એક સમય એવો હતો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બાળકની આંગળી ઝાલીને બજારમાં ચાલી જતી હોય અને બાજુમાં બરફગોળાની લારી દેખાય તો પેલું બાળક ધીમેકથી પપ્પાનો હાથ ખેંચે અને ધ્યાન દોરે, “બરફગોળો ખાશુંને? એટલે પેલી વ્યક્તિ ખિસ્સાં ફંફોસે, પૈસા હોય તો બંને મોજથી બરફગોળાની મજા માણે અને ન હોય તો બરફગોળો એને ઠેકાણે રહે.
હવે એ વીતેલા જમાનામાંથી ફાસ્ટ ફોરવર્ડ કરીને આજના ૨૦૧૫-૧૬ના સમયમાં આવી જાઓ, હવે તમે કોઈ રસ્તે જઈ રહ્યા હો ત્યારે સાથે કોઈ હોય કે ન હોય, તમારા ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન ધીમેકથી તમારું ધ્યાન દોરશે, “બાજુની કોફીશોપમાં તમારી ફેવરિટ કેપેચિનો કોફીમાં અત્યારે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળે છે, પીવી છે? અને ખિસ્સામાં રોકડા રૂપિયા કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ ન હોય તો પરવા નહીં, સ્માર્ટફોન કહેશે કે “રૂપિયા તો મારી પાસે છે અને મારા રૂપિયા ખર્ચશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે – તમે બસ ખર્ચ કરો! આપણે ના પાડવાનું કોઈ કારણ જ ન રહે!
પેલા બરફગોળાની લારીવાળાને આ રીતે મોબાઇલથી રૂપિયા આપી શકીએ એવા દિવસો હજી દૂર છે, પણ એના ખિસ્સામાંના સ્માર્ટફોનમાં કોઈ મોબાઇલ વોલેટ હોય તો આપણે ચોક્કસ તેને પણ મોબાઇલ ટુ મોબાઈલ રૂપિયા આપી શકીએ એવા દિવસો આવી ગયા છે!
સ્થિતિમાં આટલું પરિવર્તન લાવી દીધું આ મોબાઇલ વોલેટે, જેને લોકો વર્ચ્યુઅલ વોલેટ કે ડિજિટલ વોલેટ કે ઇ-પર્સ પણ કહે છે!
આગળ શું વાંચશો?
- મોબાઇલ પેમેન્ટની દુનિયામાં બીજે શું ચાલી રહ્યું છે?
- પણ, છે શું આ મોબાઇલ વોલેટ?
- મોબાઇલ વોલેટ ખરેખર જરૂરી ખરાં?
- મોબાઇલ વોલેટ કયા કયા પ્રકારનાં હોય છે?
- પાયાની મુશ્કેલીઓ
- મોબાઇલ વોલેટ કઈ રીતે વધુ વિસ્તરશે?
- મોબાઇલ વોલેટથી શું શું થઈ શકે?
- બેન્કનું મોબાઇલ વોલેટ કેવી રીતે વાપરી શકાય?
- પેમેન્ટ બેન્ક શું છે?
- ભારતમાં જાણીતા મોબાઇલવોલેટ્સ
આજકાલ સંખ્યાબંધ બેન્ક, પ્રાઇવેટ કંપની, ટેલિકોમ કંપની વગેરે મોબાઇલ વોલેટ કે તેને મળતી આવતી સર્વિસ/એપ લોન્ચ કરે છે અને આપણા ખિસ્સામાં પોતાનું સ્થાન જમાવવાની કે પહેલેથી હોય તો તેને મજબૂત કરવાની કોશિશ કરે છે.
વર્ષો પહેલાં આખી દુનિયામાં એક જ ચલણ હતું – સોનાના સિક્કા. એની પણ પહેલાં, લોકો પોતાની ચીજવસ્તુ કે પોતાની આવડતની આપલે કરીને લેવડદેવડ કરી લેતા હતા. આજે દુનિયામાં પોણા બસોથી વધુ પ્રકારનાં ચલણ છે (થોડાં વર્ષ પહેલાં યુરોપના દેશોએ એક થઈને એક ચલણ અપનાવ્યું એ પણ યાદ કરી લઈએ).
ચલણ ઘણાં વધ્યાં પણ નાણાકીય લેવડદેવડ માટે આપણી પાસે વર્ષો સુધી ગણ્યા ગાંઠ્યા ઉપાય જ રહ્યા. જેમ કે રોકડ નાણાં, બેન્કના ચેક કે પછી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. લોકોના ખિસ્સામાં કાર્ડની સંખ્યા ધીમે ધીમે સતત વધતી ગઈ. એકાદ દાયકા પહેલાંના એક સર્વેક્ષણનું તારણ હતું કે જાપાનમાં કોઈ પણ વ્યક્તિ પાસે સરેરાશ ૨૮ કાર્ડ રહેતાં હતાં! જુદી જુદી બેન્કનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ, કેશ કાર્ડ, ક્લબ્સની મેમ્બરશીપનાં કાર્ડ, આઇ કાર્ડ, વિવિધ શોપ્સનાં ડિસ્કાઉન્ટ કાર્ડ, ટ્રેન-બસ વગેરેના પાસ… વગેરે કેટલુંય આપણા પાકિટ કે કબાટના ખાનામાં સતત જમા થતું રહ્યું છે.
