(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણા ભવિષ્ય માટે ગૂગલે શું વિચાર્યું છે?

આ વર્ષે વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાયેલી ગૂગલ આઇ/ઓ ઇવેન્ટમાં ગૂગલે તેની પોતાની પ્રોડક્ટ્સ/સર્વિસ અને આપણા સૌના જીવન-કામકાજમાં મોટાં પરિવર્તન લાવે એવી કેટલીય નવી રજૂઆતો વિશે વાત કરી. ગૂગલ આપણા માટે શંુ લાવે છે એના પર એક નજર ફેરવીએ...

દર વર્ષે ગૂગલ કંપની ‘ગૂગલ આઇ/ઓ (ઇનપૂટ/આઉટપૂટ) નામે એક ઇવેન્ટ યોજે છે. આમ તો આ ઇવેન્ટ વિવિધ એપ્સ અને સર્વિસ ડેવલપર કરનારા ડેવલપર્સ માટે હોય છે અને તેમાંથી ઘણી બાબતો ખાસ્સી ટેકનિકલ હોય છે, પણ સરેરાશ યૂઝરને મજા પડે એવું ઘણું બધું પણ આ ઇવેન્ટમાં સામેલ હોય છે.

ગયા વર્ષે કોરોનાના પ્રસારને કારણે ગૂગલે આ ઇવેન્ટ રદ કરી હતી. આ વર્ષે તે યોજાઇ ખરી, પણ વર્ચ્ચુઅલ સ્વરૂપે. ગૂગલના કેમ્પસમાં કંપની સીઇઓ અને અન્ય ટોપ એક્ઝિક્યુટિવ્સે કીનોટ પ્રેઝન્ટેશન્સ આપીને ગૂગલ આગામી સમયમાં કેવી નવી નવી સર્વિસ કે પ્રોડક્ટ વિક્સાવી રહી છે તેની જાણકારી આપી. આ વર્ષે આખી ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ થયું (દર વર્ષે તેમાં ભાગ લેવાની ફી હોય છે!)।

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલે સંખ્યા નવી જાહેરાતો કરી છે. આપણે એના પર ફટાફટ નજર ફેરવી લઈએ.

આમાંની ઘણી બાબતો આપણા સુધી પહોંચતાં વાર લાગશે, કેટલીક સાવ ગપગોળા જેવી પણ લાગશે, પણ ગૂગલના આવા ઘણા ખરા તુક્કા આગળ જતાં નક્કર સ્વરૂપ લે છે. ટેક્નોલોજીની બાબતે ભવિષ્યમાં આપણને કેવી સગવડો મળશે એનો અંદાજ આમાંથી ચોક્કસ મળશે.

આગળ શું વાંચશો?
  • એન્ડ્રોઇડનું નવું વર્ઝન – એન્ડ્રોઇડ 12
  • ગૂગલ ડોક્સમાં @ ના નવા ઉપયોગ
  • ડોક્સમાં મીટિંગ્સની સરળ નોટ્સ
  • ગૂગલ ડોક, શીટ કે સ્લાઇડમાંથી જ મીટિંગ
  • ડોક્સમાં પેજલેસ ફોર્મેટ
  • બીજી વ્યક્તિના 3ડી મોડેલ સાથે વાતચીત
  • ગૂગલ ફોટોઝમાં ઓટોમેટિક એનિમેશન
  • ગૂગલ ફોટોઝમાં લોક્ડ ફોલ્ડર
  • ગૂગલના પાસવર્ડ મેનેજર નવી સગવડ
  • કાર અનલોક કરો એન્ડ્રોઇડથી
  • સ્માર્ટફોન બનશે સ્કીન સ્પેશિયાલિસ્ટ
  • વધુ સ્માર્ટ વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ
  • વિરાટ કમ્પ્યૂટિંગ પાવર

ઇવેન્ટ દરમિયાન ગૂગલે એન્ડ્રોઇડના નવા, બારમા વર્ઝનને લોન્ચ કર્યું. આ વર્ઝનમાં બિલકુલ નવી ‘મટિરિયલ યુ’ તરીકે ઓળખાતી ડિઝાઇન હશે.

