એપલે તેના એપ ડેવલપર્સ માટે તેઓ યૂઝરનો ક્યો ડેટા કેવી રીતે અને ક્યા હેતુ માટે એકઠો કરે છે તે દર્શાવવાનું ફરજિયાત કર્યું છે તેને પગલે હવે ગૂગલ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
આવતા વર્ષના શરૂઆતી મહિનાઓમાં પ્લે સ્ટોરમાં આ નવી નીતિ લાગુ થઈ જશે. આ નવી નીતિ મુખ્યત્વે યૂઝરની સેફટીને સંબંધિત છે. તે અમલમાં આવ્યા પછી યૂઝર તરીકે આપણને સ્પષ્ટ રીતે જાણવા મળશે કે
૧. એપમાં ડેટા એન્ક્રિપ્શનની સુવિધા છે કે નહીં
૨. સ્વતંત્ર થર્ડ પાર્ટી દ્વારા એપની સેફ્ટી વેરિફાઇ થયેલી છે કે નહીં
૩. જો યૂઝર એ એપ અનઇન્સ્ટોલ કરે તો યૂઝર પોતાનો બધો ડેટા ડિલીટ કરી શકશે કે નહીં?
આ ઉપરાંત ડેવલપરે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે તેની એપ યૂઝરનો ક્યો ક્યો ડેટા એકઠો કરે છે અને તેનો તે કેવો ઉપયોગ કરે છે. એપલની આ જ પ્રકારની પોલિસી સામે ફેસબુકે બહુ તીવ્ર વિરોધ કર્યો છે આવતા વર્ષે ગૂગલમાં પણ આવી પોલિસી આવી જાય એ પછી ફેસબુકનો પ્રતિસાદ કેવો રહે છે તે જોવાનું રસપ્રદ રહેશે.
દરમિયાન, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે એપલ આઇઓએસ ૧૪.૫ પરની પોતાની એપ્સમાં એક નવી નોટિસ બતાવવાનું શરૂ કર્યું છે જેમાં કહેવામાં આવે છે કે આ એપ્સને ફ્રી રાખવા માટે તથા આ એપ્સ પર જાહેરાત આપતા બિઝનેસને સપોર્ટ કરવા માટે યૂઝરનો ડેટા મેળવવો જરૂરી છે.

