હજી હમણાં સુધી, આપણે સૌ પોતપોતાના પીસી/લેપટોપમાં જ કામ કરવા ટેવાયેલા હતા. કમ્પ્યૂટર પોતાનું, એમાં પ્રોગ્રામ પણ પોતાના અને જે ફાઇલ બનાવીએ એ પણ આપણી જ. પછી તેને બીજા સાથે શેર કરીએ. એ તેને પોતાના કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરી, તેના પર કામ કરે. કોરોનાને કારણે વર્ક-ફ્રોમ-હોમ, ત્યાર પછી વર્ક-ફ્રોમ-એનીવ્હેર અને હવે હાઇબ્રિડ એટલે કે ઘર અને ઓફિસની ભેળસેળ હોય એવું વર્ક કલ્ચર આવ્યું છે ત્યારે સૌને સમજાવા લાગ્યું છે કે બધું કામ એક પીસી પર આધારિત હોય એવી રીતે કામ કરવું તો મુશ્કેલ છે!
કોરોના પહેલાંથી નાના-મોટા બિઝનેસ અને વ્યક્તિગત લોકો પણ ક્લાઉડ કમ્પ્યૂટિંગ અને ‘કોલાબોરેટિવ વર્ક’ તરફ વળવા લાગ્યા હતા. આપણું કામકાજ વર્ડ, એક્સેલ પાવરપોઇન્ટ જેવા સામાન્ય ઓફિસ પ્રોગ્રામ્સમાં સીમિત હોય તો, બધી ફાઇલ્સ ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ જેવી સર્વિસમાં રાખીને, એકથી વધુ લોકો તેના પર કામ કરે એ કામની ઘણી વધુ સહેલી રીત છે. ‘સાયબરસફર’માં આપણે તેના વિશે વારંવાર વાત કરી છે.

એટલે જ, જેમને માત્ર આ ત્રણ પ્રોગ્રામ ને તે ઉપરાંત, ઇન્ટરનેટની જરૂર છે એમના માટે ગૂગલે ‘ક્રોમબુક્સ’ નામે લેપટોપની નવી કેટેગરી વિક્સાવી. ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતી ક્રોમબુકમાં મોટા ભાગે બધું કામકાજ ઇન્ટરનેટમાં, ક્લાઉડમાં જ કરી શકાય છે (આગલા લેખમાં એના વિશે જ વિગતવાર વાત છે!)
પણ, આપણંુ કામ આ ત્રણ – મોસ્ટ કોમન પ્રોગ્રામ – સિવાયના ખાસ પ્રકારના સોફ્ટવેરમાં કરવું પડતું હોય તો? જેમ કે ડિઝાઇનિંગ માટે કોરલ ડ્રો જેવો પ્રોગામ કે એડોબના પ્રોગ્રામ્સ, વીડિયો એડિટિંગ, એકાઉન્ટિંગ, એન્જિનીયરિંગ ડિઝાઇનિંગ વગેરે માટેના અલગ પ્રોગ્રામ્સની જરૂર હોય તો? તો એ માટે લિનક્સ, વિન્ડોઝ કે એપલની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતાં પીસી કે લેપટોપ જરૂરી બની જાય છે. એ કારણે, ફરી પેલું ચક્કર શરૂ થાય – મારું પીસી, મારા પ્રોગ્રામ, મારી ફાઇલ્સ…! નવી દુનિયામાં, આખી દુનિયામાંથી ટીમવર્કથી કામ થાય છે. એમાં બધું ‘મારું, મારું’ રહે તો કામ ન ચાલે!
