(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટ પરથી કમાણીનો એક રસ્તો ફ્રીલાન્સર્સ માટેની વેબસાઇટ્સ

તમારામાં કોઈ એક ચોક્કસ આવડત હોય અને વર્ક ડિસિપ્લીન હોય તો હવે ઇન્ટરનેટની મદદથી ફ્રીલાન્સિંગ સહેલું છે.

કોવિડને કારણે તમે નોકરી ગુમાવી? નવ થી છની, ઘડિયાળના કાંટે ચાલતી નોકરીમાં રસ નથી? આવડતના પ્રમાણમાં નોકરીમાં તમારો પગાર ઓછો છે એવું સતત લાગે છે? પોતાના બોસ બનવાનો મનમાં સતત સળવળાટ છે? થોડું રિસ્ક લેવા તૈયાર છો?

આ બધા સવાલોના જવાબ ‘હા’ હોય તો એક છેલ્લા સવાલનો જવાબ પણ ‘હા’માં આપવો પડશે – તમારામાં કોઈ એક ફીલ્ડની ખાસ આવડત છે? તો તમે ફ્રીલાન્સર બની શકો છો!

ડિઝાઇનિંગ, રાઇટિંગ, ટ્રાન્સલેશન, આઇટી, ડેવલપમેન્ટ, સેલ્સ, માર્કેટિંગ, એડમિન, કસ્ટમર સપોર્ટ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ… વગેરે દરેક ફીલ્ડમાં ઘેરબેઠાં, મરજી પડે ત્યારે, મરજી પડે એટલું કામ કરવાની અપાર તકો છે. શરત એટલી કે તમારામાં ખરેખર આવડત હોવી જોઈએ અને દિલથી ને ડિસિપ્લીનથી કામ કરવાની તૈયારી હોવી જોઈએ. ઇન્ટરનેટ પર ફ્રીલાન્સિંગની તક આપતી અનેક સાઇટ્સ છે. શોપિંગ સાઇટ્સ પર વસ્તુઓ વેચાય છે, તેમ અહીં ટેલેન્ટની  કિંમત છે.

બાજુમાં, આવી કેટલીક પોપ્યુલર સાઇટ્સ અને તેની ફી દર્શાવતું ઇન્ફોગ્રાફિક આપ્યું છે, એના પરથી એક અંદાજ આવશે. એ સિવાય વિવિધ  પ્લેટફોર્મ્સ કેવી રીતે કામ કરે છે તેની આગળ વાત કરી છે, ઉપયોગી થશે!

ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ તરીકે સર્વિસ આપતી સંખ્યાબંધ વેબસાઇટ્સ છે. આ ફીલ્ડમાં પ્લેટફોર્મ તરીકે પણ એટલી બધી તક છે કે આવી સાઇટ્સ વધતી જ જાય છે. તેમાંથી તમારે માટે કઈ સારી, એ નક્કી કરવું થોડું મુશ્કેલ થશે.

આગળ આવી સાઇટ્સનું લિસ્ટ આપ્યું છે, એ બધીની વિઝિટ કરો, તમારી આવડતને લગતા પ્રોજેક્ટ્સ કઈ સાઇટ્સ પર વધુ પ્રમાણમાં છે એ તપાસો. દરેક સાઇટની કોઈ ચોક્કસ ફીલ્ડમાં માસ્ટરી હશે, એ મુજબ તમને અનુકૂળ સાઇટ પસંદ કરો. એ વિશેના રીવ્યૂઝ પણ વાંચો. ફ્રીલાન્સર્સ અને પ્રોજેક્ટ્સની સંખ્યા તપાસો. સાઇટની શરતો ખાસ તપાસો અને પછી ગમે તેમાં એકાઉન્ટ ખોલાવો!


વર્ક-ફ્રોમ-હોમ ચલણી બન્યા પહેલાંથી, એક નોકરીમાં બંધાયા વિના, પોતાની આવડતના વિષયમાં ફ્રીલાન્સિંગ એક સારો વિકલ્પ છે. ઇન્ટરનેટને કારણે ફ્રીલાન્સિંગ કરવું વધુ સહેલું બન્યુ છે. હવે આખી દુનિયામાંના ક્લાયન્ટ્સ પાસેથી જોબ મેળવી શકાય છે.

