ફેસબુક મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સમાં, આપણે એક જ એકાઉન્ટનો અલગ અલગ ડિવાઇસમાં ઉપયોગ કરી શકીએ છીએ.
વોટ્સએપમાં એવું નથી. તેમાં આપણો મોબાઇલ નંબર એ જ આપણો એકાઉન્ટ છે અને તેથી, એ મોબાઇલ નંબર ધરાવતા સ્માર્ટફોન સિવાય બીજે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. પીસી કે લેપટોપમાં વોટ્સએપનું વેબ વર્ઝન છે, પણ આખરે તે પણ આપણા સ્માર્ટફોન સાથે કનેક્ટેડ હોય છે.
આ સ્થિતિ બદલાય તેવી સંભાવના પાછલા ઘણા સમયથી જોવા મળી રહી છે.
વોટ્સએપે આઇઓએસ અને એન્ડ્રોઇડ વચ્ચે ચેટ હિસ્ટ્રી માઇગ્રેટ કરવાની સગવડ આપી છે અને તેને પગલે હવે કંપની એકથી વધુ ડિવાઇસમાં પણ એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની સગવડ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આવી સુવિધા મળ્યા પછી અલગ અલગ ડિવાઇસમાં આપણે એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરીશું ત્યારે બધા ડિવાઇસમાં આપણો ડેટા સિન્ક્ડ રહેશે. એટલે કે એક ડિવાઇસમાં કોઈ ગ્રૂપમાં કોઈ ચોક્કસ મેસેજ આપણે ડિલીટ કરીશું તો એ બધા ડિવાઇસમાંથી ડિલીટ થશે. પિન કે સ્ટાર કરેલા મેસેજ બધાં ડિવાઇસમાં સિન્ક્ડ રહેશે અને એક ડિવાઇસમાંથી આપણે મોકલેલા મેસેજ અન્ય ડિવાઇસમાં પણ જોઈ શકાશે.
જોકે અત્યારે આ બધી શક્યતા છે, વોટ્સેપનો મલ્ટિ-ડિવાઇસ ઉપયોગ ક્યારે શક્ય બનશે તે વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.