દરમિયાન બેન્ક કમ્પ્યુટરાઇઝ્ડ થતી ગઈ અને બે બેન્ક વચ્ચે એનઇએફટી, આરટીજીએસ, આઇએમપીએસ વગેરે રીતે નાણાં ટ્રાન્સફર થવા લાગ્યાં, આપણને પીસી પરથી નેટ બેન્કિંગની સુવિધા પણ મળી. પછી સ્માર્ટફોન આવતાં તેના પરથી નેટ બેન્કિંગની સુવિધા મળી…

પણ, ઇ-કોમર્સનો વ્યાપ જેમ જેમ વધતો ગયો, લોકો વધુ ને વધુ પ્રમાણમાં ઇ-શોપિંગ કરવા લાગ્યા તેમ તેમ લોકોને લાગ્યું કે હજી પણ કંઈક ખૂટે છે. નાણાંની લેવડ-દેવડ હજી જોઈએ તેટલી સહેલી નથી. ભારત જેવા દેશમાં પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ (ખાસ કરીને ક્રેડિટ કાર્ડ)નો કન્સેપ્ટ બહુ ધીમી ગતિએ આગળ વધ્યો છે. નેટ બેન્કિંગમાં પણ જુદી જુદી વિગતો આપવાની, પાસવર્ડ નાખવાની વગેરે કડાકૂટ છે. ઉપરાંત, હજી પણ બહુ મોટા પ્રમાણમાં લોકો – વાજબી કારણોસર – વિવિધ વેબસાઇટ પર પોતાના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપતાં ખચકાય છે. એટલે તો ભારતમાં કેશ-ઓન-ડિલિવરીનો કન્સેપ્ટ વિકસ્યો નહોતો ત્યાં સુધી ઈ-શોપિંગ ખાસ આગળ વધ્યું નહોતું. પછી, ઓનલાઇન ફક્ત ઓર્ડર કરી શકાય અને ઓર્ડર કરેલી વસ્તુ ઘરે આવે ત્યારે રૂપિયા ગણી આપવાના એવી સીઓડી – કેશ ઓન ડિલિવરી વ્યવસ્થા આવી. ખરીદી અને ચૂકવણીની આ રીત લોકોને ગમી ગઈ અને ઇ-કોમર્સનાં પ્લેટફોર્મ ધમધમવા લાગ્યાં.
છતાં, ઇ-કોમર્સ કંપનીઓને એટલાથી સંતોષ નથી. આખી દુનિયાની જેમ, ઇ-કોમર્સમાં પણ નાણાં જેટલાં જલદી હાથ બદલે એટલો વેપાર વધુ તેજ ચાલે. કેશ-ઓન-ડિલિવરીમાં વેચનાર કંપનીને હાથમાં નાણાં આવતાં ઘણા દિવસ લાગી જાય છે. વેપાર જમાવવા ને વકરો વધારવા પૂરતો એ રસ્તો ઠીક છે, પણ નફો વધારવો હોય તો ફટાફટ નાણાં મળવાં જોઈએ.
નાણાંની ફટાફટ આપલે સહેલી બનાવે છે, આ નવા જમાનાનાં મોબાઇલ વોલેટ.
મોબાઇલ પેમેન્ટની દુનિયામાં બીજે શું ચાલી રહ્યું છે?
ભારતમાં અત્યારે મોબાઇલ વોલેટ દ્વારા પેમેન્ટની લોકપ્રિયતા વધી રહી છે, જ્યારે દુનિયાના બીજા વિકસિત દેશોમાં એનએફસી (નીયર ફિલ્ડ કમ્યુનિકેશન) ટેક્નોલોજી પર આધારિત મોબાઇલ પેમેન્ટનું માર્કેટ કબજે કરવા માટે એપલ, ગૂગલ અને સેમસંગ જેવી કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે.
આપણાં મોબાઇલ વોલેટમાં અત્યારે મોટી મર્યાદા એ છે કે આપણે તેનો ઉપયોગ મોટા ભાગે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે જ કરી શકીએ છીએ. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવીએ કે સારા કિરાણા સ્ટોરમાં મહિનાનું કરિયાણું ખરીદવા જઈએ તો ત્યાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવા માટેનું મશીન હોય તો આપણે કાર્ડથી પેમેન્ટ કરી શકીએ, પણ ત્યાં મોબાઇલ વોલેટ ન ચાલે (તેના ઉપાય વિકસી રહ્યા છે, તેની વાત આગળ!). મોબાઇલ વોલેટથી પેમેન્ટ કરવા માટે સામે પક્ષે, પેમેન્ટ સ્વીકારવાની સિસ્ટમ હોવી જરૂરી છે.
આના ઉપાય તરીકે એપલ પે, એન્ડ્રોઇડ પે, ગૂગલ વોલેટ કે સેમસંગ પે જેવી સર્વિસમાં એનએફસી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આપણા સ્માર્ટફોન અને પોઇન્ટ-ઓફ-પરચેઝ પરનું મશીન, બંને જો આ એનએફસી ટેક્નોલોજી ઇનેબલ્ડ હોય તો એવું શક્ય બને કે આપણે સ્માર્ટફોનમાંની આગળ લખી તેવી કોઈ પે સર્વિસમાં એકાઉન્ટ ખોલાવીએ, તેને ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરી દઈએ અને પછી જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે પોઇન્ટ-ઓફ-પરચેઝ પરના સાધન સાથે આપણા સ્માર્ટફોનને ટચ કરીએ એટલે બંને વચ્ચે જરૂરી માહિતીની આપલે થઈ જાય અને રકમની ચૂકવણી થઈ જાય!
ભારતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એક્સિસ બેન્ક જેવી બેન્ક્સ પોતાનાં ક્રેડિટ કાર્ડને આવાં કોન્ટેક્ટલેસ કાર્ડ બનાવી રહી છે અને પ્રાયોગિક ધોરણે જુદાં જુદાં મોટાં શહેરમાં, ખરીદીનાં વિવિધ સ્થાનોએ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારી શકે તેવાં મશીનો આપી રહી છે (વધુ માહિતી માટે જુઓ જૂન ૨૦૧૫ અંક).
હવે કલ્પના કરો કે આ સુવિધા જ્યારે મોબાઇલ વોલેટ સાથે મળશે ત્યારે આખી વાત કેટલી સુવિધાજનક બનશે? આપણે ખિસ્સામાં વધુ રોકડ રકમ રાખવી નહીં પડે, ક્રેડિટ/ડેબિટ કાર્ડ રાખવાં નહીં પડે, ક્યાંય કોઈ નંબર પંચ કરવા નહીં પડે અને ફટાફટ પેમેન્ટ થઈ શકશે!
પણ, છે શું આ મોબાઇલ વોલેટ?
સાદા શબ્દોમાં એમ કહી શકાય કે મોબાઇલ વોલેટ એટલે આપણા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોનમાંનું આપણું અલાયદું ખાતું, જેમાં આપણે સાદા પાકિટની જેમ વર્ચ્યુઅલ રૂપિયા ભરી શકીએ અને જ્યારે જરૂર પડે ત્યારે રોકડા રૂપિયા, ચેક, નેટ બેન્કિંગ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડને બદલે આ ‘રૂપિયા’થી ચૂકવણી કરી શકીએ. આ ખાતાનું નિયંત્રણ બેન્કના ખાતાને લાગુ પડતા નિયમોની જેમ જ થાય છે.
મોબાઇલ વોલેટની સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આપણા બેન્ક ખાતા કે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ જે તે મોબાઇલ વોલેટમાં રૂપિયા જમા કરવા પૂરતો જ થાય છે. આપણે જેટલી જગ્યાએ પેમેન્ટ કરીએ એ બધી જગ્યાએ બેન્ક ખાતા કે કાર્ડની વિગતો આપવાની જરૂર રહેતી નથી. મોબાઇલ વોલેટમાં હાલ પૂરતું, વધુમાં વધુ દસ હજાર રૂપિયા જેટલી નિશ્ચિત રકમ જ રાખી શકાય છે, એટલે એ તરફ જોખમ ઓછું છે અને બેન્ક ખાતામાં મોટી રકમ પડી હોય તોય એમાં ફ્રોડ થવાની શક્યતા નહિંવત છે.
જેમ ઇ-કોમર્સ કંપની માટે મોબાઇલ વોલેટ ઝડપથી નાણાં અપાવતી સુવિધા છે, તેમ લોકોને પણ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ કરતાં આ સુવિધા વધુ સગવડભરી લાગે છે. ભારતમાં પહેલી વાર આંધ્રા બેન્કે ૧૯૮૧માં ક્રેડિટ કાર્ડ રજૂ કર્યાં હતાં (વિશ્વની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડનો કન્સેપ્ટ બહુ જૂનો છે, પણ ન્યૂ યોર્કની ફ્રેન્કલિન નેશનલ બેન્કે પહેલી વાર ૧૯૫૧ બેન્ક ક્રેડિટ કાર્ડ રજૂ કર્યું હતું). એટલે કે ભારતમાં ૩૪ વર્ષથી ક્રેડિટ કાર્ડનો વપરાશ છે, પણ આપણને ભારતીયોને ક્રેડિટ કાર્ડ કરતાં મોબાઇલ વોલેટ ઘણાં વધુ માફક આવી ગયાં હોય તેવું લાગે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર, ઓક્ટોબર ૨૦૧૪ સુધીમાં ભારતમાં કુલ ૫૫ શેડ્યુલ્ડ કમર્શિયલ બેન્ક્સે જારી કરેલાં ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા ૧.૯૯૫ કરોડના આંકડે પહોંચી હતી. તેની સામે મોબાઇલ વોલેટની સ્થિતિ જોઈએ તો અત્યારે ૧૦-૧૨ કંપનીઓ આ સુવિધા આપી રહી છે અને તેમાંથી ફક્ત પેટીએમ કંપનીના એક્ટિવ યુઝર્સની સંખ્યા ૨ કરોડથી આગળ નીકળી ગઈ છે! પેટીએમ કંપનીએ હજી ૨૦૧૪માં જ રિઝર્વ બેન્કનું લાયન્સ મેળવ્યું છે, પણ તે ૨૦૧૬ સુધીમાં ૧૦ કરોડ ગ્રાહકો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.
પેટીએમની માલિક કંપની વન૯૭ કમ્યુનિકેશન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિજય શેખર શર્મા કહે છે કે પેટીએમના ૪૦ ટકાથી વધુ યૂઝર્સ બીજી કે ત્રીજી હરોળનાં એટલે કે નાનાં શહેરોના રહેવાસી છે. એમાંથી કેટલાય પાસે ક્રેડિટ કાર્ડ નથી અને ઓનલાઇન બેન્કિંગની સુવિધા પણ નથી! આ લોકો પાસે સ્માર્ટફોન છે, એટલે ફોન કે વીજળીનું બિલ ભરવા કે મૂવીની ટિકિટ ખરીદવા માટે તેમને પેટીએમનું મોબાઇલ વોલેટ બહુ સગવડભર્યું લાગે છે.