લગભગ બધી જ ફ્રીલાન્સિંગ સાઇટ્સ, ફ્રીલાન્સર્સ માટે મેમ્બરશીપનાં ઓછામાં ઓછાં બે લેવલ ઓફર કરતી હોય છે – ફ્રી અને પેઇડ. સાઇટનો વ્યાપ વધુ મોટો હોય તો એ પેઇડમાં હજી જુદાં જુદાં લેવલ આપશે.

શરૂઆત કરતી વખતે, દેખીતું છે કે તમે ફ્રી લેવલથી જ શરૂઆત કરો. એ પણ સ્વાભાવિક છે કે ફ્રી મેમ્બરશીપની મર્યાદાઓ હશે. તમે તમને અનુકૂળ સાઇટ પસંદ કરો ત્યારે આવી ફ્રી મેમ્બરશીપની મર્યાદા જરૂર તપાસો. તમને આવી સાઇટ્સ પરથી કામ મેળવવામાં અને સમયસર પૂરું કરવાની ફાવટ આવતી જાય એ પછી પેઇડ મેમ્બરશીપના વિકલ્પો પર જરૂર નજર દોડાવો. એવી પૂરી શક્યતા છે કે તમે ચૂકવેલી ફી સારું ઇન્વેસ્ટમેન્ટ સાબિત થાય!

સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઇલની વિગતોમાં કંઈ પણ લખીએ તો ચાલી જાય, આખરે એ બધું ‘ફ્રેન્ડ્સ’ જોવાના છે. ફ્રીલાન્સિંગ સાઇટ્સ પર એવું ન ચાલે. તેમાં તમારો પ્રોફાઇલ બહુ કાળજી અને ચોક્સાઇથી લખવો જોઇશે. એ તમારો કાયમી, ઓનલાઇન બાયોડેટા છે. તમને કામ આપવા માગતા લોકો સૌથી પહેલાં આ વિગતો જ તપાસશે.

તમારો અનુભવ, એક્સપર્ટાઇઝ સ્પષ્ટ થાય એવી વિગતો આપો. કામ મેળવવાના ઉત્સાહમાં, એથી આગળનું કશું જ લખવાની ભૂલ કરશો નહીં. આવી સાઇટ્સ પર તમે જશો તો શરૂઆતમાં તો નાસીપાસ જ થશો – સખ્ખત હરીફાઇ છે, એટલે નાની ભૂલ પણ મોંઘી પડી શકે છે!


સોશિયલ મીડિયા પરના આપણા પ્રોફાઇલ અને લિંક્ડઇન જેવી પ્રોફેશનલ્સ માટેની સાઇટ્સ અને ફ્રીલાન્સિંગની તક આપતી સાઇટ્સ પરના આપણા પ્રોફાઇલમાં બહુ મોટો તફાવત છે. આ તમારા ઓનલાઇન બાયોડેટા છે. તેમાં તમારી પૂરતી અને સાચી વિગતો આપવી જરૂરી છે.

ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ ‘સેલર્સ’ એટલે કે તમે- ફ્રીલાન્સર્સ અને ‘બાયર્સ’ એટલે કે ક્લાયન્ટ્સનો મેળાપ કરાવી આપતી સર્વિસ છે. જેમ તમે ફ્રીલાન્સર તરીકે તેમાં એકાઉન્ટ ઓપન કરો છો તેમ ક્લાયન્ટ્સ પોતાની જરૂરિયાત ‘સારામાં સારી રીતે’ (ક્વોલિટી, બજેટ, ટાઇમ… બધી રીતે) પૂરી શકે તેવું ટેલેન્ટ શોધવા એકાઉન્ટ ખોલાવે છે.

