો છો, તેમાં ધીમી ચાલશે, પેન ડ્રાઇવને હાઇ-સ્પીડ પોર્ટમાં નાખો.’ આનું કારણ એ છે કે જૂનાં ધોરણો અનુસારના યુએસબી પોર્ટ ૧૨ એમબીપીએસના દરે ડેટાની ટ્રાન્સફર કરી શકે છે, જ્યારે યુએસબી ૨.૦ના નવા ધોરણ અનુસારના પોર્ટ ૪૮૦ એમબીપીએસના દરે ડેટા ટ્રાન્સફર કરી શકે છે.પીસી અને મોબાઇલ બંનેમાં યુએસબી પોર્ટ જુદા જુદા માપના હોય છે.

