આગળ શું વાંચશો?
- મોટોરોલામાં બેટર બેટરી
- યુટ્યૂબની પેઇડ સર્વિસ શરૂ
- એમેઝોનના વેચાણમાં ચાર ગણો ઉછાળો
- બ્લેકબેરીનો એન્ડ્રોઇડ આધારિત ફોન!
- બ્લુટૂથવાળું ટૂથબ્રશ!
- મોબાઇલમાં મફત ઇન્ટરનેટ કનેક્શન!
- આઇફોનની જેમ, એન્ડ્રોઇડમાં પણ ફિંગરપ્રિન્ટથી પેમેન્ટ
મોટોરોલામાં બેટર બેટરી
હવે લિનોવોની માલિકીની મોટોરોલા કંપની ‘મોટોરોલા ડ્રોઇડ ટર્બો ૨’ નામે નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હાઇ એન્ડ સ્પેસિફિકેશન્સ ધરાવતા આ ફોનમાં બેટરી લાઇફ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ ફોનની બેટરી એક વારના ચાર્જિંગ પછી, અત્યારના સરેરાશ સ્માર્ટફોનની સરખામણીમાં બમણો સમય ચાલશે. ઉપરાંત, ફક્ત ૧૫ મિનિટના ચાર્જિંગથી બેટરી ૧૩ કલાક પૂરતી ચાર્જ થઈ જાય તેવી પણ તેમાં સુવિધા હશે.
યુટ્યૂબની પેઇડ સર્વિસ શરૂ
બે વર્ષ પહેલાં, જૂન ૨૦૧૩ના ‘સાયબરસફર’માં આ જ વિભાગમાં આપણે વાત કરી હતી કે યુટ્યૂબ પેઇડ સર્વિસ બની જશે. જોકે ત્યારે પણ ધરપત આપી હતી કે યુટ્યૂબ પર ફક્ત કેટલીક ચેનલ પેઇડ થઈ રહી છે. ભારતની સાથે આખી દુનિયામાં યુટ્યૂબનો વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે હવે કંપનીએ ‘યુટ્યૂબ રેડ’ નામે તેની પેઇડ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસમાં, લોકો માસિક લવાજમ ભરીને યુટ્યૂબના વીડિયો જાહેરાત વગર જોઈ જોઈ શકે છે. જાહેરાત સાથેની મૂળ સર્વિસ તો યથાવત ચાલુ જ રહેશે. યુએસ માટે દર મહિને ૧૦ ડોલરનું લવાજમ જાહેર કરવામાં આવ્યું છે, બીજા દેશો માટે હજી આવી કોઈ ચોખવટ થઈ નથી. યુએસ સિવાયના દેશોમાં આ સર્વિસ ૨૦૧૬માં શરૂ થવાની ધારણા છે.
એમેઝોનના વેચાણમાં ચાર ગણો ઉછાળો

આ દિવાળીએ ઓનલાઇન શોપિંગ કંપનીઝ ફ્લિપકાર્ટ અને સ્નેપડીલની જેમ એમેઝોન કંપનીએ પણ ‘એક બાર તો એમેઝોન ટ્રાય કર…’ સંદેશ સાથે, ઓનલાઇન શોપિંગ કરતાં ખચકાતા લોકોને પણ એક અજમાયશ કરી જોવા લલચાવતી જાહેરાતોનો મારો ચલાવ્યો છે અને તેની આ સ્ટ્રેટેજી કામ કરી રહી હોય તેવું લાગે છે.
એક અખબારી અહેવાલ અનુસાર, ભારતમાં ફક્ત છેલ્લા એક વર્ષમાં એમેઝોનના બિઝનેસમાં ચાર ગણો વધારો થયો છે. એમેઝોનના સંચાલકોને લાગે છે ભારતમાં એમેઝોન દ્વારા વેચાણ આ જ ઝડપે વધતું રહ્યું તો ટૂંક સમયમાં, ભારત જાપાન, જર્મની અને યુકેને ઓવરટેક કરીને એમેઝોન માટે સૌથી વિશાળ વિદેશી બજાર બની જશે.
બ્લેકબેરીનો એન્ડ્રોઇડ આધારિત ફોન!