તેઓ સાઇટ પર પોતાની જરૂરિયાતની વિગતો પોસ્ટ કરતા રહેશે. તમારી મેમ્બરશીપના લેવલ અનુસાર તમને તેનાં નોટિફિકેશન્સ મળતાં રહેશે અથવા જાતે જ પોસ્ટ્સ તપાસતા રહો. તમે એ જરૂરિયાત પૂરી કરી શકો તેમ છો (યાદ રહે, ‘સારામાં સારી રીતે!’)? જો હા તો એ જોબ માટે ‘બિડ’ કરો (તમારો રસ અને કિંમત જણાવો)!

ફ્રીલાન્સિંગની શરૂઆત કરતા હો તો દરેક જોબ માટે બિડ કરવાનું મન થશે. એવી ઉતાવળ કરશો નહીં. જેમ ક્લાયન્ટ તમારી પ્રોફાઇલ તપાસે, એ રીતે તમે ક્લાયન્ટની પ્રોફાઇલ તપાસો.

એ ભરોસાપાત્ર છે? તેના વિશે બીજા ફ્રીલાન્સર્સના રીવ્યૂ કેવા છે? અહીં પણ મોટા પાયે સ્કેમ્સ થતાં હોય છે, કામ મેળવવાની લ્હાયમાં ભેરવાઇ પડો નહીં એનું ધ્યાન રાખશો. મૂળ જોબ કેવો છે એ બરાબર સમજો. તમને તેની ખરેખર ફાવટ છે? એ પૂરો કરવા જરૂરી ટૂલ્સ તમારી પાસે છે? સમયમાં એ જોબ પૂરો કરી શકાશે? અહીં સહેજ પણ કચાશ નહીં ચાલે. તમારા સમય, અનુભવની કિંમત તમે નક્કી કરી શકશો, પણ ધરતી પર રહીને વિચારો અને બિડ કરો!


ઇન્ટરનેટ પરની સાઇટ્સ પરથી ફ્રીલાન્સિંગ કરવામાં જેટલી તકો છે એટલી જ હરીફાઇ છે. તમે કોઈ કામની નક્કી કરેલી કિંમતમાં નજીવા ફેરથી એ કામ બીજાને મળી જાય એવું બની શકે છે. તમે એ કામ પૂરું કરવા ખરેખર સક્ષમ છો એ પણ જરૂર તપાસો.

ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ પર સામાન્ય રીતે ક્લાયન્ટ્સ જોબ પોસ્ટ કરે અને ફ્રીલાન્સર્સ બિડ કરે તેવી વ્યવસ્થા હોય છે, પણ હવે ઘણી સાઇટ પર ‘પ્રોજેક્ટ કેટેલોગ’ તરીકે ઓળખાતી સર્વિસ પણ ઓફર કરવામાં આવે છે.

આવી સર્વિસમાં, તમે પહેલેથી તમારી આવડત અને અનુભવ અનુસાર કયા પ્રકારનું કામ કરી શકો છો, કેટલા સમયમાં કરી શકો છો અને એ માટે કેટલા રૂપિયા (કે ડોલર!) લેશો તે જણાવી શકો છો. જેમ કે કોઈ ક્લાયન્ટે પોતાની વેબસાઇટ માટે કન્ટેન્ટ તૈયાર કરવું છે, પછી ડિઝાઇન કરાવવી છે અને પછી તેનું એચટીએમએલ વર્ઝન તૈયાર કરાવવું છે, તો આ ત્રણેય કામ માટે તે અલગ અલગ ફ્રીલાન્સર શોધીને તેમની પાસે કામ કરાવી શકે છે.

ફ્રીલાન્સિંગ ગમે તે ફીલ્ડ માટેનું હોય, ટાઇમલી ડિલિવરી બહુ મહત્ત્વની બાબત છે. પરંતુ એ કામ મળ્યા પછીની વાત છે. કામ મેળવવા માટે પણ સમયસર પગલાં જરૂરી છે. લગભગ દરેક સાઇટ પર, ક્લાયન્ટ્સ તરફથી મૂકાતી જોબ પોસ્ટ્સ નિશ્ચિત સમય પૂરતી લાઇવ રહેતી હોય છે.

