
થોડા સમયથી, દેશનાં જુદાં જુદાં અખબારોમાં ચમકેલા આ સમાચારો પર ધ્યાનથી નજર ફેરવો. લગભગ એકસરખી વાતનું પુનરાવર્તન થતું લાગશે. કંટાળો આવે તો પણ ધ્યાન આપજો કારણ કે આખરે વાત આપણા પોતાના રૂપિયાની છે.
જૂન ૨૦૨૧, તમિલનાડુઃ એક જ દિવસમાં ચેન્નઈ શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના જુદા જુદા એટીએમમાં બે વ્યક્તિએ અનોખી રીતે લૂંટ ચલાવી. ચેન્નઈ પોલીસને જુદા જુદા સાત એટીએમમાંથી રૂપિયા ગાયબ થયા હોવાની ફરિયાદ મળી એ પછી આખી વાત પ્રકાશમાં આવી. ચેન્નઈની સાથોસાથ અન્ય ત્રણ શહેરોમાં પણ આવી ઘટના બની હતી. તમામ ઘટનાના સીસીટીવી ફૂટેજનો પોલીસ અભ્યાસ કરી રહી છે. આ રીતે તમિલનાડુમાંથી માત્ર એસબીઆઇના એટીએમમાંથી કુલ ૪૮ લાખ જેટલી રકમ ઉપાડવામાં આવી પરંતુ તેની સામે આટલી રકમ બેન્કના કોઈ ખાતામાં ઉધારવામાં આવી નહીં. મતલબ કે એટીએમમાંથી રૂપિયા ગયા ખરા પરંતુ બેન્કના ચોપડે તેનો હિસાબ ચઢ્યો નહીં.
જૂન ૨૦૨૧, રાજસ્થાનઃ જૂન મહિના દરમિયાન જ રાજસ્થાનના જયપુરમાં જુદા જુદા એટીએમમાં એક સાથે એક પછી એક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં. આ કિસ્સામાં પણ નિશાન પર એસબીઆઇનાં એટીએમ જ હતાં. સમાચાર અનુસાર આ રીતે લગભગ ૧૮ લાખ રૂપિયાની રકમ એટીએમમાંથી ગઈ, જેનો હિસાબ બેન્કના ચોપડે ચઢ્યો નહીં.
એપ્રિલ ૨૦૨૧, ઓરિસ્સાઃ ઓરિસ્સા પોલીસે એટીએમ ફ્રોડમાં સંકળાયેલી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી. પોલીસને એસબીઆઇ તરફથી બેન્કના વિવિધ એટીએમમાંથી બિનહિસાબી રીતે રૂપિયાનો ઉપાડ થતો હોવાની ફરિયાદ મળી હતી. તેના કનેક્શનમાં આ ધરપકડ થઈ. એ ત્રણેય આરોપી પાસેથી ચાર મોબાઇલ ફોન અને ૧૨ એટીએમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એ ત્રણેય આરોપીઓએ ઓરિસ્સાના સંબલપુરમાં અલગ અલગ એટીએમમાંથી પાછલા એક વર્ષ દરમિયાન કુલ ૪,૮૯૨ ટ્રાન્ઝેકશન કરીને રૂપિયા ૪.૫ કરોડ ઉપાડ્યા હતા. પરંતુ આ રકમ પણ એસબીઆઇના કોઈ બેન્ક ખાતામાંથી ઉધારાઈ નહોતી.
એપ્રિલ ૨૦૨૧, મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશ પોલીસે જબલપુર જિલ્લામાં ૨ થી ૧૨ એપ્રિલ દરમિયાન વિવિધ એટીએમમાંથી બેન્કના એકાઉન્ટમાં નોંધાય નહીં તે રીતે ખોટી રીતે કુલ ૯૨ લાખ રૂપિયા સેરવી લેવાના કેસમાં બે આરોપીની ધરપકડ કરી. આ બંને પાસેથી પોલીસે અલગ અલગ બેન્કનાં ૮૬ એટીએમ કાર્ડ, ૩ પાનકાર્ડ, ૩ આધાર કાર્ડ વગેરે જપ્ત કર્યાં છે. બંને આરોપી હરિયાણાના છે. આ કેસમાં પણ એસબીઆઇ બેન્કનાં એટીએમ નિશાન બન્યાં હતાં. બેન્ક અધિકારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે અન્ય એક બેન્કના ખાતાધારકો એસબીઆઇના એટીએમમાંથી રકમ ઉપાડતા હતા અને પછી પોતાને રકમ મળી ન હોવાનો એસબીઆઇમાં દાવો કરીને રકમ પાછી મેળવતા હતા.
