(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સોશિયલ મીડિયા અપડેટ્સ

વોટ્સએપમાં વધુ એક નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચર નવા ઇમેજ એડિટરનું છે. આ ફીચરને કારણે જ્યારે આપણે વોટ્સએપના વેબ વર્ઝનથી કોઈને ઇમેજ મોકલી રહ્યા હોઇએ ત્યારે સેન્ડ બટન ક્લિક કરતાં પહેલાં વોટ્સએપમાં જ ઇમેજમાં કેટલાક ફેરફાર કરી શકીશું. જોકે આ બહુ નવી વાત નથી. સ્માર્ટફોન માટેની વોટ્સએપ એપમાં ઇમેજ એડિટર ઘણા લાંબા સમયથી છે. જેની મદદથી આપણે ઇમેજ પર કોઈ નિશાની કે ટેક્સ્ટ તેમજ ફિલ્ટર્સ પણ ઉમેરી શકીએ છીએ.

આ સગવડ હવે વોટ્સએપના વેબ વર્ઝનમાં પણ મળશે. તેની મદદથી આપણે ઇમેજની ઉપર ચિતરામણ કરી શકીશું કે સ્ટિકર કે ઇમોજીસ ઉમેરી શકીશું. જરૂરી હોય તો ઇમેજને ક્રોપ કે રોટેટ પણ કરી શકાશે.

આ સાથે વોટ્સએપ એપમાં નવા ઇમોજીસ ઉમેરાઈ રહ્યાં છે. નવા ઇમોજીસ મોટા ભાગે મેન અને વિમેનને જુદી જુદી હેરસ્ટાઇલ અને સ્કીનટોનમાં દર્શાવશે.

ગૂગલે થોડા સમય પહેલાં પ્લેસ્ટોરમાંથી નવ એપ્સ દૂર કરીને તેના ડેવલપર્સ પર પ્લેસ્ટોરમાં એપ અપલોડ કરવા પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સ વિવિધ પ્રકારની સર્વિસ આપવાના નામે લોકોનાં ફેસબુકનાં યૂઝરનેમ-પાસવર્ડ ચોરતી હતી.

ફોટો એડિટિંગ કે ફોટો પર આકર્ષક ફ્રેમ ઉમેરવી, વિવિધ પ્રકારની એકસરસાઇઝ અને ટ્રેનિંગ આપવી, હોરોસ્કોપની સર્વિસ આપવી કે એન્ડ્રોઇડમાંથી વણજોઇતી ફાઇલ્સ દૂર કરી આપવાનો દાવો કરતી આ બધી એપ લગભગ એકસરખી રીતે કામ કરતી હતી. આવી એપ્સમાં કહેવામાં આવતું હતું કે જો યૂઝર્સ તેમના ફેસબુક એકાઉન્ટથી લોગઇન થશે તો તેમને એપ્સમાં જોવા મળતી જાહેરાતોથી છૂટકારો મળશે.

જે લોકો આ વિકલ્પ પસંદ કરવા માટે ફેસબુકથી લોગઇન થવાની લિંક ક્લિક કરતા હતા તેમને ફેસબુકનું લોગઇન ફોર્મ જોવા મળતું હતું, પરંતુ તેમાં જો યૂઝર પોતાના ફેસબુકના યૂઝરનેમ-પાસવર્ડ લખે તો તે આ એપના ડેવલપર્સને પણ મળી જતા હતા. સામાન્ય રીતે યોગ્ય રીતે ડેવલપ થયેલી એપમાં ફેસબુક, ગૂગલ કે ટ્વીટર વગેરેના યૂઝરનેમ-પાસવર્ડથી લોગઇન થવાની સગવડ હોય તો તેમાં એપના ડેવલપર યૂઝરના જે તે કંપનીના યૂઝરનેમ-પાસવર્ડ જાણી શકતા નથી. પરંતુ આ એપ્સમાં આવા સોશિયલ લોગઇનના નામે નરી છેતરપિંડી કરવામાં આવતી હતી.

