(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • એન્ડ્રોઇડમાં એપ્સની જાસૂસી હવે ઘટશે
  • માઇક્રોસોફ્ટ ઓફિસનું 2021 વર્ઝન આવતા મહિને આવશે
  • મેસેજિંગ એપમાં પણ ફોલોઅપના રીમાઇન્ડર મળશે
  • ઝૂમમાં બોલાતા શબ્દો લાઇવ કેપ્શન રૂપે 30 ભાષામાં વંચાશે
  • ગૂગલ મીટમાં ઓછું અજવાળું હવે નડશે નહીં

ગયા વર્ષે એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યૂઝર્સને એક ખરેખર સારું ફીચર મળ્યું હતું, જે શરૂઆતમાં ફક્ત નવા એન્ડ્રોઇડ ફોનમાં ઉપલબ્ધ હતું. હવે તે જૂના સ્માર્ટફોનમાં પણ ઉપલબ્ધ થવા લાગ્યું છે.

આ ફીચર પ્રાઇવસીને સંબંધિત છે. એન્ડ્રોઇડ ૧૧ થી મળેલા આ ફીચરમાં એવી સગવડ છે કે જો કોઈ એપ આપણે અમુક નિશ્ચિત લાંબા સમયથી ઓપન કરી ન હોય તો એ એપને આપણે આપેલી પરમિશન્સ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ આપોઆપ રીસેટ કરી લે છે.

અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે કોઈ એપ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે તેને માઇક્રોફોન, સ્ટોરેજ કે કેમેરાનો ઉપયોગ કરવાની પરમિશન આપી હોય, શરૂઆતમાં થોડો સમય એ એપનો ઉપયોગ કર્યા પછી આપણે તેને ભૂલી જઇએ, પણ આપણે પોતે આપેલી મંજૂરી અનુસાર આ એપ ફોનમાંના આપણા મહત્ત્વના રીસોર્સનો કોઈ રોકટોક વિના ઉપયોગ કરતી રહે!

આવી સ્થિતિ ટાળવા માટે એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનમાં એવી સગવડ ઉમેરાઈ કે આપણે કોઈ એપનો ઉપયોગ બંધ કરીએ પરંતુ તેને ફોનમાંથી સાવ અનઇન્સ્ટોલ ન કરીએ તો સિસ્ટમ પોતે તેને મળતી મહત્ત્વની પરમિશન બંધ કરી દે!

પ્રાઇવસીને સંબંધિત આ ખરેખર ઉપયોગી ફીચર છે. એપ પરમિશન્સ ઓટો રીસેટ કરવાનું આ ફીચર, આ ડિસેમ્બર મહિનાથી એન્ડ્રોઇડ ૬ કે ત્યાર પછીનું વર્ઝન ધરાવતા બધા સ્માર્ટફોનમાં મળવા લાગશે.

આ ફીચર આપણા ફોનમાં ઉપલબ્ધ થાય તે પછી ફોનના સેટિંગ્સમાં ઓટો રીસેટ સેટિંગ્સનું એક પેજ જોવા મળશે. અહીંથી આપણે નક્કી કરી શકીશું કે કઈ કઈ એપની પરમિશન્સ ઓટો રીસેટ થઈ શકે છે. એટલે કે કોઈ એપ આપણે માટે મહત્ત્વની હોય, આપણે તેનો ભરોસો કરતા હોઇએ, માત્ર તેનો ઉપયોગ ઓછો કરતા હોઇએ તો તેની પરમિશન્સ આપોઆપ રીસેટ ન થાય તેવું સેટિંગ્સ પણ કરી શકાશે.

સામાન્ય રીતે હવે મોટા ભાગની સોફ્ટવેર કંપનીઝ તેના સોફ્ટવેર માટે ‘પર્પેચ્યુઅલ લાયસન્સ’ એટલે કે ‘એક વાર ખરીદો અને હંમેશ માટે વાપરો’ તેવા મોડેલને બદલે ‘સબસ્ક્રિપ્શન’ મોડેલ એટલે કે દર મહિને નિશ્ચિત રકમનું લવાજમ ચૂકવવું પડે એવા બિઝનેસ મોડેલ તરફ વળી રહી છે. પરંતુ અમુક કંપની હાલમાં આ બંને પ્રકારે પોતાના સોફ્ટવેર ઓફર કરી રહી છે.

માઇક્રોસોફ્ટ આવી એક કંપની છે. કંપની તેના ઓફિસ પ્રોગ્રામ માટે ‘માઇક્રોસોફ્ટ ૩૬૫’ નામે ક્લાઉડ બેઝ્ડ સબસ્ક્રિપ્શન સર્વિસની ઓફર કરે છે અને તે ઉપરાંત પરંપરાગત રીતે વન ટાઇમ પર્ચેઝ તરીકે પણ ઓફર કરે છે.

હમણાં કંપનીએ જાહેરાત કરી છે કે તે ઓક્ટોબર ૫ના રોજ માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૨૧ વર્ઝનનું વન ટાઇમ પરચેઝ મોડેલ, સરેરાશ યૂઝર્સ માટે લોન્ચ કરશે. કંપનીના દાવા મુજબ બંને પ્રકારના વર્ઝનમાં પાંચ વર્ષ સુધીનો સપોર્ટ આપવામાં આવશે તથા ૩૨ અને ૬૪ બિટ વેરિઅન્ટ ઉપલબ્ધ રહેશે. કંપનીએ એવું પણ કન્ફર્મ કર્યું છે કે આ તેની છેલ્લી પર્પેચ્યુઅલ રીલિઝ નહીં હોય!

