(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને આખી દુનિયા મેરી ક્રિસમસના મેસેજીસ વહેતા કરશે ત્યારે તેમાં કેક અને ગિફ્ટ બોક્સ જેવા ઇમોજી ઉમેરવાનું ભૂલશે નહીં.

તમે વોટ્સએપ જેવી એપમાં મેસેજ લખતી વખતે કે રીપ્લાય કરતી વખતે સ્માઇલી કે થમ્સ અપની ઇમોજી ઉમેરતી વખતે, બીજો કોઈ મૂડ એક્સપ્રેસ કરવા માટે બીજું કોઈ ઇમોજી શોધવા તરફ આગળ વધ્યા હશો તો તમારું ધ્યાન એ વાત તરફ દોરાયું હશે કે ધીમે ધીમે કરતાં, કોઈને માટે જોડાયેલા પ્રણામના બે હાથથી માંડીને મુક્કા સુધીના અને ફૂલથી માંડીને રાયફલ સુધીના ઇમોજી હવે આપણા સ્માઇલીના લિસ્ટમાં ઉમેરાઈ ગયા છે!

આપણા માટે જેનો ઉપયોગ તદ્દન સામાન્ય થઈ ગયો છે એ ઇમોજી પાછળની ઘણી બધી વાતો ખરેખર અસામાન્ય છે – આપણે એક પછી એક જાણીએ…

આગળ શું વાંચશો?

  • ઇમોજીનાં મૂળ
  • ઇમોજીનો જન્મ
  • ઇમોજીનો પ્રસાર
  • ઇમોજીમાંથી કમાણી

ઇમોજીનાં મૂળ

આમ તો માનવજાતની ભાષા જ હાવભાવ અને સંકેતોમાંથી વિકસી છે. સદીઓ જૂનાં ગૂફાચિત્રોમાં પણ વિવિધ ચિત્રોથી વિચારો રજૂ કરવાનો પ્રયાસ થયો હોય એવું લાગે છે. એ યુગ ફરી પાછો આવ્યો છે, ઇમોજીથી! (હકીકતમાં, ભાષા ખરેખર કેવી રીતે વિકસી એ વિશે વિદ્વાનોમાં અનેક મતમતાંતર છે, કારણ સાવ સાદું છે – કોઈ પાસે પોતાની થિયરી સાચી ઠરાવવાનો પુરાવો નથી! એક મત અનુસાર, ૪૦૦ જેટલી ભારતીય અને યુરોપીયન ભાષાઓનું મૂળ એક જ ભાષામાં છે, જે સદીઓ પહેલાંના એનેટોલિયા નામના પ્રદેશમાં બોલાતી હતી, જે આજે તુર્કી તરીકે ઓળખાય છે.)

સંકેતોથી કમ્પ્યુનિકેશનના એ પ્રાચીન સમયમાંથી ફાસ્ટ ફોરવર્ડ કરીને આવી જઈએ આજના સમયમાં. સાદા ફોનમાં એસએમએસનો યુગ શરૂ‚ થયો ત્યારથી આપણી ભાષામાં, ખરેખર તો અભિવ્યક્તિમાં અવનવા ફેરફાર થવા લાગ્યા છે. પહેલાં એસએમએસમાં શક્ય એટલા ઓછા અક્ષરો ટાઈપ કરીને સામેની વ્યક્તિને મોકલી આપવાની શરૂઆત થઈ, ફક્ત યુ લખવાથી કામ ચાલતું હોય તો વાયઓયુ ટાઈપ કરવાની કસરત શા માટે કરવી? સામેની વ્યક્તિ આપણું કહેવું સમજી જાય તો ભયો ભયો! એ ટ્રેન્ડ એવો ચાલ્યો કે કેટલાય લોકો ઇન્ટરવ્યૂ માટેની અરજીમાં કે ઓફિશિયલ કોરસપોન્ડન્સમાં પણ આવા શોર્ટકટથી કામ ચલાવવા લાગ્યા!

પછી સ્માર્ટફોન આવ્યા અને એ સાથે આવ્યા ઇમોટાઇક્ધસ અને ઇમોજી (જેને આપણે સ્માઇલી તરીકે પણ ઓળખીએ છીએ, પણ વાસ્તવમાં ઇમોજીની રેન્જ સ્માઇલી કરતાં ઘણી મોટી છે)! આપણે આ બંનેનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને બંનેને મોટા ભાગે એક જ સમજીએ છીએ, પણ અસલમાં બંને છે જુદા.