આ એપ્સ બધું મળીને ૫૮ લાખ વાર ડાઉનલોડ થઈ ચૂકી હતી. ગૂગલે આ એપના ડેવલપર પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ તે ખાસ કારગત નીવડશે નહીં કારણ કે ડેવલપર્સ નજીવી ફી ચૂકવીને નવા નામે રજિસ્ટ્રેશન મેળવી શકશે. આ જ કારણે અજાણી અને અવિશ્વનીય એપ્સમાં તમારા ફેસબુક કે ગૂગલ એકાઉન્ટથી લોગઇન થશો નહીં.

આ હતી જોખમી એપ્સ
  • રબીશ ક્લિનર
  • ઇનવેલ ફિટનેસ
  • હોરોસ્કોપ ડેઇલી
  • એપ લોક કિપ
  • લોક ઇટ માસ્ટર
  • હોરોસ્કોપ પાઈ
  • એપ લોક મેનેજર
  • અને અન્ય

કોવિડને કારણે આપણા સૌનો વોટ્સએપનો વપરાશ વધી ગયો છે. વડીલો વોટ્સએપ પર બહુ પહેલેથી સક્રિય હતા અને હવે ઓફિસના કામકાજ તેમજ ઓનલાઇન સ્કૂલિંગ માટે પણ પરિવારમાં વોટ્સએપનો વપરાશ વધ્યો છે.

અગાઉ વિદ્યાર્થીઓ દસમા ધોરણ કે બારમા ધોરણમાં પહોંચે તે પછી તેમના હાથમાં પોતાનો મોબાઇલ ફોન આવતો હતો. હવે તેમને આગવો ફોન આપ્યા વગર છૂટકો રહ્યો નથી. આ સ્થિતિમાં નાના મોટા સૌ કોઈ પોતાના નંબર સાથે વોટ્સએપ પર એક્ટિવ થઈ ગયા છે.

આપણા દેશમાં વોટ્સએપ એપ અન્ય કોઈ પણ એપ કરતાં વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચી છે અને વોટ્સએપમાં એકાઉન્ટ માટે માત્ર મોબાઇલ નંબર હોવો જરૂરી છે. મતલબ કે કોઈને કોઈ મોબાઇલ નંબર સાથે વોટ્સએપ એકાઉન્ટ જોડાયેલું હોય તેવી પૂરી શક્યતા છે. જેમ, ફોન નંબર હોય તેને એસએમએસ મળે જ, કંઈક એવું જ વોટ્સએપનું થવા લાગ્યું છે.


આ વાતનો વોટ્સએપ પર માર્કેટિંગ કરનારા અમુક લોકો ગેરલાભ લઈ રહ્યા છે.

હમણાં ધ્યાનમાં આવ્યું છે કે ઘણા લોકો વોટ્સએપમાં ગ્રૂપ બનાવીને તેમાં બિલકુલ રેન્ડમ રીતે ફોન નંબર એડ કરી રહ્યા છે (ચૂંટણીઓ વખતે પણ આવું ધમધોકાર રીતે થતું હોય છે!)

અમુક કિસ્સાઓમાં તો વોટ્સએપમાં બનાવેલા ગ્રૂપમાં સિરિયલાઇઝ્ડ નંબર ઉમેરવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું છે!

સામાન્ય રીતે વોટ્સએપમાં મિત્રો, સ્વજનોના ગ્રૂપ ઉપરાંત પોતાને ગમતું કન્ટેન્ટ આપતા ગ્રૂપમાં લોકો સ્વેચ્છાએ જોડાતા હોય છે. અનેક લોકો વોટ્સએપની ગ્રૂપ સુવિધાનો લાભ લઇને અમુક ચોક્કસ વિષયનું અથવા તો વિવિધ વિષયોનું પરંતુ ખરેખર સારું અને ઉપયોગી કન્ટેન્ટ શેર કરતા હોય છે. આ રીતે વોટ્સએપ ગ્રૂપનો યોગ્ય ઉપયોગ કરતા લોકો એ વાતની તકેદારી રાખતા હોય છે કે અન્ય યૂઝર્સ તેમાં સ્વેચ્છાએ જોડાય.