તમે જીમેઇલનો નિયમિત ઉપયોગ કરતા હો તમે નોંધ્યું હશે કે તેમાં મહત્ત્વના ઇ-મેઇલ્સ માટે ફોલોઅપ કરવા અંગે જીમેઇલ તરફથી આપણને સૂચવવામાં આવે છે.

એટલે કે આપણે કોઈ વ્યક્તિને કોઈ ઇ-મેઇલ કર્યો હોય અને બે-ત્રણ દિવસ પછી તેમના તરફથી કોઈ જવાબ ન આવે તો જીમેઇલ સામેથી આપણને યાદ અપાવે છે કે તમારે આ ઇ-મેઇલ વિશે ફોલોઅપ એકશન લેવું છે? કોઈ વ્યક્તિ તરફથી આપણને ઇ-મેઇલ આવ્યો હોય અને આપણે બે-ત્રણ દિવસ સુધી તેનો જવાબ ન વાળીએ તો પણ જીમેઇલ આપણને યાદ અપાવે છે કે તમે આ ઇ-મેઇલનો જવાબ આપ્યો નથી.

જીમેઇલની સિસ્ટમ બધા ઇ-મેઇલ માટે આવું કરતી નથી. આપણે જે કોન્ટેકટ સાથે વારંવાર મેઇલની આપલે કરતા હોઇએ તે ધ્યાનમાં રાખીને તેમ જ મેઇલમાં લખેલી બાબતો ધ્યાનમાં લઇને (હા, જીમેઇલની સિસ્ટમ એ બધું જોઇ જાણી શકતી હોય છે!) આપણને ફોલોઅપ માટે સૂચવવામાં આવતું હોય છે.

હવે આવી જ સગવડ ગૂગલની મેસેજિસ એપમાં પણ ઉમેરાઈ રહી છે. બેંકિંગ અને એ પ્રકારના અન્ય ઉપયોગ પૂરતો એસએમએસનો હજી ઉપયોગ થાય છે પરંતુ અંગત મેસેજિંગ માટે એસએમએસનો ઉપયોગ હવે તદ્દન ઘટી ગયો છે. જોકે ગૂગલે એસએમએસ સર્વિસમાં રીચ કમ્યુનિકેશન સર્વિસ (આરસીએસ)ની સગવડ ઉમેરીને તેેને ફરી લોકપ્રિય બનાવવાની કોશિષ કરી છે (આપણે અગાઉ ‘સાયબરસફર’માં એ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ).

હવે ઘણા એન્ડ્રોઇડ ફોનમાં મેસેજિંગ માટે ગૂગલની મેસેજિસ એપ પ્રી-ઇન્સ્ટોલ્ડ હોય છે. આ એપમાં જીમેઇલની જેમ મહત્ત્વના મેસેજ માટે ફોલોઅપ કરવાની યાદ અપાવવાનું ફીચર ઉમેરાઈ રહ્યું છે. એ મુજબ આપણે કોઈ મહત્ત્વનો મેસેજ આવ્યા પછી તેનો જવાબ આપવાનું ચૂકી ગયા હોઇએ ત્યારે એ મેસેજ નિશ્ચિત સમય પછી મેસેજિસના ઇનબોક્સમાં ટોપ પર જોવા મળશે.

કોરોના પછીના સમયગાળામાં અચાનક જબરજસ્ત લોકપ્રિયતા મેળવનાર વીડિયો કોલિંગ સર્વિસ ઝૂમમાં હવે વધુ ને વધુ ફીચર ઉમેરાઈ રહ્યાં છે.

ઝૂમ એપમાં તમામ યૂઝર્સને કેપ્શન અથવા લાઇવ ટ્રાન્સક્રિપ્શન એટલે કે મીટિંગ દરમિયાન બોલાતા શબ્દોને સ્ક્રીન પર ટેકસ્ટ સ્વરૂપે દર્શાવવાની સુવિધા મળવા લાગી છે. હાલમાં ઝૂમમાં આ સગવડ ૩૦ ભાષામાં આપવા પર કામ ચાલી રહ્યું છે. આવતા વર્ષે તેમાં બીજી ૧૨ ભાષાઓ ઉમેરાશે.

ગૂગલ મીટમાં વીડિયો મીટિંગ દરમિયાન, આપણા રૂમમાં ઓછું અજવાળું હોય તો અન્ય લોકોને તકલીફ પડતી હોય છે.

તેના ઉપાય તરીકે, વર્ષ ૨૦૨૦માં ગૂગલ મીટની એપમાં ‘લો-લાઇટ મોડ’ની સગવડ ઉમેરાઈ હતી.

હવે આ સગવડ વેબ વર્ઝનમાં પણ ઉમેરાઈ છે. આ કારણે મીટિંગ દરમિયાન આપણા રૂમમાં પૂરતું અજવાળું નહીં હોય તો પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તે એડજસ્ટ થઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!