આપણે કોઈ મેસેજ વાંચીને ખુશ થયા એમ બતાવવા માટે જવાબમાં બે ટપકાં (કોલન) કરીને પછી કૌંસ પૂરો થયાની નિશાની કરીને મેસેજ મોકલ્યો તો એ થયો ઇમોટાઇકન. ગણેશ ચતુર્થીએ કીબોર્ડનાં વિવિધ કેરેક્ટર્સમાંથી બનાવેલા ગણપતિ દાદા કે દિવાળી દરમિયાન આ રીતે દોરેલા દીવડાની ભરપૂર આપલે થાય એ બધા ઇમોટાઇકન. આવાં ચિત્રો બનાવનારા લોકોની કલાને સલામ, પણ એમને આટલો સમય કેમ મળતો હશે એવો સવાલ ચોક્કસ થાય.

જ્યારે ઇમોજી એટલે મેસેજમાં હેપ્પી બર્થડે લખવાની સાથોસાથ કેક કે મીણબત્તી કે ગુલદસ્તાનું રેડિમેડ ચિત્ર મોકલી અપાય તે, જે વાસ્તવમાં ચિત્ર હોતું જ નથી! આંખો પહોળી થઈ? એની વાત પછી કરીએ. પહેલાં તો એ જાણી લો કે ઇમોટાઇન્કસ અનલિમિટેડ છે, કેમ કે માણસનું ભેજું કેટલું વિચારી શકે એની કોઈ મર્યાદા જ નથી. જેટલાં ભેજાં એટલાં ઇમોટાઇન્કસ સર્જાઈ શકે. જ્યારે ઇમોજી અપાર લાગતા હોવા છતાં, ખરેખર છે લિમિટેડ. કેમ? એની વાત પણ પછી!

આજે કોઈ પણ મેસેજ ટાઇપ કરતી વખતે આપણી આંગળીઓ અનાયાસે ઇમોજી ઇન્સર્ટ કરવા લાગે છે તે ઇમોજીનો જન્મ ટેલિકોમ કંપનીઓ વચ્ચેની હરીફાઈમાંથી થયો અને આજે એ મોટી મોટી કંપની માટે કમાણીનું મોટું સાધન પણ બની ગયું છે. એ વિગતોમાં ઉતરતાં પહેલાં એ જાણીએ કે ઇમોજી સર્જાયા કેવી રીતે?

ઇમોજીનો જન્મ

આપણા મોજને શબ્દને યોગ્ય રીતે બંધબેસતો આ શબ્દ ઇમોજી વાસ્તવમાં જાપાનીઝ શબ્દ છે.


તમને મોબાઇલના પૂર્વજ જેવું પેલું પેજર યાદ છે? ૧૯૯૫ના દાયકામાં જાપાનના ટીનએજર્સમાં પેજર્સ અત્યંત લોકપ્રિય હતાં. એ સમયે, ‘પોકેટ બેલ’ નામે પેજિંગની સર્વિસ આપતી એનટીટી ડોકોમો નામની કંપનીએ પોતાની સર્વિસમાં કંઈક નવીનતા લાવવા પેજરમાંના ટેક્સ્ટ મેસેજ સાથે હાર્ટનો સિમ્બોલ ઉમેરી શકાય એવી સગવડ આપી. ટીનએજર્સને આ આઇડિયા જોરદાર ગમી ગયો અને ડોકોમોની ‘પોકેટ બેલ’ સર્વિસના સબસ્ક્રાઇબર્સ વધવા લાગ્યા. કંપની આમ પણ પોતાના ક્ષેત્રમાં આગળ હતી એટલે એ આ લોકપ્રિયતાનું ખરું કારણ સમજી શકી નહીં અને જ્યારે ‘પોકેટ બેલ’નું નવું વર્ઝન આવ્યું ત્યારે તેમાંથી પેલું હાર્ટ પડતું મૂકાયું અને બિઝનેસ-ફ્રેન્ડલી ફીચર્સ ઉમેરાયાં. તરત જ ડોકોમોના ગ્રાહકો તેની બીજી હરીફ કંપનીઓ તરફ વળવા લાગ્યા. કંપનીએ એટલું સમજાઈ ગયું કે તેણે હવે હાર્ટ કરતાં પણ કંઈક વધુ દમદાર સગવડ આપવી પડશે.

