કોઈ વાહનના ડિઝલ એન્જિન કે હવે ભૂલાવા લાગેલાં ભકછૂક ભકછૂક રેલવે સ્ટીમ એન્જિન કે જેટલ પ્લેના એન્જિનમાં એવી તે શી કરામત હોય છે કે તે મહાકાય વાહનોને આગળ વધવાની જબરજસ્ત ઊર્જા પૂરી પાડે છે?
ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ તમારા અભ્યાસનો વિષય હોય કે ન હોય, વિવિધ પ્રકારનાં એન્જિન્સની રચના કેવી હોય છે એનું તમને કૂતુહલ હોય તો આ એક વેબસાઇટ તપાસી જુઓ : http://www.animatedengines.com
હોમ પેજ પર જતાં, વિવિધ એન્જિનનાં લાઇન ડ્રોઇંગ અને તેની લિંક જોવા મળશે. તમને જે ગમે તે એન્જિનમાં ઝંપલાવતાં એની રચનાની એક વિગતવાર સમજ જોવા મળશે, એ પણ મજાનાં, તદ્દન સરળ એનિમેશન સાથે.
જેમ કે સ્ટીમ એન્જિનના પેજ પર જશો તો જાણવા મળશે કે તેમાં કોલસા જેવા બળતણથી ગરમ થતું પાણી ઊંચા દબાણવાળી વરાળ પેદા કરે છે. બોઇલરમાં પેદા થતી આ વરાળ એક સિલિન્ડરમાં ભરાઈને તેની સાથે જોડાયેલ પિસ્ટનને ધક્કો આપે છે અને પિસ્ટન સાથે જોડાયેલાં એન્જિનનાં પૈડાં અડધું ચક્કર ફરે છે. પિસ્ટનનો ધક્કો પૂરો થતાં, બાકી રહી ગયેલી વરાળ સિલિન્ડરમાંથી બહાર નીકળે છે, જેનો છૂક છૂક અવાજ આપણે વર્ષો સુધી સાંભળ્યો છે. પછી ફરી, સિલિન્ડરમાં વરાળનું દબાણ સર્જાવા લાગે છે, પિસ્ટનને બીજી તરફ ધક્કો લાગે છે અને પરિણામે એન્જિનનાં પૈડાં બાકીનું અડધું ચક્કર પૂરું કરી, એન્જિનને આગળ ધપાવે છે.
આ વાત અહીં વાંચવામાં જેટલી અઘરી લાગે છે, તેટલી એનિમેશન સાથે સમજવામાં અઘરી લાગશે નહીં!