જ્યારે ધરાર માર્કેટિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરતા લોકો આવી તકેદારી રાખતા નથી. આગળ કહ્યું તેમ આવા લોકો આપણી મરજી ધ્યાનમાં લીધા વિના આપણને ધરાર વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી દેતા હોય છે. આવા ગ્રૂપ્સમાં સામાન્ય બિઝનેસ પ્રમોશનનું મટીરિયલ હોય તો હજી સમજી શકાય, પરંતુ છેતરપિંડી કે જોખમી લિંક પર લઈ જતું કન્ટેન્ટ શેર કરવા માટે પણ આવા ગ્રૂપ્સનો ઉપયોગ થઈ શકે છે.

તમારા પરિવારમાં વડીલો કે બાળકોના  મોબાઇલમાં વોટ્સએપ હોય તો એવું સેટિંગ કરવું જરૂરી છે કે અમુક વિશ્વાસપાત્ર લોકો જ તેમને પોતાના વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરી શકે.

આ માટે વોટ્સએપ એપના સેટિંગ્સમાં જાઓ. તેમાં એકાઉન્ટમાં પ્રાઇવસીમાં જાઓ અને તેમાં ગ્રૂપ્સમાં માત્ર ફોનમાંના કોન્ટેક્ટ્સ તમને ગ્રૂપમાં ઉમેરી શકે એવું સેટિંગ કરવું હિતાવહ રહેશે!

મેસેજિંગ એપ તરીકે વોટ્સએપ અને ટેલિગ્રામની લાંબા સમયથી સરખામણી થતી આવી છે. પરંતુ વોટ્સએપની સરખામણીમાં ટેલિગ્રામ ઘણી બાબતે બહુ ઉદાર છે. વોટ્સએપમાં આપણે ગ્રૂપ બનાવીએ તો તેમાં વધુમાં વધુ ૨૫૬ સભ્યોને ઉમેરી શકીએ છીએ. જ્યારે ટેલિગ્રામમાં ગ્રૂપમાં બે લાખ સભ્યો હોઈ શકે છે!

એટલું જ નહીં, જો ચેનલ બનાવીએ તો તેમાં તો સભ્યોની કોઈ લિમિટ નથી! શરત માત્ર એટલી કે પહેલા ૨૦૦ સભ્યોને આપણે ડાયરેક્ટ ઉમેરી શકીએ અને ત્યાર પછીના સભ્યો પોતાની મરજી હોય તો આપણી ઇન્વિટેશન લિંકનો ઉપયોગ કરીને એ ચેનલમાં જોડાઈ શકે છે. વોટ્સએપમાં ગ્રૂપમાં જોડાતા નવા સભ્યો અગાઉની ચેટ્સ કે મીડિયા જોઈ શકતા નથી, ટેલિગ્રામમાં જોઈ શકે છે.

એવો જ મોટો ફેરફાર હવે વીડિયો કોલિંગ બાબતે પણ જોવા મળી રહ્યો છે.

વોટ્સએપમાં વધુમાં વધુ ૮ લોકો વચ્ચે ગ્રૂપ વીડિયો કોલ થઈ શકે છે. ટેલિગ્રામ હવે એક સાથે એક હજાર લોકો ગ્રૂપ વીડિયો કોલિંગમાં જોડાઈ શકે એવી સુવિધા આપી રહ્યું છે! અલબત્ત, આવી સુવિધા ફક્ત કંપનીની જનરલ મીટિંગ માટે જ કામની છે!