આ દરમિયાન, ડોકોમો કંપની ‘આઇ-મોડ’ નામના એક પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, જે આગળ જતાં દુનિયાનું પહેલું, મોબાઇલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ બનવાનું હતું. આ પ્રોજેક્ટમાં પહેલી વાર, હવામાનની આગાહી, મૂવી શોનાં બુકિંગ, ન્યૂઝ અને ઈ-મેઇલ જેવી સુવિધાઓ મોબાઇલ પર આપવાની શરૂઆત થઈ, અલબત્ત, આજના કરતાં તદ્દન પાયાના સ્તરે. હાથવગા મોબાઈલમાં આ બધી સગવડને આગળ જતાં જાપાની પ્રજાએ એટલો જોરદાર પ્રતિસાદ આપ્યો કે આખા જાપાનમાં તેનો ઉપયોગ શરૂ થયો. આ જ પ્રોજેક્ટને કારણે મોબાઇલ ઇન્ટરનેટની ટેક્નોલોજીમાં જાપાન આખી દુનિયા કરતાં દસેક વર્ષ આગળ રહ્યું હોવાનું મનાય છે.

જોકે એ જ સમયમાં અમેરિકામાં એટીએન્ડટી કંપનીએ ‘પોકેટ નેટ’ નામે, આઇ-મોડને મળતી આવતી સર્વિસ શરૂ‚ કરી હતી (એ સમયે ‘પોકેટ નેટ’ સર્વિસમાં જે સ્પીડથી ઇન્ટરનેટ ડેટા ટ્રાન્સફર થતો હતો તેના કરતાં આજે ૫૦૦ ગણી ઝડપ વધી ગઈ છે!).

ડોકોમો કંપનીએ પોતાના આઇ-મોડ પ્રોજેક્ટ માટે, પોતાના કેટલાક કર્મચારીઓને ‘પોકેટ નેટ’ સર્વિસનો અભ્યાસ કરવા અમેરિકા મોકલ્યા. આ ટીમમાં સામેલ હતો, શિગેતાકા કુરિતા નામનો એક યુવાન – જે આગળ જતાં, આજના ઇમોજીના પિતા તરીકે ઓળખાયો!

એ સમયે, પોકેટ નેટનાં મોબાઇલ ડિવાઇસ એટલાં નબળાં હતાં કે તેમાં હવામાનની માહિતી આપવા માટે, વાદળછાયા વાતાવરણ માટે વાદળાં અને સન્ની ડે બતાવવા માટે સરસ મજાના ચમકતા સૂર્યનો આઇકન દર્શાવી શકાતો નહોતો. શિગેતાકા કુરિતાને લાગ્યું કે આવા આઇકન હોય તો લોકો સ્ક્રીન પરની માહિતીને ઘણી વધુ સરળ અને અસરકારક રીતે સમજી શકે.

જાપાન પરત આવ્યા પછી પણ શિગેતાકા કુરિતાના મનમાં આ વાત રમતી રહી.

દરમિયાન, એ અરસામાં વિન્ડોઝ ૯૫ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થઈ ગઈ હતી ને આખી દુનિયા સાથે જાપાનમાં પણ ઈ-મેઇલનો ઉપયોગ વધવા લાગ્યો હતો, પરંતુ જાપાની લોકોને ઈ-મેઇલ બહુ ગમતા નહોતા.

કારણ એ હતું કે જાપાની સંસ્કૃતિ પણ ભારતીય સંસ્કૃતિ જેવી છે. આપણા દેશમાં લોકો પત્રો લખતા ત્યારે સામાન્ય પત્રમાં પણ ‘રા.રા. શ્રી (રાજમાન રાજેશ્રી શ્રી ફલાણા…!) જેવાં લાંબાંલચક સંબોધ અને ‘આપના ક્ષેમકુશળની અપેક્ષા સાથે, આપને વિદિત થાય કે….’ વગેરે વગેરે માન-સન્માનથી તરબોળ, પણ વધુ પડતાં લાંબાં વાક્યો લખાતાં હતાં. પત્રોની સરખામણીમાં પેજર કે ફોનમાંના ટેક્સ્ટ મેસેજ અને ઈ-મેઇલ ઘણા ફોર્મલ અને ટૂંકા રહેતા હોવાથી, તેમાં લખાયેલા શબ્દોનો ભાવ સમજવામાં લોકોને મુશ્કેલી પડતી હતી.

શિગેતાકા કુરિતાને થયું કે જો મેસેજ સાથે લોકો હાવભાવ સાથેનાં ચિત્રો પણ મોકલી શકે તો વાત જામે – મેસેજમાં હાર્ટના સિમ્બોલની લોકપ્રિયતા તો એમણે જોઈ જ હતી.

તકલીફ એ હતી કે કુરિતા પોતે ડિઝાઇનર નહોતા. એમણે ડોકોમોના આઇ-મોડ પ્રોજેક્ટમાં જોડાયેલી શાર્પ, પેનાસોનિક અને ફુજિત્સુ જેવી કંપનીઓે આ આઇડિયા આપ્યો, પણ કોઈએ ખાસ પ્રતિસાદ આપ્યો નહીં.