ફેબ્રુઆરી ૨૦૨૧, રાજસ્થાનઃ રાજસ્થાન પોલીસમાં એસબીઆઇ બેન્કના અધિકારીઓ તરફથી ફરિયાદ નોંધવામાં આવી કે નવેમ્બર ૨૨, ૨૦૨૦થી જાન્યુઆરી ૦૫, ૨૦૨૧ દરમિયાન રાજસ્થાનના બાડમેર શહેરમાં એસબીબાઇનાં ૨૮ એટીએમમાંથી આશરે ૮૦૦ ટ્રાન્ઝેક્શન થયાં અને અજાણ્યા લોકોએ રૂ. ૭૪.૯૫ લાખ રૂપિયા મેળવ્યા, પરંતુ બેન્કમાં એ બધાં ‘ફેઇલ્ડ ટ્રાન્ઝેક્શન’ તરીકે નોંધાયાં હતાં.
તમને કોઈ પેટર્ન દેખાય છે?
આપણે પાછલા વર્ષમાં પણ આવા કિસ્સા તપાસી શકીએ છીએ, પણ અહીં અટકીએ.
ઉપર લખેલા તમામ કિસ્સાઓ દેશના અલગ અલગ ભાગોમાં નોંધાયા છે. તેમ છતાં આ બધા કિસ્સામાં અમુક નોંધપાત્ર સમાનતા છે. બધા જ કિસ્સામાં એસબીઆઇ બેન્કનાં એટીએમ નિશાન પર રહ્યાં છે. બધા જ કિસ્સામાં એસબીઆઇના માત્ર એવાં જ એટીએમને નિશાન બનાવવામાં આવ્યા છે જેમાં રૂપિયા ડિપોઝિટ કરવાની સગવડ હોય છે અને સાથોસાથ રૂપિયા ઉપાડી શકાય છે.
આ બધા જ કિસ્સામાં બેન્ક તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી કે તેના એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં આવતા હતા પરંતુ તેની નોંધ બેન્કના એકાઉન્ટસમાં નિષ્ફળ ટ્રાન્ઝેકશન તરીકે થતી હતી. બધા જ કિસ્સામાં સીસીટીવીનાં ફૂટેજ બતાવતાં હતાં કે આરોપીઓ હેલમેટ પહેરેલી રાખીને અથવા ચહેરો છુપાઈ રહે એ રીતે મોટી કેપ પહેરીને એટીએમમાં પ્રવેશ કરતા હતા અને ટ્રાન્ઝેકશન કરતી વખતે ‘કોઈક રીતે’ મશીનની સિસ્ટમને ગૂંચવી નાખતા હતા.
આ દેશવ્યાપી કૌભાંડમાં અનેક સવાલોના સંતોષકારક જવાબો નથી. એટલે જ આપણે વધુ સતર્ક બની, બેન્કની સવલતો સમજવાની જરૂર છે.
કોઈ કિસ્સામાં પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ટ્રાન્ઝેકશન સમયે એટીએમનો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવતો હતો. અમુકમાં કહેવામાં આવ્યું કે આરોપીઓ એટીએમ સ્લોટમાંથી રકમ નીકળે એ પછી તેના સેન્સરને બ્લોક કરતા હતા. કોઈમાં કહેવામાં આવ્યું કે સ્લોટના ઢાંકણને આંગળી ફસાવીને ખુલ્લું રાખવામાં આવતું હતું. શક્યતાઓ જુદી જુદી દર્શાવવામાં આવતી હતી. પરંતુ મોડસ ઓપરેન્ડી એકસરખી હતી.
રોકડ રકમ ડિપોઝિટ કરી શકાય એવા એટીએમમાં એવી વ્યવસ્થા હોય છે કે આપણે એક હજાર રૂપિયા જમા કરવા માટે સો-સોની દસ નોટ મૂકીએ અને તેમાંથી કોઈ એક નોટ સ્વીકારવા યોગ્ય ન હોય તો મશીન રૂા. ૯૦૦ સ્વીકાર્યાની નોંધ કરે અને સોની એક નોટ આપણને પાછી આપે. એ જ રીતે, એટીએમમાંથી રૂપિયા ઉપાડવામાં આવે ત્યારે એવી વ્યવસ્થા હોય છે કે નિશ્ચિત સમયગાળામાં એટીએમમાંથી આવેલી નોટ બહાર ખેંચી લેવામાં ન આવે તો મશીન તેણે આપેલી નોટ્સ પાછી ‘ગળી’ લેતું હોય છે અને એ ટ્રાન્ઝેકશન બેન્કના ચોપડે ‘ફેઇલ્ડ ટ્રાન્ઝેકશન’ તરીકે નોધાતું હોય છે. આ તમામ કિસ્સામાં બન્યું એવું કે આરોપીઓએ રૂપિયા મેળવ્યા, પરંતુ મશીન એવું ‘સમજ્યું’ કે રૂપિયા આપી શકાયા નથી.
આવું લાંબા સમયથી કેમ ચાલતું રહ્યું?
