આ લેખના શીર્ષક માટે જેનો આધાર લીધો છે, એ કવિ શ્રી ઉમાશંકર જોશીની મૂળ પંક્તિઓ તો જુદી છે ને બહુ મજાની છે, “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી… નેટ પર જરા સરખું સર્ચ કરશો તો આખું ગીત વાંચી તો ઠીક સાંભળી પણ શકશો.
ફિલ્મ ‘જબ વી મેટ’ના પેલા ગીત “હમ જો ચલને લગે, ચલને લગે હૈં યે રાસ્તે, આ હા હા, મંઝિલ સે બેહતર લગને લગે હૈં યે રાસ્તે…માં પણ બરાબર આ જ મસ્તી ઝીલાઈ છે. ગુજરાતી અને હિન્દી બંને ગીતમાં કોઈના માર્ગદર્શન વિના બસ, નીકળી પડવાનો અલગારી મિજાજ છે.
ખેર, આપણે તો દિવાળીમાં ત્રણ-ચાર દિવસની રજાઓમાં એક-બે દિવસની રજા ઉમેરીને અને પહેલેથી ટ્રાવેલ અને હોટેલનું બધું ફૂલપ્રૂફ બુકિંગ કરાવીને પ્રવાસે નીકળનારા અને ટ્રાવેલ કંપનીના મેનેજર કહે ત્યારે શોપિંગ કરવા અને એ કહે ત્યારે ‘સાઇટસીન’ (એમાં સીઇંગના બદલે સીન પાપ જ થાય!) કરવા જનારા લોકો છીએ. કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ કે શહેરને નજીકથી જાણવું ને માણવું હોય તો પગપાળા નીકળી પડવા જેટલું કારગત બીજું કંઈ નથી, પણ આપણને ફૂટલૂઝ ટ્રાવેલિંગની બાદશાહી પોસાય એમ નથી, એમાં રૂપિયાની જરૂર ન હોવા છતાં!
અલબત્ત, એટલું ખરું કે દિવાળીની રજાઓમાં ટ્રેન કે ફ્લાઇટ બુકિંગ સમયસર કરાવી ન શકીએ ત્યારે આપણે કાર લઈને રાજસ્થાનના ઉદયપુર, જયપુર, જોધપુર, જેસલમેર, મધ્ય પ્રદેશના પંચમઢી કે મહારાષ્ટ્રના માથેરાન, લોનાવલા સુધી આંટો મારવા નીકળી પડીએ ખરા.
આવે સમયે ટ્રાવેલ કંપનીના મેનેજર જેવો ભોમિયો નહીં, પણ ખિસ્સામાં પડેલા સ્માર્ટફોનમાંના મેપ જેવો ભોમિયો સાથે હોય અને આપણે માટે અજાણી જગ્યાનો પહેલાં નક્શા પર બરાબર પ્રવાસ કરી લઈએ અને પછી એ સ્થળે પહોંચીએ તો પ્રવાસમાં જરા વધુ મજા ઉમેરી શકાય.
જો આપણે એ સ્થળે પહોંચ્યા પછી પણ ત્યાંના મેપને હાથવગો રાખી શકીએ તો આપણી મજા અને સગવડ બંને વધે. જોધપુર પહોંચ્યા પછી મહેરાન ગઢ જોઈને ઉમેદ ભવન પેલેસ સુધી પહોંચવું હોય તો ફટાફટ સ્માર્ટફોન કાઢીને એમાં નક્શા પર રસ્તો બરાબર સમજી લઈએ તો રઝળપાટ થોડી ઓછી થાય.
હવે, બહારગામ ગયા હોઈએ ત્યારે આપણને વાઇ-ફાઇની સુવિધા તો મળે નહીં, મહામૂલા ડેટા પ્લાનનો ખર્ચ આકરો લાગે અને ઘણી વાર સારું કવરેજ ન મળવાને કારણે પણ ઓનલાઇન મેપ એક્સેસ ન કરી શકાય.
આ સ્થિતિમાં એક સરસ રસ્તો છે, આપણે જે સ્થળે જઈ રહ્યા હોઈએ ત્યાંનો મેપ ઓફલાઇન યૂઝ માટે ડાઉનલોડ કરી લેવાનો! સામાન્ય રીતે ઓનલાઇન, ડિજિટલ મેપની વાત નીકળે એટલે આપણ મનમાં ગૂગલ મેપનો જ વિચાર આવે, પણ બીજા કેટલાક વિકલ્પો પણ છે.
