ઓનલાઇન અને ઓફલાઇન વિવિધ જગ્યાએ આપણી પાર વગરની વિવિધ માહિતી વિખરાયેલી પડી હોય છે. હવે એ બધું જ વ્યવસ્થિત રીતે એકઠું કરી, વેચવામાં આવી રહ્યું છે!
દિવાળીના દિવસોમાં, ઘરે જે કોઈ મળવા આવે એને ગુજરાતી લોકો કેવી હોંશથી મઠિયાં ને ચેવડાની ડીશ ધરી દે છે? (દિવાળીના દિવસો વીત્યા પછી અને નાસ્તો જૂનો થયા પછી આ ઉત્સાહ હજી વધતો હોય છે!) લગભગ એટલી જ હોંશથી આપણે સૌ આખી દુનિયાને આપણી કેટકેટલીય અંગત માહિતી પીરસતા રહીએ છીએ, રોજેરોજ, ઇન્ટરનેટ પર.
થેંક્સ ટુ સોશિયલ મીડિયા, દુનિયામાં હવે પ્રાઇવસી જેવું લગભગ કંઈ રહ્યું નથી. આપણે મિત્રો, સ્વજનો સાથે સંપર્કમાં રહેવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ, એ જ સાઇટનો ઘણા બધા લોકો આપણા હિતમાં ન હોય એવા હેતુઓ માટે પણ ઉપયોગ કરે છે. આપણા માટે આગામી દિવસો કેવા હશે એની ઝલક આપતી એક વેબસાઇટ વિશે આજે જાણી લઈએ. અત્યારે આ વેબસાઇટ ફક્ત યુએસમાં વસતા નાગરિકો માટે છે, એટલે અત્યારથી ચિંતામાં ડૂબી જશો નહીં!
થોડાં વર્ષ પહેલાં, યુએસના લોકોના ઈમેઇલ્સ અને ફેસબુકની વોલ પર ફરતા થયેલા એક મેસેજે રીતસર ફફડાટ ફેલાવ્યો હતો : “ફોર યોર ઇન્ફર્મેશન એવરીવન : સ્પોકિયો.કોમ નામની એક વેબસાઇટ પર તમારા ઘરની તસવીર, એની કિંમત અને તમારા પરિવારની ઘણી બધી અંગત માહિતી છે, આજે જ ચેક કરો અને તમારી માહિતી ડિલીટ કરી દો…”
હકીકત એ છે કે ઇન્ટરનેટ પર ચાલતાં જાત-ભાતનાં સ્કેમ જેવું આ કોઈ સ્કેમ નહોતું. સ્પોકિયો.કોમ (www.spokeo.com) નામની ખરેખર એક વેબસાઇટ છે. એકદમ પ્રોફેશનલ સર્વિસનો લૂક એન્ડ ફીલ આપતી આ સાઇટ અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા લોકોએ સ્થાપી છે.
સ્પોકિયોના દાવા મુજબ, આ સાઇટ પર તમે કોઈ જાણી-અજાણી વ્યક્તિ વિશે કે કોઈ વિસ્તારમાં રહેવા જતા હો તો ત્યાં તમારા સંભવિત પડોશીઓ વિશે પાર વગરના ડેટા સાથે રિસર્ચ કરી શકો છો. સાઇટના દાવા મુજબ, અહીં તમે જૂની પરિચિત કોઈ વ્યક્તિનું, નામ, ફોન નંબર કે ઈ-મેઇલ જેવી માહિતી આપીને તેમની લેટેસ્ટ માહિતી મેળવી, તેમની સાથેનો સંપર્ક ફરી તાજો કરી શકો છો.
આ સાઇટ કે સર્વિસ યુએસમાં વસતા નાગરિકો વિશેની માહિતી વિવિધ (ખરેખર તો સંખ્યાબંધ) ઓનલાઇન અને ઓફલાઇન સ્રોતોમાંથી એકઠી કરે છે અને પછી એમાંની માહિતી વેચે છે!
સાઇટ પરની સ્પષ્ટતા મુજબ, આ સર્વિસ તમામ પબ્લિક સોર્સમાંથી ડેટા એકઠો કરે છે, પણ સર્વિસ પોતે કોઈ ડેટા સાચો હોવાની ખાતરી કરતી નથી કે એ વિશેની કોઈ વોરંટી કે ગેરંટી આપતી નથી.
સ્પોકિયો સર્વિસ વિવિધ બિઝનેસને પણ પોતાની સર્વિસ આપે છે. સાઇટના દાવા મુજબ તેના પર ૧૨ અબજ રેકોર્ડ ઉપલબ્ધ છે અને લવાજમ ભરીને કોઈ પણ બિઝનેસ આ તમામ રેકોર્ડ એક્સેસ કરી શકે છે.