આ વર્ઝનમાં આપણે મરજી અનુસાર આખી સિસ્ટમના કલર્સ બદલી શકીશું. તેમાં પ્રાઇવસી પર વધુ ફોકસ રહેશે અને ખાસ પ્રાઇવસી માટે અલગ ડેશબોર્ડ પણ હશે. અત્યાર સુધી આ વર્ઝનનું માત્ર ડેવલપર્સ માટેનું વર્ઝન લોન્ચ થયું હતું, હવે સરેરાશ યૂઝર્સ પણ તેનું બીટા વર્ઝન પોતાના ફોનમાં ટ્રાય કરી શકશે.

ગૂગલ વર્કસ્પેસમાં હવે વધુ સ્માર્ટ રીતે ટીમવર્ક. સોર્સઃ ગૂગલ

આખી દુનિયા હવે વર્ક-ફ્રોમ-હોમ કે વર્ક-ફ્રોમ-એનીવ્હેરના મોડમાં આવી ગઈ છે ત્યારે આપણું કામ વધુ સહેલું બનાવવા માટે ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ, ગૂગલ મીટ વગેરે સર્વિસને એકબીજાની વધુ લાવવામા આવી છે. આ માટે ગૂગલે તેની વર્કસ્પેસ એપ્સમાં માટા ફેરફાર કર્યા છે.

આપણે ગૂગલના ફ્રી એકાઉન્ટમાં જીમેઇલ, કેલેન્ડર, ગૂગલ ડ્રાઇવ વગેરે સર્વિસનો મફત ઉપયોગ કરીએ છીએ, એ જ બધી સર્વિસ, પેઇડ સ્વરૂપે બિઝનેસ માટે ‘વર્કસ્પેસ’ નામે વધુ ફીચર્સ સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે.

ગૂગલે પંદર વર્ષ પહેલાં ગૂગલ ડોક્સ અને શીટ્સ નામે માઇક્રોસોફ્ટ વર્ડ અને એક્સેલના વિકલ્પ આપ્યા, એ સમયે વર્ડ અને એક્સેલ વ્યક્તિગત ઉપયોગ માટેના સોફ્ટવેર હતા. દરેક વ્યક્તિ પોતાના કમ્પ્યૂટરમાં, પોતાના પ્રોગ્રામમાં પોતાની ફાઇલ બનાવી તેમાં કામ કરી શકે. જ્યારે ડોક્સ અને શીટ્સમાં કોલાબોરેશનની સગવડ મળી. એટલે કે ફાઇલ એક જ હોય, પણ જુદી જુદી વ્યક્તિ પોતપોતાના કમ્પ્યૂટર કે લેપટોપમાં એક સાથે, એક સમયે તેના પર કામ કરી શકે.

હવે સ્માર્ટ કેનવાસ ફીચરથી ગૂગલ ડોક્સ અને શીટ્સમાં કોલાબોરેશન હજી વધુ સરળ બનશે.

અત્યારે આપણે કોઈ ડોક્યુમેન્ટમાં @ નિશાની ઉમેરીએ એ સાથે આપણા કામકાજની હિસ્ટ્રી અનુસાર, ડોક્યુમેન્ટમાં આપણી ટીમમાંની અન્ય વ્યક્તિનો ઉલ્લેખ ઉમેરવાની સગવડ મળે છે. ડોક્યુમેન્ટમાં @ નિશાની લખતાં એક સ્માર્ટ ચિપ ઓપન થાય અને તેમાં એ વ્યક્તિનું લોકેશન, જોબ ટાઇટલ, કોન્ટેક્ટ ઇન્ફર્મેશન વગેરે વિગતો જોવા મળે છે.

તમે જાણતા હશો કે અત્યારે આપણે ગૂગલ ડોક કે શીટ્સમાં ગૂગલ ડ્રાઇવની અન્ય કોઈ ફાઇલ કે અન્ય કોઈ વેબસાઇટની લિંક ઉમેરીએ ત્યારે તેના પર માઉસ લઈ જતાં એક નાની વિન્ડો ઓપન થાય છે અને તેમાં એ લિંક પર શું છે તેની ટૂંકી વિગતો આપણે જોઈ-જાણી શકીએ છીએ.

