આપનું સાયબરસફર માસિક સમય પ્રમાણે ડિજિટલ દુનિયાની તમામ જરૂરી માહિતી આપી, ખાસ કરીને સ્કૂલ-કોલેજની નવી પેઢીને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે.
– ગ્રંથપાલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, (એજીવીપી), અમદાવાદ
જાન્યુઆરી ૨૦૧૭નો અંક ખૂબ જ સરસ રહ્યો, સાઇન-અપ અને લોગ-ઇન વિશેનો લેખ ખૂબ જ સારો હતો. હાર્ડવેરની બાબતામાં કઈ કઈ કંપની ઉત્તમ ફોન બનાવે છે એનું સૂચન કરશો.
– કલ્પેશ ઘેડિયા
જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાં તમે ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે? એની જે વાત કરી છે, તેના અનુસંધાને, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આ લેખ તરફ આપનું ધ્યાન દોરું છું. તમે જેની વાત કરી છે એ ગૂગલની સુવિધાથી એક યુવતીનો જીવ બચ્યો છે!
– હેમલ સંઘરાજકા, ઘાટકોપર, મુંબઈ
(અન્ય વાચકો માટે આ પ્રતિભાવનું અનુસંધાન : હેમલભાઇએ મોકલેલી લિંક અનુસાર, ૩ જાન્યુઆરીએ, ઉત્તર પ્રદેશના બરેલીના ડીઆઇજી પર એક યુવતીનો ફોન આવ્યો. ૨૪ વર્ષની એ યુવતી યમૂના કેનાલમાં પડીને આત્મહત્યા કરવા માગતી હતી, પણ છેલ્લી ઘડીએ – કદાચ આત્મહત્યાનો બીજો સહેલો રસ્તો શોધવા – તેણે ગૂગલિંગ કર્યું! ગયા અંકમાં લખ્યા અનુસાર, ગૂગલ કોઈ વ્યક્તિ સ્યૂસાઇડ અંગે સર્ચ કરે તો સર્ચ રિઝલ્ટમાં, મદદરૂપ થઈ શકે તેવા નંબર આપે છે. છેવટે એ યુવતીએ ડીઆઇજીનો સંપર્ક કર્યો અને તેનો જીવ બચી ગયો! – તંત્રી)