આખરે શિગેતાકાએ પોતે કાગળ-પેન્સિલ હાથમાં લીધાં, કેટલાક દોસ્તોની મદદ લીધી અને ૧૨ બાય ૧૨ પિક્સેલમાં સમાય એવાં ટચૂકડાં અને હસતા-રડતા-ડરતા-ડરાવતા વગેરે વિવિધ હાવ-ભાવ વ્યક્ત કરે એવાં કુલ ૧૭૬ ચિત્રો તૈયાર કર્યાં. એ સાથે જન્મ્યા આજના ઇમોજી.

કુરિયાએ આ ચિત્રો તૈયાર કરવામાં જાપાનીઝ કોમિક્સની પણ મદદ લીધી. ચિત્રો તદ્દન નાનાં, ૧૨ બાય ૧૨ પિક્સેલના ચોરસમાં સમાય એટલાં ટચૂકડાં રાખવા પડે તેમ હોવાથી, આપોઆપ તેને તદ્દન સરળ રાખવા પડ્યાં, ચિત્રમાં ઝાઝી વિગતો ઉમેરવાનો કોઈ ચાન્સ જ નહોતો.

હવે આ ચિત્રો પેલી મોબાઇલ ડિવાઇસ બનાવતી કંપનીઓને આપવામાં આવ્યાં, આ વખતે તેમને રસ પડ્યો અને તેમણે પોતાની ડિવાઇસ વાપરતા લોકો, આંગળીના ઇશારે મેસેજમાં આ ચિત્રો ઉમેરી શકે એવી સગવડ આપી. આ કંપનીઓએ પોતાની રીતે ચિત્રોમાં કોઈ ફેરફાર ન કર્યા એટલે ડોકોમો સર્વિસનો ઉપયોગ કરતા તમામ લોકોને એક સરખાં ચિત્રો વાપરવાની તક મળી.

ડોકોમો કંપનીએ આ ચિત્રોના કોપીરાઇટ મેળવવાની કોશિશ કરી, પણ ‘૧૨ બાય ૧૨ પિક્સેલના ચોકઠા પર શું કોપીરાઇટ મળે?’ એવા જવાબ સાથે એનો પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો. એટલે ડોકોમોની હરીફ કંપનીઓ આ જ ચિત્રો વાપરી શકી હોત, પણ એમણે ચિત્રોને થોડાં વધુ ઠીકઠાક કરીને વધુ આકર્ષક બનાવવાનું વિચાર્યું.

પરિણામે, કમ્પ્યુટર પર વિવિધ ભારતીય (અને અન્ય પ્રાદેશિક) ભાષાના ઉપયોગમાં જે થયું એવું જ ઇમોજીની બાબતમાં થયું.

તમારે કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષાના ઉપયોગ સાથે જરા વધુ પનારો હશે, તો તમને ખબર હશે કે સરલ, ઘનશ્યામ, એલએમજી વગેરે જેવા ફોન્ટ ઉપરાંત, શ્રીલિપિ, ઇન્ડિકા, ભાષાભારતી વગેરે અનેકવિધ પ્રકારે કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષા લખી શકાય છે. આ દરેક ફોન્ટ અલગ અલગ કોડથી તૈયાર થતા હોવાથી, શ્રીલિપિ ફોન્ટના લખાણને ફક્ત ફોન્ટ ફેરવીને ઇન્ડિકાના ફોન્ટમાં ફેરવી શકાય નહીં. અંગ્રેજીમાં એરિયલ ફોન્ટના લખાણને ટાઇમ્સ ન્યૂ રોમનમાં ફેરવી શકાય એવી સુવિધા અન્ય ભાષામાં નથી. પછી યુનિકોડ ફોન્ટ આવ્યા અને વાત પ્રમાણમાં સહેલી બની.

આ જ રીતે, જુદી જુદી કંપનીઓએ પોતાના ઇમોજી જુદા જુદા કોડથી ચિત્ર સ્વરૂપે દેખાય એવી સ્થિતિ સર્જી. પરિણામ એ આવ્યું કે આપણે એક કંપનીના ફોનમાંથી ઇમોજી મોકલીએ, તો બીજી કંપનીના મોબાઇલ પર એ બરાબર દેખાય નહીં!

છેક ૨૦૦૫માં જાપાનની બધી કંપનીઓએ સાથે મળીને એકમેકના ડિવાઇસમાં બધા ઇમોજી સરખા દેખાય એવી વ્યવસ્થા ગોઠવી. જોકે તોય પેલા જૂના ઇમોજી અને તેની અરાજકતા તો વપરાશમાં જ રહી.