આંકડાઓ કહે છે કે ભારતમાં પાછલાં બે-ત્રણ વર્ષમાં મોબાઇલ વોલેટથી થતી લેવડદેવડ ત્રણ ગણી વધી ગઈ છે અને જાણીતી નાણાકીય સંસ્થા ક્રિસિલના આંકડા મુજબ કુલ રૂ. ૨,૭૫૦ કરોડના આંકડે પહોંચવા આવી છે!
મોબાઇલ વોલેટ ખરેખર જરૂરી ખરાં?
મોબાઇલ વોલેટ ગમે તેટલાં સલામત અને સારાં હોય, લાખ રૂપિયાનો સવાલ એ છે કે મારે-તમારે આ મોબાઇલ વોલેટની ખરેખર જરૂર છે ખરી? ખિસ્સામાં રોકડા રૂપિયા રાખવાની ટેવ હોય, બેન્કમાં ખાતામાં રૂપિયા હોય, ક્રેડિટ/ડેબિટ કાર્ડ પણ હોય, પછી વધુ એક ખાતાની પળોજણ વહોરી લેવાની શી જરૂર છે? અને આ મોબાઇલ વોલેટથી એવી તે કેવી સુવિધા વધુ મળવાની છે કે ખિસ્સામાં બેન્ક ખાતું લઈને ફરવા જેવું જોખમ વહોરવું?

આ બધા સવાલો વાજબી છે અને જો તમારે વારંવાર ઓનલાઇન પેમેન્ટ કરવાની જરૂર ઊભી ન થતી હોય તો હાલ પૂરતું તમારે મોબાઇલ વોલેટની કોઈ જરૂર નથી, પણ જો તમારે તમારા મોબાઇલનું બિલ ભરવું કે તેને રિચાર્જ કરવો, કેબલ ટીવી રીચાર્જ કરવું, વીજ કંપનીનાં બિલ ભરવાં, મૂવીની ટિકિટ ખરીદવી, બસ કે રેલવે કે પ્લેનની ટિકિટ બુક કરવી વગેરે કામ માટે તેના પેમેન્ટ સેન્ટર પર બહુ જવું ન હોય કે લાઇનમાં ઊભા ન રહેવું હોય કે નેટબેન્કિંગ દ્વારા પેમેન્ટની ઝંઝટ કે જોખમ વહોરવાં ન હોય અને એ બધા ઉપરાંત, લગભગ આ બધાં પેમેન્ટમાં કંઈક વધારાનો ફાયદો જોઈતો હોય તો તમારે મોબાઇલ વોલેટ શું છે એ બરાબર સમજી લેવા જેવું ખરું!
આમ પણ, ટીવી કે રેડિયો પર દરેક પેમેન્ટમાં “એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ, “ફાયદે કી આદત જેવાં સ્લોગન અને ટેક્સીવાળાને પણ મોબાઇલથી પેમેન્ટ થતું બતાવતી જાહેરાતોને કારણે સૌ કોઈને સવાલ જાગવા લાગ્યા છે કે આખરે આ પેટીએમ, પેયુમની, મોબીક્વિક, ઓક્સિજન વગેરે છે શું? એટલું ઓછું હોય તેમ હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ જેવી બેન્કે પણ મોબાઇલ વોલેટ્સ રજૂ કર્યાં છે. ત્રીજી તરફ, વોડાફોન કંપની તેની ‘એમ-પૈસા’ અને એરટેલ ‘એરટેલ મની’ વગેરે તરફ આપણું ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહી છે.
મોબાઇલ વોલેટ કયા કયા પ્રકારનાં હોય છે?
જેમ બેન્કમાં બચત ખાતું અને ચાલુ ખાતું હોય, એમાં પાછા જુદી જુદી સવલતો મુજબ પેટા પ્રકાર હોય, કે મોબાઇલમાં પ્રી-પેઇડ અને પોસ્ટ-પેઇડ પ્લાન હોય એમ મોબાઇલ વોલેટના પણ વિવિધ પ્રકાર છે.
ભારતમાં ઉપલબ્ધ મોબાઇલ વોલેટને આપણી સાદી સમજ માટે બે પ્રકારમાં વહેંચી શકાય :
- પ્રી-પેઇડ વોલેટ
- પોસ્ટ-પેઇડ વોલેટ
પ્રી-પેઇડ વોલેટ એટલે એવું વોલેટ, જેમાં આપણે ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી આપણા અસલ બેન્ક ખાતામાંથી રૂપિયા જમા કરવા પડે. ઘણી મોબાઇલ વોલેટ સર્વિસ, ફિઝિકલ સ્ટોરમાં જઈને તેમાં રોકડા રૂપિયા આપીને મોબાઇલ વોલેટમાં જમા કરવાની સગવડ પણ આપે છે. ભારતમાં ખાસ્સા લોકપ્રિય થયેલા પેટીએમ મોબાઇલ વોલેટે હમણાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર સાથે જોડાણ કરીને બેન્કના એટીએમ મારફત મોબાઇલ વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાય એવી સગવડ શરૂ કરી છે. આપણે એટીએમમાં જઈને ડેબિટ કાર્ડ નાખી રૂપિયા ઉપાડવાના, ફેર ફક્ત એટલો કે કડકડતી નોટ ખિસ્સામાં મૂકવાને બદલે, એ રૂપિયા સીધા મોબાઇલ વોલેટમાં પહોંચી જાય!