સ્પોકિયો પર અમેરિકન સેલિબ્રિટિઝ વિશેનો ડેટા પણ ઉપલબ્ધ છે.
જાતે તપાસીએ આ સ્પોકિયો સર્વિસ
આ સાઇટનો પૂરો ક્યાસ કાઢવા, આપણે સાઇટ પર જઈએ અને કાલ્પનિક નામથી સર્ચ કરીએ.
સાઇટના હોમ પેજ પર આપણે કોઈ પણ વ્યક્તિના નામ, ઈ-મેઇલ, ફોનનંબર, સોશિયલ મીડિયા યુઝરનેમ કે એડ્રેસમાંથી કોઈ પણ એક વિગત આપીને તેના વિશે માહિતી મેળવી શકીએ છીએ. અમેરિકામાં આપણા અઢળક પટેલ ભાઈઓ વસે છે, એટલે કોઈ એક કાલ્પનિક નામ અને પટેલ અટક લઈને તેના વિશે સર્ચ કરીએ.
આ રીતે સર્ચ કરતાં અમેરિકાના નક્શા પર વિવિધ રાજ્યોમાં આપણે સર્ચ કરેલ નામવાળા કેટલા પટેલબંધુ વસે છે એ જોવા મળે છે. એ વ્યક્તિનું સ્ટેટ, તેમનાં લોકેશન્સ અને સંબંધીઓનાં નામ પણ પહેલી નજરે જોવા મળે છે, એટલે એ વ્યક્તિ આપણે શોધીએ છીએ એ જ છે કે બીજી તે આપણે સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ.
કોઈ એક નામ પસંદ કરીને આગળ વધતાં, સ્પોકિયો એ વ્યક્તિ વિશેની કેટલી માહિતી ધરાવે છે તેની એક ઝલક આપણને જોવા મળે છે.
જેમ કે પ્રોફાઇલ ડિટેઇલ્સમાં તેમનું નામ, જેન્ટર, ઉંમર, ફોન નંબર, ઇમેઇલ એડ્રેસ, હાલનું એડ્રેસ, પરિવારમાં સભ્યોની વિગત, મેરિટલ સ્ટેટસ, વ્યવસાય અને શિક્ષણ વિશે જાણી શકાય.
લોકેશન હિસ્ટ્રી વિભાગમાં, આપણે સર્ચ કરેલા પટેલભાઈ અમેરિકામાં ક્યાં ક્યાં વસવાટ કરી ચૂક્યા છે તેની વિગત અને તેમની એ બધી પ્રોપર્ટીની વિગતો તપાસી શકાય. ફેમિલિ બેકગ્રાઉન્ડ વિભાગમાં જતાં, તેમના પરિવારના દરેક સભ્યોનાં નામ જાણી શકાય (જેમાંથી દરેક વિશે, ફરી બધી જ માહિતી મેળવી શકાય).
ફોટોઝ એન્ડ સોશિયલ પ્રોફાઇલ વિભાગમાં જઈએ એટલે સ્પોકિયો સાઇટ તમને ગૌરવપૂર્વક જાણ કરે છે કે તમે તમારા પટેલભાઈને સંબંધિત તમામ ફોટોઝ અને વીડિયો જોઈ શકો છો, સર્ચ એન્જિન જે શોધી ન શકતાં હોય એ બધું જ, તેમના પર્સનલ વીડિયો, ઓનલાઇન બ્લોગ્સ, કમેન્ટ્સ વગેરે બધું જ તમે જોઈ શકશો.
નેબરહૂડ સેક્શનમાં આપણા પટેલભાઈની આસપાસ વસતા લોકોની આવક, તેમનાં ઘરોની કિંમત, વ્યવસાય, ઉંમર, જાતિ વગેરે વિગતો જાણી શકાય.
આ બધી જ માહિતી સાઇટ પર મફતમાં અધકચરા સ્વરૂપે બતાવવામાં આવે છે અને કોઈ પણ વિભાગ પર ક્લિક કરતાં, સીધું જ કહેવામાં આવે છે કે પેમેન્ટ કરો અને આ બધી જ માહિતી ખરીદી લો!
તમે અમેરિકામાં વસતા કોઈ સ્વજનનું નામ નાખીને જોશો તો સમજાશે કે આ સાઇટ ખરેખર કેટલી ઊંડાણભરી વિગતો સુધી પહોંચી શકે છે.
લવાજમ ભરો, માહિતી મેળવતા રહો
કોઈ પણ વ્યક્તિની પૂરી વિગતો મેળવવા માટે ‘ગેટ ફૂલ રીઝલ્ટ્સ’ લિંક પર ક્લિક કરતાં આપણને કહેવામાં આવે છે કે તમે ફક્ત ચાર કે પાંચ ડોલર આપીને આ બધી જ માહિતી ખરીદી શકો છો. માહિતીનું વેચાણ છૂટક નહીં પણ એક, ૩ કે છ મહિના માટે સાઇટની સર્વિસના લવાજમ સ્વરૂપે કરવામાં આવે છે.
