
ફેસબુકના ડેટાની વારંવાર ચોરી, વોટ્સએપની શરતોમાં પરિવર્તન, ટ્વીટર સાથે સરકારની બથ્થંબથ્થી, કઈ એપ આપણું કેટલું ટ્રેકિંગ કરે છે એ બતાવતી એપલની સગવડ… આ બધાને કારણે આપણે ઇન્ટરનેટ પર આપણા પ્રાઇવેટ ડેટાની સલામતી માટે ખાસ્સા સભાન થયા છીએ.
ડેટાની ચિંતા એટલે કરીએ છીએ કે એનો ઉપયોગ કરીને કોઈ આપણને, કોઈક રીતે લૂંટી જશે એવી બીક છે! પણ, ફેસબુક પરના લાઇક્સ-ડિસલાઇક્સના ડેટા કે વોટ્સએપ પર આપણે કોને શું શેર કર્યું એ જાણ્યા વિના, સીધેસીધું કોઈ આપણને લૂંટી શકે છે એ મુદ્દા તરફ આપણે હજી જોઈએ એટલા સભાન ન હોઈએ એવું લાગે છે.
કરોડો-અબજોનાં બેન્ક કૌભાંડ બહાર આવે ત્યારે જે તે બેન્કના ખાતા કે ફિક્સ્ડ ડિપોઝિટમાંની રકમની ચિંતા થાય. એટીએમમાંથી નાણાં ઉચાપતના કિસ્સા બહાર આવે ત્યારે પણ આવી ચિંતા જાગે. પણ આ બધું સ્મશાન વૈરાગ્ય જેવું. સમાચાર જૂના થાય એટલે આપણે પણ જૂની ઘરેડમાં પાછા ફરીએ અને સલામતીનો મુદ્દો કોરાણે મુકાય.
હકીકતમાં, છેલ્લાં પાંચેક વર્ષમાં ભારતીય બેન્ક વ્યવસ્થામાં જેટલાં પરિવર્તનો આવ્યાં છે એટલાં કદાચ એ પહેલાંનાં ૫૦ વર્ષમાં પણ આવ્યાં નથી. એટલે જ નવા સમયમાં સલામત રીતે બેન્કિંગ વ્યવહાર સંબંધિત કેટલીક સાવધાની રાખવી બહુ જરૂરી છે.
અહીં આગળ જે વાતો લખી છે એ બધી, આમ તો કોમન સેન્સ જ છે, પણ મોટા ભાગે એના અભાવે જ અકસ્માતો સર્જાતા હોય છે!
એટલે, આગળ ધ્યાનથી વાંચજો અને સતત અમલ કરતા રહેજો…
યુપીઆઇનો ઉપયોગ વધારીને આપણે રોકડ રૂપિયાની જરૂરિયાત ઘટાડી શકીએ છીએ. એ રીતે, વારંવાર એટીમમાં જવાની જરૂર પણ ઘટશે.
જો તમારી પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોય તો તેનો નંબર, કાર્ડની મુદત પૂરી થવાનો મહિનો અને વર્ષ તથા પાછળ આપેલો ત્રણ અંકનો સીવીવી – આ બધાના કોમ્બિનેશનથી ઓનલાઇન ચૂકવણી થઈ શકે છે. કોઈ વ્યક્તિને આ ત્રણેય બાબત એક સાથે ક્યારેય જણાવશો નહીં. ફોન પર કે ઇમેઇલમાં તો ક્યારેય નહીં.
નેટબેંકિંગની સલામતીનો ઘણો ખરો આધાર તમારા પાસવર્ડની મજબૂતી પર છે. આ પાસવર્ડ શક્ય એટલો જટિલ બનાવો. જરૂર પડે તો ક્યાંક લખી રાખો પરંતુ તમને સહેલાઇથી યાદ રહે અને અન્ય વ્યક્તિ સહેલાઇથી ધારણા બાંધી શકે એવો પાસવર્ડ ક્યારેય રાખશો નહીં. એકનો એક પાસવર્ડ બધે જ ચલાવશો નહીં. ક્યારેય નહીં (હવે ઘણી ખરી બેન્ક ટુ-સ્ટેપ-વેરિફિકેશનની સગવડ આપવા લાગી છે એટલું સારું છે).
