વર્ષો જૂની ટેલિફોન વ્યવસ્થામાં ઇન્ટરનેટના સહારે ચાલતી ઓવર-ધ-ટોપ ફ્રી સર્વિસથી ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે, જેના મૂળમાં છે ‘વોઇપ’ નામની ટેક્નોલોજી.
આગળ શું વાંચશો?
- સાદી ટેલિફોન વ્યવસ્થામાં…
- વોઈપ ટેકનોલોજીમાં…
- ઓવર ધ ટોપ ફ્રી સર્વિસથી ભારતીય ટેલિકોમ્સ અકળાઈ
દીકરીને પરદેશ પરણાવી હોય કે સંતાનો વિદેશમાં સ્થાયી થયાં હોય એવાં મા-બાપનો અનુભવ હશે કે અગાઉ ઇન્ટરનેશનલ કોલ કેટલા મોંઘા પડતા હતા! અને હવે? સ્કાઇપ કે ગૂગલ હેંગઆઉટ કે એપલની ફેસટાઇમ જેવી સર્વિસની મદદથી ભારતમાં રહેતાં મા-બાપ ધારે તો રોજેરોજ દીકરી કે દીકરા સાથે રોજેરોજ વાત કરી શકે છે અને ઇચ્છે તો વીડિયો પર આમનેસામને વાત કરી શકે છે – ખર્ચની કોઈ ચિંતા વિના!
આવું કેવી રીતે શક્ય બન્યું? ઇન્ટરનેટથી થયું એ તો સાવ સાદો જવાબ છે, ઇન્ટરનેટથી એવો તે કેવો ચમત્કાર થયો એ જાણવું રસપ્રદ છે.
આવું શક્ય બન્યું વોઇપ (VoiP:Voice over Internet Protocol) તરીકે જાણીતી ટેક્નોલોજીથી. એક તરફ છેક ૧૯મી સદીથી ઉપયોગમાં લેવાતી ટેલિફોન ટેક્નોલોજીમાં ખાસ કોઈ મોટું પરિવર્તન આવ્યું નથી. બીજી તરફ, આજે જગતભરના લોકો ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો વગેરે જોવા કે આપલે કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ઇન્ટરનેટ પોતે ઘણા અંશે ટેલિફોન નેટવર્ક પર આધારિત છે. એટલે ૧૯૯૦ના દાયકામાં કેટલાક કમ્પ્યુટર નિષ્ણાતોને વિચાર આવ્યો કે ઇન્ટરનેટ પર બધા પ્રકારના મીડિયાની આપલે થઈ શકે તો રીયલ ટાઇમમાં લોકોના અવાજની આપલે પણ શક્ય બનવી જોઈએ. તેમાંથી વોઇપ ટેક્નોલોજી જન્મી, જેનાથી આજે જગતભરની ટેલિફોન વ્યવસ્થામાં જ ધરમૂળથી પરિવર્તન આવે એવી શક્યતા છે.
વોઇપ એક એવી વ્યવસ્થા છે, જે ફોન પર વાતચીત માટે ઉપયોગમાં આવતાં એનેલોગ ઓડિયો સિગ્નલ્સને ડિજિટલ સિગ્નલમાં ફેરવી શકે છે, જેને ઇન્ટરનેટ પર ટ્રાન્સમિટ કરી શકાય! જો આપણે વોઇપ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ તો આપણી ફોન કંપની અને તેના બિલને બિલકુલ બાજુએ રાખીને લગભગ મફતમાં લોંગ-ડિસ્ટન્સ કોલ કરી શકીએ. અત્યારે ફોન કંપનીઓ પણ લોંગ-ડિસ્ટન્સ કોલ માટે વોઇપ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગી છે.વોઇપથી શી કમાલ થાય છે એ સમજવા માટે પહેલાં સાદી ટેલિફોન વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તે સમજીએ.
સાદી ટેલિફોન વ્યવસ્થામાં…
સાદી વ્યવસ્થામાં સર્કિટ સ્વિચિંગ નામે ઓળખાતી વ્યવસ્થાનો ઉપયોગ થાય છે, જે લગભગ ૧૦૦ વર્ષથી ઉપયોગમાં છે! સાદી ટેલિફોન વ્યવસ્થામાં આપણે રીસિવર ઉપાડી નંબર જોડીએ, એટલે આપણો કોલ લોકલ કંપનીની સ્વિચ મારફત સામેની પાર્ટી તરફ વહેતો થાય.
બંને પાર્ટી વચ્ચે આવી સંખ્યાબંધ, એકમેક સાથે જોડાયેલી સ્વિચની મદદથી બંને પાર્ટી વચ્ચે કનેક્શન થાય અને સામે છેડે રિંગ વાગે.
સામેની વ્યક્તિ ‘હલ્લો’ કહી જવાબ આપે એટલે સમગ્ર સર્કિટ ઓન થાય. આપણે વાતચીત પૂરી કરી રીસિવર મૂકીએ એટલે સર્કિટ કટ થાય અને બંને છેડા વચ્ચેની લાઇન ફ્રી થાય.
લગભગ ૧૯૬૦ સુધી એવી સ્થિતિ હતી કે આવી એક વારની વાતચીત માટે બંને છેડા વચ્ચે ડેડિકેટેડ એટલે કે વાતચીત કરી બે પાર્ટી માટે જ રીઝર્વ રહે એ રીતે વાયર કનેક્શનની જરૂર પડતી હતી.