એ દરમિયાન એ તમારા ધ્યાનમાં ન આવી કે આવી હોય તોય તમે બિડ કરવાનું ચૂકી ગયા તો એ કામ લેવા બીજા અનેક લોકો તૈયાર હશે. ક્યારેક જોબ પોસ્ટિંગ સમય પહેલાં પણ બંધ થઈ શકે છે. એ ધ્યાનમાં રાખીને જો તમે એ કામ કરી શકો તેમ હો તો સમયસર પગલાં લેવાં જરૂરી છે. ફ્રીલાન્સિંગમાં સફળતા માટે સમયપાલન બહુ મહત્ત્વની શરત છે.


સામાન્ય નોકરીમાં બોસ માથા પર રહે છે અને સમયસર કામ કરાવે કે કઢાવે છે – ફ્રીલાન્સિંગમાં આપણે પોતે જ પોતાના બોસ છીએ. એમાં કોઈ પણ બાબતે આળસ કે કચાશ કે ઢીલાશની સીધી અસર આપણી આવક પર થતી હોય છે!

તમારી બિડ ક્લાયન્ટને સૌથી સારી લાગે અથવા તમે આપેલ સર્વિસ લિસ્ટને આધારે કોઈ ક્લાયન્ટ તમારી સાથે કામ કરવાનું પસંદ કરે – આ બંને સ્થિતિમાં જે તે સાઇટ દ્વારા તમને તેની જાણ કરાશે.

ક્લાયન્ટ સાથે શરૂઆતનો સંપર્ક કઈ રીતે થાય તેની પદ્ધતિ દરેક સાઇટ પર જુદી જુદી હોઈ શકે છે (તમારી મેમ્બરશીપ ફ્રી છે કે પેઇડ એ પણ ભાગ ભજવી શકે છે). તમારી બિડ સફળ થાય તો પણ ક્લાયન્ટનું બેકગ્રાઉન્ડ તપાસવું ભૂલશો નહીં. સારી, મોટી સાઇટ પર ફ્રીલાન્સર્સની એક્ટિવ કમ્યુનિટી હોય છે અને એ પણ આ કામમાં તમારી મદદ કરી શકે છે. તમારી ફ્રી મેમ્બરશીપ હોય તો પણ સાઇટના મોડરેટર્સ અમુક ખાસ કિસ્સામાં તમારી વિશેષ મદદ કરી શકે છે.

સામાન્ય રીતે તમને કોઈ જોબ મળે એ પછી, જે તે સાઇટ એ ક્લાયન્ટ પાસેથી, પહેલેથી નિશ્ચિત રકમ મેળવી લે છે અને પોતાના ‘એસ્ક્રો’ એકાઉન્ટમાં જમા રાખે છે. એટલે કે ક્લાયન્ટ પેમેન્ટ કરી દે છે, પણ રકમ તમને તરત મળતી નથી.

તમે કામ પૂરું કરો, ક્લાયન્ટ કામ બરાબર હોવાનું કહે એ પછી સાઇટ, પોતાની ફી કાપીને તમને પેમેન્ટ રીલિઝ કરે છે (અમુક સાઇટ પર પેઇડ મેમ્બર માટે જોબ ફી માફ થઈ શકે). લગભગ દરેક સાઇટ પોતાની પ્રતિષ્ઠા અને ક્લાયન્ટ-ફ્રીલાન્સર બંનેનું હિત જાળવવા આ પદ્ધતિ અપનાવે છે. ક્લાયન્ટ તરફથી ડાઇરેક્ટ પેમેન્ટનો વિકલ્પ હોય તો પણ, સાઇટના ‘એસ્ક્રો’ એકાઉન્ટનો લાભ લેવો હિતાવહ છે.


ફ્રીલાન્સિંગમાં કામ શોધવા ને કરવા તરફ જેટલું ધ્યાન આપવું જરૂરી છે, એટલું જ ધ્યાન તેનું પેમેન્ટ મેળવવા તરફ પણ આપવું પડે છે. પ્રતિષ્ઠિત સાઇટ્સમાં જોખમ ઓછું હોય છે, પરંતુ આ બધાં આખરે પ્લેટફોર્મ છે, તેમાં પણ ફ્રોડ થઈ શકે છે.