હવે આ સ્માર્ટ ચિપ ફીચર વિસ્તારવામાં આવ્યું છે. તેની મદદથી, આપણે ડોક્યુમેન્ટમાં @ ટાઇપ કરીશું, એ સાથે, આપણા કામકાજની હિસ્ટ્રી અનુસાર એ ફાઇલ સાથે કનેક્ટ કરી શકાય તેવી અન્ય વ્યક્તિ, બીજી ફાઇલ્સ અને મીટિંગનું લિસ્ટ આપણને જોવા મળશે. આ સગવડ પહેલાં ગૂગલ ડોક્સમાં ઉમેરાશે અને પછી શીટ્સમાં ઉમેરાશે.

નવા સમયમાં ઓફિસ મીટિંગ્સ હવે વીડિયો મીટિંગ સ્વરૂપે જ યોજાય છે. આવે સમયે મીટિંગની સાથોસાથ, તેમાંના મહત્ત્વના મુદ્દા ટપકાવવા જરૂરી હોય છે.

આ મુદ્દા ડાયરીમાં પેન-પેન્સિલથી લખવાને બદલે એક નવી ગૂગલ ડોક ફાઇલ ખોલીને તેમાં જ મુદ્દાઓ નોંધતા જઈએ તો તેને ગમે ત્યારે શોધવા બહુ સરળ રહે.

ગૂગલ ડોકમાં ખાસ મીટિંગની નોટ્સ ઉમેરવા માટે એક ટેમ્પ્લેટ મળશે. જો આ મીટિંગની નોંધ આપણા કેલેન્ડરમાં હશે, તો તેમાંની વિગતો (મીટિંગમાં સામેલ અન્ય લોકો, એટેચ્ડ ફાઇલ્ વગેરે) આ ડોક ફાઇલમાં આપોઆપ ઉમેરાઈ જશે.

ગૂગલ સતત એવા પ્રયાસમાં છે કે જ્યારે કોઈ ટીમ એક પ્રોજેકટ પર કામ કરી રહી હોય ત્યારે તેના સભ્યોએ ટીમવર્કથી કામ કરવા માટે જુદી જુદી એપમાં જવું પડે નહીં. એ માટે જીમેઇલમાં ચેટ, રૂમ્સ અને મીટ વીડિયોની સર્વિસ ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે.

આ ઇન્ટિગ્રેશન હવે ગૂગલ ડ્રાઇવમાં વિસ્તારવામાં આવશે.

આ કારણે આપણે ગૂગલ ડ્રાઇવમાં કોઈ ડોક, શીટ કે સ્લાઇડ પ્રેઝન્ટેશન પર કામ કરી રહ્યા હોઈએ ત્યારે એ ફાઇલમાંથી જ, ગૂગલ મીટની મદદથી અન્ય ટીમ મેમ્બર્સ સાથે આપણું કામ શેર કરી શકાશે.

અત્યાર સુધી ગૂગલ ડોક્સનું ફોર્મેટ તે ડિજિટલ હોવા છતાં, આખરે તો પેપરના ફોર્મેટને જ અનુસરતું હતું એટલે કે આપણી ફાઇલમાં પેજનું આડું કે ઊભું ઓરિએન્ટેશન રાખી શકાતું અને પેજ સાઇઝ ફિક્સ્ડ રહેતી.

આ કારણે મોબાઇલ કે લેપટોપના પ્રમાણમાં નાના સ્ક્રીન પર કે નાની વિન્ડોમાં કામ કરવું મુશ્કેલ બનતું (બીજા શબ્દોમાં ગૂગલ ડોક્સનાં પેજની ડિઝાઇન આજની વેબસાઇટ્સની જેમ ‘રિસ્પોન્સિવ’ નથી.