આના ઉપાય તરીકે, માઇક્રોસોફ્ટ એઝ્યોર, એમેઝોન વેબસર્વિસીઝ, ગૂગલ ક્લાઉડ અને બીજી ઘણી કંપની ક્લાઉડ કમ્પ્યૂટિંગની સગવડ આપવા લાગી. મોટા બિઝનેસ તેમની જરૂરિયાત અનુસાર, આવી સર્વિસમાં સ્પેસ અને સોફ્ટવેર ‘ભાડા’ પર લે. તેમાં પોતાની જરૂરિયાતનાં ખાસ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરે અને પછી આખી ટીમ તેના પર એટલે કે ક્લાઉડમાં કામ કરે. આવું ક્લાઉડ કમ્પ્યૂટિંગ અત્યાર સુધી મોટા બિઝનેસ માટે કામનું અને સહેલું હતું, જેમાં આઇટી સપોર્ટ માટે આખી અલગ ટીમ હોય, જે આ બધી ‘ઝંઝટ’ સંભાળી શકે.
હવે ફક્ત ફાઇલ્સ નહીં, આખેઆખું પીસી ક્લાઉડમાં સેવ કરી શકાશે અને ગમે તે સાધનમાંથી તેના પર કામ થઈ શકશે!
કોરોના પછીના હાઇબ્રિડ વર્ક કલ્ચરમાં, માઇક્રોસોફ્ટને લાગે છે કે નાના બિઝનેસ અને વ્યક્તિગત રીતે કામ કરતા પ્રોફેશનલ્સ માટે પણ આવું ક્લાઉડ કમ્પ્યૂટિંગ સહેલું બનવું જોઈએ. જેથી, તમે ઓફિસે પહોંચો પછી ખ્યાલ આવે કે ક્લાયન્ટ માટે જે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે એ તો ઘરના પીસીમાં રહી ગયું છે, એવું ન થાય!
આગળ વાત કરી તેમ, ગૂગલ ડ્રાઇવ, વન ડ્રાઇવ વગેરે સર્વિસ ફાઇલ્સ ક્લાઉડમાં સેવ કરી, તેના પર ગમે ત્યારે ગમે ત્યાંથી કામ કરવાની સગવડ આપે છે, પણ હવે માઇક્રોસોફ્ટે ‘વિન્ડોઝ ૩૬૫’ નામે ક્લાઉડ પીસીની નવી કેટેગરી લોન્ચ કરી છે (હેતુ ગૂગલ ક્રોમબુકનો સામનો કરવાનો પણ છે!)
વિન્ડોઝ ૩૬૫ સર્વિસ આપણને પોતાના આખેઆખા પીસીનો ક્લાઉડમાંથી ઉપયોગ કરવાની સગવડ આપશે. તેનું લવાજમ ભર્યા પછી, આપણે પોતાની જરૂરિયાત અનુસાર રેમ, સ્ટોરેજ વગેરે કન્ફિગર કરી પોતાનું ક્લાઉડ પીસી તૈયાર કરી શકીશું. તેમાં પોતાના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકીશું ને પોતાની ફાઇલ્સ સ્ટોર કરી શકીશું.
પછી ઓફિસના પીસી, ઘરના લેપટોપ, પોતાના એન્ડ્રોઇડ કે આઇફોન વગેરે કોઈ પણ ડિવાઇસમાં બ્રાઉઝરમાં કે ક્લાઉડ પીસીની એપમાં લોગ-ઇન થતાં, પોતાનું આખેઆખું પીસી એ ડિવાઇસમાં મળી જશે! પછી લહેરથી ખરેખર ગમે ત્યાંથી, ગમે તે કામ કરો! ઓગસ્ટ ૨, ૨૦૨૧થી તમામ પ્રકારના બિઝનેસ વિન્ડોઝ ૩૬૫નો ઉપયોગ શક્ય બન્યો છે. અલબત્ત, આપણે જે સોફ્ટવેરનો ક્લાઉડ પીસીમાં ઉપયોગ કરવો હોય તેનું આવું ક્લાઉડ વર્ઝન હોવું જરૂરી છે.
વધુ માહિતી માટે જુઓ :
https://www.microsoft.com/en-in/windows-365