સ્માર્ટફોનના માર્કેટમાં એપલ અને એન્ડ્રોઇડના દબાણથી બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગયેલી બ્લેકબેરી કંપનીએ હવે ‘બ્લેકબેરી પ્રિવ’ નામે એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન રજૂ કર્યો છે. એક સમયે બિઝનેસમેન અને ટોપ લેવલના એક્ઝિક્યુટિવ્સમાં ખાસ્સા લોકપ્રિય બનેલા બ્લેકબેરીના આ નવા અવતાર વિશે કંપનીનો દાવો છે કે આ ફોનથી લોકોને બ્લેકબેરીના સ્તરની સિક્યોરિટી, પ્રાઇવસી અને પ્રોડક્ટિવિટીનો લાભ મળશે અને એ પણ એન્ડ્રોઇડના જાણીતા પ્લેટફોર્મ પર.
બ્લેકબેરી કંપનીએ આ પહેલી જ વાર, પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બાજુએ મૂકીને બીજી કંપનીની સિસ્ટમ અપનાવી છે. કંપનીએ આ ફોન માટે ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે અને આ મહિનામાં યુએસમાં તેની ડિલિવરી શરૂ થઈ જશે.
બ્લુટૂથવાળું ટૂથબ્રશ!

આ સમાચાર વાંચીને તમારા ચહેરા પરનું સ્મિત ખીલી ઉઠવાનું એ નક્કી! દાંતની સંભાળ માટેનાં ઉત્પાદનો બનાવતી એક જાણીતી કંપનીએ ‘સ્માર્ટટૂથબ્રશ’ વિક્સાવ્યું છે. આ ટૂથબ્રશ મોબાઇલની જેમ રીચાર્જ કરી શકાય તેવી બેટરીથી ચાલે છે અને તે બ્લુટૂથ કનેક્ટિવિટી ધરાવે છે.
ટૂથબ્રશમાં વળી બ્લુટૂથનું શું કામ એવો સવાલ થયો? સિમ્પલ, સ્માર્ટફોનમાંની એક ખાસ એપ સાથે કનેક્ટ થવા!
નવાઈથી મોં પહોળું થયું? જી હા, આ ટૂથબ્રશ સાથે કંપનીએ એક ખાસ એપ પણ વિક્સાવી છે. કંપની ચોખવટ કરે છે કે આપણે આ બ્રશ ખરીદીએ તો તેની સાથે સ્માર્ટફોન મફત મળતો નથી, પણ આઇઓએસ કે એન્ડ્રોઇડ ડિવાઇસ માટે તેની એપ ડાઉનલોડ કરી શકાય છે. પછી રોજ સવારે બ્રશ કરીએ ત્યારે સામે ફોન મૂકવાનો, તેમાં એપ ઓપન કરવાની અને ટૂથબ્રશને બ્લુટૂથથી એપ સાથે કનેક્ટ કરવાનું. પછી આપણે જેમ જેમ મોંમાં દાંત પર બ્રશ ઘસતા જઈએ તેમ તેમ સ્માર્ટફોનમાંની એપ – મમ્મીની જેમ – આપણને ટપારતી જાય – સરખું ઘસો, ઉપર, નીચે, ડાબે, જમણે… હં… બરાબર…!
કંપનીના દાવા મુજબ, આ બધું રીયલ ટાઇમમાં થાય છે!
બ્રશ કરતાં કરતાં તાજા સમાચારો પર નજર ફેરવી શકાય એવી સગવડ પણ એપમાં છે.
મોબાઇલમાં મફત ઇન્ટરનેટ કનેક્શન!

થોડા સમય પહેલાં ભારતમાં નેટ ન્યૂટ્રલિટીનો મુદ્દો ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. ઇન્ટરનેટની સુવિધા સૌને માટે સમાન ધોરણે ઉપલબ્ધ થવી જોઈએ કે નહીં એ પ્રશ્ન આ વિવાદના મૂળમાં હતો. એ અરસામાં ફેસબુકે ઇન્ટરનેટ.ઓર્ગ નામે ફ્રી ઇન્ટરનેટ એક્સેસ આપવાનો એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. હવે તેનું નામ બદલાઈને ‘ફ્રી બેઝિક્સ’ થઈ ગયું છે. આ પ્રોજેક્ટની ટીવી જાહેરાત જોઈએ તો તેમાં ભારપૂર્વક કહેવામાં આવે છે કે લોકોને મફતમાં ઇન્ટરનેટની સગવડ આપવામાં આવે તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની કાયાપલટ થઈ શકે છે.