ઇમોજીનો પ્રસાર

ઇમોજી જન્મ્યા જાપાનમાં અને ત્યાં સખત લોકપ્રિય થયા, એ દરમિયાન એપલના સ્ટીવ જોબ્સ જાપાનમાં પોતાના આઇફોન વેચવાની ફિરાકમાં હતા. જાપાનીઝ લોકોનો ટ્રેન્ડ જોઈ તેમણે આઇફોનમાં ઇમોજી ઉમેર્યા. શરૂઆતમાં આ સગવડ ફક્ત જાપાનના લોકોને મળી, પણ ૨૦૧૧માં, આઇઓએસ ફાઇવ વર્ઝન સાથે, એપલનાં સાધનોના કીબોર્ડમાં ઇમોજી ઉમેરાયા. લોકોને ટવીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની પોસ્ટ્સ કે બ્લોગ્સ પરની કમેન્ટમાં અંગૂઠો કે આંખ મીંચકારતા સ્માઇલી ઉમેરવાની રીત ગમી ગઈ અને ઇમોજી દુનિયાભરમાં ફેલાયા.

જોકે જે જાપાનમાં થયું, એ જ આખી દુનિયામાં થયું.

એપલે પોતાની રીતે ઇમોજી અને તે દશર્વિવા માટેના કોડ તૈયાર કર્યા અને બીજી ઓપરેટિંગ સિસ્ટમ્સે પોતાની રીતે પોતાના ઇમોજી અને તેના કોડ વિક્સાવ્યા. પરિણામે, એન્ડ્રોઇડમાંથી મોકલેલા ઇમોજી આઇફોનમાં બરાબર ન દેખાય એવો પ્રશ્ન ફરી ઊભો થયો.

જોકે હવે ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપનીઓ વતી, ઇમોજીનો હવાલો યુનિકોડ કોન્સોર્ટિયમ સંભાળે છે. આ યુનિકોડ કોન્સોર્ટિયમમાં જગતની વિવિધ આઇટી કંપનીઓ સામેલ છે અને તેણે જુદી જુદી ભાષાનું લખાણ જુદાં જુદાં કમ્પ્યુટર પર યોગ્ય રીતે દેખાઈ શકે અને ભાષાના ચોક્કસ અક્ષરો અને સંજ્ઞાઓ નિર્ધારિત કોડથી જ લખાય તેવા યુનિકોડ ડેવલપ કર્યા છે.

ભાષાનો આ જ સિદ્ધાંત ઇમોજીને લાગુ પાડવામાં આવ્યો છે. હવે ચોક્કસ ઇમોજી, નિર્ધારિત એ સમા કોડની મદદથી આપણા સ્ક્રીન પર દેખાય છે. આમ ઇમોજી વાસ્તવમાં કોડ આધારિત હોવાથી, સહેલાઈથી ટ્રાન્સફર થઈ શકે છે અને જુદા જુદા ડિવાઇસમાં ફોન્ટની મુશ્કેલી વિના જોઈ શકાય છે. ઇમોજી જે ચાહે તે વ્યક્તિ બનાવી શકે તેવી વાત ન હોવાથી સંખ્યામાં મર્યાદિત  છે. યુનિકોડ કોન્સોર્ટિયમ થોડા થોડા સમયે નવા ઇમોજીના કેરેક્ટર કોડ જાહેર કરે છે. એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરે કંપની આ ઇમોજી પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં ઉમેરે પછી તે આપણા સુધી પહોંચે છે.

જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં, ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન અનુસાર, મૂળ કી-બોર્ડ સાથે ઇમોજીનો કાફલો પણ આપણા માટે હાથવગો બની જાય છે. આપણે ઇચ્છીએ તો સ્માર્ટફોનમાં નવાં કી-બોર્ડ પણ ઉમેરી શકીએ છીએ અને એ બધામાં મોટા ભાગે ઇમોજી સામેલ હોય છે. મોટા ભાગે બધા ઇમોજી પીપલ, ઓબ્જેક્ટસ, નેચર, પ્લેસીઝ, સિમ્બોલ્સ વગેરે કેટેગરીમાં વહેંચાયેલા હોય છે. આપણે ઉપયોગમાં લીધેલા ઇમોજી સૌથી પહેલાં આપણને નજરે ચઢે છે.

ઇમોજીનો ઉપયોગ સૌથી વધુ ફોન કે ટેબલેટમાં થાય છે, પણ આપણે ઇચ્છીએ તો પીસીમાં પણ લખાણને ઇમોજીથી સજાવી શકીએ છીએ.

