સ્માર્ટફોનથી ઘણી બધી બાબતોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં છે અને એમાંની એક બાબત એટલે ફોટોગ્રાફી. એન્ડ્રોઇડમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ સાદી કેમેરા એપથી પણ આપણે કરામતી પેનોરમિક ફોટોગ્રાફી કરી શકીએ છીએ, આ રીતે…
રો ફોટોગ્રાફનો આગલા લેખનો વિષય જરા અઘરો લાગ્યો? ડોન્ટ વરી, આપણે કરવામાં સાવ સરળ અને છતાં પરિણામમાં મજા પડે એવી વાત કરીએ. ડિજિટલ ફોટોગ્રાફીની મજા એ છે કે તેમાં નવા નવા અખતરા કરવામાં કોઈ અવરોધ હોતો નથી.
આ વેકેશનમાં તમે ક્યાંક ફરવા જાવ તો સ્માર્ટફોનના કેમેરામાં પ્રયોગો કરવાની મજા માણી જુઓ. આવો એક પ્રયોગ થઈ શકે પેનોરમિક ફોટોગ્રાફીનો.
અત્યાર સુધી આપણે નિશ્ર્ચિત માપના જ ફોટોગ્રાફ હોય એવી માન્યતામાં જકડાયેલા રહ્યા છીએ, પણ ખરેખા અર્થમાં ‘થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ’ શક્ય છે, જેમ કે નીચે આપેલી તસવીર જેવો વાઇડ લેન્ડસ્કેપ હવે આપણે સહેલાઈથી, સ્માર્ટફોનથી કેપ્ચર કરી શકીએ છીએ.
આવી તસવીર લેવા માટે, સ્માર્ટફોનની કેમેરા એપ ઓપન કરો. તેમાં ડાબી તરફ આપેલા મોડ્સમાંથી પેનોરમા મોડ પસંદ કરો. તમારા ફોનના મોડેલ અને એન્ડ્રોઇડ વર્ઝન અનુસાર કેમેરાના આઇકન કે પદ્ધતિ જરા જુદાં જુદાં હોઈ શકે છે. આ મોડ પસંદ કરતાં કેમેરા સૂચના આપશે કે પેનોરમા કેપ્ચર કરવા માટે શટર પ્રેસ કરો.
હવે ફોનને સ્થિર પકડી રાખી, તમારે જે દૃશ્યની તસવીર લેવી હોય તેના ડાબા છેડા તરફ કેમેરાને પોઇન્ટ કરીને પછી શટર આઇકોનને ટચ કરો.
એ સાથે, કેમેરાના સ્ક્રીન પર ચારેય દિશામાં જતી લાઇન દેખાશે. મતલબ કે આપણે પૃથ્વીને સમાંતર પથરાયેલી પર્વતોની હારમાળાની આડી તસવીર લઈ શકીએ છીએ અથવા કોઈ ઊંચા વૃક્ષની ઊભી તસવીર લઈ શકાય.
જો લેન્ડસ્કેપની તસવીર લઈ રહ્યા હો તો હવે કેમેરાને ધીમે ધીમે ડાબેથી જમણી તરફ ખસેડવાનું શ કરો. સ્ક્રીન પર નીચેની તરફ જુદી જુદી ફ્રેમનાં નવ બોક્સ દેખાશે. મતલબ કે આપણે જુદી જુદી નવ ફ્રેમની બનેલી એક તસવીર લઈ શકીશું (નવથી ઓછી ફ્રેમથી પણ અટકી શકાય છે).
આપણે ફોનને ડાબેથી જમણેથી તરફ ખસેડતા જઈશું તેમ તેમ સ્ક્રીન પર એક ડેશ-ડેશથી બનેલું તીર દેખાશે અને તેની આગળ સળંગ રેખાનું બનેલું બ્લુ તીર દેખાશે. આપણે કેમેરાને જમણી તરફ ખસેડતા જશું તેમ તેમ આ બંને તીર નજીક આવતાં જશે. બંને જ્યારે એક થશે ત્યારે કેમેરા ફરી નવી ફ્રેમની તસવીર લઈ લેશે.