હવે આ સ્થિતિ બદલાશે. હવે ડોક્સમાં પેપરલેસ ફોર્મેટ મળશે, એટલે આપણે જે સ્ક્રીન પર કામ કરી રહ્યા હોઈએ એ મુજબ ટેક્સ્ટ એને અનુસાર ગોઠવાશે. ફાઇલને પીડીએફમાં ફેરવવી હોય ત્યારે ફરી પેજ અનુસારનું ફોર્મેટ પસંદ કરી શકાશે.

ઇવેન્ટ દરમિયાન ગૂગલે પ્રોજેક્ટ સ્ટારલાઇન નામે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી.

આ પ્રોજેક્ટમાં, હાઇ-રેઝોલ્યુશન કેમેરા અને ડેપ્થ સેન્સર્સની મદદથી કોઈ વ્યક્તિનું ૩ડી મોડેલ તૈયાર કરી શકાશે. એ રીતે દુનિયાના બીજા કોઈ ખૂણે હોય તો પણ, આપણી બાજુમાં હાજરાહજૂર બેઠી હોય અને આપણે તેની સાથે વાતચીત કરી રહ્યા હોઈએ એવો અનુભવ મળી શકશે. માઇક્રોસોફ્ટની હોલોલેન્સ ટેકનોલોજી કંઈક અંશે આ પ્રકારની જ છે.

ફોટોઝ એપમાં આવાં ઓટોમેટિક એનિમેશન બનશે

ગૂગલ ફોટોઝમાં એક નવું ફીચર આવી રહ્યું છે. તેમાં નજીક નજીકના સમયે લેવામાં આવેલા બે ફોટોગ્રાફને એકમેક સાથે સાંકળી, તેની વચ્ચેની મોમેન્ટ્સ ઓટોમેટિકલી ક્રિએટ કરીને મજાનાં એનિમેશન તૈયાર કરવમાં આવશે.

‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે ગૂગલની ‘ફાઇલ્સ’ એપમાં સેફ ફોલ્ડરની સગવડ મળે છે, જેને પાસવર્ડપ્રોટેક્શન આપીને આપણે મહત્ત્વની ફાઇલ્સ સિક્યોર રાખી શકીએ છીએ.

આ રીતે ગૂગલ ફોટોઝમાં પણ હવે પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોલ્ડર ઉમેરાશે. આ ફોલ્ડરમાંના ફોટોઝ, એપના સામાન્ય સ્ક્રોલિંગ વખતે દેખાશે નહીં.

તમે ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસનો લાભ લેતા હો તો જાણતા હશો કે આપણે તેમાં વિવિધ સર્વિસના પાસવર્ડ સેવ કરી શકીએ છીએ. તેમ, કોઈ નવી વેબ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવતી વખતે પાસવર્ડ મેનેજર આપણને ‘અઘરો’ પાસવર્ડ સૂચવે પણ છે. હવે આ સર્વિસ એક ડગલું આગળ વધી રહી છે. હવે આપણે વિવિધ સર્વિસના પાસવર્ડ, ગૂગલ પાસવર્ડ મેનેજરમાંથી જ બદલી શકીશું. એ માટે આપણે જે તે સર્વિસમાં જવાની જરૂર રહેશે નહીં.

હવે ટૂંક સમયમાં આપણે પોતાની કારને, પોતાના એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી અનલોક કરી શકીશું. જોકે એ માટે આપણી પાસે ગૂગલ પિક્સેલ અથવા સેમસંગનો હાઇએન્ડ ગેલેક્સી ફોન હોવો જરૂરી છે. એ ઉપરાંત, આપણી કાર બીએમડબલ્યુ હોવી જોઈએ, કેમ કે અત્યારે માત્ર આ એક કંપનીની કાર જ એન્ડ્રોઇડની ડિજિટલ કાર કીને સપોર્ટ કરવાની છે.

અત્યારે નાની મોટી દરેક બીમારીમાં આપણને સૌને ડો. ગૂગલનું કન્સલ્ટેશન કરવાની ટેવ પડી ગઈ છે. એ ધ્યાનમાં રાખીને, ગૂગલ તેના સર્ચ રિઝલ્ટમાં આપણને વિવિધ બીમારી માટે બને તેટલી આધારભૂત માહિતી ઝડપથી મળે એવા પ્રયાસ કરે છે. હવે એ એક ડગલું આગળ વધી છે. નજીકના ભવિષ્યમાં, હાથ-પગમાં ક્યાંક વધુ ખંજવાળ આવતી હોય તો આપણે સ્માર્ટફોનથી એ ભાગનો ફોટોગ્રાફ લેશું, તો ગૂગલ આપણને આપણી સ્કીન કંડિશન વિશે વધુ માહિતી આપશે!