જોકે વિન્ડોઝમાં, વિન્ડોઝ ૮થી કીબોર્ડમાં ઇમોજી સપોર્ટ કરવાનું શરૂ થયું છે. ઇમોજીનો ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ઇમેઇલ વગેરે બધી જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. તમે પીસીમાં જીમેઇલમાં મેઇલ કમ્પોઝ કરી રહ્યા હો તો તેમાં મેઇલ ફોર્મેટિંગના વિવિધ વિકલ્પોમાં સૌથી છેલ્લે ઇમોજી એડ કરવાનું બટન જોવા મળશે.

યુનિકોડ કોન્સોર્ટિયમ જુદા જુદા વર્ઝનમાં વિવિધ ઇમોજી રીલીઝ કરે છે. અત્યારે તેના આ પ્રકારના નવમા લિસ્ટમાં ૭૪ નવા ઇમોજી પસંદ થયા છે, જે વર્ષ ૨૦૧૬ના મધ્યમાં કદાચ આપણા સુધી પહોંચશે.

ઇમોજીમાંથી કમાણી

આપણા માટે ઇમોજી ફક્ત મજાનું માધ્યમ છે, પણ આઇટી કંપનીઝ માટે એ કમાણીનું સાધન બની રહ્યા છે.

જેમ ઇન્સ્ટન્ટ મેસેજિંગમાં આપણે ત્યાં વોટ્સએપ બહુ લોકપ્રિય છે તેમ ઇમોજીની જન્મભૂમિ જાપાનમાં લાઇન નામની સર્વિસ બહુ લોકપ્રિય છે. આ કંપનીએ ઇમોજીની લોકપ્રિયતાને કમાણીમાં ફેરવી નાખવાનાં વિવિધ મોડેલ ડેવલપ કર્યાં છે. આપણે અસંખ્ય ઇમોજીનો મફતમાં ઉપયોગ કરીએ છીએ, પણ લાઇન કંપની ફ્રી ઉપરાંત, વિવિધ કેટેગરીનાં ઇમોજીનાં પેક વેચે છે અને લોકો ખરીદે પણ છે. એ સિવાય લાઇન સોફ્ટડ્રિંક, કોફીશોપ, ફૂડચેઇન્સ વગેરે બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરીને જે તે કંપનીના લોગો કે કેરેક્ટર બતાવતાં ઇમોજી તૈયાર કરી, લોકોને મફત ઉપયોગ કરવા દે છે, પેલી બ્રાન્ડને પબ્લિસિટી મળે અને લાઇન કંપનીને આવક થાય! બીજી તરફ, લોકો લાઇનની પાર્ટનર કંપનીઝ પાસેથી ખરીદી કરે તો તેમને ચોક્કસ સિરિયલ નંબર મળે, જેની મદદથી તેઓ લાઇનનાં એક્સક્લુઝિવ ઇમોજી કે સ્ટીકર્સ ડાઉનલોડ કરી શકે. ફરી, બંનેને કમાણી!

લાઇન કંપનીએ ‘લાઇન ક્રિએટર્સ માર્કેટ’ નામની એક સુવિધા આપી છે, જેની મદદથી, કોઈ પણ આર્ટિસ્ટ લાઇન એકાઉન્ટનો ઉપયોગ કરી, પોતે તૈયાર કરેલ સ્ટીકર ડિઝાઇન અપલોડ કરીને, લાઇનના યૂઝર્સને વેચી શકે છે. લાઇન કંપની અને તેના યૂઝર્સને નવાં નવાં રેડીમેડ સ્ટીકર્સ મળે છે અને પેલા આર્ટીસ્ટને સારી એવી કમાણી થાય છે. આ સર્વિસ લોન્ચ થઈ તેના પહેલા જ વર્ષમાં ૭.૫ કરોડ ડોલર (અંદાજે ૪૫૦ કરોડ રૂપિયા)નાં સ્ટીકર્સ વેચાયાં હતાં.

ઇમોજીથી કંટાળ્યા? શેર કરો સ્ટીકર્સ!