આમ, પ્રી-પેઇડ મોબાઇલ વોલેટમાં પહેલાં રૂપિયા જમા કરો અને પછી જરૂર પડે ત્યાં એ રૂપિયાનો ઉપયોગ કરો. વોલેટમાં રૂપિયા ખૂટે એટલે ફરી રૂપિયા ઉમેરો અને ખર્ચવાનું શરૂ કરો.
પોસ્ટ-પેઇડ વોલેટ એટલે એવું વોલેટ, જેમાં આપણા ક્રેડિટ કે ડેબિટ કાર્ડને આ વોલેટ સાથે લિંક કરવામાં આવે છે (મોટા ભાગની વોલેટ સર્વિસ કહે છે તેમ આપણા કાર્ડની વિગતો સ્માર્ટફોનની એપમાં સ્ટોર થતી નથી, એટલે કે સલામત રહે છે) અને પછી આપણે જ્યારે કોઈ પેમેન્ટ કરવાનું થાય ત્યારે મોબાઇલ વોલેટની મદદથી પેમેન્ટ કરતાં, એ રૂપિયા સીધા જ ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાંથી કપાય.
આમ પોસ્ટ-પેઇડ મોબાઇલ વોલેટમાં આપણા રૂપિયા અગાઉથી જમા થતા નથી, ફક્ત બધી જગ્યાએ ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો આપવાની જરૂર રહેતી નથી.
જ્યારે પ્રી-પેઇડ મોબાઇલ વોલેટમાં રૂપિયા અગાઉથી જમા કરવા પડે છે અને જે રકમ વપરાયા વગર પડી રહે તેના પરનું, તેટલા સમયનું વ્યાજ આપણે ગુમાવીએ છીએ. આ પ્રકારની ઘણી વોલેટ સર્વિસમાં રૂપિયા વોલેટમાંથી પરત બેન્ક ખાતામાં લઈ જવાની સગવડ હોતી નથી.
આ સાદી સમજની વાત થઈ, હવે કાયદાકીય રીતે જોઈએ કે ભારતમાં કેવા પ્રકારનાં મોબાઇલ વોલેટને મંજૂરી મળે છે.
ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ધોરણો મુજબ ત્રણ પ્રકારનાં મોબાઇલ વોલેટ હોય છે :
- ક્લોઝ્ડ
- સેમી-ક્લોઝ્ડ
- ઓપન
ક્લોઝ્ડ વોલેટ એટલે કોઈ કંપની તેના પોતાના ગ્રાહકોની સગવડ માટે, તેના પોતાના પ્લેટફોર્મ પર લેવડ-દેવડ માટે ઓફર કરે તેવાં વોલેટ. ખાસ કરીને, ઘણી બધી શોપિંગ સાઇટ કે હોટેલ-પ્લેન કે ટેક્સી માટેની બુકિંગ સર્વિસ આ પ્રકારનાં વોલેટ ઓફર કરતી હોય છે. આપણે આ સાઇટ્સ પરથી કોઈ ખરીદી કરીએ અને પછી કોઈ કારણસર ઓર્ડર કેન્સલ કરીએ કે રીફંડ મેળવવાનું થાય તો આપણાં નાણાં આપણા, એ કંપની પૂરતા કાર્યરત વોલેટમાં જમા થાય. ફરી કોઈ વાર આપણે એ સાઇટ પર ખરીદી કરીએ ત્યારે એ નાણાંનો ઉપયોગ કરી શકાય. પરંતુ, આવા ક્લોઝ્ડ વોલેટનાં નાણાં બેન્કમાં ટ્રાન્સફર કરવાની સગવડ હોતી નથી.
સેમી-ક્લોઝ્ડ વોલેટ એટલે એવાં વોલેટ, જેમાં આપણે ખાતું ખોલાવીએ, આપણા વોલેટમાં રૂપિયા જમા કરીએ તે પછી, એ વોલેટ સર્વિસે જે જે કંપનીઓ સાથે કરાર કર્યા હોય તેના માટેની ચૂકવણી આપણે પોતાના મોબાઇલ વોલેટથી કરી શકીએ. આ પ્રકારનાં વોલેટમાં પણ રૂપિયા જમા કર્યા પછી પરત બેન્ક ખાતામાં લઈ જઈ શકાતા નથી કે જરૂર પડે ત્યારે એ વોલેટનો ઉપયોગ કરીને રોકડા રૂપિયા મેળવી શકાતા નથી.
ઓપન વોલેટ એટલે એવાં વોલેટ જેનો ઉપયોગ ઓનલાઇન કે ઓફલાઇન ખરીદી માટે થઈ શકે, જ્યાં કાર્ડ સ્વીકારાતાં હોય ત્યાં પણ તેનો ઉપયોગ થઈ શકે. આ પ્રકારનાં વોલેટ ફક્ત બેન્ક ઓફર કરી શકે છે.
