અત્યારે વોટ્સએપની નવી શરતોનો વિવાદ ચાલી રહ્યો છે એ દરમિયાન ગૂગલની યુટ્યૂબ કંપનીએ પણ નવી શરતો લાગુ કરી છે. આ નવી શરત યુટ્યૂબમાં જાહેરાત આપતી કંપની, કન્ટેન્ટ ક્રિએટર્સ તથા વ્યૂઅર્સ એમ સૌને અસર કરે છે.
યુટ્યૂબની નવી પોલિસી અનુસાર હવે યુટ્યૂબ તેના પાર્ટનર પ્રોગ્રામ હેઠળની લોકપ્રિય ચેનલ ઉપરાંત અન્ય કોઈ પણ વીડિયોમાં જાહેરાતો મૂકી શકશે અને રીતે યુટ્યૂબ પોતાની મરજી પ્રમાણે જાહેરાત મૂકે ત્યારે તેમાંથી થતી કમાણીમાંથી, એ વીડિયોના ક્રિએટરને કોઈ ભાગ આપશે નહીં! નવી પોલિસી મુજબ એડવર્ટાઇઝર્સ હવે યુટ્યૂબ પર વધુ સારી રીતે પોતાનું ટાર્ગેટ ઓડિયન્સ પસંદ કરી શકશે અને માત્ર તેમને જ પોતાની એડ દેખાય તેવાં સેટિંગ કરી શકશે. નવી પોલિસીને કારણે યુટ્યૂબ પર જાહેરાત આપવાનો ખર્ચ ઘટે એવી પણ શક્યતા છે.
સામે પક્ષે, નાની ચેનલ્સ માટે તકલીફ ઊભી થશે કેમ કે તેમની ચેનલમાં યુટ્યૂબ જાહેરાતો ઘૂસાડશે, તેમના વ્યઅર્સ અકળાશે અને છતાં કમાણીમાંથી તેમને કોઈ ભાગ મળશે નહીં. સરેરાશ યૂઝર્સ માટે આનો અર્થ એ થયો કે હવે યુટ્યૂબ પર જાહેરાતોનું પ્રમાણ વધશે!

