બીજી કોઈ વ્યક્તિ પોતાના ફોનમાં તમારા નંબરથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવાની કરામત ન કરી શકે એ માટે, વોટ્સએપમાં હવે ટુ-સ્ટેપ-વેરિફિકેશનનું વધારાનું રક્ષણ મળ્યું છે.
જો તમે લાંબા સમયથી ‘સાયબરસફર’ના સહયાત્રી હશો તો તમે જાણતા હશો કે ‘સાયબરસફર’માં અવારનવાર તમારા જુદા જુદા વેબએકાઉન્ટને ટુ-સ્ટેપ-વેરિફિકેશનથી સલામત બનાવવાની ભલામણ કરવામાં આવે છે.
જીમેઇલ જેવી સર્વિસમાં આ અત્યંત મહત્ત્વની સલામતી છે. તેનો ઉપયોગ કરવાથી આપણે જ્યારે પણ જીમેઇલમાં લોગ-ઇન થઈએ ત્યારે પાસવર્ડ ઉપરાંત આપણા મોબાઇલ પર આવતો એક પાસકોડ પણ આપવો પડે છે. આ કારણે આપણા સિવાય અન્ય કોઈ વ્યક્તિ આપણા જીમેઇલમાં લોગ-ઇન થઈ શકે તેવી શક્યતા નહિવત્ થઈ જાય છે.
જીમેઇલ ઉપરાંત ફેસબુક, એપલ, ટ્વીટર, આઉટલૂક વગેરેમાં પણ ટુ-સ્ટેપ-વેરિફિકેશનની વ્યવસ્થાનો અચૂક લાભ લેવા જેવો છે.
આ વ્યવસ્થા હવે વોટ્સએપમાં પણ ઉમેરાઈ ગઈ છે. વોટ્સએપના બિટા યુઝર્સ માટે આ સુવિધા લાંબા સમયથી ઉપલબ્ધ હતી પરંતુ હવે તે તમામ યુઝર્સને મળી છે. તમારા બદલે બીજી કોઈ વ્યક્તિ પોતાના ફોનમાં તમારા ફોન નંબરથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ ન કરી શકે એ માટે આ સુવિધા ઉપયોગી છે. તમારા વોટ્સએપમાં ટુ-સ્ટેપ-વેરિફિકેશન સુવિધા એક્ટિવેટ કરવા માટે નીચે આપેલાં પગલાં અનુસરશો.
જીમેઇલમાં આપણે જ્યારે પણ લોગ-ઇન થઈએ ત્યારે મોબાઇલના પાસકોડનો ઉપયોગ કરવો પડે છે પરંતુ વોટ્સએપમાં એવી ઝંઝટ થશે નહીં (ફક્ત એ થોડા થોડા વખતે પાસકોડ પૂછશે, જેથી આપણને તે યાદ રહી જાય). વોટ્સએપમાં આપણે નવા ફોનમાં ફરીથી આપણું વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવું હોય ત્યારે જ આ પાસકોડની જરૂર પડશે. જો તમે આ પાસકોડ ભૂલી જાવ તો જૂના ફોનમાં, વોટ્સએપના છેલ્લા ઉપયોગ પછી સાત દિવસ સુધી, નવા ફોનમાં તમારું એકાઉન્ટ વેરિફાય કરી શકશો નહીં. વોટ્સએપની સ્પષ્ટતા અનુસાર સાત દિવસ પછી તમારા ફોન નંબરને વોટ્સએપમાં પાસકોડ વિના રીવેરિફાય કરી શકાશે પરંતુ એ સ્થિતિમાં તમને ડિલિવર ન થયેલા બધા મેસેજ ડિલિટ થઈ જશે. એ જ રીતે જો વોટ્સએપનો છેલ્લે ઉપયોગ કર્યાના ૩૦ દિવસ પછી નવા ફોનમાં એ જ નંબરથી વોટ્સએપ એકાઉન્ટ વેરિફાય કરવામાં આવશે તો તે પાસકોડ વિના તે વેરિફાય તો થશે, પરંતુ આપણું એકાઉન્ટ સંપૂર્ણપણે ડિલિટ થશે અને વોટ્સએપ આપણા એ જ નંબર પર કોરી પાટી જેવું વોટ્સએપનું નવું એકાઉન્ટ ક્રિએટ કરી આપશે.
વોટ્સએપ એકાઉન્ટની સલામતી માટે આ સુવિધાનો લાભ લો તો સારું!
વોટ્સએપ ઓપન કરી, તેના સેટિંગ્સમાં, એકાઉન્ટ સેક્શનમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ક્લિક કરો.
નવા ફોનમાં, વોટ્સએપનો જૂનો નંબર એક્ટિવેટ કરતી વખતે પાસકોડ અનિવાર્ય બનાવતી સૂચના મળશે.
છ અંકનો પાસકોડ લખો, એ ફરી એન્ટર કરવો પડશે. આ નંબર સાચવી રાખશો.
તમે ઇચ્છો તો તમારું ઈ-મેઇલ એડ્રેસ આપી શકો છો, જે પાસકોડ ભૂલી જાવ તો ઉપયોગી થશે.
આટલું કરવાથી, આપણા વોટ્સએપ એકાઉન્ટને ટુ-સ્ટેપ વેરિફિકેશનનું વધારાનું રક્ષણ મળશે.
તમે ઇચ્છો ત્યારે આ સુવિધા બંધ કરી શકશો કે તેમાં ફેરફાર કરી શકશો.