એ જ રીતે, ટેલિગ્રામમાં હવે ફટાફટ વીડિયો મેસેજ મોકલવાની સુવિધા પણ ઉમેરાઈ છે. આવા વીડિયો વધુ એક વીડિયો તરીકે આપણી ગેલેરીમાં ગોઠવાઈને સ્પેસ નહીં રોકે, પરંતુ જે રીતે વોટ્સએપમાં ઓડિયો મેસેજ મોકલી શકાય છે એ જ રીતે ટેલિગ્રામમાં ચેટબોક્સમાં રેકોર્ડિંગ બટન પ્રેસ કરીને વીડિયો રેકોર્ડ કરીને તેને મેસેજ સ્વરૂપે મોકલી શકાશે.

ફેસબુક તેની મેઇન એપમાં જ વોઇસ અને વીડિયો કોલની સુવિધા ઉમેરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ ફીચર ફેસબુકની જ, પણ તેની અલગ મેસેન્જર એપ પર ઉપલબ્ધ છે.

ફેસબુકે ૨૦૧૧માં તેની મેઇન એપમાંથી મેસેન્જર એપ અલગ કરી હતી. ત્યારે એવું કરવાનાં ફેસબુક પાસે અલગ કારણો હતાં. મુખ્ય કારણ એ હતું કે ફેસબુકનો એ સમયે પીસી અને લેપટોપ પર એટલે કે વેબ બ્રાઉઝરમાં વધુ ઉપયોગ થતો હતો અને મોબાઇલમાં ઓછો. આથી મોબાઇલમાં પણ પોતાનું રાજ ઊભું કરવા માટે ફેસબુકે મેસેન્જર એપ અલગ કરી. હવે એવા ખાસ ભેદભાવ રહ્યા નથી અને લોકો મોટા ભાગે મોબાઇલ પર જ ફેસબુક એપનો ધમધોકાર ઉપયોગ કરે જ છે એ કારણે મેસેન્જરનાં ખાસ ફીચર્સ કંપની ફરી ફેસબુક એપમાં ઉમેરવા માગે છે. આમ પણ ફેસબુક લાંબા સમયથી ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ એપને એકમેકની નજીક લાવવાનો પ્રયાસ કરી રહી છે!

આખરે ફેસબુક મેસેન્જર એપ પણ ફેસબુકની માલિકીની અન્ય એપ વોટ્સએપ અને ટેલિગ્રામની હરોળમાં આવી ગઈ છે. ફેસબુકે હમણાં જાહેરાત કરી છે કે મેસેન્જર એપમાં વોઇસ અને વીડિયો કોલ્સને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રાખવાનો વિકલ્પ મળશે.

મેસેન્જર એપમાં છેક ૨૦૧૬થી ટેકસ્ટ મેસેજિસમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળી છે. જોકે આ એક વિકલ્પ છે, એટલે કે આપણે ઇચ્છીએ તો વન-ટુ-વન મેસેજને એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં મોકલવાનું પસંદ કરી શકીએ છીએ. વોઇસ અને્ વીડિયો કોલ્સમાં પણ આ સુવિધા વિકલ્પ સ્વરૂપે જ મળશે, આપણે ઇચ્છીએ તો એન્ક્રિપ્શન પસંદ કરી શકીએ છીએ.

ફેસબુકે એવી પણ જાહેરાત કરી છે કે થોડા સમયમાં મેસેન્જરમાં ગ્રૂપ ચેટ્સ અને કોલ્સમાં પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુવિધા મળશે. ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજિસમાં પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પસંદ કરવાનો વિકલ્પ મળશે. મેસેન્જરમાં ટેકસ્ટ મેસેજમાં પણ એક નવો ફેરફાર થયો છે. આ એપમાં મેસેજ મોકલતી વખતે તે અમુક સમય પછી આપોઆપ ડીલિટ થાય તેવો વિકલ્પ મળે છે. અત્યાર સુધી આપણે આ માટે એક મિનિટ, ૧૫ મિનિટ, ૧ કલાક, ૪ કલાક અને ૨૪ કલાકમાંથી કોઈ સમય પસંદ કરી શકતા હતા. હવે આ બાબતે વધુ કંટ્રોલ મળશે. હવે આપણે પાંચ સેકન્ડથી ૨૪ કલાક સુધીમાં કોઈ પણ સમય પસંદ કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!