વાત સરસ છે, છતાં તેનાથી નેટની ન્યૂટ્રલિટી, ઇન્ટરનેટની તટસ્થતા જોખમાતી હોવાની દલીલ થાય છે. તેનું કારણ એ છે કે ફેસબુકના આ પ્રોજેક્ટમાં બધાને આખા ઇન્ટરનેટની મફત સુવિધા આપવામાં આવતી નથી. તેમાં અમુક ગણીગાંઠી વેબસાઇટ્સની જ મફત એક્સેસ મળે છે.
જેની સામે, એરસેલ કંપની ખરેખર ન્યૂટ્રલ કહી શકાય એવો એક પ્લાન લોન્ચ કર્યો છે, નામ આપ્યું છે ‘ફ્રી બેઝિક ઇન્ટરનેટ (એફબીઆઇ)’. આ પ્લાનમાં કોઈ ભેદભાવ વિના, સૌ કોઈને આખેઆખા ઇન્ટરનેટની એક્સેસ મળી શકે છે, એ પણ મફતમાં.
સ્વાભાવિક છે કે કંપનીએ આ પ્લાન હેઠળના મફત ઇન્ટરનેટ કનેક્શનમાં સ્પીડની મર્યાદા રાખી છે, તેમાં ફ્કત ૬૪ કેબીપીએસની ઝડપે નેટ કનેક્ટિવિટી મળશે. અત્યારે એરસેલના સૌથી વધુ ગ્રાહકો ધરાવતા તમિલનાડુમાં આ ઓફર લોન્ચ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આખા ભારતમાં એરસેલની હાજરીવાળાં સર્કલમાં તે લોન્ચ થશે.
શરૂઆતમાં ફક્ત નવા, પ્રી-પેઇડ કસ્ટમર્સને આ પ્લાનનો લાભ મળશે. નવા ગ્રાહકે રૂ. ૧૪૪માં નવું સિમ ખરીદવાનું રહેશે અને ૯૦ દિવસના મફત વપરાશ પછી, દર મહિને ઓછામાં ઓછા રૂ. ૧૫૦નો રિચાર્જ કરાવવો પડશે. આ રકમ ટોકટાઇમ અને એસએમએસમાં જ ખર્ચાશે, ૬૪ કેબીપીએસની મર્યાદામાં ઇન્ટરનેટ એક્સેસ લાઇફટાઇમ મફત રહેશે. આ પ્લાન ૨-જી અને ૩-જી બંને કવરેજમાં ચાલશે, પણ તેમાં સ્પીડ ઘણી ઓછી હોવાથી વીડિયો, વીડિયો કોલિંગ કે ઓનલાઇન ગેમિંગ જેવો લાભ મળી શકશે નહીં.
આઇફોનની જેમ, એન્ડ્રોઇડમાં પણ ફિંગરપ્રિન્ટથી પેમેન્ટ
આઇફોન અને આઇપેડ યુઝર્સ જે સુવિધા ઘણા સમયથી માણી રહ્યા છે એ આખરે હવે એન્ડ્રોઇડના યૂઝર્સને પણ મળશે – પોતાની ફિંગરપ્રિન્ટની મદદથી ઓફિશિયલ એપ સ્ટોરમાં પેમેન્ટને ઓથોરાઇઝ કરવાની સુવિધા. ગૂગલે હમણાં ગૂગલ પ્લે સ્ટોર એપ અપડેટ કરીને આ સુવિધા ઉમેરી છે. જોકે આ સુવિધા ફિંગરપ્રિન્ટ રીડરની સુવિધા ધરાવતા કેટલાક ખાસ હેન્ડસેટમાં જ ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૩માં આઇફોન ફાઇવએસ ફોન લોન્ચ થયો ત્યારે તેની સાથે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા ઉમેરાઈ હતી.