એક તરફ આખી દુનિયાને ઇમોજીનું ઘેલું લાગ્યું છે તો બીજી તરફ એશિયાઈ દેશોમાં સ્ટીકર્સ પણ લોકપ્રિય બની રહ્યા છે. ખાસ કરીને જાપાનની લાઇન અને ભારતની હાઇક મેસેજિંગ એપ્સની લોકપ્રિયતા આ સ્ટીકર્સને કારણે પણ વધી રહી છે. ઇમોજી અને સ્ટીકર્સમાં ફેર શું? ખાસ તો કશો નહીં. ફેર એટલો કહી શકાય કે વોટ્સએપ જેવી એપમાં મેસેજ ટાઇપ કરતી વખતે આપણે ઇમોજી પસંદ કરીએ તે ટેક્સ્ટની સાથોસાથ ઉમેરાતાં જાય અને આપણે સેન્ડ કરીએ ત્યારે તે આખા મેસેજ તરીકે જાય, જ્યારે હાઇક જેવી એપમાં કોઈ કોન્ટેક્ટ પસંદ કરી, પસંદગીના સ્ટીકર પર ક્લિક કરીએ એ સાથે એ સ્ટીકર આપણા કોન્ટેક્ટને સેન્ડ થઈ જાય. તમે હાઇક અને વોટ્સએપ બંનેનો ઉપયોગ કરતા હો અને હાઇકના સ્ટીકર વોટ્સએપમાં મોકલવા માગતા હો તો એવું પણ થઈ શકે છે, એ માટે તમારે હાઇકની સ્ટીકી નામની સુવિધાનો લાભ લેવો પડે.

મોટા ભાગના ઇમોજી પહેલી નજરે મજાના લાગતા હોવા છતાં એ પણ વારંવાર વિવાદમાં સપડાય છે. જેમ કે અગાઉના ઇમોજી ગોરા લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયા હતા, એ સામે વાંધો ઉઠતાં, વિવિધ રંગના લોકોના હાથ આપણા ફોનમાં ઉમેરાયા. પહેલાં ફક્ત ચર્ચના ઇમોજી હતા, હવે મસ્જિદ ને કોઈ ચોક્કસ ધર્મનું ન લાગે એવા પૂજા સ્થળનું પ્રતીક પણ તેમાં ઉમેરાયું છે.

ક્યારેક નવરાશના સમયે બધા ઇમોજી ચકાસશો તો એમાં ચપ્પુ ને રાયફલ પણ જોવા મળશે! રાયફલ સામે વાંધો ઉઠ્યો તો યુનિકોડ કોન્સોર્ટિયમની દલીલ હતી કે એ તો ઓલિમ્પિકની શૂટિંગ સ્પોર્ટનું પ્રતીક છે!

તો હવે જ્યારે તમે ઇમોજી કે સ્ટીકર પર ક્લિક કરો ત્યારે તેમાં કેટલી કરામત છૂપાયેલી છે એનો પણ જરા વિચાર કરજો!

જાણીને નવાઈ લાગશે કે…

વિકિપીડિયાની જેમ એક ઇમોજીપીડિયા (http://emojipedia.org/) પણ છે! આ સાઇટ પર વિવિધ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ તમામ ઇમોજીનો શો અર્થ થાય છે એ, ઇમોજી સાથે દર્શાવવામાં આવે છે.

‘વર્લ્ડ ઇમોજી ડે’

‘વર્લ્ડ ઇમોજી ડે’ પણ ઉજવાય છે, જુલાઈ ૧૭ તારીખે! આ તારીખ કેમ, એવો સવાલ થયો? કારણ એ કે આઇઓએસના કેલેન્ડર ઇમોજીમાં આ તારીખ બતાવવામાં આવી છે (જોકે ટવીટર પરના ઇમોજીમાં જુલાઈ ૧૫ તારીખ લખી છે! હજી ગયા વર્ષથી જ આ ઉજવણીની શરૂઆત થઈ છે. આ દિવસે ઉત્સાહી લોકો પોતાના મેસેજીમાં વધુ ને વધુ ઇમોજી (ક્યારેક તો કોઈ શબ્દ વિના!)નો ઉપયોગ કરે છે.

ઇમોજીને ‘વર્ડ ઓફ ધ યર’નો ખિતાબ મળ્યો

વિશ્વપ્રસિદ્ધ ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે, જે શબ્દે વિશ્વભરમાં સૌથી વધુ આકર્ષણ જમાવ્યું હોય તેને ‘વર્ડ ઓફ ધ યર’ જાહેર કરે છે. વર્ષ ૨૦૧૫ માટે પહેલી વાર, કોઈ શબ્દને બદલે પિક્ટોગ્રાફ (ઇમોજી)ને ‘વર્ડ ઓફ ધ યર’નો ખિતાબ મળ્યો છે. આ ઇમોજી સત્તાવાર રીતે, ‘ફેસ વીથ ટીયર્સ ઓફ જોય‘ (ખુશીનાં આંસુ સાથેનો ચહેરો) તરીકે ઓળખાય છે. ઓક્ટફર્ડ યુનિવર્સિટી પ્રેસે મોબાઇલ ટેક્નોલોજીની જાણીતી કંપની સ્વિફ્ટકી (આ કંપનીના ગુજરાતી કીબોર્ડ વિશે વધુ જાણો ડિસેમ્બર ૨૦૧૪ના અંકમાં) સાથે મળીને, દુનિયામાં કયો ઇમોજી સૌથી લોકપ્રિય છે એ જાણવાનો અભ્યાસ હાથ ધર્યો હતો.