જોકે શરૂઆત કરીએ, ગૂગલ મેપથી. પહેલાં કેટલીક ચોખવટ કરી લઈએ.
આપણે ગૂગલ મેપ પર ધારીએ એટલા વિસ્તારોના વિગતવાર નક્શા ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી શકીએ છીએ, સવાલ ફક્ત આપણા ફોન કે ટેબલેટમાં સ્પેસ કેટલી છે એ જ રહે છે. આપણે ડાઉનલોડ કરેલા નક્શાની ફાઇલ કેટલી હેવી હશે તેનો આધાર આપણે કેટલા વિસ્તારનો નક્શો પસંદ કરીએ છીએ એના પર છે, પરંતુ એ ૨-૩ એમબીથી વીસેક એમબી સુધીની રહેશે.
જેમ કે ફક્ત જોધપુર શહેર પર ઝૂમ કરેલો નક્શો માંડ ૨ એમબી જગ્યા રોકશે, પણ શહેરની આજુબાજુના વિસ્તારને પણ આવરી લઈને નક્શો સેવ કરશો તો તેની ફાઇલ ૧૬ એમબી કે વધુ જગ્યા રોકશે.
આપણે ડાઉનલોડ કરેલા નક્શાનો ૩૦ દિવસ સુધી ઓફલાઇન ઉપયોગ કરી શકાય છે, એ પછી પણ જરૂર હોય તો આપણને તેને ફરી ડાઉનલોડ કરવા પડે.
ડિજિટલ અને ઓનલાઇન મેપની એક બહુ ઉપયોગી સુવિધા ટર્ન-બાય-ટર્ન ડિરેક્શન અને આસપાસનાં સ્થળો સર્ચ કરવાને લગતી છે, જે દેખીતું છે કે ઓફલાઇન મેપમાં મળતી નથી. જોકે જીપીએસ ચાલે છે, એટલે આપણે ઓફલાઇન મેપ પર પણ આપણું કરન્ટ લોકેશન જોઈ શકીએ છીએ.
ઓકે, તો આટલી સ્પષ્ટતા સાથે ડાઉનલોડ કરીએ જોધપુરનો નક્શો! આ કામ એક ટૂંકા રસ્તે પણ શક્ય છે, પણ આપણા જરા લાંબો રસ્તો પકડીએ, એટલે ગૂગલ મેપ્સને જરા વધુ બારીક નજરે જોવાની તક પણ મળશે. નક્શા પર તો નક્શા પર, શોર્ટકટ શા માટે લેવા?!
- તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.
- ડાબી તરફ આપેલા સર્ચ બોક્સની બાજુમાં આપેલી ત્રણ આડી લાઇન પર ક્લિક કરતાં, એક પેનલ ઓપન થશે.
- ફોનના વર્ઝન અનુસાર આ રીત કદાચ જુદી હોઈ શકે, પણ આપણે મેપ્સની સેટિંગ્સમાં જવાનું છે.
- તમે ગૂગલ મેપમાં સાઇન-ઇન ન હોય તો થઈ જાવ.
- હવે આ પેનલ પર એક નજર ફેરવી, તેમાં સૌથી પહેલાં આપેલ ‘યોર પ્લેસીઝ’ પર ક્લિક કરો. અહીં તમને તમારા ઘર અને કામકાજના સ્થળનાં સરનામાં જોવા મળશે. એ સિવાય બીજું કશું તમે ગૂગલ મેપમાં સેવ કર્યું હશે તો એ પણ દેખાશે.
- અહીંથી નીચે જતાં, છેક નીચે ‘ઓફલાઇન એરિયા’ અને તેની સાથે સૂચના જોવા મળશે કે તમને નેટ કનેક્શન ઉપબ્ધ ન હોય કે ધીમું હોય ત્યારે તમે આ ઓફલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકો છો. તેની નીચે આપેલ ‘ડાઉનલોડ એ ન્યૂ ઓફલાઇન એરિયા’ પર ક્લિક કરો.
