
માની લો કે તમે નવો સ્માર્ટફોન ખરીદ્યો. તમે તેમાં ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થયા. પરિણામે ગૂગલની વિવિધ સર્વિસમાંનો તમારો તમામ ડેટા આ સ્માર્ટફોનમાં પણ દેખાવાનું શરૂ થઈ ગયું. હવે કોઈ પરિચિત કે સંબંધીનું તમારા નવા ફોન તરફ ધ્યાન ખેંચાયું. દેખીતું છે કે એ ‘મિત્રભાવે’ તમારો નવો ફોન હાથમાં લેશે અને તેમાં કેવાં કેવાં ફીચર છે એ તપાસવા માગશે. તમે ઇચ્છો કે ન ઇચ્છો – તમારો ફોનને અનલોક કરીને તેમના હાથમાં મૂકવો પડે!
આવા વખતે બની શકે કે એ સ્વજન ફોનમાંની ગૂગલ ફોટોઝ એપમાં પહોંચે અને તેમાં તમારા ફોટોઝ જોવાનું શરૂ કરે. બની શકે કે આ સ્થિતિ તમને ન ગમે.

તમારી ફોટોઝ એપમાં કોઈ વાંધાજનક ફોટો ન હોય એમ છતાં અમુક ફોટો એવા હોઈ શકે જે તમે ઇચ્છો કે બીજા ન જુએ. ઘણા લોકોને મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ, કોન્ટ્રેક્ટ્સ કે બિલ્સ-રીસિપ્ટ વગેરેના ફોટોગ્રાફ લઇને સાચવી રાખવાની ટેવ હોય છે.
એ પણ બીજા ન જુએ એવું આપણે ઇચ્છીએ.
આવી સ્થિતિમાં ગૂગલ ફોટોઝમાં આપણને એક ફોટો લોકરની સગવડ મળે છે. તેનો લાભ લેવા માટે ફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો. નીચે જમણે ખૂણે ‘લાઇબ્રેરી’ બટન ક્લિક કરો અને તેમાં ‘યુટિલિટિઝ’માં જાઓ. તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરતાં ‘લોક્ડ ફોલ્ડર’નો એક વિકલ્પ જોવા મળશે. જો એ જોવા ન મળે તો નિરાશ ન થશો.
ગૂગલની ‘ફાઇલ્સ’ એપમાં, આપણા સ્માર્ટફોનમાં એક સેફ, પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોલ્ડરની સગવડ મળે છે. એવી સુવિધા હવે ફોટોઝમાં ઉમેરાઈ રહી છે.
ગૂગલે આ સગવડ પહેલાં તેના પિક્સેલ ફોનમાં લોન્ચ કરી છે અને ધીમે ધીમે અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઉમેરાઈ રહી છે. આ લોક્ડ ફોલ્ડરને આપણે નિશ્ચિત પાસકોડથી અથવા ફિંગરપ્રિન્ટથી ઓપન કરી શકીશું. તેમાં મેન્યુઅલી ફોટા ઉમેરી શકીશું અથવા નવા લીધેલા ફોટોગ્રાફ તેમાં જ સેવ થાય તેવું સેટિંગ કરી શકીશું.
એ ખાસ યાદ રાખશો કે લોક્ડ ફોલ્ડરમાં મૂકેલા ફોટોગ્રાફનો ક્લાઉડમાં બેકઅપ લેવાતો નથી, એ માત્ર આપણા ડિવાઇસમાં લોકલી સ્ટોર્ડ રહે છે.
