તમે પોતે વેબડેવલપર હો, આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા હો કે પછી અંગત ઉપયોગ કે પોતાની કંપની માટે વેબસાઇટ ડેવલપ કરાવવાનું વિચારી રહ્યા હો ત્યારે વેબ ડેવલપનાં વિવિધ પાસાંની તમને ઠીકઠીક સમજ હોવી જરૂરી બને છે. વેબ સાઇટ કે એપ ડેવલપમેન્ટ આમ જુઓ તો ઘણાં પાસાં આવરી લેતી એક જટિલ પ્રક્રિયા છે અને તેના શબ્દો ગૂંચવી શકે, પણ મૂળ કન્સેપ્ટ સમજવા સહેલા છે. આપણે આ પાસાં સરળ શબ્દોમાં સમજીએ.
આગળ શું વાંચશો?
- બ્રાઉઝર્સ
- એચટીએમએલ
- સીએસએસ
- ફ્રેમવર્કસ
- ક્લાયન્ટ (અથવા ક્લાયન્ટ સાઇડ)
- પ્રોગ્રામિંગ લેન્ગ્વેજીસ
- ડેટાબેઝ
- ફ્રન્ટ-એન્ડ
- બેક-એન્ડ
- સર્વર (અથવા સર્વર સાઇડ)
બ્રાઉઝર્સ
બ્રાઉઝર્સને આપણે ઓળખીએ છીએ, પણ તેના કામની સ્પષ્ટતા હોતી નથઈ. વેબસાઇટ્સ જેવી દેખાય છે એવી વાસ્તવમાં હોતી નથી. વિવિધ પ્રકારની ટેક્નોલોજીથી તૈયાર થતી સાઇટ્સ/એપ દેખીતી નજરે કંઈ જ સમજમાં ન આવે એવા કોડના મૂળ સ્વરૂપે હોય છે. બ્રાઉઝર સાઇટના મુલાકાતીની વિનંતીને આધારે આ કોડ સર્વર પરથી ખેંચી લાવે છે અને મુલાકાતીને સમજાય તેવા સ્વપમાં રજૂ કરવાનું કામ કરે છે.
એચટીએમએલ
એચટીએમએલ એ એક ખાસ પ્રકારની માર્કઅપ લેન્ગ્વેજ છે જે વેબસાઇટ્સનું એક ચોક્કસ માળખું તૈયાર કરે છે, જેના કારણે બ્રાઉઝર્સ સમજી શકે છે કે તેણે શું અને કેવી રીતે બતાવવાનું છે.
સીએસએસ
સીએસએસ એટલે ‘કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ’. તેનો સંબંધ વેબ ડિઝાઇનિંગ સાથે વધુ છે. સીએસએસની મદદથી વેબ ડિઝાઇનર્સ વિવિધ પ્રકારના કલર્સ, ફોન્ટસ, એનિમેશન્સ, ટ્રાન્ઝીશન્સ વગેરેની મદદથી વેબસાઇટને આકર્ષક બનાવી શકે છે. સીએસએસને કારણે આખી વેબસાઇટની સ્ટાઇલ બદલવી સરળ બને છે.
ફ્રેમવર્કસ
પ્રોગ્રામિંગ લેન્ગ્વેજીસને આધારે વેબસાઇટ ડેવલપ કરવાનું કામ સરળ બનાવતી ટેક્નોલોજીસ.
ક્લાયન્ટ (અથવા ક્લાયન્ટ સાઇડ)
વેબ ડેવલપમેન્ટની ભાષામાં ક્લાયન્ટ એટલે કોઈ પણ એપ્લિકેશન કે વેબસાઇટના એક યૂઝર. જેમ કે, આપણે કોઈ પણ વેબસાઇટ કે વેબ એપ્લિકેશન એક્સેસ કરીએ ત્યારે આપણે તેના ક્લાયન્ટ થયા. અલબત્ત ટેકનિકલી જોવા જઇએ તો વેબ ડેવલપમેન્ટમાં ક્લાયન્ટ તરીકે વ્યક્તિ નહીં પણ સાધનનું મહત્ત્વ છે. ડેસ્કકોપ કમ્પ્યુટર, ટેબલેટ કે મોબાઇલ કે સ્માર્ટફોન વેબ એપ્લિકેશનના ક્લાયન્ટ ગણાય. સામાન્ય રીતે સર્વર પર સ્ટોર થયેલ એક એપ્લિકેશન સાથે એક સમયે સંખ્યાબંધ ક્લાયન્ટસ ઇન્ટરએકશન કરતાં હોય છે.