ઘણાં ખરાં મોબાઇલ વોલેટમાં આપણે, આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી વ્યક્તિના ફક્ત ફોન નંબરના આધારે તેને નાણાં મોકલી શકીએ છીએ કે નાણાં મંગાવી શકીએ છીએ. પરંતુ લગભગ દરેક કિસ્સામાં, સામેની વ્યક્તિ પાસે એ જ મોબાઇલ વોલેટ હોય તો જ એ વ્યક્તિ તે રૂપિયાનો ઉપયોગ કરી શકે છે. એટલું ખરું કે નાણાં મોકલાયાં હોવાની જાણ સાથે તેમને કહેવામાં આવે કે આ વોલેટ એપ ડાઉનલોડ કરી લો અને પછી તમે એ નાણાંનો ઉપયોગ કરી શકશો.
એટલું પણ ખરું કે બેન્ક દ્વારા ઓફર કરાતાં મોબાઇલ વોલેટના કિસ્સામાં, આપણું ખાતું એ બેન્કમાં હોવું જરૂરી હોતું નથી.
પાયાની મુશ્કેલીઓ
એવું નથી કે મોબાઇલ વોલેટનું આખું ચિત્ર ફૂલગુલાબી છે! આપણે હજી એક નવી ક્રાંતિના શરૂઆતના ચરણમાં છીએ એટલે એમાં જુદા જુદા પ્રોબ્લેમ તો રહેવાના જ. ભારતમાં ચલણી દરેક મોબાઇલ વોલેટ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં ધારાધોરણો મુજબ જ ચાલે છે એટલે મોબાઇલ વોલેટનો ઉપયોગ બેન્ક કે તેના નેટ બેન્કિંગ જેટલો સલામત કહી શકાય, પરંતુ ઉપયોગ સંબંધિત મુશ્કેલીઓ ઘણી છે. જેમ કે…
પહેલી વાત એ કે જુદાં જુદાં મોબાઇલ વોલેટ વચ્ચે કોઈ સંકલન નથી. આપણે એક બેન્ક ખાતામાંનાં નાણાં બીજી બેન્કમાં ખાતામાં નાખી શકીએ એવું અત્યારે મોબાઇલ વોલેટમાં શક્ય નથી.
દરેક મોબાઇલ વોલેટમાં જુદા જુદા પ્રકારની સવલતો છે એટલે સામાન્ય વપરાશકાર ગૂંચવાઈ શકે છે.
અમુક મોબાઇલ વોલેટમાં નાણાં બેન્ક ખાતામાં પરત લઈ જઈ શકાતાં નથી.
બધાં મોબાઇલ વોલેટ બધી જગ્યાએ પેમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાય એવું નથી. આપણે મોબાઇલ, ડીટીએચ, પાવર બિલ વગેરે માટે જે જે કંપનીને પેમેન્ટ કરવાનાં હોય તે દરેક કંપની માટે, દરેક મોબાઇલ વોલેટ કામ કરે એવું ન પણ બને. એટલે અમુક બિલ માટે કાં તો બીજું મોબાઇલ વોલેટ ખોલાવવું પડે, અથવા પેમેન્ટની જૂની પદ્ધતિનો જ ઉપયોગ કરવો પડે.
એ જ રીતે, રેલવેની સાઇટ પર પેટીએમથી પેમેન્ટ થઈ શકે છે, પણ બધાં મોબાઇલ વોલેટમાં એ સગવડ નથી. ફ્લાઇટનું બુકિંગ કરવું હોય તોય બધી બુકિંગ વેબસાઇટ પર આપણી કંપનીનું મોબાઇલ વોલેટ ચાલશે તેની ખાતરી હોતી નથી. બસ ટિકિટ બુક કરવી હોય તો અમુક ચોક્કસ ટ્રાવેલ કંપનીની બસ માટે જ આ સગવડ મળે, આપણને જોઈતી ટ્રાવેલ કંપની માટે નહીં એવું બની શકે છે.
ઘણી ખાનગી કંપનીનાં કે બેન્કનાં મોબાઇલ વોલેટ સાથે ઓનલાઇન શોપિંગ માટે આગવા ઓનલાઇન શોપિંગ સ્ટોર ઊભા કરી દેવામાં આવ્યા છે, પણ અહીં પણ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલાં જોખમો તો યથાવત જ રહે છે.
ડેબિટ કાર્ડની જેમ, મોબાઇલ વોલેટનું રક્ષણ પાસવર્ડથી થાય છે, પરંતુ મોબાઇલ ખોવાય તો તરત જ કંપનીને જાણ કરી વોલેટ બ્લોક કરવું અત્યંત જરૂરી છે.
ઘણી ખરી મોબાઇલ વોલેટ કંપની અત્યારે મફતમાં આ સર્વિસ આપી રહી છે અને લોકોને આકર્ષવા વધારાના લાભ આપી રહી છે, કારણ કે તેમને જેમને પેમેન્ટ મળે છે તે વસ્તુ કે સેવા વેચનાર પાસેથી મળતા કમિશનની આવક છે (આ કંપનીઓ ક્રિકેટ સીરિઝ સ્પોન્સર કરી શકે છે, આઇપીએલની મેઇન સ્પોન્સર બનવાની તૈયારી કરી શકે છે અને સચીન તેંડુલકરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકે છે તેના પરથી તેમની કમાણીનો અંદાજ આવી શકે છે). પરંતુ વહેલા મોડી વોલેટ કંપનીઓ આપણી પાસેથી પણ ચાર્જ લેવાનું શરૂ કરશે. વિવિધ સેવા માટે લેવાતા ચાર્જની જાણકારી આપણને હોવી જરૂરી છે.