ગૂગલમાં આપણી પોતાની ત્વચાની તપાસ શક્ય બનશે

આપણા ફોનમાં હોમ બટન જરા લાંબો સમય પ્રેસ કરતાં ગૂગલ આસિસ્ટન્ટ સર્વિસ એક્ટિવેટ થાય છે એ તમે જાણતા હશો. આ વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ સાથે આપણે લાંબી વાતચીત કરી શકીએ છીએ અને તે ખાસ્સી સ્માર્ટનેસ સાથે આપણને વળતા જવાબો આપે છે.

આ વર્ષની ઇવેન્ટ દરમિયાન, ગૂગલે આ જ દિશામાંના ‘લેમડા’ નામે એક નવા રિસર્ચ પ્રોજેક્ટમાં કેટલી પ્રગતિ થઈ છે તેના ડેમો આપ્યા. લેમડાનું આખું નામ છે લેંગ્વેજ મોડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ.

ગૂગલની આ નવી સિસ્ટમ સાથે આપણે કોઈ પણ વિષયની ચર્ચા કરી શકીએ છીએ.

ગૂગલે આપેલા ડેમો અનુસાર પહેલાં, આ સિસ્ટમ સાથે પ્લુટો ગ્રહ વિશે વાતચીત કરવામાં અને પછી તરત જ કાગળનાં એરોપ્લેન કેવી રીતે બનાવી શકાય એ વિશે ચર્ચા કરવામાં આવી. સિસ્ટમે કોઈ પૂર્વતૈયારી વિના આ વિષય અંગે પણ રસપ્રદ રીતે ચર્ચા આગળ ચલાવી!

દુનિયાભરના લાખો-કરોડો લોકો એક જ સમયે એક સાથે, દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી બીજી વ્યક્તિઓ સાથે ઓનલાઇન મીટિંગ કરી શકીએ છીએ કે તેની સાથે એક ફાઇલ પર કામ કરી શકે છે, એ કેવી રીતે શક્ય બને છે? કારણ એ છે કે ટેક્નોલોજી કંપનીનાં વિરાટ ડેટા સેન્ટર્સમાંના સર્વર્સ આપણી કલ્પના બહારના પ્રોસેસિંગ પાવર સાથે આપણા સૌની ડેટા રિક્વેસ્ટ આંખના પલકારામાં પૂરી કરી શકે છે.

આ ઇવેન્ટ દરમિયાન, ગૂગલે જાહેર કર્યું કે કંપનીએ તેનાં વિરાટ ડેટા સેન્ટર્સમાં ડેટાના પ્રોસેસિંગ માટે માટે અત્યંત શક્તિશાળી ટેન્સર પ્રોસેસિંગ યૂનિટ્સ (ટીપીયુ વી૪) વિક્સાવ્યાં છે. આ હાર્ડવેર તેના અગાઉના વર્ઝન કરતાં બમણાં શક્તિશાળી છે.

આવાં એકથી વધુ ટીપીયુ એકમેક સાથે જોડીને ‘પોડ’ તરીકે ઓળખાતાં સુપરકમ્પૂટર્સ બનાવવામાં આવે છે. પોતાના પ્રેઝન્ટેશનમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે આવું એક પોડ, એકમેક સાથે જોડેલાં ૧ કરોડ લેપટોપ જેટલો કમ્પાઇડ કમ્પ્યૂટિંગ પાવર ધરાવે છે!

આ વર્ષના અંત સુધીમાં ગૂગલનાં ડેટા સેન્ટર્સમાં આવાં ડઝનબંધ પોડ્સ કાર્યરત થઈ જશે અને ગૂગલના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા બિઝનેસીસને તેનો લાભ મળવા લાગશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!