હવે પતિ ઓફિસમાં અને દીકરી કોલેજમાં છે કે નહીં એ તમે જાણી શકશો – તેમને પૂછ્યા વિના! ટ્રસ્ટેડ કોન્ટેક્ટ નામની સુવિધા આપણી રોજિંદી ચિંતા ઓછી કરી શકે છે.
હજી હમણાં સુધી કંઈક આવી સ્થિતિ હતી… કોલેજમાં ભણતી દીકરીએ સાંજે આઠેક વાગે ઘેર આવી જવાનું કહ્યું હોય, તો સાડા સાત વાગે ત્યાં મમ્મીનું ટેન્શન વધવા લાગે. કાંટો આઠની ઉપર જાય એટલે મમ્મીનો હાથ ફોન પર જાય અને જો દીકરીનો ફોન નો-રીપ્લાય થાય તો? ફટાફટ એની જેટલી ફ્રેન્ડના નંબર હોય તેને એક-એક પછી કોલ થવાનું શરૂ થાય…
પણ હવે કંઈક આવું થઈ શકશે… આઠ વાગ્યા સુધી તો મમ્મીનો જીવ ઊંચો નહીં થાય અને આઠથી મોડું થશે તો મમ્મી દીકરીને ફોન કરવાને બદલે, પોતાનો સ્માર્ટફોન હાથમાં લઈ, દીકરીનું લાઇવ લોકેશન જાણી લેશે. દીકરી તેની એક ફ્રેન્ડને ઘરે જ છે એવું જાણીને ધરપત સાથે મમ્મી પોતાના કામે વળગશે.
અથવા, ઢળતી સાંજે દીકરી બસસ્ટોપથી ઘર સુધી એકલી આવવાની હોય અને રસ્તે અવરજવર ઓછી હોય તો મમ્મી કે પપ્પા પોતાના સ્માર્ટફોનના સ્ક્રીન પર, દીકરીની સાથોસાથ-વર્ચ્યુઅલી ચાલી શકશે!
વાત ફક્ત દીકરીની નથી. નિયમિત ચાલવા જવાના આગ્રહી વડીલ બીમારી પછી ફરી બહાર ચાલવા જવાનું શરૂ કરે ત્યારે પણ પરિવારના બીજા સભ્યોને એમની ચિંતા રહે. શહેરમાં રમખાણ ફાટી નીકળે કે આતંકી હુમલો થાય તો પણ ઘર બહાર રહેલા સ્વજનની સલામતી ચિંતાનો વિષય બને.
આવા બધા સંજોગમાં, હવે સ્વજનનું લોકેશન જાણવું સહેલું બન્યું છે.
ભારત સરકારે ૨૦૧૭થી તમામ નવા ફોનમાં પેનિક બટન ફરજિયાત બનાવ્યું હતું, પણ તેમાં ઢીલ મૂકાતી જાય છે. એ સુવિધા આવે ત્યાં સુધી તમે એક નવી સગવડનો લાભ લઈ શકો છો.
જો તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કિટકેટ કે તેથી ઉપરનું એન્ડ્રોઇડનું વર્ઝન હોય તો તેમાં ગૂગલે હજી હમણા જ લોન્ચ કરેલી ટ્રસ્ટેડ કોન્ટેક્ટ્સ નામની એક એપ ઇન્સ્ટોલ કરી લો. એ એપમાં તમારા પરિવારના અન્ય સભ્યોને ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તરીકે ઉમેરી દો. પરિવારના સ્વજનોએ તેમના સ્માર્ટફોનમાં આ એપ ઉમેરી, તેમાં તમને ટ્રસ્ટેડ કોન્ટેક્ટ તરીકે ઉમેરવાના રહેશે.
હવે તમે જ્યારે પણ ઘર બહાર હશો અને પરત ફરવામાં મોડું થાય ત્યારે સ્વજનો તમને સીધો ફોન કોલ કરી, ડિસ્ટર્બ કરવાને બદલે, પોતાના ફોનમાં જાણી શકશે કે તમે હજી ઓફિસે જ છો કે નહીં.
આમ કરવા માટે એમણે તમારું લોકેશન જાણવાની રિક્વેસ્ટ મોકલવાની રહેશે (તમે ઇચ્છો તો તમે સામેથી સતત લોકેશન શેર કરી શકો છો). તમે મંજૂરી આપશો તો તેમને પોતાના સ્માર્ટફોન પર તમારું લોકેશન જાણવા મળશે (તમે ઇચ્છો તો આ રિક્વેસ્ટ નકારી પણ શકો છો). પરંતુ જો તમે પાંચ મિનિટ સુધી મંજૂરી માટે હા કે ના ન કહો તો, સિસ્ટમ તમારું લોકેશન આપોઆપ શેર કરી દે છે (કારણ કે મંજૂરી માગનાર વ્યક્તિને તમે પોતે જ ટ્રસ્ટેડ કોન્ટેક્ટ કહી છે!).
આ એપનો ઉપયોગ શરૂઆતમાં થોડો ગૂંચવણભર્યો લાગશે, પણ પછી વાત સહેલી બનશે. તમને જાણ અને યાદ હોય તો, ગૂગલ પ્લસમાં આવી જ સુવિધા ‘લોકેશન શેરિંગ’ નામે મળતી હતી. આઇઓએસમાં આવી સગવડ ‘ફાઇન્ડ માય ફ્રેન્ડ્સ’ નામની ફ્રી એપ સ્વરૂપે મળે છે. વિન્ડોઝ ફોનમાં ‘સ્કવોડવોચ’ નામની એપ આ સુવિધા આપે છે.
અલબત્ત, આવી એપ જીવનવીમા જેવી છે. એ પાકે નહીં, તેના ઉપયોગની જરૂર ન પડે એ સૌથી સારું!