મતલબ કે આપણે અમદાવાદથી મુંબઈ કોલ જોડીને પાંચ મિનિટ વાત કરીએ તો એ પાંચ મિનિટ સુધી ફક્ત આપણે બંને શહેર વચ્ચેના વાયર કનેક્શનનો લાભ લઈ શકીએ, પરિણામે આપણે એ પાંચ મિનિટ સુધી વાયરનો પૂરેપૂરો ઉપયોગ કરવાનું મસમોટું ભાડું ચૂકવવું પડે.
એટલે તો આપણા વડીલોએ લોંગ-ડિસ્ટન્સ કોલ માટે ફોન ઓફિસમાં વિનંતી કરીને, કોલ મળે ત્યાં સુધી, કલાકો સુધી રાહ જોતા રહેવું પડતું.
હવે ટેક્નોલોજી બદલાઈ છે. આપણા ઘર સુધીની લેન્ડલાઇન માટે ભલે જૂનો કોપર વાયર વપરાતો, પણ આગળ જતાં આપણો અવાજ ડિજિટાઇઝ્ડ થઈને ફાઇબર ઓપ્ટિકલ કેબલ દ્વારા, બીજા હજારો લોકોના અવાજની સાથે સામેની પાર્ટી તરફ વહેતો થાય છે.
વોઇપ ટેક્નોલોજીમાં…
વોઇપ ટેક્નોલોજીમાં સર્કિટ સ્વિચિંગને બદલે પેકેટ સ્વિચિંગ નામની વ્યવસ્થાનો ઉપયોગ થાય છે, જે ઇન્ટરનેટ પર બધા પ્રકારના ડેટાની આપલે માટે વપરાય છે.
તેમાં ડેટા મોકલી રહેલું કમ્પ્યુટર ડેટાને નાના નાના અનેક પેકેટમાં વહેંચી નાખે છે અને દરેક પેકેટને તે જ્યાં પહોંચાડવાના છે તેના એડ્રેસ સાથે નજીકના રાઉટર તરફ આગળ મોકલે છે. આ રાઉટર તેને વળી આગળના રાઉટર તરફ મોકલે છે.
આમ બધાં પેકેટ્સ સંખ્યાબંધ જુદા જુદા રસ્તે આગળ વધીને છેવટે ફાઇનલ એડ્રેસ પર પહોંચે છે, જ્યાં બધાં પેકેટ્સ ભેગાં થઈને ડેટાના મૂળ સ્વરૂપમાં ફેરવાય છે. આ બધી વિધિ વિવિધ સંખ્યાબંધ અને સૌથી ઓછા ટ્રાફિકવાળી લાઇન્સ દ્વારા થાય છે અને એ દરમિયાન બંને છેડાનાં કમ્પ્યુટર્સે એકમેક સાથે કનેક્ટ રહેવાની જરૂર હોતી નથી.
૧૦-૧૧ વર્ષ પહેલાં શરૂ થયેલી સ્કાઇપ કે નજીકના ભૂતકાળમાં શરૂ થયેલી ગૂગલ હેંગઆઉટ્સ જેવી સર્વિસમાં મોટા ભાગે કમ્પ્યુટર ટુ કમ્પ્યુટર કોલિંગ થાય છે, જ્યારે બેમાંથી એક છેડે કે બંને છેડે લોકલ ફોન કે સેલફોન હોય ત્યારે સાદા ટેલિફોન નેટવર્કને ઇન્ટરનટે સાથે કનેક્ટ કરવાની કેટલીક પ્રક્રિયા થાય છે, બાકીની વિધિ સમાન રહે છે!
એટલે જ તો ભારતથી અમેરિકા હવે બિલકુલ મફત વાતચીત પણ શક્ય બની છે!
ઓવર-ધ-ટોપ ફ્રી સર્વિસથી ભારતીય ટેલિકોમ્સ અકળાઈ
ફોન પરથી, ઇન્ટરનેટ દ્વારા મેસેજ કે વોઇસ કોલ કરવાની સગવડને ઓવર-ધ-ટોપ (ઓટીટી) કહેવાય છે. ભારતમાં હજારો કરોડના ખર્ચીને (કે વહેંચીને!) ૨જી, ૩જી અને ૪જીનાં લાઇસન્સ મેળવનારી ટેલિકોમ કંપનીઓ આ ઓટીટીની બેહદ ઝડપે વધતી લોકપ્રિયતાથી અકળાઈ ઊઠી છે.
આ કંપનીઓના દાવા મુજબ તેમને આવી સર્વિસ આપતી ફ્રી એપ્સને કારણે દર વર્ષે રૂ. ૫૦૦૦ કરોડનું નુક્સાન થઈ રહ્યું છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્યોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી છે અને હવે ઓટીટી સર્વિસ આપતી કંપનીઓ પર કનેક્ટિંગ ફી લાદવાનો વિચાર ચાલી રહ્યો છે.
જોકે બીજી તરફ ભારતની અગ્રણી ટેલિકોમ એરટેલે પણ હોંગકોંગથી એરટેલ ટોક નામની સ્કાઇપ જેવી જ સર્વિસ ચાલુ કરી છે. આ સર્વિસમાં પણ ભારતમાં ફ્રી વોઇપ દ્વારા ઇન્ટરનેશનલ કોલ થઈ શકશે, એરટેલ ટોક ટુ એરટેલ ટોક ફ્રી કોલ્સ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, કોન્ફરન્સ કોલ્સ, ફાઇલ શેરિંગ વગેરે બધું થઈ શકે છે.
એરટોલ ટોક અત્યારે એન્ડ્રોઇડ અને આઇઓસ ડિવાઇસીઝ માટે ઉપલબ્ધ છે, જોકે તેને ડાઉનલોડ કરનારા વોઇસ ક્વોલિટી અંગે ફરિયાદ કરી રહ્યા છે.

