તમે એમેઝોન એલેક્સાનો ઉપયોગ કરતા હો તો તેના પર હવે અમિતાભ બચ્ચન સાથે વાત કરી શકો છો. જોકે આમ કહેવું અર્ધસત્ય છે. હકીકત એ છે કે આપણે માત્ર અમિતાભના અવાજ સાથે વાત કરી શકીશું – બંનેમાં ફેર છે! અલબત્ત આ સર્વિસ મફત નથી, એલેક્સા પર અમિતજીનો અવાજ સાંભળવા માટે આપણે એક વર્ષ માટે રૂા.૧૪૯નો ખર્ચ કરવો પડશે. અત્યાર સુધી આપણે ‘‘એલેક્સા’’ કહીને આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટને એક્ટિવેટ કરી શકીએ છીએ અને પછી તેની સાથે વોઇસ કમાન્ડથી જાત ભાતના કામ કરાવી શકીએ છીએ.

હવે ‘‘એલેક્સા, ઇન્ટ્રોડ્યુસ મી ટુ અમિતાભ બચ્ચન’’ કહીને આ નવી સર્વિસ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી શકીશું. તમારા એલેક્સા ડિવાઇસમાં બચ્ચનજી એક્ટિવ થઈ જાય એ પછી તમે જ્યારે ઇચ્છો ત્યારે ‘‘અમિતજી…’’ કહીને એલેક્સા સાથે વાતચીત શરૂ કરી શકશો. એમેઝોન કંપનીએ અમિતાભ બચ્ચનના ફેન્સ માટે તેમને સંબંધિત ઘણું કન્ટેન્ટ પણ એલેક્સા સર્વિસમાં ઉમેર્યું છે. અમિતજી સાથે આપણે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં વાત કરી શકીશું (વિશ્વમાં પહેલી જ વાર, આ રીતે કોઈ સેલિબ્રિટી વોઇસનો એક સાથે બે ભાષામાં ઉપયોગ થઈ રહ્યો છે).
એથી ‘‘અમિતજી, કભીકભી કા ગાના સુનાઇએ’’ અથવા ‘‘અમિતજી, આપ કે પિતાજી કી મધુશાલા સે કુછ સુનાઇએ’’ એવું કહેતાં અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં આપણી ફરમાઇશ પૂરી થશે. એ સિવાય અમિતજીના જીવનની અજાણી વાતો, ‘યારાના’ કે ‘નમકહલાલ’ જેવી ફિલ્મનાં લોકપ્રિય ટંગટ્વીસ્ટર્સ, પ્રેરણાદાયી વાતો વગેરે પણ અમિતાભના અવાજમાં સાંભળી શકાશે. ઉપરાંત મ્યુઝિક સાંભળવા, એલાર્મ સેટ કરવા કે વેધર અપડેટ્સ મેળવતી વખતે અમિતજીના અવાજનો આનંદ મેળવી શકાશે, પરંતુ શોપિંગ, જનરલ ઇન્ફર્મેશન, સ્માર્ટહોમ કન્ટ્રોલ વગેરે બાબતો માટે એલેક્સા સાથે જ વાત કરવી પડશે. અને હા, સરપ્રાઇઝનો આનંદ લેવો હોય તો આવું કહી જુઓ, ‘‘અમિતજી, ઇટ્સ માય બર્થ ડે’’ અથવા આવું પૂછી જુઓ ‘‘અમિતજી, વોટ કેન યુ ડુ?’’ અને જુઓ કે અમિતજી શું પ્રતિસાદ આપે છે!