આપણો હાથ સહેજ ઉપર-નીચે થયો હશે તો બંને તીર એક થશે નહીં અને જ્યાં સુધી બંને તીર એક થાય નહીં ત્યાં સુધી કેમેરા નવી ફ્રેમની તસવીર લેશે નહીં. કારણ દેખીતું છે, કેમેરા અંતે આ બધી જ ફ્રેમની તસવીરને એકમેક સાથે સાંધવાનો છે. આથી અલગ અલગ તસવીર ઉપર-નીચે થઈ ગઈ હોય તો તેને યોગ્ય રીતે સાંધી શકાય નહીં.
આગળ કહ્યું તેમ, તમને જોઈતું દૃશ્ય નવથી ઓછી ફ્રેમમાં ઝીલાઈ ગયું હોય તો ત્યાં અટકીને જમણી તરફની ખરાની નિશાની પર ક્લિક કરી દેતાં કેમેરા આપણે જેટલી ફ્રેમ કેપ્ચર કરી હશે તેટલી ફ્રેમને એકમેક સાથે સ્ટિચ કરીને સરસ પેનોરમા ક્રિએટ કરી દેશે.
હજી વધુ કંઈક ક્રિએટિવ કરવું છે? બાજુની તસવીર જુઓ. મૂવીઝમાં જોવા મળતી ડબલ રોલની ફોટોગ્રાફી હવે આપણે પણ કરી શકીએ છીએ, ધારીએ તો નવ રોલમાં!
સિદ્ધાંત એનો એ જ છે – પેનોરમા મોડમાં આપણે એક સાથે નવ ફ્રેમમાં તસવીર લઈ શકીએ છીએ, જેને કેમેરા એપ પોતાની અદ્ભુત રીતે સ્ટિચ કરી આપે છે. એ ખૂબીનો ઉપયોગ કરીને, તમે લેન્ડસ્કેપનો પેનોરમા લેતા હો એ રીતે ફોટોગ્રાફ લેતા જાવ, બેકગ્રાઉન્ડમાં ધારો કે પર્વતમાળા કે વહેતી નદી છે અને ફોરગ્રાઉન્ડમાં તમારાથી થોડા અંતરે તમારા પરિવારની વ્યક્તિને ઊભી રાખો. પહેલી ફ્રેમ ક્લિક થાય અને તમે કેમેરાને જમણી તરફ મૂવ કરો તે પહેલાં એ વ્યક્તિને પોતાની જગ્યાએથી ખસીને થોડા જમણી તરફ આવી જવાનું કહો. પરિણામે, જ્યારે બીજી ફ્રેમ ક્લિક થાય ત્યારે એ ફ્રેમમાં પણ એ વ્યક્તિ આવી જશે! આ રીતે, બીજા લોકો કરતાં કંઈક બિલકુલ અલગ પ્રકારની ફોટોગ્રાફી કરવાની મજા તમે લૂંટી શકો છો.
આવો કોઈ પ્રયોગ કરશો ત્યારે સમજાશે કે પેનોરમિક ફોટોગ્રાફીની કેટલીક મર્યાદા છે. સ્થિર કુદરતી દૃશ્યનો પેનોરમા સરળ છે, પણ હલન ચલન કરતી વ્યક્તિ કે વાહનો વચ્ચે આવશે તો પેનોરમાની મજા બગડી જશે.
આટલું એન્ડ્રોઇડમાં પ્રી-ઇન્સ્ટોલ્ડ કેમેરા એપથી થઈ શકે છે, એ ઉપરાંત બીજી સંખ્યાબંધ કેમેરા એપ્સ પણ છે જેને ઇન્સ્ટોલ કરીને આપણે ફોટોગ્રાફીમાં ‘કંઈક હટકે’ કરી શકીએ છીએ. એની વાત આગળ ક્યારેક!