ઇમોજી સે ઐસા ભી હોતા હૈ!

ચારેતરફ લોકોને પોતાના મેસેજીસમાં ઇમોજી ઉમેરતા જોઈને, અમેરિકાના બે યુવાનોને એક આઇડિયા આવ્યો – ઇમોજીસ ફોર યોર ફેસ! આપણે ત્યાં બાળકોની બર્થડે પાર્ટી માટે કાર્ટૂન કેરેક્ટર્સના માસ્ક મળે છે, એવા ઇમોજીના માસ્ક બનાવડાવીને વેચવાનો આ આઇડિયા જબરજસ્ત ક્લિક થયો. અમેરિકામાં ક્રિસમસની જેમ ૩૧ ઓક્ટોબરે હેલોવીનની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે. આમ તો એ દિવસે લોકો ડરામણા માસ્ક અને કપડાં પહેરીને ઉજવણી કરે છે, પણ માર્શલ અને જોન નામના આ ઉદ્યોગસાહસિક યુવાનોને લોકોને હસાવતા ઇમોજીમાસ્ક વેચવાનો વિચાર આવ્યો – મુશ્કેલી એ હતી કે વિચાર આવ્યો ત્યારે હેલોવીન ડે ફક્ત ૬૦ દિવસ દૂર હતો.

તાબડતોડ તેમણે ઇન્ટરનેટ પર જઈને, આવા માસ્ક બનાવતી કંપનીઓ તપાસીને એક કંપની પસંદ કરી તેને કાચી ડિઝાઇન્સ મોકલી. તૈયાર સેમ્પલ મંગાવવાનો સમય નહોતો એટલે સીધો જ ઓર્ડર આપવાનું જોખમ લીધું. પાંચ ડિઝાઇનના એક-એક હજાર માસ્ક એમ કુલ ૫,૦૦૦ માસ્કનો ઓર્ડર અપાયો. બીજી તરફ એક ડિઝાઇનર દોસ્તને કામે લગાડી પ્રોડક્ટનો લોગો તૈયાર કરાયો.

ઓર્ડર મુજબ ૫૦૦૦ માસ્ક આવી પણ ગયા, પણ…

ક્વોલિટી એમણે ધારી હતી એટલી સારી નહોતી. હેલોવીન આડે ફક્ત ૧૫ દિવસ હતા. બંને ભાગીદારના હાથ પર બીજાં કામ પણ હતાં (આ એમા માટે સાઇડ પ્રોજેક્ટ હતો). એમણે આખો પ્રોજેક્ટ, માસ્ક સાથે ૫૦૦૦ ડોલરની પડતર કિંમતે બીજી કોઈ કંપનીને વેચી નાખવાનું વિચાર્યું. ઉતાવળે નિર્ણય લેવાના બદલે, એમણે એક દિવસ રાહ જોવાનું નક્કી કર્યું અને પરોઢિયે વિચાર બદલાયો!

સવારે ૪ વાગ્યે જાગી ગયેલા જોને પ્રોડક્ટહન્ટ નામની સાઇટ પર માસ્ક વેચવા મૂક્યા અને એ પાછો સૂઈ ગયો. નવ-દસ વાગ્યે એ સાઇટ તેમણે ચેક કરી તો, એમના માસ્ક ટોપ સેલિંગ પ્રોડક્ટ હતા અને ૨૦ ઓર્ડર આવી ગયા હતા! એ પહેલા દિવસે એમણે ૫૦૦૦ ડોલરનું વેચાણ કર્યું.

એ પછી એમની પ્રોડક્ટ ખરેખર છાપે ચઢી! એક પછી એક અખબાર, ટીવી ન્યૂઝ ચેનલ પર તેની નોંધ લેવાઈ અને એવી સ્થિતિ આવી ગઈ કે આવેલા ઓર્ડર મુજબ માસ્કની ડિલિવરી કરવાનું એમના માટે મુશ્કેલ બની ગયું.

છેવટે, હેલોવીન ડે આવ્યો ત્યાં સુધીમાં ૩૬૦૯ ડોલરના કુલ ખર્ચ સામે, તેમણે ૫૧,૩૬૫ ડોલરનું વેચાણ કર્યું હતું (અંદાજે ૨૮ લાખ રૂપિયા)! હવે આ કંપનીએ પોતાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે અને ઇમોજીમાંથી કમાણી ચાલુ રાખી છે!

(વધુ જાણો અહીં : http://emojimasks.com/)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!