પાસવર્ડ જેટલો મુશ્કેલ બનાવશો એટલો તેને યાદ રાખવો પણ અઘરો બનશે. આમ છતાં તમારા પાસવર્ડને સ્માર્ટફોનમાં કે ઇમેઇલમાં કે કમ્પ્યૂટરમાં ક્યાંય લખી રાખીને સેવ કરશો નહીં.
પાસવર્ડ લખી રાખવો જરૂરી હોય તો એક નિશ્ચિત પેટર્ન બનાવીને પછી કાગળ પર ક્યાંક લખો (જેમ કે, અસલી પાસવર્ડના દરેક અક્ષર પછીનો અક્ષર લખવાની પેટર્ન બનાવી શકાય!). જેથી એ કાગળ બીજી કોઈ વ્યક્તિના હાથમાં આવે તો પણ તેને અસલી પાસવર્ડ સહેલાઇથી મળે નહીં. યૂઝરનેમ કે કસ્ટમર આઇડી અને પાસવર્ડ વગેરે ભેગાં ક્યારેય લખી રાખશો નહીં.
તમારા દરેક ખાતા માટે દરેક રકમની લેવડદેવડના બેન્ક તરફથી એસએમએસ મળે તેવી સર્વિસનો લાભ લો. કોઈ પણ, સહેજ પણ શંકાસ્પદ ટ્રાન્ઝેકશનના સંજોગમાં તરત જ બેન્કનો સંપર્ક કરો. રિઝર્વ બેન્ક તરફથી વારંવાર કહેવામાં આવે છે કે ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનો તો તરત, ત્રણ દિવસની અંદર બેન્કમાં જાણ કરો. આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ જરૂરી હોય છે.
મોટા ભાગે એટીએમ સંબંધિત ફ્રોડ શુક્રવારની સાંજ પછી થતા હોય છે, જેથી આપણે માટે તરત બેન્કમાં રૂબરૂ જવું મુશ્કેલ બને. આવી સ્થિતિમાં એક વાર બેન્કની શાખામાં પૂછીને આકસ્મિક સંજોગોમાં ક્યા નંબર પર બેન્કનો સંપર્ક સાધી શકાય તે જાણી લો અને એ નંબર સ્માર્ટફોનમાં સેવ કરી રાખો. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ચોરાઈ જાય ત્યારે ક્યા નંબર પર જાણ કરવી અને શંકાસ્પદ ટ્રાન્ઝેકશનનો એસએમએસ મળે તો ક્યા નંબર પર જાણ કરવી તે પહેલેથી જાણી રાખો.
રેસ્ટોરાં કે પેટ્રોલ પંપ જેવી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિને તમારા કાર્ડનો પીન જણાવશો નહીં. મશીન પોતાના હાથમાં લઈને પીન આપવાનો આગ્રહ રાખો.
જાણીતી રેસ્ટોરાં ચેઇનના ડ્રાઇવ-થ્રૂ ટેક-અવે પોઇન્ટ્સ પર પેમેન્ટ માટે આપણે આપેલું કાર્ડ મૂળ બેન્કના મશીનમાં સ્વાઇપ કરતાં પહેલાં, ‘ડેટા સ્કીમર’ તરીકે જાણીતા મશીનમાં સ્વાઇપ કરી, કાર્ડની વિગતો ચોરાતી હોવાનું અગાઉ નોંધાયું છે. હવે કાર્ડમાં મેગ્નેટિક સ્ટ્રીપને સ્થાને વધુ સલામત ચિપ આવી છે, પણ એક્સ્ટ્રા સાવધાની રાખવામાં કંઈ ખોટું નથી! કાર્ડ બીજી વ્યક્તિના હાથમાં જતાં એ તેનો નંબર, કાર્ડની મુદ્દત અને સીવીવી જાણી લઈ શકે છે. યાદ રાખો, ઇન્ટરનેશનલ્સ સાઇટ્સ પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલમાં ઓટીપી મેળવ્યા વિના કાર્ડથી ચૂકવણી થઈ શકે છે.
હવે તમામ જગ્યાએ કેશલેસ પેમેન્ટ માટે યુપીઆઇનો વધુ સરળ અને વધુ સલામત વિકલ્પ આવી ગયો છે. કાર્ડને બદલે તેનાથી પેમેન્ટ કરવું વધુ સલામત રહેશે.
