લોકોને ઉપયોગી એવા એક સાધનની નવી ડિઝાઇન વિક્સાવવા માટે એક સ્પર્ધા યોજાઈ. સ્પર્ધા હેઠળ પૂરા એક લાખ રૂપિયાનું ઇનામ જીતનારે નીચેની શરતો મુજબ એ સાધનની ડિઝાઇન વિક્સાવવી જરૂરી હતી…
- સાધન વજનમાં બિલકુલ હળવું હોવું જોઈએ, ફક્ત એક હાથ કે પગથી પણ ચલાવી શકાય તેવું હોવું જોઈએ.
- કોઈ મહિલા તેના પર એક સાથે ૮ કલાક કામ કરે તોય તેને બહુ મહેનત ન પડે એવું હોવું જોઈએ.
- તેના પર ૮ કલાક કામ કરવામાં આવે તો અમુક નિશ્ચિત ઉત્પાદન મળવું જોઈએ.
- સાધન એ રીતે ડિઝાઇન થયેલું હોવું જોઈએ કે તેની કિંમત રૂ. ૧૫૦થી વધવી ન જોઈએ અને એ ભારતમાં જ બની શકવું જોઈએ.
- સાધન એવું મજબૂત અને વેલ-ડિઝાઇન્ડ હોવું જોઈએ કે તે સતત ૨૦ વર્ષ સુધી ચાલવું જોઈએ. તેના રીપેરિંગ અને સર્વિસનો ખર્ચ સાધનની કિંમતના પાંચ ટકાથી વધવો ન જોઈએ.
- આવું સાધન વિક્સાવનારે તેને પોતાના ખર્ચે વિક્સાવી સ્પર્ધામાં ભાગ લેવો અને નિશ્ચિત તારીખ પહેલાં, નિશ્ચિત સરનામે પહોંચાડવું. જો સાધન ઉપરની બધી શરતો અનુસાર હશે તો તેને વિક્સાવનાર વ્યક્તિ તેના માટે પોતાના નામે પેટન્ટ લઈ શકશે…
આ શરતો વાંચીને સ્ટીવ જોબ્સે આઇપેડ જેવા નવા કોઈ સાધનની ડિઝાઇન વિશે સ્પર્ધા યોજી હોય એવું લાગે છેને? હકીકતમાં, છેક ૧૯૨૩ના અરસામાં રેવાશંકર ઝવેરી નામના એક ખાદીપ્રેમીએ પહેલાં રૂ. ૫૦૦૦ના ઇનામ સાથે નવો રેંટિયો વિક્સાવવા આ સ્પર્ધા જાહેર કરી હતી. જર્મની અને તૂર્કીથી રેંટિયાની નવી ડિઝાઇન્સ આવી, પણ ગાંધીજી રેંટિયામાં જે સુધારા ઇચ્છતા હતા તે તેમાંથી એકેમાં નહોતા. છેવટે ૧૯૨૯માં, ૧ લાખ રૂપિયાના ઇનામ સાથે આ સ્પર્ધા ફરી જાહેર થઈ. એ બીજી વાત છે કે ગાંધીજીના અવસાન સુધી તેમને જોઈતો હતો એવો રેંટિયો ન જ વિકસ્યો.
‘ગાંધીજી ટેક્નોલોજી કે મશીનના વિરોધી હતા’ એવી સામાન્ય છાપ હકીકતથી કેટલી દૂર હતી એ આ ઉદાહરણ પરથી સમજાય છે. ગાંધીજી અમુકને મોટો ફાયદો કરાવે અને અનેકની રોજી છીનવે એવી ટેક્નોલોજીના વિરોધી હતા, પણ લોકોની જિંદગી બહેતર બનાવે એવાં મશીન્સ શોધવા આતૂર હતા. ગાંધીજી સીવણ મશીનને શ્રેષ્ઠ શોધ માનતા હતા!
(પૂરત માહિતી, શ્રી કેતન રૂપેરા, ‘ગ્રામનિર્માણ’. નવજીવન દ્વારા પ્રકાશિત ‘નવજીવનનો અક્ષરદેહ’ના સંપાદક કેતને ‘ખાદીયાત્રા’ નામે વિસ્તૃત અભ્યાસ તૈયાર કર્યો છે)