એ સાથે સ્પષ્ટપણે ધરપત આપવામાં આવે છે કે તમારી ખરીદી ખાનગી રાખવામાં આવશે, આપણા પટેલભાઈને જાણ નહીં કરવામાં આવે કે તમે તેમની માહિતી ખરીદી છે. અગાઉ તો આ સાઇટ પર આપણને શીખામણ આપવામાં આવતી હતી કે આ માહિતીનો રીસ્પોન્સીબલી – જવાબદાર રીતે ઉપયોગ કરજો. આ માહિતીનો ગેરકાનૂની ઉપયોગ કરવાની સખત મનાઈ છે એમ પણ કહેવામાં આવતું હતું.
કાયદો કંઈ કરતો નથી?
અમેરિકામાં લોકોની આર્થિક સક્ષમતા નક્કી કરવા અંગે ‘ફેર ક્રેડિટ રીપોર્ટિંગ એક્ટ’ છે, આ સાઇટને તેના ભંગ બદલ આઠ લાખ ડોલરનો દંડ થયો હતો, પણ એ પછી કેટલાક ફેરફારો સાથે સાઇટ હજી ચાલુ છે!
વાસ્તવમાં આ સાઇટ પર તેના વિશે સીએનએસ, વોલસ્ટ્રીટજર્નલ, એનબીસી ન્યૂઝ વગેરે પ્રતિષ્ઠિત મીડિયાએ નોંધ લીધી હોવાનો દાવો કરાય છે, પણ તેની કોઈ લિંક આપવામાં આવી નથી. જાતે સર્ચ કરતાં ખબર પડે છે કે આ દરેક પબ્લિકેશને સ્પોકિયોની વિરુદ્ધના લેખ આપ્યા છે! લોકો ઇચ્છે તો સ્પોકિયો પરથી પોતાની માહિતી દૂર કરી શકે છે, પણ સ્પોકિયો સ્પષ્ટ રીતે કહે છે કે માહિતી થર્ટ પાર્ટી સોર્સમાં તો રહેવાની જ છે.
સ્પોકિયો જેવી સાઇટ્સ કે સર્વિસીઝ અગાઉ પણ આવી ચૂકી છે અને ખાસ્સી ચાલી છે. મીડિયામાં તેના વિશે ઉહાપોહ થાય છે, લોકોમાં ગભરાટ ફેલાય છે, પણ અંતે અમેરિકાના કાયદાઓમાં પણ છીંડાં હોવાથી આવી સર્વિસીઝ વિના રોકટોક ચાલતી રહે છે!
શું શું વેચાઈ રહ્યું છે?
પર્સનલ ડિટેઇલ્સ : આખું નામ, ઉંમર, રીલેશનશીપ સ્ટેટસ અને બીજું ઘણું
લોકેશન હિસ્ટ્રી : હાલનું અને અગાઉનાં સરનામાં અને પડોશીઓની વિગતો
ફેમિલિ બેકગ્રાઉન્ડ : પતિ/પત્નીનું નામ, પરિવારના અન્ય સભ્યો, સંબંધીઓની માહિતી
કોન્ટેક્ટ ઇન્ફર્મેશન : ફોન, ઈ-મેઈલ, બિઝનેસ કોન્ટેક્ટ્સ અને આખું સરનામું
ફોટોઝ, ઓનલાઇન પ્રોફાઇલ્સ : સોશિયલ પ્રોફાઇલ, ફોટોઝ, વીડિયોઝ વગરે બધું જ
કોર્ટ અને હિસ્ટોરિક રેકોર્ડ : કાયદા સંબંધિત વ્યક્તિના સંપૂર્ણ બેકગ્રાઉન્ડની વિગતો
બ્લોગ અને વેબ અપડેટ્સ : સમગ્ર વેબ પરથી જે તે વ્યક્તિએ કરેલી બ્લોગ પોસ્ટ્સ, કમેન્ટ્સ
સાઇટના દાવા મુજબ તેણે લોકોના ૧૨ અજબ રેકોર્ડસ એકઠા કર્યા છે અને આપણે નામ, સોશિયલ યૂઝરનેમ, ફોન નંબર, એડ્રેસ વગેરે રીતે લોકોને સર્ચ કરી શકીએ છીએ.
આપણે તો ફેસબુક કે ટવીટરને જાણીએ છીએ, પણ સ્પોકિયો પૂરી ૬૧ સોશિયલ સાઇટ્સ પરથી લોકોની માહિતી એકઠી કરે છે અને ત્યાં તેમણે અપલોડ કરેલા ફોટોઝ, વીડિયો વગેરે શોધી કાઢે છે.