પ્રોગ્રામિંગ લેન્ગ્વેજીસ
જેમ વિશ્વમાં સંખ્યાબંધ ભાષાઓ છે એમ કમ્પ્યુટર જગતમાં પણ વિવિધ પ્રકારની પ્રોગ્રામિંગ લેન્ગ્વેજીસ છે. પ્રોગ્રામિંગ લેન્ગ્વેજની મદદથી વેબ ડેવલપર્સ કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરી શકે છે, જેને આધારે કમ્પ્યુટરને ખબર પડે છે કે જે તે વેબસાઈટ્સમાં તેણે શું કરવાનું છે. બધા વેબ ડેવલપરને બધી પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ આવડતી હોય એવું જરૂરી નથી.
ડેટાબેઝ
વેબસાઇટમાં કઇ માહિતી કેવી રીતે દશર્વિવી એ તો મહત્ત્વનું છે જ પણ માહિતી પોતે સૌથી વધુ અગત્યની બાબત છે. વેબસાઇટમાં જે કોઈ માહિતી દર્શાવવામાં આવે તે તમામ ડેટા વેબસાઉટના ડેટાબેઝમાં સ્ટોર થયેલો હોય છે. ડેટાબેઝને આપણે વિવિધ ફાઇલ્સ ધરાવતા ફોલ્ડરથી ખીચોખીચ ભરેલા ફાઇલિંગ કેબિનેટ્સ સાથે સરખાવી શકીએ.
ડેટાબેઝ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે એસક્યુએલ અને નોએસક્યુએલ. એસક્યુએલ ડેટાબેઝને સાચવવા માટે નિશ્ચિત પ્રકારના સ્ટ્રકચર આપે છે, જેને કારણે તમામ ડેટા સાચો અને વેલિડેટેડ રહે તે સુનિશ્ચિત કરી શકાય છે.
ફ્રન્ટ-એન્ડ
સ્માર્ટ ફોન ટેબલેટ કે પીસીના સ્ક્રીન પર આપણે વેબસાઇટ કે વેબ એપ્લિકેશનને જે સ્વરૂપે જોઇએ એ તેનું ફ્રન્ટ-એન્ડ કહેવાય છે. સામાન્ય રીતે આ ફ્રન્ટ-એન્ડ એચટીએમએલ, સીએસએસ અને જાવા સ્ક્રીપ્ટ જેવી બાબતોથી બને છે.
બેક-એન્ડ
જે તે સાઇટ કે એપ્લિકેશનના સર્વર અને ડેટાબેઝને બેક-એન્ડ કહે છે. ક્લાયન્ટ તરીકે આપણે કોઇ વેબસાઇટ/એપ્લિકેશન એક્સેસ કરવાની વિનંતી સર્વરને મોકલીએ ત્યારે સર્વરમાં જે કોઇ વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ અને ડેટા પ્રોસેસિંગ થાય છે એ બધું જ બેક-એન્ડમાં થાય છે.
સર્વર (અથવા સર્વર સાઇડ)
સર્વર એટલે એવી જગ્યા જ્યાં વેબસાઇટ કે એપ્લિકેશનનો કોડ સ્ટોર કરવામાં આવ્યો હોય. વિવિધ ક્લાયન્ટ આ સર્વરને તે કોડ એક્સેસ કરવા માટે વિનંતી મોકલે અને તેના જવાબમાં સર્વર તેને જરૂરી માહિતી એકઠી કરીને તે વિનંતીનો પ્રતિસાદ આપે, જેથી ક્લાયન્ટ એ વેબસાઇટ કે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે.
વેબસાઇટ કે એપ ડેવલપમેન્ટમાં જુદી જુદી ઘણા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે અને આ ક્ષેત્રે સતત નવાં પરિવર્તનો આવતાં રહે છે. અહીં જે બાબતોનો પરિચય આપ્યો છે તે તદ્દન પ્રાથમિક પરિચય છે, આપણે વેબ ટેક્નોલોજીનાં વિવિધ પાસાંનો વધુ પરિચય મેળવતા રહીશું.