એટલું ખરું કે જુદા જુદા મોબાઇલ વોલેટ વચ્ચે સંકલન શક્ય બનશે અને વધુ ને વધુ લોકો કોઈ ને કોઈ મોબાઇલ વોલેટનો ઉપયોગ કરતા થશે ત્યાર પછી ખિસ્સામાં રોકડા રૂપિયા કે પરચૂરણ રાખવાની ઝંઝટ રહેશે નહીં.
મોબાઇલ વોલેટ કઈ રીતે વધુ વિસ્તરશે?
અત્યારના સંજોગમાં મોબાઇલ વોલેટ મોટા ભાગે જ્યાં જ્યાં ઓનલાઇન પેમેન્ટ શક્ય છે ત્યાં એક નવા – વધુ સલામત અને વધુ સગવડભર્યું – વિકલ્પ તરીકે ઉપયોગી છે. પરંતુ ઓફલાઇન પેમેન્ટની વાત આવે ત્યારે મોબાઇલ વોલેટનો પનો ટૂંકો પડે છે.
મોબાઇલ વોલેટ ઓફર કરતી કંપનીઓ આ વાત બરાબર જાણે છે અને એટલે જ એ દિશામાં એ સતત નવા ઉપાય વિક્સાવતી જાય છે.
જાણીતી મોબાઇલ વોલેટ કંપની મોબીક્વિક ઓફલાઇન પેમેન્ટમાં ખાસ્સી આગળ વધી છે. આ કંપનીના દાવા મુજબ, ફક્ત છેલ્લા ત્રણ મહિનામાં તેના મોબાઇલ વોલેટથી, ઓફલાઇન પેમેન્ટ માટે પાંચ લાખ લેવડ-દેવડ થઈ છે અને તેની કુલ રકમ છે ૬૦ કરોડ રૂપિયા! મોબીક્વિક કંપનીએ મોટા રીટેઇલ સ્ટોર, કોફીશોપ, મલ્ટીપ્લેક્સ, પિઝા ચેઇન્સ વગેરે સાથે ઓફલાઇન પેમેન્ટ માટે જોડાણ કર્યું છે.
આપણે આવી કોઈ પણ જગ્યાએ જઈએ તો પેમેન્ટ કરવા માટે આપણો મોબીક્વિકમાં રજિસ્ટર થયેલો ફોન નંબર આપવાનો. કાઉન્ટર પરની વ્યક્તિ આપણા ફોનનંબરના આધારે તેના કમ્પ્યુટર કે મોબાઇલમાં પેમેન્ટ પ્રોસેસ કરીને એક વન-ટાઇમ-પાસવર્ડ(ઓટીપી) જનરેટ કરશે, જે આપણને એસએમએસથી મળશે. આપણે કેશિયરને એ ઓટીપી જણાવશું કે તરત આપણા મોબીક્વિક એકાઉન્ટમાંથી રકમ એ સ્ટોરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે!
પેટીએમ મોબાઇલ વોલેટે હમણાં જ, ગયા મહિને આવો એક ઉપાય રજૂ કર્યો છે, જે જો ચાલ્યો તો મોબાઇલ વોલેટનો વ્યાપ હજી ઘણો વધુ ઝડપથી વિસ્તરશે. આમ તો, આ કંપનીનો ઉપાય નવો નથી, પણ કિંમત આઇડિયાની જ છે!
પેટીએમ કંપનીએ ક્યુઆર કોડથી પેમેન્ટ સ્વીકારી શકાય એવી પદ્ધતિ અમલી બનાવી છે. અત્યારે પીઝા ચેઇન્સ અને કોફી શોપ્સ જેવી હાઇ-એન્ડ જગ્યાઓ પર આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, પણ જો એ ચાલી તો કરિયાણાની દુકાને કે શાકભાજીની લારીએ પણ આપણે મોબાઇલ વોલેટથી પેમેન્ટ કરી શકીશું!
કઈ રીતે? આગળ કહ્યું તેમ, કીમિયો બિલકુલ સાદો છે. આપણે જાણીએ છીએ કે ક્યુઆર કોડમાં કોઈ ચોક્કસ વેબએડ્રેસ, નામ, એડ્રેસ, નંબર્સ વગેરે જુદી જુદી માહિતી સ્ટોર કરી શકાય છે. ધારો કે આપણા શાકભાજીવાળાએ પેટીએમ વોલેટનું એકાઉન્ટ ખોલાવ્યું છે. હવે તેણે પોતાના એકાઉન્ટની વિગતો ધરાવતો એક ક્યુઆર કોડ જનરેટ કરી (કંપની તેમાં મદદ કરશે), એ કોડ સાદા કાગળ પર પ્રિન્ટ કરી રાખવાનો છે.
આપણે શાક લેવા જઈએ ત્યારે ૭૬ રૂપિયા ચૂકવવાના થાય તો શાકવાળો ભાઈ ફટ દઈને ક્યુઆર કોડ આપણી સામે ધરશે, આપણે આપણા સ્માર્ટફોનમાં પેટીએમ એપ ઓપન કરી, એ કોડ સ્કેન કરીને પેલી ભાઈના પેટીએમ એકાઉન્ટમાં ૭૬ રૂપિયા મોકલી શકીશું. શાકવાળા પાસે સાદો મોબાઇલ હશે તો પણ તેને પેમેન્ટ મળી ગયાનો એસએમએસ આવી જશે!
હવે લાગે છેને કે આપણા સ્માર્ટફોનમાં પણ એકાદ મોબાઇલ વોલેટની એપ જમા કરાવી દેવાનો સમય નજીક આવી ગયો છે?!