દરેક બેન્ક તેની એપ મારફત, ડેબિટ/ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણાં મહત્ત્વનાં સેટિંગ્સ જાતે જ કરવાની સગવડ આપે છે. તેની મદદથી કાર્ડની સલામતી વધારી શકાય છે.
હાથમાં રોકડ રૂપિયા રાખવા માટે એટીએમમાં જવું અનિવાર્ય છે, એ માટે એટીએમનો ઉપયોગ સાંજ પછીના સમયે ટાળો. બને ત્યાં સુધી બેન્કની બ્રાન્ચ સાથેના એટીએમનો ઉપયોગ કરો. એટીએમમાં કોઈની હાજરીમાં તમારો પીન એન્ટર કરશો નહીં. પીન એન્ટર કરતી વખતે હંમેશા બીજા હાથથી કી-પેડ ઢાંકી રાખો.
એટીએમમાંથી ટ્રાન્ઝેકશનની સ્લિપ નીકળે તો તેને ફાડ્યા વિના કચરાપેટીમાં નાખશો નહીં.
ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો નિયમિત ઉપયોગ ન કરતા હો તો તેને સતત પર્સમાં સાથે રાખવાનું ટાળો.
હવે બેન્કની એપમાં જઈને આપણે કાર્ડ સંબંધી ઘણાં સેટિંગ ફટાફટ કરી શકીએ છીએ. તમે ઇચ્છો તો કાર્ડનો ઇન્ટરનેશનલ ઉપયોગ બ્લોક કરી શકો છો. કાર્ડની ડેઇલી ટ્રાન્ઝેક્શન લિમિટેડ ઘટાડી શકીએ છીએ. આ કામ બહુ સહેલું છે. એ જ રીતે વારંવાર કાર્ડનો ઉપયોગ ન કરતા હોઈએ તો એપમાં જઈ, તેને સહેલાઈથી બ્લોક કરી શકાય છે. જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે તેને જાતે જ અનબ્લોક પણ કરી શકાય.
મોબાઇલ વોલેટનો ઉપયોગ કરતા હો તો તેનાં વિવિધ પાસાંની શક્ય એટલી વધુ સમજ કેળવો. જે બાબતો ન સમજાય તે કોઈ જાણકારને પૂછી લેતાં ખચકાશો નહીં. જેટલું વધુ જાણશો તેટલા વધુ સલામત રહેશો.
ઇમેઇલ કે વોટ્સએપ, ફેસબુક વગેરેમાં આપેલી અને બેન્કની સાઇટની કહેવાતી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં. બેન્કના નામે ફ્રોડ કરતા લોકોના ઇમેઇલમાં પાર વગરની ગ્રામરની ભૂલો હોય એ દિવસો હવે વીતી ગયા છે. ફ્રોડ કરનારા લોકો વધુ ને વધુ સ્માર્ટ થતા જાય છે. આપણે સામે વધુ સ્માર્ટ બનવું પડશે!
ક્યારેય સાયબર કાફે કે અજાણી વ્યક્તિના પીસીમાંથી નેટબેન્કિંગ કે ઓનલાઇન શોપિંગ કરશો નહીં. ક્યારેય ફ્રી વાઇ-ફાઇની મદદથી ઓનલાઇન નેટબેન્કિંગ કે ઓનલાઇન શોપિંગ કરશો નહીં. પોતાના કમ્પ્યૂટરમાં રોજિંદા સર્ફિંગ માટે જે બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તે સિવાયના કોઈ બ્રાઉઝરમાં અને તેમાં પણ ઇનકોગ્નિટો મોડમાં નેટબેન્કિંગ કરવાનો આગ્રહ રાખો.
નવા સમયના બ્રાઉઝર્સમાં નેટબેન્કિંગ માટે તમે યૂઝરનેમ પાસવર્ડ આપો તો એ બ્રાઉઝર તેને સેવ કરી લેવાનો વિકલ્પ આપે છે. નેટબેન્કિંગ જેવા મહત્ત્વના પાસવર્ડ આ રીતે બ્રાઉઝરમાં સેવ કરશો નહીં.