લગભગ દરેક ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ પર, તેની મદદથી થયેલા કામ માટે ફીડબેક અને રેટિંગ આપવાની સુવિધા હોય છે. તમે ખરેખર સારી રીતે, સમયસર કામ પૂરું કરો તો ક્લાયન્ટ તરફથી સારો ફીડબેક, રેટિંગ મેળવી શકો છો, જેના આધારે તમને નવું કામ મેળવવું સહેલું બને છે.

જો કામમાં કચાશ રહી અને ફીડબેક કે રેટિંગ ખરાબ મળ્યાં તો એ કામના પેમેન્ટમાં તકલીફ થઈ શકે છે અને ભવિષ્યમાં કામ મળવાની શક્યતા પણ ઘટે છે. આવી સાઇટ્સ મારફત કામ કરાવતા ક્લાયન્ટ્સ તેમની જરૂરિયાત અને સમયમર્યાદા વિશે બહુ ચોક્કસ હોય છે, એમાં કચાશ ચાલતી નથી. ક્લાયન્ટ સાથે સારા સંબંધ થાય તો તમને એમને પણ ફીડબેક/રેટિંગ આપવા વિનંતી કરી શકો છો.

પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર પણ છેતરવાની વૃત્તિ જોવા મળી શકે છે. લિંક્ડઇન પર, જાણીતી કંપનીની બનાવટી જોબ પોસ્ટ મૂકાતી હોવાનું બહાર આવ્યું છે. કોઈ એજન્સી સામેથી તમારો સંપર્ક કરીને જોબ ઓફર કરે, તમે જે રકમ કહો તે આનાકાની વિના સ્વીકારી લે અને પછી એગ્રીમેન્ટ સાઇન કરવા બહુ ઉતાવળ કરે તો ચેતી જજો.

આવા ‘ક્લાયન્ટ’ કામ કરાવી લીધા પછી તેમાં ભૂલો ગણાવવા બેસે છે અને પેમેન્ટમાં મોટો કાપ મૂકે છે. ‘એસ્ક્રો’ એકાઉન્ટનો લાભ લીધો હોય તો પણ તકલીફ થઈ શકે છે. ફ્રીલાન્સિંગ સાઇટ પર કામ મેળવવા અધીરા થવાને બદલે, સો ગરણે ગાળી, પોતાની શરતે જ કામ કરવાનો આગ્રહ રાખવા જેવો છે.


અજાણી વ્યક્તિ, અજાણી કંપની સાથે કામ કરવામાં નિશ્ચિત જોખમો છે. આપણને કામ આપવા માટે બહુ ઉતાવળ કરવામાં આવે કે પેમેન્ટ લોભામણું હોય, પણ તેની ટર્મ્સ આકરી હોય તો આગળ વધતાં પહેલાં, એ ક્લાયન્ટ વિશે પૂરતી તપાસ કરી લેવી સારી રહેશે.

ઇન્ટરનેટ દ્વારા ફ્રીલાન્સિંગમાં રસ પડ્યો? આ સાઇટ્સ તપાસી જુઓઃ

આ ફક્ત થોડાં ઉદાહરણ છે. આ સાઇટ્સ તમને દુનિયાભરમાંથી ક્લાયન્ટ્સ અપાવી શકે છે.

સામે પક્ષે, દુનિયાભરના ફ્રીલાન્સર સાથે તમારે સ્પર્ધા પણ કરવી પડશે! આ રીતે કામ કરવાનો પૂરતો અનુભવ મેળવ્યા વિના, કોઈ સાઇટ પર ફી ચૂકવશો નહીં. હા, તમારા જ શહેરમાં કામ શોધવું હોય તો ગૂગલ સર્ચ પણ ખાસ રીતે મદદરૂપ થઈ શકે છે. એની વિગતવાર વાત આપણે જૂન ૨૦૧૮ અંકમાં કરી ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!