- આપણા ફોનમાં ગમે તેટલી સ્પેસ હોય તો પણ ગૂગલ અમુક મર્યાદામાં જ નક્શાની ફાઇલ ડાઉનલોડ કરવા દે છે. સામાન્ય રીતે, ગૂગલ મેપ્સ ૫૦ ચોરસ કિલોમીટર સુધીના વિસ્તારને ઓફલાઇન યૂઝ માટે ડાઉનલોડ કરવા દે છે એટલે જોધપુરનો નક્શો સેવ કરી શકાય, પણ આખા રાજસ્થાનનો નહીં (આનો બીજો એક ઉપાય છે, એની વાત આગળ કરીશું).
- આપણે ‘ડાઉનલોડ એ ન્યૂ ઓફલાઇન એરિયા’ પર ક્લિક કરીને આગળ વધીશું ત્યારે નક્શામાં દેખાતો વિસ્તાર, ગૂગલે નક્કી કરેલી મર્યાદા કરતાં મોટો હશે તો એ આપણે કહેશે કે ‘એરિયા ટુ લાર્જ, ઝૂમ ઇન’.
- આપણે મેપમાં જોધપુર શહેર પર ઝૂમ ઇન કરીએ. હવે જોધપુરનો નક્શો સ્ક્રીનમાં બરાબર કેન્દ્રમાં રહે એ રીતે એડજસ્ટ કરી, નીચે આપેલ ડાઉનલોડ બટન ક્લિક કરો.
- આપણને ઓફલાઇન એરિયાનું નામ આપવા કહેવામાં આવશે, જોધપુર નામ આપી સેવ કરી લેશો એટલે કામ પૂરં, એટલા વિસ્તારના નક્શાની ફાઇલ ડાઉનલોડ થઈને ઓફલાઇન ઉપયોગ માટે ફોનમાં સચવાઈ જશે!
આ લાંબો રસ્તો જોયા પછી હવે પેલા શોર્ટકટની વાત કરીએ, મેપ એપ ઓપન કરી, જોધપુર શહેર સર્ચ કરી લો. દેખાઈ રહેલો વિસ્તાર ડાઉનલોડ કરવા માટે બરાબર હોય તો સર્ચ બારમાં ‘ઓકે મેપ્સ’ લખો અથવા માઇકના આઇકન પર ક્લિક કરી, આ મૌખિક સૂચના આપો તમે તરત જ પૂછવામાં આવશે, ‘ડાઉનલોડ ધીસ એરિયા?!’
હવે જોધપુર પહોંચીને, નેટ કનેક્શન વિના શહેરનો નક્શો એક્સેસ કરવા માટે ફોનમાં મેપ એપ ઓપન કરો, ડાબી પેનલ ઓપન કરી, યોર પ્લેસીઝમાં ઝંપલાવશો એટલે જોધપુરનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે તૈયાર હશે. તેના પર ક્લિક કરો અને ઝૂમ કરી કરીને મહેરાનગઢથી ઉમેદ ભવન પેલેસ સુધીનો રસ્તો જાણી લો!
હવે આપણે આગળ જે વાત કરી કે ગૂગલ મેપ સિવાયના બીજા રસ્તા પણ છે, તેની વાત કરી લઈએ. મેપ્સ.મી (http://maps.me/) નામની એક સર્વિસ મેપનો ખાસ્સો ઉપયોગ કરતા લોકોમાં ઘણી લોકપ્રિય બની છે. આ સર્વિસ આખાઆખા દેશનો નક્શો ડાઉનલોડ કરીને તેનો ઓફલાઇન ઉપયોગ કરવાની સુવિધા આપે છે. તકલીફ એ કે આખા દેશનો નક્શો ડાઉનલોડ કરવા જતાં ફાઇલ સાઇઝ ઘણી મોટી થઈ જાય છે.
આ સર્વિસની એપ ડાઉનલોડ કરીએ ત્યારે જ એ ૫૫ એમબી જેટલી જગ્યા રોકે છે અને પછી ભારતમાં કંઈ પણ સર્ચ કરવા જઈએ તો પહેલાં ભારતનો આખો નક્શો ડાઉનલોડ કરવો પડે, જે ડ્રાઇવિંગ ડિરેક્શન વિના ૨૨૫ એમબીનો છે અને અને સાથે ૪૪૪ એમબીનો છે!
હવે કયા મેપની મદદ લેવી એ તમે નક્કી કરો, મંઝિલ નક્કી કરો અથવા નક્કી કર્યા વિના જ નીકળી પડો – મજાની દુનિયા જોવા!