મોબાઇલ વોલેટથી શું શું થઈ શકે?
મોબાઇલ વોલેટના પ્રકાર અને કંપની અનુસાર તેના ઉપયોગ જુદા જુદા હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે…
સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરો, ખાતું ખોલો, રૂપિયા ઉમેરો, ઉપયોગ શરૂ કરો
મોબાઇલ નંબર, ઈમેઇલ કે ફેસબુક જેવી સર્વિસના કોન્ટેક્ટને નાણાં મોકલો કે મંગાવો
જ્યાં જ્યાં એ મોબાઇલ વોલેટથી પેમેન્ટ સ્વીકારાતું હોય ત્યાં એક-બે ક્લિકથી ચૂકવણી કરો
શોપિંગ સાઇટ પર પાર વગરની ચીજવસ્તુઓ કે સર્વિસનું ઓનલાઇન શોપિંગ કરો
જુદી જુદી ઓફર મુજબ, દરેક ખરીદી કે બિલ પેમેન્ટ પર વધારાના ફાયદા મેળવો!
જ્યારે જરૂર પડે ત્યારે એપમાંથી જ ચેટ દ્વારા કે અન્ય રીતે મદદ મેળવો!
બેન્કનું મોબાઇલ વોલેટ કેવી રીતે વાપરી શકાય?
હમણાં જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ‘એસબીઆઈ બડ્ડી’ (બડ્ડી એટલે દોસ્ત) નામે મોબાઇલ વોલેટ રજૂ કર્યું છે. એસબીઆઇમાં ખાતું ન હોય તેવી વ્યક્તિ પણ આ એપનો ઉપયોગ કરી શકે છે. આપણે આ એપમાં નાણાં ઉમેરીને તેનાથી ખરીદી કરવી, રકમ મોકલવી કે મંગાવવી, બિલ ચૂકવવાં, રીચાર્જ કરાવવું વગેરે જેવાં કામ કરી શકીએ છીએ. નીચે આ એપના ઉપયોગની મુદ્દાસર સમજ આપી છે.
પેમેન્ટ બેન્ક શું છે?
ભારતમાં મોબાઇલ વોલેટને સમાંતર એક બીજી ગતિવિધિથી પણ બેન્કિંગ વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે.
પહેલાં આ આંકડા જરા ધ્યાનથી વાંચો : ભારતમાં ૫.૯૪ લાખ ગામડાં છે, તેમાંથી માત્ર ૩૦,૦૦૦ જેટલાં ગામડાંમાં કોઈ બેન્કની શાખા છે. ભારતની વસતિ સવા અબજના આંકડે પહોંચી છે અને તેમાંથી અડધોઅડધ લોકો કોઈ બેન્કમાં ખાતું ધરાવતા નથી. ભારતના બેન્કિંગ ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ થયાને ૪૫-૪૬ વર્ષ થઈ ગયા પછી પણ આ સ્થિતિ છે. કારણ એ છે કે છેવાડાના ગામમાં બેન્કની શાખા ખોલવા અને ચલાવવામાં જેટલો ખર્ચ થાય છે, એટલી આવક બેન્કને ત્યાંથી થતી નથી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આના ઉપાય તરીકે પેમેન્ટ બેન્ક્સને લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે. આવી બેન્ક સામાન્ય બેન્કની જેમ જ કામકાજ કરશે પણ સરકાર સિવાય કોઈને નાણાં ધીરી શકશે નહીં. અત્યારે આદિત્ય બિરલા ગ્રૂપ, રિલાયન્સ, એરટેલ, વોડાફોન, પેટીએમ, ટેક મહિન્દ્રા, ભારતીય પોસ્ટ વગેરે પેમેન્ટ બેન્ક બનવાની તૈયારીમાં છે.
આથી શો ફેર પડશે એ વિચારતા હો તો આ તફાવત બરાબર સમજી લો : સ્ટેટ બેન્ક અને એરટેલ બંનેના લગભગ ૨૦ કરોડ ગ્રાહકો છે, પણ જ્યાં સ્ટેટ બેન્ક પોતાની બ્રાન્ચ સિવાય પહોંચી શકતી નથી, ત્યાં એરટેલ મોબાઇલ દ્વારા પહોંચી શકે છે!
આવી બેન્કસ શરૂ થતાં એવી આશા છે આવતા એક દાયકામાં ભારતના લગભગ દરેક પરિવારનું બેન્ક ખાતું હશે. બીજા ફાયદા એ છે કે બેન્કિંગમાં સ્પર્ધા વધતાં બધી બેન્ક આપણી પાસેથી જે જુદા જુદા ચાર્જ વસૂલે છે, તે ઓછા થશે અને તેમની સેવા સુધરશે. સૌથી મોટો ફાયદો એ થવાની અપેક્ષા છે કે સૌનાં બેન્ક ખાતાં હશે તો સરકાર તમામ સબસિડી અને સરકારી રાહત બેન્ક દ્વારા જ આપી શકશે, સરકાર રોકડ વ્યવહારો પર અંકુશ લાવી શકશે અને તેથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવી શકશે. અલબત્ત, આ બધી દૂરની આશા છે, પરંતુ એ દિશામાં ગતિ ચોક્કસ શરૂ થઈ છે.
ભારતમાં જાણીતા મોબાઇલવોલેટ્સ