દેશની જાહેર ક્ષેત્રની મોટી મોટી બેન્ક્સના હજારો કરોડો રૂપિયા સેરવીને વિજય માલ્યા, મેહૂલ ચોકસી, નિરવ મોદી જેવા લોકો વિદેશ ભાગી છૂટતા હોય છે ત્યારે આવા ગણતરીના લાખ કે કરોડની ઉચાપતના કિસ્સા બેન્કને કે આપણને બહુ ગંભીર ન લાગે, પરંતુ આ કેસમાં નવાઈજનક વાત એ છે કે છેલ્લા લગભગ એક વર્ષથી દેશના જુદા જુદા ખૂણે એક જ બેન્કનાં, એક જ પ્રકારનાં, એક જ કંપનીએ મેન્યુફેકચર કરેલાં એટીએમ મશીન્સને નિશાન બનાવવામાં આવતાં હતાં, તમામ કિસ્સાની મોડસ ઓપરેન્ડી લગભગ એકસરખી હતી.

લગભગ આ બધા કિસ્સામાં આરોપીઓ હરિયાણાના હોવાનું બહાર આવ્યું છે. તેમ છતાં આ બધા કેસને એકમેક સાથે સાંકળવામાં આવ્યા હોય એવું લાગતું નથી. છેલ્લે જૂન મહિનામાં તમિલનાડુમાં આ જ રીતે એટીએમમાંથી રકમ સરકી ગયા પછી થોડા સમય સુધી બેન્કે આખા રાજ્યમાં એટીએમ ટ્રાન્ઝેકશન અટકાવી દીધાં હતાં.
એ સ્પષ્ટ છે કે જો શરૂઆતના એક-બે કિસ્સામાં એકસરખી પેટર્નથી છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યા પછી તેની ઊંડી તપાસ થઈ હોત અને તેમાં જાણવા મળતી વિગતોથી અન્ય રાજ્યોને પણ સાવચેત કરાયાં હોત તો કદાચ અન્ય રાજ્યોમાં આ રીતે એટીએમમાંથી રકમ સેરવવાનો સિલસિલો ચાલુ રહ્યો ન હોત.
હજી અનેક સવાલો છે
આ બધા કિસ્સામાં છેવટે નુકસાન બેન્કે ભોગવવાનું રહ્યું. પરંતુ એ ધ્યાન આપવા જેવું છે કે આ બધા કિસ્સામાં આરોપીઓએ એટીએમ મશીનમાં કોઈ તોડફોડ કરી નથી. તેમણે લોકોના એટીએમ કાર્ડની વિગતો ચોરી હોય તેવું પણ જણાતું નથી. અમુક કિસ્સામાં એસબીઆઇ સિવાયની બેન્કના ખુદ મેનેજરનું કાર્ડ ચોરાયું હોય અને તેનો એસબીઆઇના એટીએમમાં ઉપયોગ થયો હોય તેવું નોંધાયું છે. અમુક રાજ્યોમાં થયેલા આ ફ્રોડમાં હરિયાણામાંથી જે આરોપીઓ પકડાયા છે તેમની પાસેથી ખાસ્સી મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ્સ મળ્યાં છે.
કમનસીબે આ વિશેના બધા સમાચારોમાં શું થયું અને કેવી રીતે થયું હશે તેની સંભાવનાઓ બતાવવામાં આવી છે પરંતુ ત્યાર પછી કેસના ફોલોઅપની ભાગ્યે જ કોઈ વિગતો મળે છે. એટીએમ સંબંધિત ફ્રોડ લાંબા સમયથી વધી રહ્યા હોવાથી એસબીઆઇએ ૨૦૧૮માં એટીએમમાંથી રકમના ઉપાડની દૈનિક મર્યાદા રૂા. ૪૦,૦૦૦માંથી રૂા.૨૦,૦૦૦ કરી દીધી હતી.
પરંતુ હાલમાં સવાલ એ છે કે આરોપીઓએ સંખ્યાબંધ કાર્ડ કેવી રીતે મેળવ્યાં? સંખ્યાબંધ કાર્ડ ચોરી થયાં હોય તો તે રિપોર્ટ કે બ્લોક કેમ ન થયાં? ખુદ બેન્ક મેનેજરનું કાર્ડ ચોરી થયા પછી પણ બ્લોક ન થાય? આરોપીઓએ ચોરેલા કાર્ડનો જ ઉપયોગ કર્યો કે પછી અન્ય કોઈ રીતે કાર્ડની વિગતો ચોરીને તેની મદદથી ટ્રાન્ઝેકશન્સ કર્યાં?
આ બધા પ્રશ્નોના જવાબ મળતા નથી. એટલે જ આપણે એટીએમ કાર્ડના ઉપયોગ બાબતે વધુ સતર્ક બનવાની અને બેન્ક તરફથી મળતી સંખ્યાબંધ સગવડો સમજીને તેનો લાભ લેવાની જરૂર છે.

