અત્યાર સુધી આપણા રાજકારણીઓ જે રમત રમતા હતા એ હવે મોટી મોટી ટેકકંપનીઝ પણ રમવા લાગી હોય એવું લાગે છે. ખેલાડી રાજકારણીઓ પહેલાં, તેમનો જેમાં ફાયદો હોય એવી ચીજવસ્તુઓના ભાવમાં જરુર કરતાં વધારે વધારો કરે અને પછી જનતા વિરોધ કરે એટલે થોડો-ઘણો ભાવવધારો પાછો ખેંચે અને એ રીતે અંતે પોતાની મનમાની કરે.
અત્યારે જગતના અડધા અબજથી વધુ લોકોને જેના નિયમિત ઉપયોગ વિના ચેન પડતું નથી એ વોટ્સએપનો બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને રશિયામાં જબરજસ્ત ગતિએ ફેલાવો વધી રહ્યો છે. કંપનીના દાવા મુજબ વોટ્સએપના યુઝર્સ રોજેરોજ ૭૦ કરોડ ઇમેજીસ અને ૧૦ કરોડ વીડિયો શેર કરે છે (તમારો પોતાનો વપરાશ તપાસી જોશો તો આ આંકડા થોડા ઓછા હોવાનું પણ કદાચ લાગશે!).
આવી લોકપ્રિય વોટ્સએપે હમણાં ચૂપકીદીથી તેની સર્વિસમાં એક નવું ફીચર ઉમેરી દીધું – આપણો મેસેજ સામેવાળી પાર્ટીએ જોયો કે નહીં એની આપણને જાણ કરતું ફીચર. ચૂપકીદીથી એટલા માટે કે સામાન્ય રીતે આવા ફેરફાર જે તે એપના વર્ઝનમાં મોટા અપડેશન સાથે કરવામાં આવે અને જ્યારે તે કરવામાં આવે ત્યારે યુઝર્સે તેનો લાભ લેવો કે નહીં તે યુઝર્સને જ નક્કી કરવા દેવામાં આવે. વોટ્સએપે આ રીતે વાત વાચકોની મરજી પર છોડી નહીં.
તમે વોટ્સએપનો નિયમિત ઉપયોગ કરતા હો (કોઈ શક?) અને દરેક મેસેજ સાથેના એરો પર તમારુંં ધ્યાન જતું હોય (હા, એમાં શંકા ખરી!) તો તમે જોયું હશે કે આપણે મોકલેલો મેસેજ સફળતાથી રવાના થાય એટલે મેસેજ પર એક ખરાની નિશાની ઉમેરાઈ જાય છે. બે ખરાની નિશાની હોય તો એનો મતલબ થયો કે મેસેજ સામેવાળી પાર્ટી સુધી પહોંચ્યો પણ છે (ગ્રૂપમાં મોકલેલા મેસેજમાં, સૌના ફોન સુધી મેસેજ પહોંચ્યા પછી બે ટિક જોવા મળે છે). જો તમે વોટ્સએપ ઓટો-અપડેટ થાય એવું સેટિંગ રાખ્યું હોય તો બંને ટિક બ્લુ રંગની થઈ જતી હોવાનું પણ નોંધ્યું હશે (જેમના વોટ્સએપ ઓટો-અપડેટેડ ન હોય એમને બ્લુ ટિક ન જોવા મળે એવું બની શકે છે).
બ્લુ ટિકનો મતલબ એ કે સામેવાળી પાર્ટીએ તમારો મેસેજ વાંચ્યો પણ છે (ગ્રૂપના કિસ્સામાં, ગ્રૂપમાંના તમામ લોકો મેસેજ વાંચી લે તે પછી બ્લુ ટિક થાય).
પણ, આ વાતે લોકોને વાંધો પડ્યો. કારણ કે જેમ આપણને ખબર પડે, તેમ બીજાને પણ ખબર પડે કે આપણે તેમના મેસેજ વાંચ્યા છે કે નહીં. મેસેજ વાંચો જ નહીં કે વાંચ્યા પછી જવાબ ન આપો તો વાંધો પડે ને વાત સંબંધ બગડવા સુધી પણ જઈ શકે.
ચારે તરફથી આ સુવિધાનો વિરોધ થવા લાગ્યો એટલે હવે વોટ્સએપે રાજકારણી જેવું પગલું ભર્યું. લોકોને આ સુવિધા બંધ કરવાની સગવડ આપી, પણ સરેરાશ યુઝર્સ એનો લાભ સહેલાઈથી ન લઈ શકે એ રીતે. અત્યારે બ્લુ ટિકની સગવડ બંધ કરવાની સગવડ ફક્ત એન્ડ્રોઇડ એપના નવા વર્ઝનમાં છે ને વાત ત્યાં પણ સહેલી નથી.
ટિકની સગવડ બંધ કરવા માગતા હો તો…
વોટ્સએપ સામાન્ય રીતે પોતાની એપમાં કંઈ પણ અપડેશન કરે ત્યારે તે પહેલાં પોતાની સાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે આપે છે અને પછી જે તે પ્લેટફોર્મના એપ સ્ટોરમાં. એટલે જો તમે આ વાંચતા હો ત્યાં સુધીમાં પ્લે સ્ટોરમાં વોટ્સએપમાં અપડેશન ન આવ્યું હોય અને તમે બ્લુ ટિકની સગવડ બંધ કરવા માગતા હો તો… વોટ્સએપની સાઇટ (http://www.whatsapp.com/download/) પર જઈ, તેના અપડેટેડ વર્ઝનની એપીકે ફાઇલ ડાઉનલોડ કરી લો.
- ફોનના સેટિંગ્સમાં જાવ.
- તેમાં સિક્યુરિટીમાં જઈ એલાઉ ઇન્સ્ટોલેશન ઓફ એપ્સ ફ્રોમ અનનોન સોર્સિઝ એટલે કે અજાણ્યા સ્રોતમાંથી એપ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપો.
- પછી વોટ્સએપની નવી એપીકે ઓપન કરી, ઇન્સ્ટોલ કરો.
- પછી ફરી અજાણ્યા સ્રોતવાળી મંજૂરી પાછી ખેંચો…
તમારા એન્ડ્રોઇડ ફોનમાં વોટ્સએપનું વર્ઝન ૨.૧૧.૧૪૩ હોવાની શક્યતા છે અને આ લખાય છે ત્યારે કંપનીની સાઇટ પરનું વર્ઝન ૨.૧૧.૪૫૨ છે.
આટલું વાંચીને તમે નક્કી કરી લીધું હશે કે આપણે બ્લુ ટિકવાળી સગવડ ભલે ચાલુ રહેતી, આટલી કડાકૂટ કરવી નથી!
વોટ્સએપના કિસ્સામાં બીજી એક વાત એ પણ છે કે પ્લેસ્ટોર પર આ એપના પેજ પર લખ્યા મુજબ, દરેક સ્માર્ટફોન કે ટેબલેટ મુજબ એપનું કરન્ટ વર્ઝન અલગ અલગ હોઈ શકે છે.
જો તમને આ સગવડ મળે તો સેટિંગ્સમાં જઈને બ્લુ ટિક બંધ કરી શકો છો, અલબત્ત પછી તમે બીજા લોકોએ તમારા મેસેજ જોયા કે નહીં એ પણ જાણી શકશો નહીં!
પસંદગી તમારી!


